પ્રેમદિવાની

- ભાવના હેમંત વકીલના Wednesday 20th November 2024 05:08 EST
 
 

‘અવનિ બેટા... શું કરીશ ઈન્ડિયામાં..! તું વર્ષોથી અમેરિકામાં રહી, અહીંના રંગે રંગાઈ છે ને સ્ટુડન્ટ ઈન્ડિયાથી અમેરિકા ભણવા માટે આવે છે અને તું અહીંથી ત્યાં જઈશ?’
અમેરિકાના એક સુંદર હાઉસમાં સુલેખા પોતાની દીકરી અવનિને આછા અંધકારમાં પણ એકટક જોઈ રહી તેને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.
‘મમ્મા... વર્ષોથી તો હું તમારી સાથે જ રહી છું. હવે કેટલોક સમય ઈન્ડિયામાં, કોલેજમાં એડમિશન લઈ, દાદુ - દાદી સાથે સમય વિતાવીશ.’
બાવીસ વર્ષની અવનિના અવાજમાં એક સમજણભર્યા ઠહરાવનો અહેસાસ અનુભવી, સુલેખાએ ઊંડો શ્વાસ લીધો.
‘ઓકે બેટા..! તારા જીવનના મહત્ત્વના નિર્ણયો તું જાતે લેવા માટે સ્વતંત્ર છે. જોકે... અહીં રહીને જોબના ચક્કરમાં અમે તને બધું જ આપી શક્યા છીએ, પરંતુ સમય આપી શક્યા નથી. તારા જીવનનો ઉત્તમ સમય તું ઈન્ડિયામાં રહી, દાદા-દાદી પાસેથી મેળવી શકીશ.’
અને... અનેક ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને ઉમંગો મનમાં ભરી, એક દિવસ અવનિ, અમેરિકામાં પોતાના મોમ- ડેડને છોડીને, ઈન્ડિયા દાદુ-દાદીના સ્નેહમાં ભીંજાવા આવી જ ગઈ હતી.
તેણે ફ્લેટના દરવાજા પર ડોરબેલ વગાડ્યો અને દાદુએ ફ્લેટનો દરવાજો ઊઘાડ્યો, ત્યારે પોતાના જ દીકરાની દીકરીને વર્ષો બાદ સામે ઊભેલી જોઈ લાગણીઓના એક ધોધમાં જાણે વહી ગયાં હતાં.
અવનિની ગોરી ચમકતી ત્વચા, ભૂખરાં વાળ, આછી કથ્થઈ આંખો, સપ્રમાણ શરીર અને સોનામાં સુગંધ ભળે તેમ તેને મળેલી નમ્રતા.
દાદુ-દાદીને જય શ્રીકૃષ્ણ કરી, આશીર્વાદ લેવા ચરણને સ્પર્શ કર્યો ત્યારે તો બંનેની આંખોએ ઝળઝળિયાં છલકાવી જ દીધાં હતાં.
એક અપાર સ્નેહથી છાતી સાથે લગાડી ત્યારે તો હૃદય ભરાઈ ગયું હતું.
અનેક સંવેદનાઓથી ભરી - ભરી અવનિનું મન પણ ભરાઈ ગયું હતું, પરંતુ પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખી તેણે કહ્યું હતુંઃ ‘દાદુ-દાદી, હવે તો હું અહીં જ છું. તમને છોડીશ નહીં, સમજ્યા..?!’
અને ત્રણેયના ખડખડાટ હાસ્યથી ઓરડો ઉભરાઈ ગયો હતો.
અમેરિકા તરફ જઇ રહેલાં પ્લેનમાં સવાર થયેલી, વિચારોના વાદળ ઉપર તરતી અવનિ, ઈન્ડિયામાં વીતેલા પાંચ વર્ષની યાદો, પોતાની નજર સમક્ષ અત્યારે પણ જોઈ રહી હતી.
જોકે, અવનિને અમેરિકામાં રહીને પણ ત્યાંનો રંગ લાગ્યો ન હતો. મોમ અને ડેડ ભલે અમેરિકામાં રહેતાં, પરંતુ પરિવારનું વાતાવરણ તો ઈન્ડિયન જ હતું. માનવજાત પ્રત્યે સ્નેહ, સદ્ભાવ અને સંવેદનાઓ, વડીલો પ્રત્યેનો આદરભાવ, સમગ્ર હાઉસનું કામકાજ અને..!
એક હળવા આંચકા સાથે આગળ વધતું પ્લેન, પોતાની ગતિ પકડવા દોટ મૂકી રહ્યું હતું અને પ્લેનની અંદર અવનિના મનમાં વિચારોની ગતિ વેગવંત બની રહી હતી.
પાંચ વર્ષ પહેલાં પોતે અમેરિકામાં હતી ત્યારે યુવક અને યુવતીઓના એક વિશાળ ગ્રૂપથી હંમેશા ઘેરાયેલી રહેતી, નવયુવકો તેની સાથે મિત્રતા કરવા હંમેશા તત્પર રહેતાં, પરંતુ આ બધાંયમાં તેને કશું ખૂટતું લાગતું. કોઈનાથી પણ ક્યારેય તે આકર્ષાઈ ન હતી અને ઈન્ડિયા આવી કોલેજમાં એડમિશન લીધું ત્યારે..!
“અરે! તને ખબર છે? ઘણા દિવસથી મનન દેખાયો નથી.’
સરિતા પોતાના પુસ્તકો, એકસરખી કાપેલી ઘાસની લોનમાં મૂકીને બેસતાં બોલીઃ “અરે યાર! મનન તો પંદર દિવસથી બીમાર છે અને બહેનબાને આજે મનનની યાદ આવી.”
રચનાએ પોતાના વાળને બાંધતાં કહ્યુંઃ “શું વાત કરે છે યાર! મનન બીમાર છે? શું થયું છે તેને?”
સરિતા જાણે અકળામણ અનુભવી રહી, “ટાઈફોઈડ થયો છે તેને, પણ હવે સારું છે. ડોક્ટરે આરામ કરવા કહ્યું છે. તેના એજ્યુકેશન માટેનું પર્ફેક્શન એ જ તો તેનું જીવન છે.”
અને સરિતા કંઈ ઉત્તર આપે તે પહેલાં જ રંગબેરંગી અવનવા વસ્ત્રો પહેરીને આવેલી યુવતીઓમાં એક વિશાળ ગ્રૂપ સાથે અવનિ પણ ત્યાં આવીને બેસી ગઈ.
સરિતા અને રચનાની વાતો તેણે થોડી દૂર રહ્યે પણ સાંભળી હતી, પરંતુ અવનિએ જાણે કશું સાંભળ્યું જ ન હોય તેવો ડોળ કર્યો.અનેકાનેક વાતોનો એક દોર જાણે ચાલ્યો. સરિતા અને રચનાની વાતચીત સાંભળતા જ તેનું મન મનનને નિહાળવા માટે અધીરું બની ગયું હતું.
કોણ છે આ મનન..! જે કોલેજની દરેક યુવતીઓના મન ઉપર રાજ કરી રહ્યો છે. આખી કોલેજમાં મનન જ બધાંયથી અલગારી વ્યક્તિત્વ ધરાવતો હતો.
અને કેટલોક સમય બાદ તેને પહેલીવાર નજર સામે જોયો ત્યારે તો મનન – અવનિના મનમાં બરાબર સમાઈ ગયો હતો. (આવતા સપ્તાહે સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter