નીલીનું ભૂત

નવલિકા

- ગુલાબદાસ બ્રોકર Wednesday 18th September 2024 07:58 EDT
 
 

(તેઓ ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્ર લેખક, સંપાદક હતા. તેમના વાર્તાસંગ્રહોમાં ‘લતા અને બીજી વાતો’, ‘વસુંધરા અને બીજી વાતો’, ‘ઊભી વાટે’, ‘સૂર્યા’, ‘માણસનાં મન’, ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘ભીતરનાં જીવન’ અને ‘પ્રેમ પદારથ’ મુખ્ય છે. ઉપરાંત એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ પણ ખુબ પ્રસિદ્ધિ પામી.)

ઘોર, ભીષણ, અંધારી રાત્રિએ બહાર તો પોતાનું સામ્રાજ્ય પૂરેપૂરું જમાવી દીધું હતું, પણ દીવાની ઓથે ઘરના એક ઓરડામાં બેઠેલાં એ ત્રણે મિત્રોને એનું કશું ભાન નહોતું.

તે લોકો તો પોતાની વાતોમાં જ એટલાં મશગૂલ બની ગયાં હતાં કે કદાચ એ રાત્રિ વર્ષા અને મેઘગર્જનાથી વધારે ભીષણ ગંભીર સ્વરૂપની બની જાત તોયે કદાચ એનું ભાન એમને ન રહેત.
રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા. ઠંડી પણ સારા પ્રમાણમાં હતી, એનું ભાન કદાચ એમને હશે, કેમ કે એ ઓરડામાં એક ખૂણામાં ગોઠવાયેલા ખાટલા ઉપર નિર્મળા તથા પ્રબોધ – પતિપત્ની – એક જ શાલનો આશ્રય લઈ સામસામાં બેઠાં હતાં. શશી – તેમનો મિત્ર – પલંગની એકદમ નજીક ખુરશી લાવી, ઉપર ટૂંટિયું વાળી, બંને હાથથી ગોઠણને વીંટી લઈ બેઠો હતો.
ચાલતી વાતમાં ત્રણેને સમાન રસ હતો તે તો તેમની બોલવાની રીતથી, હાવભાવથી, તેમના ચહેરા ઉપર દેખાતી રંગરેખાઓથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ત્રણે જણાં ઘણી વાર એકીસાથે બોલતાં, એક અર્ધું બોલે ત્યાં કોઈ કોઈ વાર બીજું બોલવા મંડી જતું, એક પળ માટે પણ વાતમાં વિરામ નહોતો આવતો.
‘ઓ મા રે! પણ એવું એવું કેમ થાય? ગમે કેમ?’ નિર્મળા શાલમાં ઢંકાયેલા પોતાના ગોરા, જરા પાતળા હાથ બહાર કાઢી તેમાંથી સુરેખ, ફિક્કા વદનને ઢાંકી દેતાં બોલી, તેના અવાજમાં વિષાદ જરાતરા હતો, પણ તિરસ્કાર તો સ્પષ્ટ હતો.
ઠંડી જરૂર જરા વિશેષ પ્રમાણમાં હશે, કેમ કે એક પળમાં જ નિર્મળાનું વિષાદ-તિરસ્કારયુક્ત મુખ માત્ર ઉઘાડું રહ્યું, હાથ તો શાલના સંરક્ષણ નીચે લપાઈ ગયા.
‘એ તને ન સમજાય, નિમુ!’ પ્રબોધ તેની સામે સ્નેહથી – અને અત્યંત માનથી પણ – જોઈને બોલ્યો. ‘તને એ ક્યાંથી સમજાય?’
‘સાચું છે, નિમુબહેન, તમને એમ થાય એ સ્વાભાવિક છે,’ શશી હાથને ગોઠણ આસપાસ, જરા વધારે જોરથી દબાવતાં બોલ્યો. ‘ક્યાં તમે અને ક્યાં એ? પેલી તો છેક...’
વધારે બોલ્યા સિવાય, તેની સામે તે સાચી જ વાત કરતો હોય એવા ભાવથી જોઈ રહેલાં પતિપત્ની માટે જ પેલી માટેનું વિશેષણ પૂરું કરવાનું રહેવા દઈ, તે ચૂપ થઈ ગયો. તેના ગોરા, હસમુખા, તંદુરસ્ત ચહેરા ઉપર વિષાદ, અણગમો, છૂપો છૂપો ધિક્કાર એવા એવા તો ઘણા ઘણા ભાવો ફેલાઈ ગયા.
‘પણ એવું કેમ થાય?’ ફરી પાછી નિમુ બોલી. ‘એને સ્વમાન જેવું પણ કંઈ નહીં હોય? હિંદુ, મુસલમાન, મિત્ર, દુશ્મન ગમે તે–’ અર્ધું બોલી, માત્ર શોકસૂચક રેખાઓ મુખ પર લાવી તે ચૂપ થઈ ગઈ.
‘આપણે શું કામ નિમુ?’ પ્રબોધ બોલ્યો. શશી તરફ જોઈ: ‘એ તો મરી ગઈ, પણ મર્યા પહેલાં જ બિચારા મંગળને તો અર્ધો મારતી ગઈ. તને તો બધી ખબર છે.’
‘બધી જ ખબર છે.’ શશી બોલ્યો. પછી જરા વધારે ગંભીર બની ઉમેર્યું: ‘કદાચ તમને હશે તેથીયે વિશેષ ખબર મને છે.’
એટલું કહેતાં એના મુખ ઉપર જે ભાવ ફેરવાયા તે નિમુ-પ્રબોધ બેમાંથી એકેયે ન જોયા. બન્ને ઉત્સુકતાથી તેની સામે જોઈ રહ્યાં.
શશી બોલ્યો. તેનો અવાજ જરા ધીમો હતો: ‘પેલી કુસુમ નહીં? જયાની બહેન? તેને એક દિવસ બપોરે નીલીનું કંઈ કામ પડ્યું અને તેને ઘેર ગઈ. મંગળ તો બિચારો કામધંધે એ વખતે ગયો જ હોય. નીલીએ ઓરડાનું બારણું પણ પૂરું બંધ નહોતું કર્યું. કુસુમે ધક્કો મારતાં જ તે ઊઘડી ગયું. અંદર નીલી કોઈની સાથે એવી ખરાબ રીતે બેઠી હતી તે કુસુમ જોઈ ગઈ.’
‘તને કોણે કહ્યું?’ ‘તમને કોણે કહ્યું?’ પતિપત્ની બન્ને એકીસાથે પૂછી રહ્યાં.
એ પ્રશ્ન જ જાણે સાંભળ્યો ન હોય તેમ શશી અમુક પળ સુધી મૂંગો બેઠો રહ્યો. એ પળો દરમિયાન એની નજર આગળ એક મુખ રમી રહ્યું – નાનું, ફિક્કું, સહેજ ઊજળું, અત્યંત નિર્દોષ લાગતું. જાણે તેને કહેતું ન હોય: ‘તમે પણ? તમને શો હક્ક છે?’ હજી તેને આપવાને કંઈ ઉત્તર મનમાં ગોઠવે ત્યાં તો તેનો ધ્યાનભંગ થયો. ફરી પાછો બન્નેનો પ્રશ્ન આવ્યો :
‘પણ એ બધી ખબર તમને ક્યાંથી પડી?’
‘મને? કુસુમે જયાને કહ્યું, અને તેણે મારી પત્નીને કહ્યું.’
‘જુઓ નિમુ, આ વળી એક વધારે પ્રસંગ.’ પ્રબોધ બોલ્યો.
નિમુ પણ કંઈક બોલી પણ એ પળે શશીને એ બહુ ન સંભળાયું, કેમ કે પેલું મુખ હવે એકલું મુખ નહોતું રહ્યું. તેની સાથે સાથે આખી કાયા ઊભી થતી જતી હતી, કૃશ, અશક્ત, છતાં જરા મોહક, ને નિર્દોષ દેખાતા મુખને વધુ નિર્દોષ દેખાડતી, તે જાણે તેને કહેતી હતી:
‘તમે પણ? કહો, હજી જરા વધુ કહો ને.’
અને જાણે એમાંથી જ પ્રેરણા મળી હોય તેમ તે પ્રબોધ-નિમુની ચાલતી વાતને અટકાવીને બોલ્યો :
‘ને નિમુબહેન, નીલી નિર્દોષ કેટલી લાગતી હતી? જાણે કે એવી સ્ત્રી તો કશું પાપ જ ન કરે. ને છતાં કેટલી દુષ્ટ?’
‘ને ઝેરીલી પણ કેટલી? મંગળ નિમુ સાથે બોલેચાલે એમાં તો એનો જાન લઈ જતી’તી,’ પ્રબોધે કહ્યું.
‘હશે. આપણને શું?’ નિમુએ શોકપૂર્વક કહ્યું. ‘અંતે તો બિચારી મરી ગઈ ને? ને ત્રાસ પણ કેટલો ભોગવ્યો?’
‘એવાઓનું તો એમ જ થાય,’ શશી જુસ્સાથી બોલ્યો: ‘ન પોતે સુખથી રહી, ન કોઈને રહેવા દીધાં.’ ફરી પાછી પેલી આકૃતિને સ્મરણમાંથી બળથી હઠાવી દેવી હોય તેમ તે જુસ્સાથી બોલ્યે જ જતો હતો :
‘મેં તો એને આ વખતે આમ કહ્યું અને પેલી વખતે...’
તેની વાગ્ધારા લાંબી ચાલી. પ્રસંગો ઉપર પ્રસંગો નીલીના દોષના અને એ દોષમાંથી તેને ઉગારી લેવાના પોતાના પ્રયત્નોના તેણે કહ્યા. તેને અને નીલીને અમુક વખત તો એટલું બનતું કે એ બધા પ્રસંગોને અત્યંત રસ અને સમભાવપૂર્વક નિમુ-પ્રબોધ સાંભળી રહ્યાં. વચ્ચે વચ્ચે તેમણે પણ પોતાના સ્મરણકોષમાંથી રસિક પ્રસંગો વીણી કાઢી રસિક વાણીમાં રજૂ કર્યા.
એમાં જ ઘણો સમય વહી ગયો. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter