નવલિકાઃ પ્રેમની સગાઇ

વિનોદિની નીલકંઠ Tuesday 23rd November 2021 05:16 EST
 
 

તું ઓશરીમાં બેસીને વરસાદમાં પલળીશ તો છોકરી વહેલી જડવાની છે? તને તારી ઓરમાન છોકરી ઘણી વહાલી હશે તો અમને પણ અમારી છોકરી થોડીઘણી તો ગમતી હશે ને?’’ સાસુએ ખડકીમાં મૂકેલી મોટી ખાટ ઉપર પડયાં પડયાં ઓટલે બેઠેલી જશોદાને કહી સંભળાવ્યું. તરત જ ડોશીની વાત ને ટેવ મુજબ ટેકો આપતાં કુંવારી નણંદ રંભાએ એ જ સૂર પકડીને સંભાષણ આગળ ચલાવ્યું: ‘‘તમે ગમેતેમ પણ એની સાવકી મા કહેવાય. મારી તો તે સગી ભત્રીજી થાય, હોં કે ભાભી! આ તો ‘માને નહિ એટલે ધાવને લાગે’ એ કહેવત જેવું કરો છો.’’
પરણેલાં નણંદ સીતાબહેન હાલ પિયર આવેલાં હતાં, તેમણે સૌના દિલની વાત કહી નાખતાં કહ્યું: ‘‘પારુ તો ખોટા રૂપિયા જેવી છે. કોઇ તેને સંઘરશે નહિ - જેને હાથે ચઢશે તે જરૂર તેને પાછી ઘર સુધી મૂકી જશે. ભાભી, તમે શા માટે વલોપાત કરો છો? ક્યાં તમારા પેટની છોકરી છે તે?’’
ઘરમાં આવ્યા વગર છૂટકો નથી એમ સમજી જશોદા ઘરમાં પેઠી. તેની આંખોમાં આંસુ હતાં, પણ પોતે વરસાદની વાછટથી પલળી ગઇ છે, એમ બતાવી તેને વળગણી ઉપર સૂકાતા પોતાના સાલ્લાથી મોઢું લૂછી નાખ્યું. તે જ વખતે તેના સસરા આગલી મેડીએથી હળવે રહીને નીચે ઊતર્યાં. ઊતરતા વેંત તેમણે પૂછ્યું: ‘‘શું થયું? પોલીસમાં ખબર આપી કે નહિ?’’ ત્યારે રંભા બોલી ઊઠી: ‘‘બાપુજી, ભાઇ પોલીસમાં ગયા છે. આવી કમઅક્કલ, ખૂંધી અને કદરૂપી છોકરીને...’’
છોકરીનું આ વર્તન જશોદા માટે અસહ્ય બની ગયું. તેનાથી છૂટે મોઢે રોઇ પડાયું: ‘‘અરેરે! રોજ એક કેળું આપું, ત્યારે છોકરી જમવા બેસે. રોટલી-શાક તો તેને ભાવતાં પણ નથી. દાળભાતનો પહેલો કોળિયો હું મારે હાથે ભરાવું પછી એ જમે. મારી પારુ! પારુ!’’ લાગણી હાથમાં ન રહેતાં જશોદાએ ઠૂઠવો મૂક્યો.
સાસુએ ધમકાવી નાંખતા હુકમ છોડયો: ‘‘બસ થયું હવે, તમને પારુ બહુ વહાલી છે તે સૌએ જાણ્યું. પણ તે મરી તો નથી ગઇ ને? આમ તેના નામની પોક મૂકીને રોતાં જરા શરમાવ.’’ લાગણીના અતિરેકમાં તણાઇ ગયેલ જશોદા જરા શરમાઇ ગઇ. તેણે મૂંગે મોઢે ઘરનું કામ કરવા માંડયું, પણ કશામાં ચિત્ત ચોંટે નહિ, અને મા વિહોણી, ઓછી સમજણની બિચારી કુબ્જ પારુની આકૃતિ તેની નજર સમક્ષ ખડી થયા કરે, અને કરુણાથી તેનું હૈયું ભરાઇ આવે, અને વળી આંખમાંથી આંસુની ધાર વહેવા માંડે.
પોતે પરણીને આવી, ત્યારે પારુ નાની સરખી હતી. પણ પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત તેણે સાવ સાચી પાડી હતી. પારુ સામી નજર માંડતાં, ઊંધી પડતાં કે માથું અધ્ધર રાખતાં પણ બહુ મોડું શીખી. મા વગરની આ છોકરી ન જીવે તો શું ખોટું? એમ ઘરમાં સૌના મનમાં હતું. પારુ સૌથી પહેલી વાર હસી હોય તો તે જશોદાના સામે જોઇને. જ્યારે મોડી મોડી પણ તે બોલતાં શીખી ત્યારે જશોદાને ‘ભાભુ’ને નામે બોલાવતાં તે શીખી હતી. ઘરમાં રંભા વગેરે જશોદાને ભાભી કહેતાં, એટલે પારુએ આ નવું નામ શોધી લીધું હતું.
પારુના જન્મ વખતે તેની જનેતા મૃત્યુ પામી હતી. જ્યારે તે બે જીવની હતી ત્યારે બહુ માંદી રહ્યા કરતી. ઘરમાં સાસુ વાઘણ જેવી અને નણંદો વીંછણો જેવી હતી, તેથી બિચારી તે સ્ત્રીને કોઇએ સુખે બેસવા દીધેલી નહિ. ભયંકર જાનવરથી ભરચક વનમાં તે રહેતી હોય, એમ તેને સતત ભાસતું. આખા દિવસમાં અત્યંત થાકેલા અંગો જ્યારે પથારીમાં પડે ત્યારે મધરાત થઇ ગયેલી હોય.
અને સવારે વહેલું ન ઉઠાય, રખેને મોડું થઇ જાય તેની બીકથી તે રાત્રે પણ જંપીને ઊંઘી શકતી નહિ. સત્ત્વહીન અને ઓછો ખોરાક, હંમેશની અધૂરી ઊંઘ, કાયમની ઘોંચપરોણ તથા રોકટોકથી નબળા બાંધાની અને નાની વયની તે બાપડી સતત ધડક-ધ્રુજારો અનુભવતી સગર્ભાવસ્થામાં પણ તેના શરીરને ન તો પૂરતું પોષણ મળ્યું કે ન પૂરતો આરામ અને ઉંઘ મળ્યાં. તેના સસરા પોતાને ભારે હસમુખા સ્વભાવના માનતા. પોતાની ઉચ્ચ કક્ષાની હાસ્યરસવૃત્તિ માટે તે બહુ મગરૂર હતા. જ્યારે પૂત્રવધૂને થાકેલી કે ઊંઘરેટી દેખે ત્યારે તે કહેતા: ‘‘નહેરુએ શું કહ્યું છે? આરામ હરામ હૈ!’’
મોટી પાટ ઉપર પડછંદ દેહધારી સાસુ તેમાં તરત ટાપસી પુરાવીને બોલી ઊઠતાં: ‘‘ખરી વાત છે. કામ કરો કામ! જાત-મહેનત ઝિંદાબાદ!’’ કપડાંની થેલી ઉપર કદરૂપી છાપ ને ચિત્રવિચિત્ર રંગના દોરાથી ભરત ભરીને વધુ કદરૂપી બનાવી રહેલી નણંદ રંભા ઘરકામમાં નહિવત્ મદદ કરતી, પણ જીભ હલાવવામાં તે બહુ શૂરી હતી. તે પણ પોતાનાં મા-બાપે ઉચ્ચારેલાં સૂત્રોને ટેકો આપતાં કદીક જરા લહેંકોલટકો કરીને ગીત ઉપાડતી: ‘‘ઘરનો રૂડો ધંધો કરતાં, શા માટે શરમાવું..?’’ અથવા તો ભોજાઇને સંબોધીને કહેતી: ‘‘ભાભી, કહેનારા અમથા નથી કહી ગયા કે કામ કર્યું તેણે કામણ કર્યું.’’ પોતે ક્યારે આરામ લેતી હતી? ક્યારે જાતમહેનત નહોતી કરતી? ત્યારે કામ કરતાં શરમાતી હતી? ને છતાં કામણ કર્યા જેવી અસર પણ કોઇની ઉપર કેમ નહોતી થઇ એવો વિચાર તેના મનમાં ઊપજીને ત્યાં જ શમી જતો. સમુદ્ર જેવી તે શાણી અને ગંભીર હતી. સાગરનાં મોજાં ગમેતેટલાં ઊછળે પણ પાછાં અંદર જ શમી જાય છે.
છેવટે તેની સહનશીલતાની હદ આવી ગઇ. ભરજુવાનવયે, પહેલી સુવાવડરૂપી કસોટીમાં તે હારી ગઇ, શરીર અને મન બંનેમાં તે ભાંગી પડેલી હતી. પારુના જન્મ પછી ચોથે દિવસે તેને તાવ આવ્યો. તેમાંથી તાણ આવી અને અગિયારમે દિવસે પારુને નમાઇ મૂકીને તેના મન અને શરીરે સદાને માટે આરામ લઇ લીધો.
તેના મૃત્યુ પછી જશોદાએ ઘરમાં પ્રવેશ કર્યો. ઘણી વાર પ્રથમ સ્ત્રીને ઘણાં દુ:ખ દેનારા સાસુ, નણંદ અને પતિ પણ બીજી સ્ત્રીથી ડરતાં રહે છે અને તેને સારી રીતે રાખે છે, તેથી તો નાની કન્યાઓ ગોરમાનું વ્રત કરે છે ત્યારે ગીતમાં ગાય છે કે, માડી મને પંથવર ના જોતી... જો પંથ વરની પરણી મહા દુ:ખ પામશે, બીજ વર તો લાડ લડાવે ઘાટ ઘડાવે - ખોબલે નાણાં આપે જો..!
જશોદાને વર તરફથી દુ:ખ ન હતું અને મંદ બુદ્ધિની અપંગ પારુ તેને પ્રેમથી તરબોળ રાખતી. બાકી સાસુ અને નણંદો તો જશોદાના શબ્દોમાં કહીએ તો ‘‘પરભવે પણ સ્વભાવ સુધરે તો નવાઇ!’’ પારુ બહુ નાની હતી, ત્યારે તેના કાકા તેને ઉછાળવાની રમત રમતા હતા. એક વાર હાથમાં પડવાને બદલે તે જમીન પર પછડાઇ હતી.
તેને લઇને તેને વાંસે ખૂંધ નીકળી! તેને લીધે તે કમ-અક્કલ રહી ગઇ કે પછી એકાદ વર્ષની પણ માંડ હતી ત્યારે તેને થોડો તાવ આવ્યો, તેમાંથી તાણ આવેલી તેની અસર તેના મગજ તથા અંગો ઉપર થઇ હોય! આવી ચર્ચા જશોદા કદીક પતિની સાથે એકાન્તે કરતી પણ પતિને તે ખંધી છોકરીમાં રસ ઓછો જ હતો. ઘણી વાર એ તેને હસવામાં મંથરા દાસી કહીને બોલાવતો ત્યારે જશોદાને બહુ ખોટું લાગતું. તે બોલી ઊઠતી: ‘‘અરેરે! તમે બાપ થઇને મારી છોકરીને આમ કહેશો તો પછી પારકા શું નહિ કહે?’’
