(તેઓ ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્ર લેખક, સંપાદક હતા. તેમના વાર્તાસંગ્રહોમાં ‘લતા અને બીજી વાતો’, ‘વસુંધરા અને બીજી વાતો’, ‘ઊભી વાટે’, ‘સૂર્યા’, ‘માણસનાં મન’, ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘ભીતરનાં જીવન’ અને ‘પ્રેમ પદારથ’ મુખ્ય છે. ઉપરાંત એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ પણ ખુબ પ્રસિદ્ધિ પામી.)
(ગતાંકથી ચાલુ...)
(ભાગ-2)
(ગતાંકથી ચાલુ...)
એ સમય દરમિયાન શશી જેમ જેમ વાતો કરતો જતો હતો તેમ તેમ વધુ ને વધુ ઉશ્કેરાતો જતો હતો, કેમ કે એક બાજુ તે અમુક પ્રકારની પ્રસંગપરંપરા વર્ણવતો જતો હતો તો બીજી બાજુ તદ્દન જુદી જ જાતની પ્રસંગપરંપરા તેના સ્મરણપટમાંથી ખસતી જ નહોતી.
વાતચીતમાં, શારીરિક હાજરીમાં, તે અહીં આ ઘોર ભીષણ રાત્રિમાં દીવાના પ્રકાશથી પ્રકાશિત ઓરડામાં નિમુ અને પ્રબોધ સાથે બેઠો હતો. મનથી, કલ્પનાથી, તે અહીંથી સેંકડો માઈલ દૂર મુંબઈ શહેરના એક પરામાં વિચરી રહ્યો હતો. પળો, કલાકો, દિવસો વિચારોની ત્વરાથી પસાર થતા હતા. મુંબઈની એક શાળામાં તે નોકરી કરતો હતો.
નીલીનો પતિ મંગળ પણ એ જ શાળામાં હતો. બન્ને એક જ પરામાં રહેતા હતા. પ્રબોધ ધંધો કંઈ જુદો જ કરતો હતો છતાં એ તથા નિમુ એ જ પરામાં રહેતાં હતાં.
થોડે થોડે અંતરે તેમનાં ઘરો હતાં. મંગળ તથા નિમુ, નિમુ તથા નીલી, નીલી તથા શશી, પ્રબોધ અને મંગળ, એમ એક-બીજાનાં અને એને અંગે એમાંના સૌ એકબીજાના અંગત મિત્રો હતાં. ગામ આખાને ઈર્ષ્યા આવે એટલા પ્રમાણમાં એ લોકો એક-બીજાનાં મિત્ર બની ગયાં હતાં.
મૈત્રીની એવી આદર્શ સ્થિતિ અમુક સમય જ ટકે છે. એક પછી એક પ્રસંગો ચલચિત્રની ઝડપથી શશીના મનમાંથી પસાર થવા લાગ્યા. નીલી નિમુની ઈર્ષ્યા કરવા લાગી. મંગળ નિમુ સાથે શા માટે આટલો બધો હળી જાય? હજારો તરકીબોથી તેણે મંગળને નિમુને ત્યાં જતો બંધ કરી દીધો.
શશી આગળ પણ તેણે નિમુ સંબંધી હજારો વાતો કરી હતી. અત્યારે એમાંની જ એક વાત શશી નિમુ-પ્રબોધને સંભળાવતો હતો.
‘ને મને એ કહે: ‘શશીભાઈ, એમાં મને શો વાંધો? ભલે ને મંગળ નિમુને કપાળે ચુંબન કરે. એ તો મિત્ર તરીકે જ કરતો હતો એ મને ખાતરી હતી. એમાં શું થઈ ગયું?’
‘એટલી નિર્દોષતાથી એ બોલતી હતી કે એના હૃદયમાં ભરેલા ઝેરને તો હૃદયમાં જ દટાઈ રહેવું પડે. વાણી દ્વારા બહાર નીકળવાનો અવકાશ જ તેને ન મળે.’
‘જુઠ્ઠી સદંતર જુઠ્ઠી,’ નિમુ ગુસ્સાથી બોલી ઊઠી. ‘એવું કદી બન્યું જ નથી.’
પ્રબોધની આંખોમાં તો માત્ર તિરસ્કાર જ ભર્યો હતો. તે કશું ન બોલ્યો.
‘જુઠ્ઠી સ્તો! એ તો એને હજાર માણસો ચૂમે એ ગમે એટલે એને એવી જ કલ્પના આવે ને?’ શશી બોલ્યો અને પળએક મૂંગો થઈ ગયો.
એ પળમાં તો આખો એક પ્રસંગ તેના મગજમાંથી પસાર થઈ ગયો.
નીલીનું ચારિત્ર્ય જરા શિથિલ હતું એ વાત તે આખી મંડળી જાણતી. એકબે કબૂલાત તો નીલીએ પોતે મંગળ પાસે દુઃખી હૃદયે કરી હતી. શશી પણ એ બધી વાતો જાણતો. તેથી સ્તો એ પ્રસંગ બની ગયો.
