ભાગલો વહોરો

Wednesday 05th June 2024 08:51 EDT
 
 

બધા એને ભાગલો વહોરો કહેતા.
તમે એને એક વાર જુઓ તો તેને ક્યારેય ભુલી ન શકો.
તેની ગંદી કાળી ટોપીની નીચે તેનું કપાળ કઇ બહુ મોટું તો નહોતું, છતાંય એ ચહેરામાં એવડું જ કપાળ બરાબર છે, એમ તમને લાગે. ઉલ્ટાવેલો ત્રિકોણ હોય એવો એનો ચહેરો હતો, અને એ ત્રિકોણનાં શિરોબિંદુએ થોડા વાળ ચોંટાડી રાખ્યા હોય એવી એમની દાઢી હતી, ઉપરનો હોઠ ચોખ્ખો દેખાઇ આવે તેટલા જ વાળ મૂછ પર. પીઠે કેડેથી એ થોડો નમેલો.
એના પગ જરા વાંકારાંટા પડતા હતા, એના નબળા હાથમાં એ વાંસી કાયમ રાખતો... એનો ઝભ્ભો કે પાયજામો મૂળ ક્યા કપડાનો બનેલો હશે એ કહેવું મુશ્કેલ થઇ પડે એટલા થીંગડાવાળો હોય, આ જમાનામાં એ હોત તો ફેશનમાં ગણાઇ જાત કદાચ. એ ચાલતો જ એવી રીતે કે તમે એને ભાગલો કહો.
લોકો એને ભાગલો કહેતા એનો એને જરાય ધોખો ન હતો, એ વિશેષણ એણે સ્વીકારી લીધું હતું. તેથી જ તો એના સાચા નામની કોઇને ખબર નથી. એને તો એ ભલો ને એનું કામ ભલું.
ઉગ્યાથી આથમ્યા સુધી એ પગ વાળીને બેસતો નહીં, એ શું કરતો? એમ તમે પુછો છો ને?
નાનપણમાં એ તમારી જેમ નિશાળે ગયો નહોતો, એટલે લખતાં-વાંચતાં એને આવડતું નહીં. એને છોકરાય હતા નહીં, એની ઘરવાળી ક્યારે ગુજરી ગઇ હતી એ પણ એ ભુલી ગયો હતો. સંસારમાં એનું કોઇ નહોતું. દૂર દૂરનાં એક ભાઈ હતા એને ત્યાં એ બે ટાણાં જમી આવતો.
શિયાળે-ચોમાસે એની ઓસરીમાં રાત્રે પડ્યો રહેતો પણ ઉનાળે તો એ ગમેત્યાં સુઈ રહેતો. પથારી એને ભોંય અને ઓઢણ એનું આકાશ.
કોઇ એને પૂછે: “એ ભાગલા તારું ઘર ક્યાં? તારું કોઇ છે ખરું?”
એ કહેતો: “આ ઢોરનું છે કોઇ? આ પંખીડાનું છે કોઇ? જુઓને પેલા વાંદરા... એને ન મળે માળો કે ન મળે તબેલો... અરે કોઢેય નહીં.”
બસ આટલું બોલે ન બોલે અને એ પોતાના કામે વળગી જાય. તમે એનું સાંભળ્યુ છે કે નહીં એ જાણવાની એને જરૂર પણ ન લાગતી.
રામપુરનું પાદર આજે લીલું કુંજાર દેખાતું, વટેમાર્ગુઓ અહીં આવે કે તરત જ એમનાં મનમાં ટાઢક વળી જાય અને કહે આ પાદર તો ગોકુળ વૃંદાવનની કુંજો જેવું લાગે છે, હરિયાળા અને છાંયાવાળા આ વૃક્ષોમાં કેટકેટલાય પક્ષીઓ કલશોર કરે છે, ને કેટકેટલાય ધણ રંભારવ કરે છે.
પાદરને અડીને જ ગામનું તળાવ છે. એ તળાવની પાળેપાળે લીમડા, પીપળા અને વડનાં ઝાડ લહેરાય છે, વચ્ચે વચ્ચે આંબાના વૃક્ષોનો ખાસ લીલો રંગ જુદો તરી આવે છે અને આવા વાતાવરણમાં “પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ...” કે પછી “પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી...” એ વાત યાદ આવ્યા વગર રહે જ નહીં.
આટલા બધા ઝાડ એ ભાગલાની મહેર છે, એમ ગામમાં સૌ કોઇ કહે. ભાગલો હોય જ નહીં અને આટલા ઝાડ ઉછરે નહીં. ભાગલો એકલો થઇ ગયો પછી તેણે આ કામમાં જીવ પરોવી દીધો.
ખાડો ખોદે, તળાવમાંથી કાંપ લઇ આવે, એમાં નાના રોપા રોપે, પછી એને ફરતું ખામણું કરે, રોજ એને પાણી પાય. ભાગલાની લગન જ એવી કે રોપાને નવા નવા અંકુર ફુટે, નવા નવા પાન ફુટે એ જોઇ ભાગલો રાજી રાજી થઈ જાય. એના નબળા જણાતાં શરીરમાં શક્તિ આવતી, રઝળતાં ઢોર-બકરાંથી રક્ષણ કરવા એ મજાનું વાડોલીયું પણ કરતો...
છતાં કોઈ ઢોર કે બકરું કુમળા પાન ખાઈ જતું તો ભાગલો કહેતો “ખાઓ ભાઈ ખાઓ, રામ કી ચિડીયા રામ કા ખેત”. વળી કહેતો, “ચાલો ભાઈ, હવે ફરી વધારે કામ કરવાનો અવસર તો મળ્યો...”
ગામને ગોંદરે એક મોટો વડ હતો. વડને ટેટા આવતાં ત્યારે વડદાદાના મહેમાન થઇને કેટલાય પંખીઓ ત્યાં આવતાં. વડદાદાના ઘરે પછી જમણવાર જ ચાલતો, ભાગલો બપોરનાં ઘડીક પોરો ખાવા વડનાં ઝાડ નીચે સુતો. અને સુતાં સુતાં પંખીઓની રમણાં જોતાં જોતાં જરી જંપી પણ જતો.
ભાગલાને કોઇની સામે કદી કશી ફરિયાદ નહોતી.
કોઈ એને પૂછે: “ચાચા કેમ છો?”
“એઇને આરામ હોં...” – ભાગલો તરત જ બોલે, “ભઇ, આ મનખા દેહ જ ન મળ્યો હોત તો આ રૂપાળી ધરતી જ જોવાની રહી જાત ને? જ્યાં જુઓ ત્યાં આ પંખીડા, આ પશુડા, આ જીવજંતુ એક જોવો ને બીજુ ભૂલો... ને મારા ભાગલાની પાસે પ્રભુ કેવું કામ કરાવે છે નૈ?!”
ભાગલાનુ બળ જ આ...
ભાગલાને કોઇ કહે: “ભાગલા આ ઝાડ રોપાની માથાકુટ તું કરે છે તે કંઇ ખપ લાગવાનું ખરું કે?”
“અરે ભૈ, આ ધરતી બનાવી હશે કો’કે પણ જોવોને વાપરું છું તો હું જ ને?” ભાગલાને એ જવાબો ગોઠવવા જ ન પડતા.
ભાગલો ક્યાંકથી કાંટી ભેગી કરે, ક્યાંકથી થોરીયા લઇ આવે, ક્યાંકથી ઝાડવાનાં રોપા લઇ આવે, આ કામ એ ક્યારે કરતો એ કોઇને ખબર ન પડતી. બધું જ કામ એ મોજથી કરતો, ઝાડ ઝાડ એના સ્વજન બની ગયાં હતાં. ઝાડ સાથે એ વાતો પણ કરતો.
“હા... ને કાલ પાણી પાવાનું રહી ગયું... માળું શરીર છે જરી થાકેને?? એલા લીમડા, ભીમાનાં ઊંટીયાએ તારી ડોક મરડી નાખી તે તનેય દુ:ખતું હશે ને? ચાલ... કાલ સારા થઇ જવાશે, બિચારો ઊંટીયોય ભૂખ્યો થયો હશે ને? અને અલ્યા પીપળા તારા કુણા કુણા પાંદડાંનો રંગ તો જો ભલા કો’કની નજર બેસશે.”
આમ ભેરુબંધો સાથે એની ગોઠડી સતત ચાલતી.
એ પુરાં સો વર્ષ જીવ્યો અને છેલ્લે ચૈત્રની મજાની ચાંદની રાતે તળાવની પાળે એ સુતો એ સુતો, કોઇની ચાકરી લેવી પડી નથી. એનું અવસાન થયું ત્યારે ગામ આખુ બેબાકળું બની ગયું હતું.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter