નીલીનું ભૂત

નવલિકા

- ગુલાબદાસ બ્રોકર Wednesday 02nd October 2024 06:06 EDT
 
 

(ગતાંકથી ચાલુ...)
એ પછી બીજી સાંજે નીલીના અનેક પ્રણયીઓમાં શશીએ એક સંખ્યાનો ઉમેરો કર્યો તે તેને યાદ આવ્યું, ને તેણે નિમુ-પ્રબોધ સાથે વાત કરતાં ઉમેર્યું: ‘નીલી તો વેશ્યા જ હતી. કોણ જાણે કયે ભવે છૂટશે!’
‘આપણે હવે એ વાત બંધ કરો ને, શશીભાઈ’, નિમુ બગાસું ખાતાં બોલી. ‘એ બિચારી મરી ગઈ, હવે શું?’
‘શશી, તું તો આજે બહુ ઊપડ્યો હોં! અમને ખબર નહીં તું પણ નીલીથી આટલો ધરાઈ ગયો હશે એ.’ પ્રબોધે કહ્યું.
‘એટલો ધરાયો છું કે ન પૂછો વાત, એના પરિચયમાં આવવું એ પણ પાપ હતું.’ શશીએ કડવાશથી કહ્યું.
ફરી પાછું પેલું મુખ તેની નિર્દોષ દેખાતી મોહકતાથી હસતું એને કહી રહ્યું હોય એમ લાગ્યું: ‘એમ કે? ને તમારા પરિચયથી તો મને પુણ્ય મળ્યું. કેમ?’
એથી તો શશીની કડવાશ એકદમ વધી ગઈ. વાતમાં ને વાતમાં દોઢ વાગી ગયો હતો. હવે એ વાતોથી બધાં થાકી પણ ગયાં હતાં. શશી ઊઠ્યો: ‘ચાલો હવે છૂટાં પડીએ. આજે તો બહુ મોડું થઈ ગયું.’
‘ખાસ્સો દોઢ થયો.’ નિમુ બગાસું ખાતાં બોલી.
શશીએ પોતાના સુતરાઉ કોટનો કોલર ઊંચો કરી પોતાની મજબૂત છાતીને સુરક્ષિત કરી. હાથ જરા આળસમાં મરડી બોલ્યો:
‘હજી તો ખૂબ લાંબે જવું છે અને હું મૂર્ખની જેમ આટલે મોડે સુધી બેઠો રહ્યો.’
‘તે તેમાં શું થયું?’ પ્રબોધે પણ શાલનું સંરક્ષણ ધકેલી નાખી ઊભા થતાં કહ્યું:
‘બે-અઢી માઈલ તને શી વિસાતમાં?’
નિમુ પણ શાલને દૂર કરી સાડી ખંખેરતી ઊભી થઈ. બારી બહાર નજર કરી તે બોલી: ‘અંધારું કેટલું છે!’ પછી અવાજમાં જરા ભાવ લાવી: ‘શશીભાઈ, અહીં જ રાત રોકાઈ જાઓને? આવા અંધારામાં ક્યાં જશો?’
‘ના રે ના!’ શશી હસીને બોલ્યો. ‘આ કંઈ મુંબઈ થોડું છે તે ટેલિફોન કરીને કહી દઈ શકાય? અત્યાર સુધી નથી ગયો તે બધાં વિચારમાં તો પડી ગયાં હશે જ.’
‘ને આ દેશી રાજ્ય! આપણે નકામાં અહીં આવ્યાં, પ્રબોધ.’ નિમુએ કહ્યું, ‘રસ્તામાં બ્લેક-આઉટને અંગે એક દીવો પણ ન મળે. જાણે બધી લડાઈ અહીં જ ઊતરી આવી ન હોય! એથી તો મુંબઈ ક્યાંય સારું.’
‘મુંબઈ જેટલા જ પગારમાં અહીં કેટલી બાદશાહીથી રહેવાય છે?’ પ્રબોધે જવાબ વાળ્યો.
નિમુ એનો કંઈ ઉત્તર આપવા જતી હતી ત્યાં તો શશીએ તેને વારી: ‘હવે એ વાત ઉપર ઊતરીશું તો વળી બીજો કલાક નીકળી જશે. થોડા થોડા સમયને અંતરે એક યા બીજી નોકરી મળવાથી આપણે બધાં અહીં ભેળાં થઈ ગયાં એ જ પ્રભુનો પાડ માનો ને.’
‘એક મંગળભાઈ બિચારા ત્યાં જ રહી ગયા.’ નિમુએ કહ્યું.
‘ચાલો ત્યારે, હું જાઉં છું હોં.’ કહી શશી ચાલવા લાગ્યો.
દરવાજા સુધી પ્રબોધ અને નિમુ તેને મૂકવા આવ્યાં.
શાંત નીરવ રાત્રિ મૂગી મૂગી વહી જતી હતી. તારાઓ પણ જાણે અંધકારમાં ઓગળી ગયા હતા. માત્ર ઠંડી જ પોતાનો ચમકારો કરી રહી હતી. સાડીથી પોતાના આખા અંગને વીંટી લેતી નિમુ આકાશ સામે જોઈ બોલી: ‘શશીભાઈ, ખરેખર તમે રોકાઈ જાઓ હોં! રાત ભયંકર છે અને ઠંડી પણ પુષ્કળ છે.’
‘કંઈ નહીં, હું તો આ ચાલ્યો.’ કહી, શશી તેની સામે જોઈ જરા હસીને દરવાજાની બહાર નીકળી ગયો.
‘જો રસ્તે નીલીના બહુ વિચાર નહીં કરતો હોં!’ પ્રબોધ હસ્યો, પછી ‘એ શશીને ઠંડી કે અંધારું કદી નડ્યું છે કે આજે નડશે? મરદ છે. એનું શરીર કેવું છે જોતી નથી?’ એમ દરવાજો બંધ કરતાં તેણે કહ્યું.
‘મને તો આમાં થોડે દૂર જવાનું હોય તોયે એટલી બીક લાગે!’ નિમુએ કહ્યું. અને બન્ને ફરી પાછાં દીવાના રક્ષણ નીચે ચાલી ગયાં.
શશીની એકાંતયાત્રા શરૂ થઈ ગઈ.
બે-અઢી માઈલ દૂર તેને જવાનું હતું. ત્રણ-ચાર મહિનાથી નિમુ અને પ્રબોધ કાઠિયાવાડના આ નાના શહેરમાં આવ્યાં હતાં. બેએક મહિનાથી પોતે. નિમુ-પ્રબોધ ગામ બહાર દૂર દૂર પ્લોટમાં રહેતાં હતાં. શશી ગામમાં જ રહેતો હતો. તેમનાં બન્નેનાં ઘરની વચ્ચે બે-અઢી માઈલનું અંતર હતું. વચ્ચે એકાદ માઈલ તો એક પણ ઘર નહોતું આવતું, માત્ર વેરાન જ આવતું. ગામના લોકો તેને રણ કહેતા.
તે ચાલ્યો. તેના પદાઘાતે નીરવ રાત્રિને સ્વરમય કરી મૂકી.
તેની નજર સામે દૂર દૂર સુધી અંધકાર પથરાયેલો હતો. આજુબાજુ, પાછળ, જ્યાં જુઓ ત્યાં માત્ર અંધકાર. એ અંધકારની જ મૂક વાણી હોય એવી ઠંડી પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપવા પ્રયત્ન કરી રહી.
શશી આગળ ને આગળ ચાલ્યો જતો હતો. આ રાત્રિના અંધકારથીયે વિશેષ ગાઢ અંધકાર તેના હૃદયમાં પથરાતો જતો હતો. ‘શા માટે પોતે નીલીની વિરુદ્ધ આટલું બધું બોલ્યો? નીલી દોષિત હતી તો પોતે ક્યાં નિર્દોષ હતો?’
‘શા માટે? શા માટે? શા માટે?’ તેનું હૃદય તેને પૂછી રહ્યું.
એ પ્રશ્નની ચુંગાલમાંથી છૂટવા તેણે સ્વસ્થ બનવા પ્રયત્ન કરી આજુબાજુ, ઉપર, જોયું.
ક્યાંય કશું ન દેખાયું. માત્ર અંધારું પોતાનું મુખ ફાડી તેને પણ ગળી જવા ઊભું હોય તેમ તેને લાગ્યું.
ફરી પાછો તે વિચારોમાં ઘસડાયો.
છેલ્લા કલાકમાં તો નિમુ અને પ્રબોધ બહુ જ થોડું બોલતાં હતાં. પોતે જ મૂર્ખની માફક બોલ્યે જતો હતો, પોતે નીલીને અન્યાય નહોતો કર્યો?
‘હા, કર્યો’તો જ.’ જાણે નીલી તેને કહેતી હોય તેમ તેને લાગ્યું. તેણે ચમકીને સામે જોયું. જાણે નીલી હસતી હસતી તેને ઠપકો દઈ રહી હતી.
તેણે આંખો ચોળી. કશું ન દેખાયું. માત્ર અંધારું જ.
તે ધ્રૂજી ઊઠ્યો. જાણે ઠંડીથી જ પોતે ધ્રૂજતો હતો તેમ માની તેણે કોટને પોતાની મજબૂત છાતી આસપાસ વધારે જોરથી વીંટી લીધો.
તે આગળ ચાલ્યો. ફરી વિચારો શરૂ થયા. તેનાં પગલાં જમીન ઉપર અવાજ પાડી રહ્યાં.
કોઈ દહાડો નહીં ને આજે તેને લાગ્યું કે આ અવાજ કોઈ તેની પાછળ પાછળ ચાલ્યું આવે છે તેનો છે. તે ઊભો રહી ગયો. અવાજ પણ ઊભો રહી ગયો. તેણે પાછળ ફરી જોયું.
કશું જ નહોતું. માત્ર અંધારું.
તેને પોતા ઉપર ગુસ્સો આવ્યો. પોતે કદી કશાથી બીતો નહોતો ને આ શું? પોતાથી જ પોતે બીતો હતો? ને નીલી? પોતે શું ખોટું કહ્યું હતું? નીલી ખરાબ તો હતી જ.
‘હા, હતી જ, પણ તમે?’ ફરી પાછું પેલું હસતું મુખ ગાઢ અંધારાં ભેદી તેની સામે હસી રહ્યું.
તેની નજર ચુકાવવા તેણે બાજુએ જોયું. ત્યાં પણ તે જ આંખો, તે જ સ્મિત, તે જ રેખાઓ તેને દેખાઈ. (આવતા સપ્તાહે સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter