એટેન્શન પ્લીઝ...!
સંચાલક સોહમનો સૂરીલો સ્વર રેલાતાંની સાથે જ રંગભવનના પ્રેક્ષકોમાં થતો ગણગણાટ થંભી ગયો. નીરવ શાંતિ છવાઈ ગઈ. સૌની આંખો સોહામ પર મંડાણી. સોહમ કહી રહ્યો હતો: લેડીઝ એન્ડ જેન્ટલમેન... એન્ડ નાઉ વી પ્રેઝન્ટ... હોલ્ડ યોર બ્રેથ.. હિયર શી ઈઝ... શો સ્ટોપર ઓફ ધ શો... માર્વેલસ માનુની મિસરી!
એ સાથે જ મિસરીએ રંગમંચ પર પ્રવેશ કર્યો. મિસરી ખરેખર માર્વેલસ હતી. મિસરી જેવી જ મીઠડી. રંગભવન ઝળહળી ઊઠયું રૂપલલનાની રૂપરાશિથી. પાંચ ફૂટ આઠ ઇંચની ઊંચાઈ. ગુલાબી આરસને ટંકારીને ઘડાયો હોય એવો કોમળ ગુલાબી દેહ. કમનીય કામણગારી કાયા. મલમલ જેવી સુંવાળી ત્વચા. વાંકડિયા વાળ. મોહક નેણ. તીરછી નજર. ઘૂઘરીથી રણઝણતાં કુંદન જડેલા કંદોરાથી શોભતી લચીલી કમર. રસીલા મદઝરતા લાલ હોઠ. મદહોશ કરતી મારકણી અદા. રાધાકૃષ્ણની રાસલીલાનાં રંગબેરંગી ચિત્ર ચીતરેલી દૂધિયા રંગની સાડીમાં શોભતી. બંધ ગળાનું લાંબી બાંયનું એ જ રંગનું બ્લાઉઝ. નખશિખ અલંકારોથી સજ્જ. કાનમાં કુંદનનાં ઝૂમખાં. હાથમાં કંગન. કંઠમાં કુંદનની માળા. નાકમાં કુંદનની વાળી. પગમાં ઝણકતાં ઝાંઝર. અનુપમ સૌંદર્ય વેરતી રહી મિસરી. આસમાનમાં ચમકતો ચાંદ ધરતી પર ઊતરીને રંગભવનને ઝળાંહળાં કરતો રહ્યો.
રંગભવનના દર્શકો મંત્રમુગ્ધ બનીને મિસરીને નિહાળી રહ્યા. મિસરીએ એક નજર સૌના પર નાખી અને કેટવોક શરૂ કર્યું. રંગીન રોશનીના વર્તુળોમાં. માદક અદા. ઘાયલ કરતી ચાલથી છેક આગળ આવી. એક નજર ડાબી બાજુ. બીજી જમણી બાજુ. પછી પીઠ ફેરવીને પાછી વળી. ફુદરડી ફરતી હોય એમ. મિસરીનો પાલવ એ રીતે લહેરાયો કે જાણે સ્વયં રાધાકૃષ્ણ રંગમંચ પર રાસલીલા કરવા ઊતરી આવ્યાં હોય એવું દેખાયું! એ આભાસ જ હતો. આભાસ ઊભો કરવાની અનોખી આવડત હતી મિસરીમાં. મિસરીની પાલવ લહેરાવવાની છટાને કારણે સાડીનો ઉઠાવ અત્યંત મનમોહક અને આકર્ષક લાગતો હતો. મિસરી રંગમંચ પર ઘૂમતી રહી, ગોળાકારે, અર્ધગોળાકારે. સાડી લહેરાવતી રહી. રાસલીલાની ભ્રમણા રચતી રહી. છેવટે રંગમંચના એક ચકરડામાં જઈને ઊભી રહી ગઈ.