મંગળ તથા નીલી સાથે તેના ઓરડામાં શશી બેઠો હતો. એક ખુરશી ઉપર મંગળ બેઠો હતો. બાજુમાં આરામખુરશી ઉપર પોતે બેઠો હતો. તેની બાજુમાં એક નાની ખુરશી ઉપર નીલી.
મંગળ વાતો કરવાનો શોખીન હતો. જાતજાતની વાતો કરી તે બંનેને હસાવતો હતો. શશી ખૂબ હસતો હતો. હસતાં હસતાં તેણે એક વખત નીલી સામે જોયું. નીલી તેની સામે જ જોઈ રહી હતી તેમ તેને લાગ્યું.
વાતો વધતી જતી હતી. હાસ્ય વધતું જતું હતું. ફરી પાછું શશીએ નીલી સામે જોયું, ત્યારે તેનો ફિક્કો ચહેરો હાસ્યથી લાલ બની ગયો હતો. નીલી શશીની નજર પોતા ઉપર પડતાં જરા વધારે હસી. શશીને કદાચ પહેલી જ વાર નીલી મોહક લાગી.
મંગળની ફરવા જવાની લાકડી ત્યાં આગળ જ પડી હતી. નીલીએ તે પોતાના હાથમાં લીધી, અને તેનાથી રમવા લાગી. ત્રણેની વાતોમાં એથી કશો વિક્ષેપ ન પડ્યો.
થોડી વાર પછી નીલી એ લાકડી ધીમે ધીમે શશીના પગના તળિયામાં ફેરવવા લાગી. શશીનું હાસ્ય વધી પડ્યું. મંગળને પણ હસવું આવ્યું.
એ તોફાનની સજા કરવા શશીએ લાકડી નીલીના હાથમાંથી ઝૂંટવી લીધી. એ વખતે નીલી લાકડીને પકડી રહેવાના પ્રયત્નમાં જરા નીચી નમી ગઈ. તેનું મુખ તો તે નીચે નમી ત્યારે પણ શશીના મુખ સામે જ તાકી રહ્યું. એ નિર્દોષ લાગતા, હાસ્યથી ભરેલા મુખમાં જડાયેલી આંખોએ શશીને અનેક વાતો કહી દીધી.
કોણ જાણે કેમ આજે એને નીલીની વિરુદ્ધ જ વાતો કરવાનો ઊભરો આવ્યો હતો. તેના સ્વભાવની અનેક વિષમ વાતો કરી રહ્યા પછી તે નિમુ-પ્રબોધને નીલી બીજાઓ પાસે પણ મંગળને અને નિમુને શી રીતે ઉતારી પાડતી હતી તેની વાતો કરવા માંડ્યો :
‘પેલી કુસુમને પણ એણે મંગળ વિશે અને તમારી વિશે અનેક વાતો કરી હતી. મને એ બધી વાતો મારી પત્ની દ્વારા જાણવા મળી ત્યારે એટલી ચીડ ચડી...’
મનમાં તો જુદી જ દુનિયા દોડતી હતી. એક વખત મુંબઈ જવા માટે પરાની ટ્રેનમાં નીલી અને પોતે સાથે થઈ ગયાં. એક ડબામાં બેઠાં. ડબામાં ગિરદી ખૂબ હતી. માંડ માંડ તે બંને આજુબાજુમાં બેસી શક્યાં. પોતાનો પગ નીલીના પગ સાથે જરાક દબાઈ ગયો નીલી પગ જરા ખેસવી લેશે તેમ તેણે માન્યું, પણ નીલીએ તો જાણે કશું જાણતી જ ન હોય તેમ પગ રહેવા દીધો. પોતે પણ પગ ખેસવી જ ન શક્યો.
ગાડીમાંથી ઊતરી બંને બસની રાહ જોતાં ઊભાં રહ્યાં. એ સમય દરમિયાન અજાણ્યે જ હોય તેમ બંનેના હાથ એકબીજાને અડકી રહ્યા. ન નીલીએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો, ન શશીએ પોતાનો. નીલીએ પોતાની નિર્દોષ દેખાતી આંખો શશી તરફ ફેરવી, ત્યારે તેનો અવાજ ઘોઘરો બની ગયો. તેણે માત્ર એટલું જ કહ્યું :
‘નીલી, કાલે સાંજે તું મારે ઘેર આવજે.’
શશી ત્યારે પોતાના ઘરમાં એકલો જ રહેતો હતો.
‘મંગળ વખતસર ઘેર આવી જશે તો અમે જરૂર આવીશું.’ નીલીએ હસતાં હસતાં કહ્યું.
શશીને પોતાનો અવાજ હજીયે વધારે ઘોઘરો લાગ્યો. તે જરા ધ્રૂજતો પણ હતો.
‘ના, તું એકલી જ આવજે.’
‘શા માટે?’ બસ આવી પહોંચી હતી તેમાં ચડતાં નીલી બોલી.
‘બસ.’ એટલું બોલી શશી ત્યાંથી ચાલી ગયો. (ક્રમશઃ)