દફતર લઈને આંબલી ચાવતાં જયુ અને પુષ્પા ઘરે આવતાં હતાં. પુષ્પા કહેતી હતી, ‘હેમાની મા ઓરમાન છે. ઘરે બધા કામ હેમા પાસે જ કરાવે છે. પોતે ટીવી જોતી બેસે હેમાની પીઠે મારના સોળ પડેલાં હોય છે. હેમા આજે મારી પાસે બહુ રડતી હતી.’
જયુ પુષ્પા સામે આંખો પહોળી કરીને બધું સાંભળતી રહી. મૂગી-મૂગી ઘર તરફ વળી. પપ્પા બહાર જતા હતા. એમનો ચહેરો તંગ હતો. થોડી વારે મમ્મી પણ બહાર ગઈ. એની આંખો રડીને લાલ થયેલી લાગતી હતી. એટલે કે રોજ પ્રમાણે ઉગ્ર વાદવિવાદ થયો હશે. પપ્પા બોલ્યા હશે, ‘આ રીતે સાથે રહેવા કરતાં છૂટાછેડા લઈ લીધા સારા!’
‘તે લ્યો ને! મેં થોડા તમારા હાથ બાંધી રાખ્યા છે? લાવો, હમણાં સહી કરી આપું.’
જતાં-જતાં મમ્મી કહેતી ગઈ, ‘ટેબલ પર દૂધ ને ભાખરી રાખ્યાં છે.’
પણ એ દૂધ-ભાખરીમાં જયુને સ્વાદ ન લાગ્યો. ભૂખી હતી એટલે પેટમાં નાંખી લીધું, પણ પછી આડી પડી વિચારે ચઢી ગઈ... ‘મમ્મી-પપ્પા છૂટાછેડા લેશે, તો આ સરસ મજાનું ઘર મારું રહેશે નહીં. હું પપ્પા સાથે રહીશ તો મારી સ્થિતિ હેમા જેવી જ થશે ને! ઓરમાન મા મને મારશે, મારી પાસે ખૂબ કામ કરાવશે. મમ્મી મને પોતાની સાથે રાખશે? આજેય પપ્પા પરનો રોષ એ મારા ઉપર કાઢે છે. છૂટાછેડા પછી તો...’ વિચારમાં ને વિચારમાં એ જૂના સાડલાનો ડૂચો સોડમાં લઈ ઊંઘી ગઈ. એ સાડલો એનો વિશ્વાસુ આધાર હતો. મમ્મી વઢતી કે, ‘તું હવે નાની કીકી થોડી છે કે સાડલાનો ડૂચો લઈ સૂએ છે?’ પણ એ સાડલાના ડૂચાથી એને ભારે સલામતી લાગતી અને ઊંઘ આવી જતી.
રાતે ફરી ઘરમાં તકરાર થઈ. પપ્પા બહારથી આવી હાથ-મોં ધોઈ જમવા બેઠા. સવારનું જ ખાવાનું ગરમ કરીને મમ્મીએ થાળી પીરસી. પપ્પા ધુંઆપુઆં થઈ ગયા. ‘બે વખત રસોઈ પણ નથી થઈ શકતી? આવું વાસી ખવડાવે છે!’ અને થાળી ઠેલી પપ્પા ભૂખ્યા જ ઊઠી ગયા. મમ્મીએ એમને વાર્યા નહીં કે મનાવ્યા નહીં.
જયુએ જેમતેમ ખાઈ અને પછી સૂઈ ગઈ. રાતે એને ભયંકર સપનું આવ્યું એ જંગલમાં એકલી પડી ગઈ છે. ચારેકોર વિકરાળ પ્રાણીઓ છે. ભયથી એ ચીસ પાડી ઊઠી અને જાગી ગઈ. મમ્મી-પપ્પા તો બીજા ઓરડામાં હતાં. થોડી વાર એ ધ્રૂજતી રહી. પછી સાડલાનો ડૂચો લઈ ફરી ઊંઘી ગઈ.
સવારે મમ્મી-પપ્પા બંનેના મોઢાં ચઢેલા હતા. એ નિશાળે ગઈ ત્યાં સુધી કોઈ એની સાથે કાંઈ બોલ્યું નહીં. મમ્મી-પપ્પા તો કેવા પ્રેમાળ હતાં! જયુને બહુ વહાલ કરતાં, પણ હમણાં એકાદ વરસથી શું થઈ ગયું છે, ખબર નહીં! બંને ઝઘડતાં જ રહે છે અને જયુ સાથે પણ ચીડાયેલાં જ રહે છે.
આજે નિશાળેથી પાછા ફરતાં હેમા સાથે થઈ ગઈ. તેને ઘણું ઘણું પૂછવાનું, તેની પાસેથી ઘણું-ઘણું જાણવાનું જયુને મન હતું, પણ તે કાંઈ પૂછી શકી નહીં. તેવામાં હેમાની નજર જયુના સ્કર્ટ પર પડી. ‘આ લોહીના ડાઘ ક્યાંથી?’
જયુ ચમકી ગઈ. એ ઝટપટ ઘરે પહોંચી. બાથરૂમમાં જઈ જોયું તો ખાસ્સું લોહી હતું. જયું ને થયું, પોતાને ભયંકર રોગ થયો છે. હવે પોતે વધુ જીવશે નહીં. એ બહુ ગભરાઈ ગઈ.
પરંતુ એકાએક મનનો એક વિચાર ઝબક્યો – ‘આ બહુ સારું થયું. મમ્મી-પપ્પા જાણશે, ત્યારે એમને મારા માટે બહુ લાગણી થશે. તેઓ મને પ્રેમથી સંભાળવા લાગશે, મને ખૂબ વહાલ કરશે. તેમાં એમનો ઝઘડો ભુલાઈ જશે. આ સરસ મજાનું ઘર વેરવિખેર થતું બચશે.’ અને એ ખુશી-ખુશી થઈ ગઈ. એણે મનોમન નક્કી કર્યું. ‘હું હસતે મોઢે બધું સહન કરીશ. હું ભલે ન જીવું, પણ સુંદર ઘર જીવતું રહેશે. મમ્મી-પપ્પા છુટ્ટાં નહીં પડે.’
હવે તેણે ડાહી થઈને વર્તવાનું હતું. તેના માથે મોટી જવાબદારી હતી. એને થયું, હમણાં નહીં, બધા જમી પરવારે પછી કહીશ નહીં તો મમ્મી-પપ્પા જમશે નહીં.
બધા જમી પરવાર્યા. જયુએ મમ્મી-પપ્પાને પાસે બેસાડ્યા, પણ વાત કેમ કરવી, એ તેને સમજાય નહીં. ધીમે ધીમે એ બોલીઃ તમે ધીરજ રાખજો. મારી જરાય ચિંતા કરશો નહીં. હું જરાય ગભરાતી નથી. શાંતિથી સહન કરીશ.’
બંને પ્રશ્નસૂચક નજરે તેની સામે જોઈ રહ્યાં. એ બોલતી રહીઃ ‘તમે બંને આનંદમાં હશો તો મને મરણ પણ ફુલ જેવું લાગશે...’
મમ્મી અકળાઈને બોલી, ‘આ શું ગાંડા કાઢે છે? શું થયું છે તને?’
જયુએ સ્કર્ટ-ચડ્ડી લાવીને મમ્મીના હાથમાં મૂક્યાં. એને હતું કે મમ્મી ભડકી ઊઠશે, એને ગોદમાં લઈ રડવા માંડશે, પરંતુ એણે તો એને પાસ લઈ વાંસે હાથ ફેરવતાં મીઠા અવાજે કહ્યું, ‘હત્તારી! આટલું જ ને! દરેક છોકરી વયમાં આવે એટલે આવું થાય. કાલે દાક્તરકાકી પાસે જજે, એ બધું તને સમજાવશે.’ અને પતિ સામે જોઈ બોલી, ‘જુઓ આપણી દીકરી મોટી થઈ. હવે આપણે ઝઘડીએ, તો શોભે નહીં!’
રાતે જૂના સાડલાના ડૂચાને હાથ ફેરવતી જયું પથારીમાં કેટલીય વાર સુધી જાગતી પડી રહી.