(ગતાંકથી ચાલુ...)
મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ મનન હંમેશા બધાંયની સાથે માનપૂર્વક રહેતો. ટોળટપ્પાં, આછકલાઈ કે મજાક-મશ્કરી જાણે તેનાં સ્વભાવમાં જ ન હતાં.
હોસ્ટેલમાં રહેતો... એટલે કોલેજ જ તેનું ઘર અને પરિવાર હતો.
પછી તો મનન અને અવનિ એકબીજાના સારા મિત્ર બની રહ્યા. અવનિ અને મનનની મિત્રતા વિતેલા પાંચ વર્ષમાં કોલેજના યુવક-યુવતીઓમાં રસનો વિષય બની રહી હતી.
અવનિ હર સ્થળે હર પળે મનનના વાકચાતુર્યને મમળાવતી રહેતી. મનન સાથે વાતો કરતાં કરતાં તેની આંખોના ઊંડાણમાં ખોવાઈ જતી, મનનની સાથે ને સાથે રહેવું તેને ખૂબ ગમતું.
દાદુ-દાદી પાસે રહેતી ત્યારે પણ મનન તેના સમગ્ર અસ્તિત્વ ઉપર છવાયેલો રહેતો. ઘરમાં પણ દાદુ-દાદીની સાથે મનનની વાતો કરવાનું તેને ખૂબ ગમતું.
જોકે, અવનિ ક્યારેય મનનને જાણ થવા ન દેતી કે પોતાને તે ગમે છે.
અને મનન તરફથી પણ ક્યારેય નજદિકીનો અહેસાસ ન થતો.
વાદળોની છાતી ચીરતું પ્લેન પોતાની એકધારી ઝડપે ઊડી રહ્યું હતું અને અવનિનું મન મનનના વિચારોની ગતિને પોતાની સાથે લઈ આગળ ધપી રહ્યું હતું.
કદાચ મનન અવનિનો પ્રથમ પ્રેમ હતો અને પ્રથમ પ્રેમ તો પરમ ઈશ્વર જેવો જ હતો. જાણે રાધા અને કૃષ્ણનો પ્રેમ. જાણે મા યમુનાનો શ્રીનાથજી ઉપરનું અનન્ય દાસીભાવ. પોતે તો તેને સંપૂર્ણ સમર્પિત થવા ઈચ્છતી હતી, પરંતુ જો અને તોનો એક ભાવ તેને હંમેશા રોકી રહ્યો હતો.
ઈચ્છાઓ અને આકાંક્ષાઓ - અવનિની અને મનનની સાવ અલગ અલગ હતી.
પોતે ખૂબ નાની હતી ત્યારે ભણતી વખતે પોતાના આછા બ્રાઉન કલરની આંખો પટપટાવતી રહેતી.
મોમ હંમેશા કહેતી, ‘અવનિ, જો આ હોમવર્ક તું જલ્દી પૂરું કરીશ તો હું તને ચોકલેટ આપીશ. અને નાઈટમાં આઈસ્ક્રીમ પણ આપીશ.’ અને મોમ તો એમના કામમાં ડૂબી જતી, પરંતુ હું મારી આંખો પટપટાવતી રહેતી. મોમને સમજવાનો પ્રયત્ન કરતી રહેતીઃ જો હું આ લેસન સમયના બંધનમાં રહીને પૂરું ન કરી શકું તો મોમ મને ચોકલેટ નહીં આપે? અને આઈસ્ક્રીમ પણ?
પરંતુ બાર વર્ષના બાળપણમાં અવનિ આ ‘જો’ અને ‘તો’ નો ભાવ સમજી શકતી ન હતી અને હવે અચાનક સમજાઈ ગયો છે ત્યારે આ જો અને તોના ભાવ વચ્ચે જીવન જીવવાનો ભય લાગે છે. ‘જો મનન મારી સાથે લગ્ન નહીં કરે તો હું મનનને પ્રેમ નહીં કરી શકું...’
તો શું મારો પ્રેમ લગ્ન કરવા માટે જ પ્રેમ છે? તે પોતાની જાતને સવાલ કરી રહેતી. ના... ભલે મનન મારી સાથે લગ્ન ન કરે, મારો પ્રેમ તો એટલો જ રહેશે. જેમ કે, રાધા અને શ્યામ, મીરાં અને કૃષ્ણ.
અને એક દિવસ પ્રેમની પરીક્ષા પણ થઈ ગઈ. જ્યારે અચાનક મોનલ અને મનનને નજર સાથે નજર મિલાવીને સ્નેહના અખૂટ દરિયામાં તરતાં જોયાં... હૃદય એક ધડકન ચૂકી ગયું.
ક્યાંક કશુંક ખૂટતું હતું. અને મારી જાતને કૂપમંડુકની જેમ સંકોચીને હું કોચલામાં ભરાઈ ગઈ... જાણે અળવીતરાં મનની આસપાસ ચણાયેલો અભેદ કિલ્લો...
હવે તો બસ... ભાગી છૂટવું હતું પરંતુ ક્યાં? જ્યાં જઈશ ત્યાં મનન વિનાની અવનિ ન જ હોઈ શકે.
વળી ઈન્ડિયા રહી આ પાંચ વર્ષમાં અખૂટ સ્નેહ, ત્યાગ અને સમર્પણના ભાવ તો હું દાદુ-દાદી પાસે રહીને જ શીખી ગઈ હતી. અખૂટ સ્નેહમાં હિચકોલાં ખાતી, પ્રેમના નિઃસ્વાર્થ ભાવનો ભાર લાગતો ન હતો અને મારું સમર્પણ તો મનનને સમર્પિત જ હતું.
રુક્ષ્મણિ ન સહી... રાધાભાવ તો અનન્ય હતો. અને પરમાત્માએ જે ખોળિયું આપ્યું તે જિંદગી જીવવા માટે નહીં, પરંતુ જિંદગી જીતવા માટે આપ્યું છે.
બસ... આ સમયની ધારા છે. જે અવિરત વહેતી રહે છે. ક્યાંય રોકાતી નથી અને માનવીએ પણ તે મારગ ઉપર જ ચાલવું પડે છે. પ્લેને અમેરિકાના એરપોર્ટ ઉપર લેન્ડ કરી જ દીધું હતું. (સમાપ્ત)