તાળીઓના ગડગડાટ વચ્ચે બીજી મોડેલ્સ વારાફરતી રંગમંચ પર પ્રવેશ કરતી રહી. વન્ડરફૂલ વામા વનિતા, બ્યુટીફૂલ બેબી બબીતા, પોપ્યુલર પરી પ્રિયંકા, કાયલ કરતી છાયલ, ગોર્જિયસ ગર્લ ગોરસી અને સ્ટાઇલીશ સંસ્કૃતિ.... બધાએ જુદા જુદા ફેશન ડિઝાઈનરોએ ડિઝાઈન કરેલી સાડી ધારણ કરેલી. વૈવિધ્યપૂર્ણ હતી સાડીઓ. ફલોરલ પ્રિન્ટ, એનિમલ પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ અને તરેહ તરેહની અવનવી પ્રિન્ટવાળી સાડી સૌએ પહેરેલી. લાલ, પીળી, લીલી, કેસરી, જાંબલી, ગુલાબી અને શ્વેત રંગની. બધી મોડેલ્સ પોતપોતાના ક્રમ મુજબ આવતી રહી. ક્યારેક એકલી, ક્યારેક બે કે ત્રણ સાથે. ક્યારેક બધી એકસાથે. રંગમંચ પર રંગીન વર્તુળો રચતી રહી. બધી મોડેલ્સ એકસાથે ગોળાકારમાં ઊભી રહી ત્યારે તો રંગમંચ પર એવું દ્રશ્ય સર્જાયું જાણે ઇન્દ્રના દરબારમાંથી અપ્સરાઓ ધરતી પર ઊતરી આવી હોય!
સિતારાઓ વચ્ચે ચળકતી ચાંદનીની જેમ મોહક યુવતીઓમાં ઝગમગતી હતી મિસરી.
લગભગ ત્રણ કલાકને અંતે ફેશન શો પૂરો થયો. થાકેલી મોડેલ્સ પોતપોતાના કક્ષમાં આરામ કરવા ગઈ. ડિનર તૈયાર હતું. પણ એ પહેલાં સૌ થોડો વિશ્રામ કરીને થાક ઉતારવા માંગતાં હતાં. કાર્યક્રમના આયોજક કશ્યપકુમાર દ્વારા એમની વ્યવસ્થા સાત સિતારા હોટેલમાં કરવામાં આવેલી. સાત સિતારામાં સાત મંજિલ હતી. તેમાં સૌથી ઉપરના સાતમા માળે મોડેલ્સ અને એમના ડિઝાઈનર્સની અલાયદી આરામદાયક સગવડ કરાયેલી. સાતમા માળે સામસામે દસ કક્ષ હતા. કુલ મળીને વીસ. સાતેય કક્ષ પર એકથી વીસના ક્રમમાં પિત્તળના અંક જડેલા હતા. સાતમા માળે લિફટમાં ચડ્યા પછી કોરીડોરમાંથી ડાબી બાજુએ વળીએ એટલે સામસામી હરોળમાં વીસ અત્યાધુનિક કક્ષ હતા. અદ્યતન સુખસુવિધાઓથી સજ્જ. દીવાલ પર પ્રાકૃતિક સૌંદર્યનાં દર્શન કરાવતી ફ્રેમ. કોયલકંઠી વોલકલોક. આરામદાયક કક્ષમાં એવો જ આરામદાયક ડબલ બેડ. બે વ્યક્તિ બેસી શકે એવો મુલાયમ ગાદીવાળો સોફો. બાજુમાં ઝૂલણ ખુરસી. એક ખૂણામાં રાઈટિંગ ટેબલ. રૂપાળો ટેબલ લેમ્પ પણ ખરો. નાનકડું ફ્રીજ, ટીવી, ઇન્ટરકોમની સુવિધાવાળો ફોન સાઈડ ટેબલ પર. બાકી જે જરૂરિયાત હોય એ માટે ઇન્ટરકોમ પર ફોન કરી દેવાનો. પાંપણના પલકારામાં વસ્તુ હાજર. ઝટપટ. ફટાફટ.
બધી મોડેલ્સે કંઇ ને કંઇ ઓર્ડર કરેલું. કોઈએ જ્યુસ, કોઈએ ઠંડું પીણું, કોઈએ ગ્રીન ટી તો કોઈએ કોફી. સાત સિતારાનો સર્વિસ બોય સુકેતુ ઓર્ડર પ્રમાણેના ડ્રિન્ક્સ લઈને એમના કક્ષમાં સર્વ કરવા લાગ્યો. એક નંબરમાં ચા, બે નંબરમાં લેમન જ્યુસ, ત્રણમાં ગ્રીન ટી, ચારમાં પાઈનેપલ જ્યુસ, છમાં મિક્સ ફ્રુટ જ્યુસ... એમ કરતાં સાતમા કક્ષને દરવાજે પહોંચીને ટકોરા માર્યા. અંદરથી કોઈ જવાબ ન મળ્યો. સુકેતુએ ફરીથી દ્વાર ખટખટાવ્યું. કોઈ જવાબ નહીં.
થોડી વાર ઊભો રહીને એ પાછો ગયો. મેનેજર ચિરાગકુમારને વાત કરી. મેનેજરે ડિનર માટે મોડેલ્સની રાહ જોઈ રહેલા કાર્યક્રમના આયોજક કશ્યપકુમારને કહ્યું. ત્રણે સડસડાટ સાતમા માળે પહોંચ્યા. સીધા સાત નંબરના કક્ષ પાસે. મેનેજરે બે-ત્રણ વાર દ્વાર ખખડાવ્યું. કશ્યપકુમારે બહારથી બૂમો પાડી. અવાજ સાંભળીને બધી મોડેલ્સ અને ડિઝાઈનરો પણ એકઠા થઇ ગયા. આખરે મેનેજરે માસ્ટર કીના ઝૂડામાંથી સાત નંબરની ચાવી કાઢી. દરવાજો ખોલ્યો. અંદર દાખલ થયા. પાછળ પાછળ બીજાઓ. અને સામૂહિક ચીસાચીસ થઇ રહી.
સૌએ જોયું કે રાઈટિંગ ટેબલ પર મિસરી ઢળી પડેલી. એની કરોડરજ્જુમાં ફળ કાપવાનું ચપ્પુ પરોવી દેવાયેલું. માર્વેલસ માનુની મિસરી મૃત્યુ પામી હતી! ફેશનની દુનિયાનો અણમોલ સિતારો દુનિયા છોડીને ચાલ્યો ગયો! સૌ કોઈ મિસરીની હત્યાથી આઘાત અને અરેરાટી અનુભવી રહ્યા હતા, ત્યારે એક ચહેરા પર કુટિલ હાસ્ય હતું!
ઇન્સ્પેક્ટર કરણ બક્ષી અને ઝલક દીક્ષિતે મિસરીની મર્ડર મિસ્ટ્રીનું ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યું. બંને સાત નંબરના કક્ષમાં પહોંચ્યા. ઢળી પડેલી મિસરીને જોઈ. સાક્ષાત સૌંદર્યની દેવી જેવી મિસરીનો આવો કરૂણ અંત! કરણે જોયું કે કક્ષની ટીપોય પર છાબડીમાં ફળફળાદિ પડેલાં. એની સાથેનું ચપ્પુ જ મિસરીની પીઠમાં ભોંકી દેવાયેલું. મિસરીનું ઘણું લોહી વહી ગયેલું. કાળા વાંકડિયા વાળ વચ્ચે અણીદાર ચપ્પુ ચમકી રહ્યું હતું. મિસરી કંઇ લખી રહી હશે ત્યારે કોઈએ ઓચિંતું જ આ કાળું કૃત્ય કરેલું! ઝલકે જોયું કે મિસરીનું માથું મેજ પર ઢળી પડેલું. રાઈટિંગ પેડમાંથી એકબે કાગળ ફાડી નખાયેલા. કાળા રંગની પેન નીચે પડેલી. મિસરીનો જમણો હાથ નીચે લબડતો હતો. હાથની મુઠ્ઠી વાળેલી હતી. ઝલકે મુઠ્ઠી ખોલી તો એક ચોળાયેલો કાગળ નીચે સરી પડ્યો. એણે કાગળ કરણને આપ્યો. કરણે જોયું તો એમાં અંગ્રેજીમાં લખેલું હતું: LION! એ ખૂનીનો સંકેત આપતો શબ્દ હતો!
કરણ બક્ષીને ખાતરી હતી કે મોડેલ્સ અને ડિઝાઈનરોમાંથી જ કોઈ એક ખૂની હતું. કાતિલનો લાયન એટલે કે સિંહ સાથે જરૂર કોઈ સંબંધ હતો. એણે ઝલક સાથે ચર્ચા કરી કે સિંહને સાંકળતી એવી તે કઈ ચીજ માણસ પાસે હોઈ શકે!
ઝલક: “કોઈની ગાડીમાં સિંહનું સ્ટીકર લગાડેલું હોઈ શકે, અથવા તો કી-ચેઈનમાં અથવા તો કોઈના ઘરમાં સિંહનું પૂતળું હોય એમ પણ બને...”
કરણ: “કોઈએ શરીર પર સિંહનું છૂંદણું એટલે કે ટેટૂ કરાવ્યું હોય કે પછી કોઈની પાસે સિંહના ચિત્રવાળો પોશાક હોય એવું પણ શક્ય છે. અથવા તો પછી કોઈના લોકેટમાં સિંહ હોય. કે પછી ગળાની ચેઈનમાં સિંહનું પેન્ડેન્ટ હોય!”
કરણે ઝલકને યુવતીઓ સાથે વાતચીત કરવા કહ્યું અને પોતે પુરુષો સાથે ચર્ચા કરવા લાગ્યો. તમામ સાથે ચર્ચા કર્યાં પછી ત્રણ વ્યક્તિનો સિંહ સાથેનો સંબંધ સમજાયો. એક હતો ડિઝાઈનર દુર્ગેશ. એણે પોતાના બાવડે સિંહનું છૂંદણું કોતરાવેલું. બીજી વનિતા. એના હાથના બ્રેસલેટમાં નાના નાના સિંહ ઝૂલતા હતા. ત્રીજી પ્રિયંકા. એની વેનિટી બેગ પર સિંહનું ચિત્ર હતું. મહત્વની વાત એ હતી કે શો શરૂ થતાં પહેલાં ત્રણેયની મિસરી સાથે તકરાર પણ થયેલી. કશ્યપકુમાર વચ્ચે ન પડ્યા હોત તો કદાચ મારામારી થઇ ગઈ હોત!
“અરે સાહેબ, હું તો એમના ઝઘડાથી કંટાળી ગયેલો...” કશ્યપકુમાર કહેવા લાગ્યા: “આ તો કાર્યક્રમનો આયોજક હતો એટલે મન મારીને બેસી રહ્યો. આ વનિતાને મિસરીની સાડી પહેરવી હતી. એ કહે કે એની જાંબલી સાડી મિસરીને આપી દો. પણ એ તો કેમ બને! જેના માટે જે નક્કી થયું હોય એ જ સાડી પહેરવી પડે ને. એને માંડ માંડ સમજાવી ત્યાં તો પ્રિયંકા આવી પડી. કહેવા લાગી કે એને મિસરીનાં ઘરેણાં પહેરવા છે. ઘણું સમજાવી, પણ એ માનવા જ તૈયાર નહોતી. અંતે દુર્ગેશ વચમાં પડ્યો. એણે કેટલું કહ્યું ત્યારે પ્રિયંકા માની. પણ પછી સાડી પહેરવાની સ્ટાઇલને લઈને મિસરી અને દુર્ગેશ બાખડી પડ્યા. મેં એમને માંડ શાંત કર્યાં. મેં તો હવે પાણી મૂક્યું આ લોકોના નામનું!”
કરણ અને ઝલકે વારાફરતી ત્રણેને બોલાવ્યા. પૂછપરછનો આરંભ દુર્ગેશથી થયો. એ સોળ નંબરના કક્ષમાં હતો. ઝલક અને કરણ એના રૂમમાં જ ગયા. સીધું જ પૂછ્યું: “તમારે મિસરી સાથે બોલાચાલી થયેલી?”
દુર્ગેશ બાવડાં ફુલાવતાં બોલ્યો: “પેલા કશ્યપે તમને કહી દીધું ને? પણ એવું તો ચાલ્યા કરે. અમારી વચ્ચે સાડી પહેરવાની સ્ટાઈલને મુદ્દે થોડીક રકઝક જરૂર થયેલી. ફેશન ઇન્ડસ્ટ્રીમાં અમે બધા ક્રિયેટીવ હોઈએ. એટલે અમે અમારો કક્કો ઘૂંટ્યા કરીએ. મિસરીનું માનવું હતું કે એ સાચી છે, જયારે હું એને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે હું કહું એમ સાડી પહેરશે તો વધુ દીપી ઊઠશે. અંતે મેં એને મનાવી જ લીધી. એને કંઇ લડાઈ ન કહેવાય. આવી દલીલોથી જ શો વધુ ક્રિયેટીવ બને. ધિસ ઈઝ પાર્ટ ઓફ ધ ગેઈમ!”
“તમારું છૂંદણું સરસ છે!” કરણે દાણા નાખીને જાળ પાથરી.
“આભાર. તમને ગમ્યું?” દુર્ગેશ રાજી રાજી: “મિસરીને પણ ગમેલું.”
‘એટલે જ મિસરીએ ખૂનીનો અણસાર આપવા ચબરખીમાં લાયન લખ્યું છે!”કરણે જાણે, બોમ્બ ફોડ્યો હોય એમ દુર્ગેશ ચોંક્યો. કહેવા લાગ્યો: “હું શું કામ મિસરીને મારું? એ મારી સારી મિત્ર પણ હતી. વળી એ તો અમારી શો સ્ટોપર હતી. એના વિના શો સફળ થાય જ નહીં. ઉપરાંત લાયન લખવાથી હું ખૂની છું એવું કઈ રીતે કહી શકાય?”
દુર્ગેશની વાત પરથી એ નિર્દોષ હોય એવું લાગ્યું. હવે વારો આવ્યો વનિતાનો. એણે સ્પષ્ટ કહ્યું: “મને મિસરી દીઠી નહોતી ગમતી. જયારે હોય ત્યારે એને જ માથે ચડાવવાની. એ એક જ રત્ન અને અમારી કિંમત કોડીની. કપડાંઘરેણાં જે હોય એમાં પસંદગીની પહેલી તક એને મળે. વધ્યુંઘટ્યું અમારું. આવું ક્યાં સુધી સહન કરવાનું. એટલે જ હું એને ખરીખોટી સુણાવવા ગયેલી. પણ એને કોઈ અસર જ નહોતી. મને એટલો તો ગુસ્સો આવેલો કે...” વનિતાની આંખમાં લાલાશ ઊગી નીકળી.
“તમને એટલો ગુસ્સો આવેલો કે તમે એનું ખૂન કરી નાખ્યું?” ઝલક બોલી.
“ના, મેં એનું ખૂન નથી કર્યું...!” વનિતાએ ભૂત ભાળ્યું હોય એમ ચોંકીને કહેવા લાગી: “મને ગુસ્સો જરૂર આવેલો. પણ એને એકાદ થપ્પડ ચોડી દેવા જેટલો જ. એથી વિશેષ કાંઈ નહીં. એના મૃત્યુથી મને ઝાઝું દુઃખ પણ થયું નથી. પણ મેં એનું ખૂન કર્યું નથી!”
“તમારા બ્રેસલેટની ડિઝાઈન સરસ છે. ઝૂલતા સિંહવાળી.” કરણે દાવ ખેલ્યો. “આભાર. મિસરીને પણ આ ડિઝાઈન પસંદ હતી.” વનિતા ખુશ થઈને બોલી.
“એટલે જ મિસરીએ ખૂનીનો અણસાર આપવા ચબરખીમાં લાયન લખ્યું છે!” કરણ દાવ પર દાવ ખેલતો ગયો. પણ વનિતા વિશ્વાસથી બોલી: “એનાથી એવું સાબિત થતું નથી કે મેં ખૂન કર્યું છે! હવે પુરાવો લઈને આવો ત્યારે જ આરોપ મૂકજો.” કહીને એ ઊભી થઇ ગઈ ત્યારે એની વાણીમાં સચ્ચાઈનો રણકો સંભળાયો.
વનિતા પછી પ્રિયંકા. એણે કહ્યું: “અમારો ઝઘડો થયેલો એની ના નહીં. મને કુંદનનાં આભૂષણો પસંદ છે, એટલે મેં મિસરીને કહ્યું કે એ ઘરેણાં મને પહેરવા દે. પણ એ માની નહીં. પણ એટલા કારણસર એનું ખૂન થોડું કરાય! અમારી વચ્ચે અંગત સંબંધ ભલે નહોતા, વ્યાવસાયિક સંબંધ તો હતા જ. અમારે મોડેલ્સ વચ્ચે આવી નોકઝોક થતી જ રહેતી હોય છે. પણ શો પૂરો થયા પછી બધા જ મતભેદ પણ દૂર થઇ જાય છે. અમારા પણ થઇ ગયેલાં.”
“મિસરીએ મરતાં પહેલાં લાયન લખેલું...” કહીને કરણે વિસ્ફોટ કર્યો: “કદાચ તમારી વેનિટી બેગ પર સિંહનું ચિત્ર છે એટલે ઈશારો તમારા નામનો હોઈ શકે!” પ્રિયંકાનું એ સાંભળીને રુંવાડુંય ન ફરક્યું. વિચલિત થયા વિના એણે કહ્યું: “પુરવાર કરો. પછી આરોપ મૂકો!”
ત્રણે સાથે વાત કર્યાં પછી કરણ અને ઝલક ચર્ચા કરવા લાગ્યાં. કોણ સાચું બોલે છે ને કોણ ખોટું!
‘સર, મને લાગે છે કે ત્રણેય સાચું બોલે છે.” ઝલકે પોતાનો અભિપ્રાય આપ્યો.
“મને પણ એવું જ લાગે છે કે એ લોકો સાચું બોલે છે. જુઠ્ઠું બોલનારાઓમાં આટલો બધો આત્મવિશ્વાસ ન હોય.” કરણ લાયન લખેલો કાગળ જોતાં બોલ્યો: “પણ આ કાગળ સિંહનો સંકેત કરે છે કે પછી બીજું કંઈક...”
બોલતાં બોલતાં કરણ કાગળ ફેરવવા લાગ્યો. ચક્રાકાર. ગોળાકાર. ઉપરનીચે. નીચેઉપર. અચાનક આંખોમાં ચમક ઉપસી આવી. એણે કાગળ સ્થિર કરી દીધો. પછી મેનેજર ચિરાગકુમાર અને આયોજક કશ્યપકુમારને બોલાવ્યા. ચારેય સાતમા માળે ગયા. સાત નંબરના દરવાજે પીઠ કરીને ઊભા રહ્યા. સામેના કક્ષના દ્વાર પર ટકોરા માર્યા. અંદરથી પ્રશ્ન પૂછાયો: કોણ છે અત્યારે?”
“રૂમ સર્વિસ...”કરણે જવાબ આપ્યો.
થોડી વાર પછી દરવાજો ખૂલ્યો. થોડોક જ. પણ કરણે ધક્કો મારીને આખો દરવાજો ખોલી નાખ્યો. જોયું તો સુંદર યુવતી પોતાની બેગ તૈયાર કરીને નીકળવાની ધમાલમાં હતી. એ ગોરસી હતી!
“તમે તો જઈ રહ્યા છો ને!” કરણે પૂછ્યછયું એટલે ઝલક દરવાજાની વચ્ચે ઊભી રહી ગઈ. ગોરસીનો રસ્તો રોકીને.
“હા, હું જઈ રહી છું...” ગોરસી સ્વસ્થતાથી બોલી: “મિસરીની હત્યાનો મને એટલો આઘાત લાગ્યો છે કે હવે હું અહીં રહી શકું એમ નથી.”
‘મિસરી એટલી વ્હાલી હતી તો એનું ખૂન શા માટે કર્યું?” કરણ ટાઢે કલેજે બોલ્યો. “મેં... મેં... ખૂન કર્યું છે?” ગોરસી રીઢા ગુનેગારની જેમ બોલી: “તમારી પાસે શું પુરાવો છે કે ખૂન મેં કર્યું છે?”
“પુરાવો તો મિસરીએ જ મૂકેલો છે...” કહીને કરણે પેલો કાગળ બતાડ્યો: “અમે અત્યાર સુધી લાયન એટલે કે સિંહની નિશાનીવાળા ખૂનીને શોધતા હતા. પણ મિસરીએ જે ઈંગિત કરેલું એ લાયન નહીં, પણ આ હતું.” કહીને કરણે કાગળ ફેરવ્યો. જે LION હતું, તે હવે NO17 વંચાતું હતું!
“આ લાયન નહીં, પણ NO. 17 છે. એટલે કે રૂમ નંબર ૧૭...” કરણ કાગળનું રહસ્ય ઉકેલીને બોલ્યો: “એ તમારો રૂમ છે, ગોરસી. મિસરીએ મરતાં મરતાં તમારો સંકેત આપ્યો છે. તમે જ એનું ખૂન કર્યું છે. ચાકુની ફોરેન્સિક તપાસમાં તમારી આંગળીઓની છાપ મળી આવશે. એટલે તમે ફસાયાં તો છો જ. હું ફરી કહું છું કે તમે જ મિસરીનું ખૂન કર્યું છે. બોલો, ખરું કે ખોટું?”
ગોરસીએ ગુનો કબૂલી લીધો: “હું શો સ્ટોપર બનવા માંગતી હતી. પણ મિસરી હોય ત્યાં સુધી એ શક્ય નહોતું. હું ઘણા વખતથી એને મારવાની તક શોધતી હતી. અહીં મને એ મોકો મળી જ ગયો. શો પછી હું એના કક્ષમાં ગઈ. એ કાંઈક લખવા બેઠેલી. મને જોઇને આવકાર આપ્યો. પણ જેવી એણે પીઠ ફેરવી કે મેં છાબડીમાંથી ચપ્પુ લઈને એની પીઠમાં હુલાવી દીધું... મેં જ મિસરીની હત્યા કરી છે!”
ઝલક ગોરસીને હાથકડી પહેરાવીને બોલી: “કરો એવું ભરો!” •