એક દિવસ જશોદાનાં નણંદ સીતાબહેનને તેડવા સ્ટેશન ઉપર જવાનું હતું, ત્યારે દાદાજીની સાથે પારુ પણ ગઇ હતી. તેણે આગગાડી પહેલી જ વાર જોઇ અને તેના બાળમગજ ઉપર કંઇક અજબ છાપ પડી ગઇ. મંત્રમુગ્ધ બની તે સ્ટેશન ઉપર ઊભી ઊભી એન્જિન તથા ગાડીઓની અવરજવર જોઇ રહી હતી.
સીતાબહેનને લઇને ઘેર જવા વખતે દાદાજી શોધવા મંડયા તો પારુ જડે નહિ! ખૂબ શોધી ત્યારે સાઇડિંગમાં પડેલા એક ડબ્બામાંથી તે જડી. તે પછી વારંવાર તે છોકરીને આગગાડી વિશે પ્રશ્નો પૂછ્યા કરતી. ગાડીમાં બેસીને ગામ જવાય, મુંબઇ જવાય, ટિકિટના પૈસા આપવા પડે એવું થોડુંઘણું તે સમજી હતી. એક બે વાર જક કરીને છોકરીને સ્ટેશન ઉપર લઇ ગઇ હતી અને જતી આવતી ગાડીઓ જોવામાં તલ્લીન બની ગઇ હતી.
તે પછી એક દિવસ અચાનક પારુ ગુમ થઇ ગઇ. તેની ઉમ્મર ૧૩ વર્ષની થઇ હતી, પણ તે દેખાતી છ - સાત વર્ષ જેટલી. ખૂંધને લઇને શરીરની વધ અટકી પડેલી. બોલતાં જીભ જરા તોતડાતી અને દેખાવે જરાકે આકર્ષક નહિ. કોઇ છોકરાં ઉપાડનારી ટોળી તેને લઇને ભીખ મંગાવે એવી શક્યતા જશોદાના મનમાં ઉપજી.
સંસ્કૃતમાં કહેવત છે કે અતિ સ્નેહ ખલુ અનિષ્ટ શંકી. એ જશોદાની પારુ પ્રત્યેની ચિન્તા દ્વારા સાચું ઠર્યું હતું. પારુ ખોવાઇ ત્યારથી જશોદાના મનમાં બીજો વિચાર આવતો નહિ અને જે વિચાર આવે તે સર્વ અશુભ જ! આગગાડીના પાટા નીચે આવી ગઇ હોય? પોતાને છોકરાં ન થતાં હોય તો પારકાં છોકરાં ઉઠાવી જઇને તેલની કઢાઇમાં નાખ્યાના દાખલા સાંભરી આવતાં કંપી ઊઠતી અને પોતાનું શરીર દાઝી ગયું હોય એવી બળતરા તેને રોમરોમ જાગી ઊઠતી.
પારુને જ્યારથી આગગાડીનું ઘેલું લાગ્યું, ત્યારથી તેનું જીવ આગગાડીમય થઇ ગયું હતું. ઘરમાંથી જેટલા જોડા, બૂટ કે ચંપલ હાથ લાગે તેટલાં એકઠાં કરી આગલી ખડકીમાં એ તેની લાઇનબંધ આગગાડી બનાવી પોતે કદીક એન્જિન બની છુક્ છુક્ કરતી, તો કદીક વેલણ ઉપર હાથરૂમાલ બાંધી વાવટો બનાવી તે ગાર્ડ માસ્તર બનતી. આ રમત રમવા બદલ ખડકીની પાટ ઉપર લેટેલાં દાદીમાં તેને ધમકાવીને કહેતાં: ‘‘આવડી મોટી હેડંબા જેવડી થઇ ને હવે આમ હોડી કૂદે છે તે વરવી લાગે છે.’’
‘‘રમવા દોને બા, બિચારી અવતાર લઇને શું સુખ ભાળવાની છે જે?’’ જશોદા કદીક વચમાં પડતી. એ રીતે વચમાં પડીને પારુનો પક્ષ લેવા બદલ તેને હંમેશા ઠપકો ખાવો પડતો. સાસુ તાડૂકી ઊઠતાં: ‘‘જશોદા, આમ તું દરેક વખત મારી વાત કાપી નાખીને આ ખૂંધીનું તાણે છે, તેનો અંજામ સારો નહિ આવે હોં!’’ કદીક આ જોડા-ચંપલની આગગાડી બાબત જશોદા જ પારુને સમજાવવા મથતી: ‘‘તું હવે મોટી થઇ બેન, હવે સીતાફઇનો કિશોર આવી રમત રમે. તારી ઢીંગલી લઇને જતી રહે પાછલા ફળિયામાં, હમણાં દાદીમા દેવદર્શન કરીને આવશે તો તને માર્યા વગર નહિ મૂકે. બધાં ખાસડાં ઠેકાણે મૂકી દે - મારી બહેન નહિ?’’ પ્રેમથી વશ થઇ પારુ રમત સંકેલી લેતી.
પારુના ખોવાયા પછી, કોઇ દેખી ન જાય એ રીતે તેના ખાસડાંરૂપી રમકડાં ઉપર જશોદા નજર નાખી નિસાસા મૂકતી. પોલીસવાળાએ કહાવ્યું કે, ‘‘છોડીનો ફોટો આપો તો તપાસ કરી શકાય.’’ તે સાંભળી વળી જશોદાની આંખો સજળ બની. પતિએ કચવાઇને કહ્યું: ‘‘એમાં શું રોવા જેવું છે? તું ઘડી ઘડી રોઇને મને ઓશિયાળો ન બનાવ.’’ જશોદાએ પાલવથી આંખો લૂછી નાખી, પણ તેનો કંઠ હજી રૂંધાઇ રહ્યો હતો - તે બોલી: ‘‘કમભાગી એ દીકરીનો ફોટો જ વળી ક્યારે આપણે પડાવ્યો છે?
એક ફેરી રંભાબહેનના વરની શોધ કરતાં હતાં, ત્યારે સામા પક્ષથી ફોટાની માગણી આવી હતી. તમે રંભાબહેનને એક છબી પાડનારની દુકાને લઇ જતા હતા ત્યારે મેં કહેલું કે પારુની પણ એક છબી ખેંચાવીએ, ત્યારે રંભાબહેન કેવું ખરાબ બોલ્યાં હતાં? વારુ, હું તો કહું છું કે પોલીસની આશા છોડીને રેલવે ખાતામાં જ તપાસ ચલાવો. છોકરીનો પત્તો લાગવાનો હશે તો ત્યાંથી જ લાગશે... અરેરે.. નહિ નહિ કરતાં આજે તેને ખોવાયાને તેર દિવસ થઇ ગયાં!’’
જશોદાના કહ્યાથી, તેની વિનવણીથી પીગળીને તેના પતિએ છાપામાં જાહેરખબર આપી હતી, રેલવે ખાતામાં જાહેરખબર આપી હતી, રેલવે ખાતામાં પણ તેણે લખ્યું. એમ કરતાં પારુને ખોવાયાને સોળ દિવસ થઇ ગયા. સત્તરમે દિવસે સવારે ઊંઠતાંવેંત જશોદાએ પતિને કહેલું કે, ‘‘આજે તો મારી પારુનો પત્તો લાગવો જ જોઇએ. મારું મન સાક્ષી પૂરે છે.’’ અને થયું પણ એવું જ.
સીતાબહેનના જેઠાણી મુંબઇથી આવ્યાં હતાં, તેમણે કહ્યું: ‘‘તમારી પારુ જેવી જ એક છોકરી કાંદીવલી આગળ વીજળીની લોકલ ગાડીમાં બેઠેલી મેં જોઇ હતી.’’ બસ થઇ રહ્યું. જશોદાએ પારુના ગયા પછી દૂધ અને સાકર છોડી દીધા હતાં. હવે તેણે કહ્યું: ‘‘છોકરીને લઇને આવું પછી જ આ ઘરનું પાણી પીઉં.’’ તેના પતિને તો રજા મળે એમ ન હતું, એટલે ઘરડા સસરાને લઇને જવાનો જશોદાએ નિરધાર કરી દીધો. ત્યાં કદાચ ખર્ચ વધારે થઇ જાય, એની જોગવાઇ કરવા પોતાના પિયરનો એક સોનાનો અછોડો તે છૂપી રીતે ગીરો મૂકી આવી, અને રાત્રે સસરો અને વહુ મુંબઇ જવા ઊપડી ગયાં.
સવારે બોરીવલીને સ્ટેશને ઊતર્યાં. ત્યાં એટલી વહેલી સવારે તો ખાસ પત્તો આપે એવું કોઇ ન હતું. પણ જરા દિવસ ચઢતાં, રેલવેના એક ટિકિટ ચેકરે કહ્યું કે, ‘‘લોકલ ગાડીઓમાં તમે કહો છો એવી એક ખૂંધી છોકરી ફરે છે ખરી.’’ સસરાને લઇને તે આખો દિવસ જશોદાએ લોકલ ગાડીઓની ઝડતી લીધી. સસરાને સ્ટેશન ઉપર બેસાડી તે ગાડીઓ જોઇ વળતી. અસંખ્ય ગાડીઓ જોઇજોઇને સંધ્યાકાળે તો જશોદાની આંખે અંધારા આવી ગયાં; હવે પારુ મળશે એ વિચારથી તે પ્રફુલ્લિત હતી.
રાત્રે માટુંગામાં સંબંધીને ઘેર સૂઇ રહ્યા. સવારે સસરાને આરામ લેવાનું કહી જશોદા એકલી જ સ્ટેશન ઉપર પહોંચી ગઇ. તે દિવસ આખો તેણે દાદર, વાંદરા જેવા મોટાં સ્ટેશનો ઉપર ગાળ્યો. છેક સાંજે સાત વાગે દાદરને સ્ટેશને એક લોકલ ગાડીના ત્રીજા વર્ગની સ્ત્રીઓના ડબ્બામાંથી તીણી ચીસ સંભળાઇ: ‘‘ઓ ભાભુ!’’ ચાતકને પાણી મળ્યું! દુકાળિયાને અન્ન મળ્યું! પારુ જશોદાને વળગી પડી! ‘‘મને ઘરનો રસ્તો જડતો નથી, ભાભુ! અહીં કોઇ દાળભાત પણ નથી આપતું. સીંગ-ચણા ખાઇને કંટાળી ગઇ છું. મને ઘેર લઇ જા, ભાભુ!’’ એકશ્વાસે અર્ધું રોતા અને અર્ધુ હસતાં પારુ બોલી રહી હતી. ઘેર જઇ જશોદાએ પોતાના માટલાનું પાણી લોટો ભરીને પીધું અને ખીર બનાવીને સૌને ખવડાવીને - દૂધ-સાકરની બાધા પૂરી કરી. રાત્રે તે પોતાની મેડીએ ગઇ ત્યારે તેના પતિએ ટકોર કરતાં કહ્યું: ‘‘પારુ ઉપર જેટલી લાગણી છે, તેટલી તને મારી ઉપર તો નથી જ, સાચું કહેજે!’’ ત્યારે પતિનું મોઢું બંધ કરી દેતાં તે પ્રેમપૂર્વક બોલી: ‘‘તમારી છોકરી છે, માટે જ મને વહાલી છે ને, નહિ તો મારે ને એને ક્યાં લોહીની સગાઇ છે?’’ •


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter