પન્ના ભાભી

- જોસેફ મેકવાન Wednesday 28th August 2024 09:15 EDT
 
 

(ગતાંકથી ચાલુ)
હું ઊંધું ઘાલી ગયો. ગામ આવ્યું. ઘર આવ્યું. ચોથે જ દા’ડે પાછી આવેલ આણિયાત છોકરીને મળવા આખું ફળિયું એકઠું થઈ ગયું. પણ હોઠે ને હૈયે પથરો મેલી ભાભી હસતાં જ રહ્યાં. મારે કડવાં વેણ સાંભળવાં ના પાડે એ સારું એમણે પોતાના વીતકનો હરફેય ના ઉચ્ચાર્યો.
એ જ સાંજે હું પાછો વળ્યો. ભાભી મને પાદર સુધી વળાવવા આવ્યાં. ‘જન્મારામાં કદીકેય મળવાનું થાય તો ઓળખાણ રાખજો. આ ચાર દા’ડામાં તમે જે દીધું છે એ અહીં - ’ એમણે છાતી પર હાથ દીધો  - ‘થાપણ બનીને સંઘરાઈ રહેશે.’ એ કહેતાં હતાં ત્યારે એમનાં લોચનમાં થીજી ગયેલાં આંસુ જે મેં જોયેલાં તે આજેય નથી ભુલાતાં.
ત્યારે દિવસો સુધી લાગ્યા કરેલું કે અંદરથી કશુંક ટૂટી ગયું છે, ક્યાંકથી કશુંક એવું ખોવાઈ ગયું છે કે એ શોધ્યુંય નથી જડતું!
ધીરે-ધીરે-ધીરે દહાડા મારું દુ:ખ ખાઈ ગયા. એ ઘટના, એ પ્રસંગ અને એના મુખ્ય પાત્રના દૂરાપાએ સ્મૃતિને ધૂંધળી કરવા માંડી અને બદલાતા જતા મારા જીવનની ઘટમાળે એ દુ:સહ યાદને અંતરના એક ખૂણે ધરબી દીધી.
વરસો વીતી ગયાં એ વાતને...
ને સામાજિક સમસ્યાઓમાં મારી વાત કે ઉકેલ વગદાર ગણાવા લાગ્યાં. એમાં એક મિત્રની દીકરીના છૂટાછેડાનો પ્રસંગ જેટલો રોમાંચક એટલો જ હૃદયસ્પર્શી બની ગયેલો. શહેરમાં નોકરી કરતો એનો સ્વચ્છંદી પતિ મૈત્રીકરાર કરી બેઠેલો. ને એક બાળકની મા એવી ભલી-ભોળી પત્ની પાસે છૂટાછેડાના દસ્તખત પણ લઈ ચૂકેલો. એ સ્ત્રીનો પક્ષ લઈ એનાં સાસુ ખુદ પોતાના દીકરા સામે વહુને ખાધા-ખોરાકી અપાવવા કોર્ટે ચડેલી.
દીકરીનો બાપ - મારો મિત્ર – દીકરીને એટલી ચાહે કે એને આ ઝઘડામાં પક્ષકાર થવાનું ના રુચે. ત્યક્તા છોકરી ભારે પડે છે એટલે ખર્ચ લેવા કોર્ટે ચડ્યો એવી લોકવગોવણીનો એને ડર અને પડી તિરાડ સાંધી ના સંધાય તો નાહક મન ખાટાં શા કાજ કરવાં? આમેય દીકરીએ તો છૂટાછેડાના દસ્તખત કરી જ આપ્યા છે. એવા એના મનોભાવ. એણે દીકરીની સાસુને બેચાર કાગળ લખી જોયા, એકાદ સગાનેય મોકલ્યો કે એ દીકરીને તેડી લાવે પણ પેલી સાસુ ધરાર ના પાડે. ‘તમારે મન એ દીકરી છે તો મારે મન નરી વહુ નથી, મારીય એ દીકરી જ છે. મારા વેલાના વાંકે એનું જીવતર હું પાધર નહીં થવા દઉં. આદમીનો અવતાર મળ્યો એટલે અસ્ત્રીની જાતને ઠેબે ના ચડાવાય. છો મારો છોકરો રહ્યો, પણ મારે એને બતાવી આપવું છે.’
આવી આ સાસુ છાપાના ‘સમાચાર’ પણ બની ચૂકેલી. કોર્ટમાં મુદત ઉપર મુદતો પડે. પેલો દીકરો આવે. માથી મોઢું સંતાડ્યા કરે. પોકાર પડે ત્યારે પોતાના વકીલની ઓથે આવીને ઊભો રહે. મા સામે નજર ના માંડે અને એનો વકીલ કોઈ ને કોઈ બહાને મુદત મેળવી લે.
ન્યાયના લંબાતા જતા આ નાટકથી ત્રાસેલી એ સ્ત્રી એક મુદતે, પોકાર પડતાં જ કાયદાના કઠેરે પહોંચી ગઈ અને બેઉ પક્ષના વકીલો કશીક પેરવી કરે એ પહેલાં જ બોલી ઊઠી:
‘સાયેબ! મને રજા દ્યો તો મારે થોડુંક કહેવું છે!’
આ અણધાર્યા પ્રોસીજરથી અકળાયેલા ન્યાયમૂર્તિ સાહેબે એની સામે જોયું ને પૂછ્યછયુંઃ ‘કોણ છો તમે?’
ઊંધું ઘાલીને ઊભેલા દીકરા સામે આંગળી ચીંધી એણે કહ્યું: ‘આ કપાતરની મા!’
‘ઠીક છે. સમય આવે ને સાક્ષી લેવાની થાય ત્યારે કહેજો જે કહેવું હોય એ!’
‘મારે એ જ કહેવું છે સાયેબ, કે એવો તે ચેવો તમારી આ કોરટનો સમય છે કે આજે હાત-હાત મહિના થયા પણ એ આવવાનું નામ જ નથી લેતો! નાનું છોકરું લઈને ધક્કા ખાતી આ ગભરું બાઈની પણ તમને દયા નથી આવતી?’
કોર્ટની શાન જાળવવાના આદી સાહેબના ભ્રૂભંગ પેલા અવાક બની ગયેલા એડવોકેટો ભણી વંકાયા. ને મોકો મેળવી ચૂકેલી એણે કહેવાનું હતું એ કહી નાખ્યું:
‘મને આ નથી સમજાતું  - સાયેબ કે ન્યાયની દેવડીએ સાચનો સ્વીકાર ઝટ કેમ થતો નથી? આ કપાતરે મારું લોહી લજવ્યું તે મને ધરતીમાં સમાવાનો મારગ નથી મળતો. અબળાના જીવતરને ધૂળધાણી કરી મેલનારા આવા નફ્ફટોને તો ફાંસીને માંચડે લટકાવવા જોઈએ. બોલ્યુંચાલ્યું માફ કરજો સાયેબ, પણ આનો પરોગ લાવો. નહીં તો કાયદામાંથી અમારો પતિયાર ઊઠી જશે.’
વારો આવવાની વાટ જોતા વકીલો અને અન્ય સૌ એકવારકા સ્તબ્ધ બની ગયા. મુદતોથી ત્રાસેલાઓમાં અનેરો ઉમંગ વ્યાપી ગયો અને વકીલોની વિમાસણ ગગણાટમાં વટલાઈ ગઈ. ઓર્ડર! ઓર્ડર! કરતા સાહેબે પેલા બંને વકીલોને તતડાવ્યા. ને આદેશ દીધો: ‘રિસેસ પછી કામ ચલાવું છું, જે હોય તે નક્કી કરીને આવો.’
કામ ચાલ્યું ત્યારે પેલો છૂટવા માગતો ધણી પંદર હજાર ઉચ્ચક આપવા તૈયાર થયેલો. સાહેબે પૂછયું: ‘તમે આ ભાઈની મા હોવા છતાં એણે તરછોડેલી સ્ત્રીનો હાથ પકડ્યો છે. તમારી એ ભાવનાની હું કદર કરું છું. બોલો તમારી શી ઇચ્છા છે. કેટલી રકમે તોડ આવે?’
‘મને પચાસ થયાં ને એક બાળકની મા એવી આ વહુને તેવીસમું બેઠું. એનો દીકરો ભણે-ગણે ને ધંધે વળગે ત્યાં લગી મહિને દા’ડે એને પાંચસો રૂપિયા મળી રહે એટલી રકમનો જોગ કરાવો સાયેબ. મોંઘવારીએ માઝા મેલી છે. ને બીજું ઘર માંડનારાનાય ઓરતા હખણા થવા જોઈએ.’
આવડી મોટી રકમનો તોડ કરવા પેલાના વકીલે ફરી એક વાર મુદતની આજીજી કરી. એની તારીખ આડે કોર્ટનું ઉનાળુ વેકેશન શરૂ થયું. એ જ અરસામાં એ સાસુને સમજાવી દીકરીને હું તેડી લાવું એ માટે મિત્રે મને એને ગામ ધકેલેલો.
હું ગયો ત્યારે એ ખેતરમાં ગયેલાં. દીકરીની જેઠાણીએ મને આવકાર્યો ને સાસુને બોલાવવા માણસ મોકલ્યો. મને આવેલો જોઈ દીકરી મૂંઝવણમાં મુકાઈ ગઈ. મેં એને કહ્યું: ‘આવ બહેન, તારી સાસુ આવે ત્યાં સુધી તારા બાપાનો ઉદ્ેશ હું તને સમજાવું.’ તો એ બોલી ઊઠી:
‘ના, કાકા!’ બા આવે એમની સાથે જ તમે તમારે વાતો કરી લેજો. એમના વિના હું એક અક્ષરેય નહીં બોલું!’ (આવતા સપ્તાહે સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter