(લેખિકાનો પરિચયઃ ટીના દોશી છેલ્લા ત્રણ દાયકાથી લેખન,પત્રકારત્વ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. તેઓ વેદથી મહાભારત સુધીના સમયની સ્ત્રીઓની સ્થિતિને આવરી લેતા ભારતીય મહિલા વિશ્વકોશ અને સર્વપ્રથમ નારીકથાનાં પ્રણેતા છે. તેમણે ૧૫ પુસ્તક લખ્યાં છે. મુંબઈની મીઠીબાઈ કોલેજનાં વિદ્યાર્થી રહેલાં ડો.દોશી મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં અનુસ્નાતક રહ્યાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજવિજ્ઞાન ભવનમાંથી ‘આદિવાસી આંદોલનો: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમનાં ‘ગૂર્જર ગરિમા’ને રેખાચિત્રો માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ‘પ્રાચીન કાળમાં સ્ત્રી’ને ગુજરાત સાહિત્ય અકાદમીના સંશોધનના પુરસ્કાર પ્રાપ્ત થયાં. તેમને ગુજરાત દૈનિક અખબાર સંઘ અને મહારાષ્ટ્ર સરકારનાં શ્રેષ્ઠ પત્રકારત્વ માટેનાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે.)
હું રિયા કાપડિયા. પ્રિય ડાયરી, તું તો જાણે જ છે ને કે સોફ્ટવેર એન્જિનિયર સમીર કાપડિયા સાથે મારાં લગ્ન થયાંને હજુ પાંચ જ મહિના થયાં. અમારું નાનું કુટુંબ સુખી કુટુંબ છે. સસરા શશીકાંતભાઈનો ધીરધારનો ધંધો છે. ભગવાનનું માણસ છે. કોઈ ખટપટ નહીં. એ ભલા ને એમનું કામ ભલું. સાસુ ભાવનાબહેન પણ લલિતા પવાર જેવાં જૂના જમાનાનાં ખાધેલ નહીં. પણ રીમા લાગુ જેવાં. હસમુખાં અને પ્રેમાળ. નણંદ મીરા. મારી હમઉમ્ર. નણંદ ઓછી ને સખી વધારે. અમે તો જોતજોતામાં એકમેક સાથે હળીમળી ગયાં. સાથે જ ઘરનું કામ કરીએ અને હરવાફરવા પણ જઈએ. અમે એકમેકની મશ્કરી પણ કરી લઈએ. ક્યારેક હું ટીખળ પણ કરું કે, બહેનબા અહીં પિયરમાં થોડા દિવસ મજા કરી લ્યો. પછી તો સાસરિયે સીધાવાનું જ છે. મીરા ક્યારેક આંખ બતાડે તો ક્યારેક શરમાઈને નાસી છૂટે.જોકે મને તો ક્યારેક એવું પણ લાગતું કે આ મીરાને ક્યાંક એનો શ્યામ મળી તો નથી ગયોને! એકાદબે વાર મેં એને પૂછવા પ્રયત્ન કર્યો ત્યારે એણે માધવની વાત કરી. એના મનનો માણીગર. મીરાનો માધવ! મેં નક્કી કરી લીધું કે મીરા અને માધવનો મેળાપ અને હસ્તમેળાપ કરાવીને જ રહીશ. આ સમીરને તો કાંઈ પડી જ નથી. પોતે પરણી ગયો એટલે જાણે બધું પતી ગયું. બહેનનો તો વિચાર જ નહીં કરવાનો.
સમીર સવારે નવેક વાગ્યે ચાનાસ્તો કરીને ઓફિસ જવા નીકળી જાય.સાંજે ઘરે આવીને જ જમે. સસરાજી દસેક વાગ્યે જમીને જતા રહે. ઘરમાં હું, મીરા અને સાસુજી.અમે ઘરનું નાનુંમોટું કામ પતાવી દઈએ. સાસુજી બપોરે આરામ કરવા જતાં રહે. અમે નણંદભાભી થોડીક વાર ગપ્પાં મારીએ. પછી મીરા પોતાનું કાંઈક કામ લઈને બેસી જાય. કાં તો કોમ્પ્યુટર પર,કાં મોબાઈલ પર.હું પણ મારો વાંચવાનો શોખ પૂરો કરું. કોઈક પુસ્તક લઈને બેસી જાઉં.મોટા ભાગે સસ્પેન્સ સ્ટોરી જ હોય. સાંજ પડતાં ફરી રસોડામાં જઈને કામે વળગી જઈએ. સમીર અને સસરાજી આવે એટલે જમી લઈએ. પછી સાથે થોડો સમય સાથે પસાર કરીને પોતપોતાના ખંડમાં જતાં રહીએ. ચાર બેડરૂમનો આલીશાન ટેરેસફ્લેટ છે અમારો. એટલે સૌને પોતપોતાની મોકળાશ મળી રહે છે.
આમ ને આમ સરળતાથી જિંદગી પસાર થઈ રહી હતી. બાકીની જિંદગી પણ આમ જ પસાર થઇ જાત, જો
એ રાત્રે....
વ્હાલી ડાયરી, તું જ મારી સાચી સાથી છે. એટલે લખી રહી છું... મારાં લગ્નને માંડ ત્રણ મહિના થયાં હતાં ત્યારની વાત છે.વાત એક રાતની.
એ રાત્રે મોડેથી પાણી પીવા હું ઊઠી અને મીરાના ખંડ પાસેથી પસાર થઈને રસોઈઘરમાં જઈ રહી હતી ત્યારે મને એના કમરામાંથી ડૂસકાં સંભળાયાં. મને થયું કે આ ક્યાંક મારો વહેમ તો નથીને. કે પછી ખરેખર મીરા રડે છે! મારાથી રહેવાયું નહીં એટલે હું સીધી જ એના ખંડમાં ધસી ગઈ. મીરા ખરેખર રડતી હતી. મેં કારણ પૂછ્યું એટલે મને વળગી પડી. વધુ જોરથી રડવા લાગી. મેં વારંવાર પૂછ્યું ત્યારે માંડ માંડ એટલું જ બોલી શકી કે, રિયાભાભી, હું બહુ બૂરી રીતે ફસાઈ ગઈ છું. માધવ મારા ફોટા અને વિડિયો વાઇરલ કરવાની ધમકી આપે છે. એક નંબરનો બદમાશ અને ગુંડો છે એ. ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી એણે. તમને ખબર છે મહિના પહેલાં પેલી માયાએ ગળે ટૂંપો દઈ જીવન ટૂંકાવી દીધું. એ માધવને જ કારણે. એણે પોતે જ કહ્યું મને. હું એને ઓળખી ન શકી. એણે કહ્યું છે કે, પંદર દિવસમાં પાંચ લાખ રૂપિયા આપી દે અન્યથા આ ફોટા સોશિયલ મીડિયામાં ફરતાં થઇ જશે. ભાભી, મારે પણ માયાની જેમ આપઘાત જ કરવો પડશે.
હવે આ તો બહુ મોટી ઉપાધિ હતી. સાચું કહું તો માધવને તો હું પણ ન ઓળખી શકી. સામેની સાત માળની બિલ્ડિંગમાં જ તો રહેતો હતો. મીરાની સાથે જ ભણ્યો હતો. કેવો ભલોભોળો દેખાતો હતો. અમારા ઘરે તો એની અવરજવર પણ હતી. મને તો હતું કે મીરા અને માધવના રંગેચંગે લગ્ન કરાવી દઈશ,પણ આ માધવ તો માટીનો નીકળ્યો. નામ માધવ અને કામ દાનવનું. મીરા નાદાન હતી પણ એની ભૂલ હતી જ. બીજા પર આંધળો વિશ્વાસ મૂકવાની સજા મળી હતી એને. મેં એને શાંત કરી. કોઈક ઉપાય નીકળી આવશે એમ કહી ધરપત આપી. આમ તો પોલીસમાં ફરિયાદ કરી શકાય, પણ સસરાજી કોઈ પણ ભોગે તૈયાર નહીં થાય એની મને ખબર હતી. આબરૂના ધજાગરા થાય, છોકરીની બદનામી થાય તો પછી એનો હાથ કોણ ઝાલે? અને સાસુજીને આવી ખબર પડે તો એમને તો હાર્ટ એટેક જ આવી જાય સમીરને કહું તો એ તો ગુસ્સાનો માર્યો શું નું શું કરી નાખે? માધવનું મર્ડર જ કરી નાખે. પછી જેલમાં અને...ના ના સમીરને ન જ કહેવાય..
મર્ડર! હં..હં.. મર્ડર જ કરવું પડશે માધવનું! સમીર નહીં, પણ હું જ મર્ડર કરીશ માધવનું! એ પણ કોઈને મારા પર શંકા ન જાય એ રીતે.. અરે, મીરા આ શું કરી નાંખ્યું!
ડાયરીજી, હું તો આ ઘરની વહુ છું. ગૃહલક્ષ્મી! લગ્ન કરીને આવી ત્યારે સાસુજીએ મને પોંખતાં કહેલું કે, હવે આ ઘરની આબરૂ અને માનમર્યાદા જાળવવાની તમારી જવાબદારી છે. તો હવે એ જવાબદારી નિભાવ્યે જ છૂટકો.મીરાને સાંત્વન આપ્યું અને કહ્યું કે માધવ પાસેથી એકાદ મહિનાની મહેતલ માંગી લે. એટલામાં હું કંઈક વિચારું છું. મીરાએ માથું ધુણાવ્યું અને મારી સામે આશાભરી નજરે જોઈ રહી. કેવી માસૂમ લાગતી હતી મીરા! મારે કંઇક કરવું જ રહ્યું. માધવનું મર્ડર કરવું જ રહ્યું.
અને ડાયરી, તને યાદ છે હું નાની હતી ત્યારે મને સ્વપ્ન આવતાં હતાં, એવાં સ્વપ્ન જે સાચાં પડતાં હતાં.
ક્યારેક મને ગણિતમાં કેટલા માર્ક આવશે તેવું સ્વપ્ન તો ક્યારેક મમ્મીની ખોવાયેલી વીંટી ક્યાંથી મળશે તેનું સ્વપ્ન. એક વાર તો પાડોશના રસિકકાકા લપસી જશે એવું સપનું પણ આવેલું અને એ સાચું પણ પડેલું. જોકે પછી ધીમે ધીમે એ સ્વપ્નો આવતાં બંધ થઇ ગયાં. પણ હવે ફરી સ્વપ્ન જોવાનો સમય આવી ગયો છે એવું મને લાગ્યું.
મારા મનમાં એક ચોક્કસ રૂપરેખા આકાર લેવા માંડી. સપનાના સથવારે માધવના મર્ડરની યોજના. બીજા જ દિવસથી મેં એકદમ સહજતાથી જાણે સબ્જીમાં નમક કે ખીરમાં ખાંડ ભેળવતા હોઈએ એવી સહજતા અને સ્વાભાવિકતાથી મારાં સ્વપ્ન સાચાં પડતાં હોવાની વાત કહી દીધી. સહુના ચહેરા પર આશ્ચર્યચિહ્નના ભાવ હતા. એમ કે! હજુ પણ સપનાં આવે છે કે એવા પ્રશ્નાર્થચિહ્ન સાથેના ભાવ પણ એમાં ભળેલા હતા.
બસ, આ જ ભાવ જોવા હતા મારે. હવે બે ત્રણ દિવસ પછી યોજના અમલમાં મૂકી શકાય તેમ છે!
માધવનું મર્ડર કરવા આ કરવું જરૂરી હતું!
અને ત્રણ દિવસ પછી સાસુજીનું મંગળસૂત્ર જડતું નહોતું એ તને યાદ છે, ડાયરી? હવે આ રહસ્ય પહેલી વાર હું કોઈકને કહી રહી છું, ડાયરી. તને તો ખબર જ છે ને કે સાસુજી નહાવા જાય ત્યારે મંગળસૂત્ર પલંગની બાજુના ડ્રેસિંગ ટેબલ પર મૂકીને પછી જ સ્નાનઘરમાં જતાં.એ દિવસે મેં સાસુજીનું મંગળસૂત્ર લઈને પલંગની નીચે નાખી દીધું. સાસુજી નાહીને બહાર નીકળ્યાં અને આખા ઘરમાં મંગળસૂત્ર શોધી વળ્યાં.પણ ક્યાંયથી મંગળસૂત્ર ન જડ્યું ત્યારે મેં ઠાવકાઈથી કહ્યું કે, મમ્મીજી, મને સ્વપ્ન આવેલું કે તમારું મંગળસૂત્ર પલંગની નીચે પડ્યું છે. અને ખરેખર મંગળસૂત્ર પલંગ નીચેથી મળી આવ્યું! પછી તો પૂરા ત્રણ દિવસ સુધી ઘરમાં અને અડોશપડોશમાં મારા સ્વપ્ન સાચા પડતાં હોવાની ચર્ચા જ ચાલ્યા કરી. અને મને એ જ તો જોઈતું હતું!
માધવનું મર્ડર કરવા આ કરવું જરૂરી હતું!
મેં બીજા ચાર દિવસ જવા દીધા. દરમિયાન, મીરાએ રડીકરગરીને માધવ પાસેથી એક મહિનાની મહેતલ મેળવી લીધી હતી. એટલે હવે મારી પાસે ત્રણ અઠવાડિયાનો સમય જ હતો. જે કરવાનું હતું તે આ સમયમાં જ કરવાનું હતું. તને યાદ છે ડાયરી, એ પછીના બીજા દિવસે વહેલી સવારે મેં ગાડીની બ્રેક ફેલ કરી દીધી હતી. અને સસરાજી દુકાને જવા નીકળ્યા ત્યારે મેં એમને એકદમ રોકી લીધા. મેં અત્યંત ભયભીત હોવાનો અભિનય કરીને કહેલું કે, પપ્પાજી, તમે આપણી ગાડીમાં ન જશો. મને સ્વપ્ન આવ્યું છે કે આપણી ગાડીની બ્રેક ફેલ થઇ ગઈ છે. અને સસરાજીએ ગાડી તપાસી તો ખરેખર બ્રેક ફેલ થઇ ગઈ હતી! સાસુજી અને સસરાજી તો એકદમ ભાવુક થઇ ગયા અને જો સસરાજી એ દિવસે ગાડીમાં બેસીને ગયા હોત તો કેવો અનર્થ થઇ ગયો હોત તેનો વિચાર કરતાં જ સાસુજી રડી પડ્યા. સમીર પણ મારો આભાર માનવામાંથી ઊંચો જ નહોતો આવતો. અને પછી ઘરમાં અને આજુબાજુમાં બધે ફરી મારાં સ્વપ્ન સાચા પડતાં હોવાની પારાયણ ચાલ્યા કરી.
માધવનું મર્ડર કરવા આ કરવું જરૂરી હતું!
મેં બીજું એક અઠવાડિયું જવા દીધું. હવે મારી પાસે બે અઠવાડિયાનો સમય હતો. દરમિયાનમાં ચર્ચાનું કેન્દ્ર તો હું જ રહી. સમીરે તો એના સાયકોલોજીસ્ટ મિત્રોને પણ મારી વાત કરી. એ લોકો મને મળવાને આતુર હતા. મેં થોડા સમય પછી મળવાની વાત કરી. સમીરે તો સ્વપ્ન સાચા પડવાના કેટલાય કિસ્સાઓ વાંચી નાખ્યા. અને હું જાણે કોઈ સુપરપાવર હોઉં એમ અહોભાવથી મને ક્યારેક જોયા કરતો. મને એના ભોળપણ પર હસવું આવતું. ક્યારેક પરિવારને છેતરવાનું દુઃખ પણ થતું. પણ મીરા માટે આ નાટક ખેલવું જરૂરી હતું. હજુ થોડો જ સમય!
ડાયરીજી, તને યાદ હશે કે પછી મેં સમીર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સમીરના મહત્વના પ્રોજેક્ટ પેપર્સ મેં દીવાનખંડની કેબિનેટમાં છુપાવી દીધાં. આ કેબિનેટમાં પસ્તીનાં છાપાં અને મેગેઝિન પડ્યા રહેતાં. સમીર જયારે શોધખોળ કરવા માંડ્યો અને કબાટના ખાના કે ઓફિસબેગમાં શોધવા છતાં પેપર્સ ન મળ્યાં ત્યારે મેં સલુકાઈથી કહ્યું કે, મને સ્વપ્ન આવેલું કે તમારા પેપર્સ પેલી કેબિનેટમાં છે. અને સ્વાભાવિક રીતે જ પેપર્સ ત્યાંથી મળી આવ્યાં. સમીર વિચારતો રહ્યો કે એના મહત્વનાં પેપર્સ પસ્તીનાં ખાનામાં ક્યાંથી પહોંચ્યા હશે અને મેં ઠાવકાઈથી કહ્યું કે તમે જ ભૂલથી છાપાં વાંચ્યા પછી, છાપાંની સાથે પેપર્સ પણ મૂકી દીધા હશે. અને એ બિચારો માથું ખંજવાળતો ચાલ્યો ગયો. અલબત્ત મારો આભાર માન્યા પછી જ!
માધવનું મર્ડર કરવા આ કરવું જરૂરી હતું!
એ પછી મેં બાજુવાળા લીલાકાકીને આંટીમાં લીધાં. ડાયરી, તને યાદ છે કે એ દિવસે સાંજે મેં લીલાકાકીના પગથિયાં પર તેલ ઢોળ્યું હતું. થોડી જ વારમાં એ ઘરમાંથી બહાર નીકળ્યાં અને તેલ પર પગ પડવાથી લપસી ગયાં. ચીસ પાડી ઊઠ્યાં. એમને મોચ આવી ગઈ પણ ઝાઝી ઈજા નહોતી થઇ. પછી હું દોડી અને કહ્યું કે મને સ્વપ્ન આવેલું કે, તમે સીડી પરથી લપસી ગયાં છો. હું કહેવા આવતી જ હતી કે એટલામાં તમારી રાડ સંભળાણી. અને લીલાકાકી દુખાવા છતાં મારી સચોટ સ્વપ્ન શક્તિની પ્રશંસા કરવા લાગ્યાં.હવે મારાં સ્વપ્નની ચોફેર ચર્ચા થવા લાગી હતી.
માધવનું મર્ડર કરવા આ કરવું જરૂરી હતું!
મહિનો પૂરો થવાની અવધિમાં માંડ ત્રણ દિવસ રહ્યા હતા, ડાયરીજી. મેં યોજનાનો અંતિમ તબક્કો શરૂ કર્યો. સાસુજી અને સસરાજી એક પ્રસંગમાં હાજરી આપવા બહારગામ ગયા હતા. મીરા એક સખીની જન્મદિનની પાર્ટીમાં ગઈ હતી. મેં જ એને પરાણે મોકલી હતી. સમીર ઓફિસના કામે શહેરની બહાર હતો. મોડેથી આવવાનો હતો. આવો મોકો મને ફરી મળે એમ નહોતો. રાતના લગભગ અગિયાર વાગ્યા. મેં અમારા ટેરેસમાંથી માધવને ઈશારો કર્યો અને એના બિલ્ડિંગની છત પર આવવા સંકેત કર્યો. અંધારામાં એ મને ઓળખી ન શક્યો કદાચ. એ તો મીરા બોલાવે છે એવું જ સમજ્યો હશે. મેં પણ એને ભ્રમમાં જ રહેવા દીધો. પછી ઝડપથી પહોંચી ગઈ એની છત પર. મને જોઇને એ ચોંકી ગયો. પણ એને કશું બોલવાની તક આપ્યા વગર જ મેં એની પાસેથી મોબાઈલ ફોન આંચકી લીધો. મીરાએ કહ્યું હતું કે એણે બધા ફોટા અને વિડિયો મોબાઈલમાં જ રાખ્યા છે.એટલે જ મોબાઈલને પોતાનાથી એક મિનિટ પણ અળગો નથી કરતો. મેં ફોન ઝૂંટવી લીધો એટલે એ મરણિયો બન્યો. પણ એ કાંઈ કરે એ પહેલાં જ મેં મારી પૂરી તાકાત લગાવી અને એની પીઠ મારી તરફ રહે એ રીતે ઊંધો ફેરવીને છત પરથી ધક્કો માર્યો. એ સીધો જ નીચે પટકાયો અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું. મેં એક જ મિનિટમાં એના મોબાઈલમાંથી બધા જ ફોટા અને વિડિયો ડિલિટ કરી નાખ્યા અને એનો ફોન પણ નીચે ફેંકી દીધો. પછી ઝટપટ ઘરે આવીને રજાઈ ઓઢીને સૂઈ ગઈ. હજુ સુધી સમીર અને મીરા ઘરે આવ્યાં નહોતાં.મને હાશકારો થયો. મને કોઈ કરતાં કોઈએ જોઈ નહોતી. મારા ઘરે આવ્યાના દસેક મિનિટમાં એ લોકો આવ્યાં ત્યારે હું ભરઊંઘમાંથી જાગી હોઉં એ રીતે દરવાજો ખોલ્યો.
પછી મેં શું કર્યું ડાયરી, એ ખબર છે? બીજે દિવસે સવારથી જ મેં સ્વપ્નની વાત વહેતી મૂકી દીધી કે, મેં સ્વપ્નમાં કોઈકને ઉપરથી નીચે પડતાં જોયો છે. એની પીઠ મારા તરફ હતી એટલે એનો ચહેરો હું જોઈ શકી નથી. પણ કોઈકે ચોક્કસ આપઘાત કર્યો છે. અને થોડી જ વારમાં રોકકળ સંભળાઈ. માધવની આત્મહત્યાના સમાચાર આવ્યા. એ સાથે જ મીરાએ મારી સામે સાંકેતિક નજરે જોયું અને આંખોથી જ આભાર માન્યો. મેં પણ માથું સહેજ નમાવ્યું. પોલીસે પણ પૂછપરછ કર્યાં પછી આપઘાતના આ કેસ પર પરદો પાડી દીધો હતો.
કોઈકનો આપઘાત મારા સ્વપ્નમાં આવવાને કારણે હું એકદમ જ હેબતાઈ ગઈ અને મને માનસિક આઘાત લાગ્યાના બહાને હવે પછી મને કોઈ સ્વપ્ન આવવાનું નથી. એની જરૂર પણ નથી. મેં મારી જવાબદારી મેં પૂરી કરી દીધી.આખરે તો હું ગૃહલક્ષ્મી હતી!
એટલે ડાયરીજી, મીરા તો એમ જ માનતી રહી કે મેં એની જિંદગી બચાવી છે, પણ સાચી વાત તો એ છે કે મેં મારો અને સમીરનો સંસાર બચાવ્યો છે. માધવ પાસે માત્ર મીરાના નહીં, મારા ફોટા પણ હતા. એ ફોટા પણ એણે વાયરલ કરવાની ધમકી આપી હતી.એટલે હું કંઇક ઉપાય વિચારતી જ હતી,એવામાં મીરાએ પોતાની વાત કરી. અને મેં ચાલાકીથી આ માર્ગ લીધો.
પણ પ્રિય ડાયરી, મારા આ રહસ્યની કોઈનેય ખબર પડે નહીં એ માટે હવે હું તને સળગાવી દઉં છું. આ દીવાસળી ચાંપી.હવે મારું રહસ્ય પણ તારી સાથે જ રાખ થઇ જશે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી!
---