પાંચ વરસની જીવલી હસે અને તેના અંગઅંગમાં જાણે જિંદગી ઉમટી પડે. ચહેરા પર સતત ફરકતું નરવું હાસ્ય એ જ જીવલીની સાચી ઓળખાણ... વાતવાતમાં કે વગર વાતે પણ એને હસતા વાર ન લાગે. લંબગોળ ચહેરો, ઘઉંવર્ણો વાન, જલદીથી ભૂલી ન શકાય તેવી મોટી મોટી પાણીદાર આંખોમાં વીજળી સેલારા મારતી હોય, તેલ વિના રૂક્ષ બની ગયેલા ભૂખરા, જીંથરા જેવા વાળને હાથથી ઉંચા કરવા મથી રહેતી જીવલી કયારે કયાં રખડતી હોય એનું કોઇ ઠેકાણું નહીં.
અહીં આ વગડા જેવા અંતરિયાળ વિસ્તારમાં આસપાસમાં ખાસ કોઇ વસ્તી નથી. જીવલીની મા અને બાપુ સવારથી કામે જાય તે છેક સાંજ પડે પાછા ફરે. ઘરમાં વૃદ્ધ દાદીમા અને એક વરસનો ભાઇલો છે... ભાઇલો દાદીમાને હવાલે છે. જીવલી તો પૂરી મનમોજી... પોતાની મસ્તીમાં મશગૂલ... મન થાય ત્યારે એ પણ ભાઇલાને તેડીને ફરતી... ગાતી રહે. બાકી એને તો રખડપટ્ટીમાંથી નવરાશ જ કયાં મળે છે?
એને તો સાદ સંભળાતા રહે છે આસપાસ ઉગેલા જંગલના ઝાડવાના. અને એ નીકળી પડે છે. ઝાડ ઉપરના રહેવાસીઓ જીવલીને જોઇને કિલકિલાટ કરી મૂકે છે. સામેની નાની તળાવડીના કમળફૂલો જીવલીને જોઇને ખીલી ઉઠે... એના ઉપર પાણીના બે-ચાર છાંટા ઉડાડતી જીવલી એને હળવેથી પસવારી રહે. જીવલીની બાજનજર ચારેબાજુ આંટા મારતી રહે. બોર, બદામ, આંબલીના કાતરા, વડના ટેટા, ગુલમહોરના ખટમીઠા લાલચટાક પાન... કશું એની નજરમાંથી છટકી ન શકે. બેફિકરાઇથી તોડતી જાય... વીણતી જાય... મોજથી ગાતી જાય અને ખાતી જાય... એકલી એકલી ટેસડા કરતી જાય... જોકે આમ કંઇ એ એકલી નથી હોતી... એના ભાઇબંધ દોસ્તારોનો તોટો નથી. મ્યાઉં મ્યાઉં કરતી કાબરચીતરી બિલાડી કે નાનકડું કાળિયું ગલૂડિયું તો એના પાક્કા ભાઇબંધો... કયારેક કયાંકથી આવી ચડતું એકાદ સસલું પણ એમની દોસ્તીમાં સામેલ થાય. આમતેમ ભાગમભાગ કરતી ખિસકોલીની પાછળ દોડવાની તો કેવી મજા પડી જાય... કોયલના ટહુકા સામે એના ચાળા પાડતી જીવલી પણ એવી જ ટહુકી રહે. બાજુના નાનકડા તળાવના છિછરા પાણીમાં મન થાય ત્યારે એને કાંઠે બેસીને નાહી લેવાનું કે છબછબિયા કરી લેવાના.
દુ:ખ એટલે શું એની જીવલીને ખબર નથી. ઉદાસ કેમ રહેવાય એની જીવલીને જાણ નથી. જીવલી એટલે વગડાઉ પંખી...
રખડીને થાકે કે ભૂખ લાગે એટલે દોડતી ઘેર આવે. દાદીમાએ રોટલો ને શાક ઢાંકી જ રાખ્યા હોય... એમાંથી અડધો પોતે ખાય અને બાકીના અડધામાં પેલા કાળિયા ગલુડિયા કે કાબરચીતરી બિલાડીનો ભાગ હોય. જમીને ઝટપટ પાછી દોડે. સામેના વગડામાં જતાં એને કોઇની બીક ન લાગે. બોરડી પરથી કાંટાની પરવા કર્યા વગર લાલ ચણોઠી જેવડા બોર તોડતા તો એ થાકે જ નહીં. બોર તોડતા આંગળીમાં કાંટો વાગે તો ફટાક કરતી આંગળી મોંમાં નાંખી ચપ દઇને ચૂસી લેવાની... ઘેર પાછાં ફરતી વખતે થોડા સાઠીકડાં... ડાળાડાંખળા વીણતા આવવાનું... ચૂલો પેટાવવા માટે.
થાકે એટલે ઘેર આવીને ફૂટેલતૂટેલ ખાટલીમાં મોજથી લંબાવી દેવાનું. રાત પડે ભાઇલો માના પડખામાં ને જીવલી દાદીમાના પડખામાં ઘલાઇ જાય. દાદીમા પરીની, રાક્ષસની કે રાજાની એકાદી વાર્તા કરે ત્યાં તો આખા દિવસની રઝળપાટથી થાકેલી જીવલીની પાંપણો ચપ કરતી બિડાઇ જાય અને પછી બંધ પાંપણે પરીઓ ડોકિયા કરી રહે. રાત તો પરીઓના શમણાંમાં ચપટી વગાડતા પૂરી થઇ જાય.
ધૂન ચડે તો એકલી બેઠી બેઠી પાંચીકા રમ્યા કરે... એના પાંચીકા આભને આંબે એવા ઉંચા જાય. એની તાકાત છે કે જીવલીના હાથમાંથી છટકીને નીચે પડે? જીવલીએ પાંચીકાને ઘસી ઘસીને લીસ્સા મજાના બનાવ્યા છે. એના પાંચીકા કંઇ નિર્જીવ પથરા નથી. જીવલીના હાથમાં આવે એટલે એ જીવતા બનીને હોંકારા પૂરતા રહે. જીવલી એની સાથે કેટકેટલી વાતો કરી શકે.
આજે પણ બહાર બેસીને જીવલી પાંચીકા સાથે રમવામાં પરોવાઇ હતી. એક પાંચીકો ઉંચે... ખૂબ ઉંચે ઉછળ્યો અને...
જીવલીની નજર ક્ષણાર્ધ માટે ચૂકાઇ. પાંચીકો હાથમાં ઝિલાવાને બદલે નીચે પડયો. અને... અને પાંચીકા પર બેસીને કોઇ પરી આકાશમાંથી ઉતરી આવી. નીચે પડેલો પાંચીકો ઉઠાવવાનું ભૂલી જઇને જીવલી સામે ઉભેલી પરી તરફ ટગર ટગર જોઇ રહી. બે હાથેથી આંખો જોશથી મસળી પછી આંખો ચપોચપ ભીડી દીધી. હાશ! હવે ખોટું ખોટું કંઇ નહીં દેખાય. બે - પાંચ પળ પછી હળવેથી આંખ ખોલી. પણ આ શું? પરી તો હાજરાહજૂર... અને હવે તો તેની સામે જોઇને એ ધીમું ધીમું હસતી પણ હતી.
ગોરી ગોરી... દૂધ જેવી... ચળકતા... સોનેરી રંગના વાંકડિયા વાળ... ભૂરી ભૂરી આંખો, પગમાં ચમચમાતા બૂટમોજાં, હાથમાં મોટું ધોળું ધોળું સસલું કે રમકડું? અને આછા ગુલાબી રંગનું ફ્રોક તો કેવું લીસું લીસું... ચળકતું... કાંડામાં એ જ રંગની ઘડિયાળ પહેરીને પોતાના જેવડી જ દેખાતી કોઇ છોકરી... ના... ના... સાચેસાચી કોઇ પરી જ મલકતી ઉભી હતી. જીવલી ઘડીકમાં તેના ફ્રોક સામે, તેના સોનેરી વાળ સામે, ઘડીકમાં તેની ઘડિયાળ સામે, તેના પગના બૂટ સામે... કયાં કયાં જોવું તે સમજાતું નહોતું.
એકાએક જીવલીની નજર પરીના ચળકતા ફ્રોક સામેથી હટીને પોતાના ફ્રોક પર પડી. સાવ મેલુંઘેલું... બે-ચાર કાણાવાળું... ચહેરા પર ફરકતી ભૂખરી લટને ઉંચી કરી તેણે વાળ સરખા કરવાની કોશિશ કરી... પણ તેલ વિના રુક્ષ બની ગયેલા વાળ જીવલીનું માને તેમ નહોતા. જીવલીને અચાનક મા ઉપર ગુસ્સો આવ્યો... મા રોજ વાળ ઓળી દેતી હોય તો..? પોતાને રોજ સરસ તૈયાર કરી દેતી હોય તો..? જોકે પોતાને જ વાળ ઓળાવવાનો કંટાળો હતો... પોતે જ મા પાસેથી છટકીને ભાગી જતી... એ વાત અત્યારે તે સાવ ભૂલી ગઇ.
જીવલીની આંખો ફરીથી પરી પર સ્થિર બની. એક વાર પરીને અડકીને જોવાનું મન થઇ આવ્યું... પણ ના... પરી કદાચ મેલી થઇ જાય... ડાઘ પડી જાય તો?
પોતાની ઓરડીની બરાબર સામે આવેલા આ બંગલોમાં કયારેક કોઇ માણસો આવતા... થોડોક સમય રોકાતા. કોઇ થોડા દિવસો, કોઇ એકાદ-બે મહિના રોકાતું, પણ એ તો બધા સાહેબ લોકો... કોઇ છોકરીને... પરીને તો પહેલી વાર જોઇ. પરી પણ જીવલી સામે જ જોઇ રહી હતી. બંને લગભગ સરખી જ વયની લાગતી હતી. ગોરી ગોરી પરીએ જીવલી સામે જોઇ સ્મિત ફરકાવ્યું. ને પોતાનો હાથ લંબાવ્યો...
‘હાય... આઇ એમ જેના... એન્ડ યુ?’
જીવલી કંઇ સમજી નહીં... આ તો મોટા સાહેબો બોલતા હોય છે એવી જ ભાષા બોલે છે. સાહેબોને એકબીજા સાથે આમ હાથ લંબાવીને મિલાવતા તેણે દૂરથી જોયા છે. પણ આવા મજાના હાથને પોતાનો મેલો હાથ કેમ અડાડાય? તેણે ઘસીને હાથ ફ્રોકમાં લૂછયો. હાથ વધારે ગંદો થયો કે ચોખ્ખો થયો એની સમજ ન પડી. ડરતાં ડરતાં તેણે એ ગોરા હાથને અછડતો સ્પર્શ કર્યો. છોકરીએ તેનો હાથ ધીમેથી દબાવ્યો. અને ફરી પૂછયું...
‘આઇ એમ જેના... યોર નેમ?’
જીવલીને ન જાણે કેમ પણ સમજ પડી ગઇ કે એનું નામ જેના છે અને હવે તે પોતાનું નામ પૂછે છે. તેણે કહ્યું... જીવલી...
જીવી તો કેમે ય ન સાંભર્યું.
જી... વા... લી... જેના એક - એક અક્ષર છૂટો પાડીને બોલવાની પ્રેક્ટિસ કરી રહી.
જી... વા... લી...
બે - પાંચ મિનિટમાં તો જેના... અને જીવાલી... એકમેકની ભાષા ન જાણનારી બંને છોકરીઓ ખડખડાટ હસતી હતી. ન જાણે કઇ વાત પર... કે કદાચ કોઇ વાત વગર જ...
જીવલીએ પોતાના ફ્રોકના ખિસ્સામાંથી હમણાં જ તાજા વીણી લાવેલા આંબલીના બે કાતરા કાઢયા... એક જેનાના હાથમાં મૂકયો. જેના તેની સામે જોઇ રહી. એનું શું કરવું એ સમજાયું નહીં... તેને સમજાવવા જીવલીએ પોતે મોઢામાં મૂકયો... જેનાએ તેનું અનુકરણ કર્યું.
પહેલા તો સ્વાદ વિચિત્ર લાગ્યો. પણ પછી હોંશે હોંશે ખાવા લાગી... જીવલી સામે જોતી જાય અને ખાતી જાય.
ત્યાં સામેથી જેનાના ડેડીની બૂમ આવી..
‘જેના વ્હેર આર યુ? લંચ ઇઝ રેડી... કમ ઓન... આઇ એમ ગેટીંગ લેઇટ...’
‘યેસ ડેડી, કમીંગ...’ કહેતી જેનાએ જીવલીને બાય કર્યું.
અને તે બંગલીમાં દોડી ગઇ. જીવલીને તેની પાછળ અંદર જવાનું મન તો બહું થયું, પણ એવી હિંમત ન ચાલી. બે - પાંચ મિનિટ એમ જ ઉભી રહી. પછી ધીમે પગલે ઘરમાં ગઇ. દાદીમા એનું ખાવાનું ઢાંકીને ભાઇને ઘોડિયામાં હીંચકાવતા હતા. (ક્રમશઃ)