પન્નાભાભી

નવલિકા (ભાગ-2)

- જોસેફ મેકવાન Tuesday 13th August 2024 07:27 EDT
 
 

(ગતાંકથી ચાલુ)
(ગુજરાતી સાહિત્યમાં ‘પન્નાભાભી’ નામની વાર્તા આગવું સ્થાન ધરાવે છે. આપણી ભાષાના શીર્ષ લેખક જોસેફ મેકવાનની કલમે લખાયેલી આ કૃતિ હકીકતમાં તો ચરિત્ર નિબંધ હતી, પણ ઉમાશંકર જોષી અને મનુભાઇ પંચોળી ‘દર્શક’ સહિતના દિગ્ગજ સર્જકોએ તેને વાર્તા ગણાવી. જેથી બાદમાં તે ‘પન્નાભાભી’ નામના વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ થઈ. આ વાતનો ‘પન્નાભાભી’ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક જોસેફ મેકવાને ખુદ ઉલ્લેખ કરેલો છે.)
એક વાર આમ જ ગામમાં માણેકવહુનું આણું આવેલું. એ જ સવારે માણેકનો થનાર માણિગર ઘર છોડીને નાસી ગયેલો. સમાચાર લખતો ગયેલો. ‘સંસારમાં મારો જીવ નથી. મને શોધશોય નહીં, સાધુઓ સાથે ચાલ્યો જાઉં છું. શોધખોળ કરશો તો ડૂબી મરેશ, ઘેર પાછો નહીં આવું.’ ત્યારે સવાલ ઊભો થયેલો. આણિયાત વહુનું શું કરવું? આણું તેડ્યા વિના ફારગતી કરી હોત તો વ્યવહાર ગણાત. આણું વળાવી લાવ્યા પછી, આવા બહાને પાછી મોકલવી એમાં એનાં પગલાં ખોટાં ગણાય ને માથે જિંદગીનું કહેણ બેસે. આ બધી ગડમથલ ચાલતી હતી ત્યારે, નાસી જનારના કાકાનો દીકરો દાનો, ખરે ટાણે દાનો નીવડ્યો. એણે બીડું ઝડપ્યું. ‘આણિયાત વહુને પૂછો. જો હું એને પસંદ હોઉં તો એના છેડા ગાંઠો મારી હંગાથ. એ રાજી હોય તો. એનાં માવતરનેય પૂછી જોવો!’ નોંધારા નસીબના ચક્કરમાં ફસાયેલી નવોઢાને તો આ કહેણ મળતાં કિનારો લાધેલો. પેલા કાયર ભાગેડું કરતાં આ ભડ ભરથાર સો દરજ્જે સારો! અને બમણા રંગે-ચંગે એમનાં ઘડીયાં લગન લેવાયેલાં. દીકરો નાસી ગયો એનો વસવસો મા-બાપને ઘણો; પણ ખરે ટાંકણે ભત્રીજે ભીડ્ય ભાંગી એનો હરખેય હવાયો.
મનેય ‘દાનો’ થવાનો દમ ભરાયેલો. પણ મારી બાર-તેર વરસની વયને કોણ પૂછે? આખરે વર વિનાના ઘરને ભાભીએ વધાવવું ને વાલમની વાટ્ય જોવી એવો નિર્ણય લેવાયો. રંગેચંગે ભાભીનું ફુલેકું કરવાના અમારા ઓરતા અટવાઈ ગયા. ને તોય હસતે મોઢે પન્નાભાભીએ ઉંબરો પૂજ્યો. આંબા વેડાયેલા તે ઘરમાં પકવણાના પાથરા. પડખેનું ખાલી ઘર વાળીઝૂડી નવી વહુના નવ દહાડા માટે સજાવેલું. ત્યાં જ ભાભીની પધરામણી કરાઈ.
બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઊલટ ના માય. કેરી ઘોળી, ડીંટું કાઢી હું એમના હાથમાં દઉં, એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા: ‘ચાખીને આલો, આ થોડી ખટાશ ભળી છે!’
મેં હથેળીમાં રસ ચાખ્યો તો કહે, ‘એમ નહીં, મોઢે માંડીને ચાખો!’
મેં સહેજ રસ ચાખીને એમને કેરી દીધી તો મધુરું હસતાં હસતાં કહે: ‘હા, હવે બરાબર મીઠડી લાગી!’
મેં કહ્યું: ‘પણ મીઠામાં મીઠા આંબાની છે, તમને પહેલી કેરી ખાટી કેમ લાગી?’ ‘તમે ચાખી નહોતી ને એટલે!’ કહેતાં એમણે પોતે ઘોળેલી કેરી મારા હોઠે ધરી દીધી અને બેએક ઘૂંટ ભરાવી પોતે મોઢે માંડી દીધી, હું અણુએ અણુએ એમનો થઈ ગયો. મને મનમાં થવા માંડ્યું, ‘હવે તો પેલો ભાઈ જેટલો મોડો આવે એટલું વધારે સારું!’ ચારેક વાગ્યે મારે ખેતરે જવાનું થયું. મને એ ના ગમ્યું. આખે રસ્તે મને ભાભીના જ વિચાર વ્યથા દેતા રહ્યા.
ખેતરમાં મોટો આંબો વેડાતો હતો ને જમીનદારનું ગાડું કેરીઓ ભરવા નહોતું આવ્યું એટલે મારે મોડું થયું. છેક સાડા નવ વાગ્યે હું ઘેર આવ્યો ત્યારેય છેલ્લી ગાડીમાં મુંબઈવાળા ભાઈની રાહ જોવાતી હતી. એ રઘવાટમાં કોઈને મારી સામે જોવાનીય મોકળાશ નહોતી ત્યારે ઠંડા પાણીનો લોટો ભરી ભાભીએ જ મારી ચિંતા દાખવી: ‘આટલું બધું મોડું? ભૂખ-તરસેય ના લાગી? હું તો ચિંતાની મારી અર્ધી થઈ ગઈ. ને અહીં તો કોઈને ફિકરેય ના મળે! કોઈને પૂછુંય કેમની?’
‘એ તો એવું ભાભી! કામ હોય તો અર્ધી રાતેય થાય. નિતનું લાગ્યું. ચિંતા કોણ કરે?’ હું આખો લોટો પાણી ગટગટાવી ગયો. ભાગની કેરીઓના કોથળા પરસાળમાં મુકાવ્યા. નાહ્યો, ત્યાં સુધીમાં સ્ટેશનથી છેલ્લી મોટર આવી ગઈ. મુંબઈથી સવારે ગાડી પકડી હોય તો ઈશ્વરભાઈ આ બસમાં આવવા જોઈતા હતા. પણ એ ના આવ્યા. ફોઈએ મને ભાણું પીરસ્યું ને ભાભીનેય કહી દીધું: ‘હવે તો કાલે જ આવે. હેંડ્ય વહુ તુંય ખાઈ લે!’
ઘણાંબધાંનો આગ્રહ થતાં ભાભીય મારી સાથે જમવા બેઠાં. પણ એમના કંઠે કોળિયા નહોતા ઊતરતા!
રાતે મોડે સુધી અમે વાતો કરી. ભાભી સાતમા ધોરણ સુધી ભણ્યાં હતાં. વાંચવાનો રસ હતો. આઠેક વરસની વયે એમના બાળવિવાહ થયા હતા. ત્યાર પછી કદી એમણે વરનું મોઢું નહોતું જોયું. પણ મોટા શહેરમાં નોકરી કરતો એમનો વર વરણાગિયો હશે એવી એમની કલ્પના હતી, પોતે એની નજરમાં ઊણાં નહીં ઊતરે એવો ભરોસો હતો. ને પહેલી નજરે એને પોતાનો કરી લેવાના એમને ઓરતા હતા. છેક આણાના મૂરત સુધી એ કેમ ના આવ્યો એની એમનેય ચિંતા હતી. પિયુમિલનની પહેલી રાતે નણંદ સાથે એ સૂતાં ત્યારે આંગણામાં સૂતેલો હું ઊંડી વિમાસણમાં પડી ગયેલો કે, આ તે કેવો નઠોર ભરથાર! જે ખરા અવસરે એની આણિયાત વહુના ઓરતા રિબાવી રહ્યો છે!
સવારે એ રિબામણ પૂરી થઈ. આખી રાતની ખેપ કરી ઈશ્વરલાલ આવી પહોંચ્યા હતા અને પરસાળ ભરેલાં બૈરાં એમની ખત-ખબર પૂછતાં હતાં ત્યારે ઊંધા ખાંડણિયાની ખુરશી કરી બેઠેલા એ મુંબઈગરા મહાશય ઉબરાશિયાં ખાતા હતા, એમના મુખ પર અરમાન ભરેલી નવોઢાને નીરખવાની જરાય ઊલટ નહોતી વર્તાતી ને વ્યવહાર-નિર્વાહની લજ્જાથી ભાભી પેલા ઓરડામાં એમનાં પગલાં સાંભળવા, ભરથારનાં દર્શન કરવા આંખ-કાન માંડી રહ્યાં હતાં. ‘મને ઊંઘ આવે છે. આખી રાતનો ઉજાગરો છે!’ એ કહેતા હતા અને ફોઈ એમને ‘થોડુંક ખાઈ-પીને સૂઈ જા ભાઈ! થાક્યોપાક્યો વિસામો લે!’ કહેતાં એની સગવડ સાચવવા મથતાં હતાં.
આવડી જિંદગીમાં હું એમને પહેલી વાર જોતો હતો. શહેરી વેશમાં સજ્યા હોવા છતાં મારી આંખ અંતરે એ ભાભીથી હેઠ્ય અંકાતા હતા. એમની પેટી ફંફોસી આગમચ આવેલી બહેન નિરાશાથી માથું ધુણાવતી હતી: ‘ભાઈ, ભાભી હાતર કશુંય નથી લાયા?’
ખાઈને એ ખાટલામાં પડ્યા તે પડ્યા જ. એ ઘોરતા હતા ત્યારે ત્રણ-ચાર વાર અન્યોથી આંખ બચાવી ભાભી ઊંચા શ્વાસે એમના જીવનસાથીને જોઈ ગયાં. નવું જીવન માંડવાના આ અણમોલ અવસરનો ઉમંગ જેને જરાય નહોતો અડતો એવા માણસને પ્રાણપણથી જીતી લેવાની એમની મંશા મૂરઝાતી જતી હતી.
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter