શરણાઇના સૂર

ચુનીલાલ મડિયા Tuesday 16th July 2024 05:15 EDT
 
 

(ચુનિલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામતી શરણાઈના સૂર. ગુજરાતી સાહિત્યમાં ચુનીલાલ મડિયાનું અમુલ્ય યોગદાન છે. જેમણે ‘લિલુડી ધરતી’, ‘વ્યાજનો વારસ’ જેવી નવલકથાઓ સાથે ટુંકી વાર્તાઓ, નાટકો અને કવિતાઓ આપી છે. જેમણે ‘પોસ્ટઓફિસ’ વાર્તા વાંચી હશે, તેમને ખુબ જ પસંદ આવે તેવી લાગણીસભર વાર્તા.)
માંડવો વધાવાઈ ગયો. ગોતરીજ પાસે પગેલાગણું પતી ગયું. ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી લીધા. જાનને શીખ દેવાઈ ગઈ. ધર્માદાનાં લાગાંલેતરી ચૂકવાઈ ગયાં, વેવાઈઓએ એક–બીજાને વહાલપૂર્વક ભેટી લીધા.
રામણદીવડો પેટવાઈ ગયો. વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયાં. સામેથી આવતી પણિયારીના શુભ શુકન સાંપડી ગયા.
- અને ગાડાનું પૈડું સીંચાઈ ગયું.
અને ડોસા રમઝુ મીરે શરણાઈના સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગવરીની જાન ઉઘલી ગઈ.
ગામડાંગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત કોઈ કોઈના કરા સાથે ધકો અફળાવતું ગાડું માંડમાંડ કરીને શેરી સોંસરવું નીકળ્યું ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુનાં બૈરાંઓ વરરાજાને જોવા એકઠાં થઈ ગયાં હતાં. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતાં હતાં:
“આ ભૂધર મેરાઈનો જમાઈ – ”
“ગવરીનો વર હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે?”
નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફરીને ફરીને ઊભો હતો. રમઝુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી. કન્યાપક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું.
“આ દશ આ દશ પીપળો...
 ....આ દશ દાદાનાં ખેતર...”
વરપક્ષની જાનડીએ સામું ગીત માંડ્યું...
“ખોલો ગવરીબાઈ ઘુંઘટો ,
જુઓ સાસરિયાનાં રૂપ ...
એક રાણો ને બીજો રાજિયો,
ત્રીજો દલીનો દીવાન...”
ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું. મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વીસરી ગયા. પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે એણે પીઠ ફેરવી ને જાન આગળ ચાલી.
રમઝુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી. કામઢા વેપારીઓ હજાર કામ પડતાં મેલીને ઊઘલતી જાનને અવલોકવા દુકાનોને ઉંબરે આવી ઊભા. આખું સરઘસ અત્યારે જાજવલ્યમાન રંગો વડે સોહાતું હતું. મોખરે રમઝુના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું. જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી એ આખો સમૂહ લાલભડક લાગતો હતો. હીરભરતનાં ઝૂલ ને શિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તલવારનું રંગીન મિયાન તેમ જ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી જતાં હતાં. એમની પાછળ વિદાયગીતો ગાતી સુહાગણોનાં અવનવાં પટકૂળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો!
આડે દિવસે ઊંડઊડ લાગતી બજારમાં રમઝુ મીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે ને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે. પ્રાકૃતજનોને આ શરણાઈની સૂરાવલિ સમજાય કે ન સમજાય, પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઊઠે તો ખરાં જ .
ભરબજારે ચોગાનમાં ઊભીને રમઝુએ અડાણો ઉપાડ્યો હતો. એ ઉન્માદભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતાં, છતાં એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા. એમની આંખ સામે તો, વાતવાતમાં છણકા કરતી, આંખમાંથી અગનતણખા વેરતી, ખોટેખોટાં રૂસણાં લેતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ નટખટ ને નખરાળી નવોઢા રમી રહી હતી. અભણ રમઝુ ડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સૂર હતા અને એ સૂર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો.
નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરિયે સોંઢતી પતિમિલનોત્સુક પરિણીતાનું કલ્પનાચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું. એ આ મેલાઘેલા માણસે સાધ્ય કરેલી સૂરશક્તિની જ બલિહારી હતી.
હરઘડીએ વધારે ને વધારે ચૂંટાતા જતાં અડાણાના સૂરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમઝુ મીર પોતે રમમાણ લાગતો હતો. આંખ મીંચીને ગલોફાં ફુલાવી – ફુલાવીને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુ એક વાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે. માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલા તળશી વેવાઈને આ વાતની જાણ નહોતી; તેથી તેઓ મીરને દાદના પૈસાના લાલચુ ગણીને પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા.
તળશી વેવાઈને સૂરજ આથમતાં પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી. તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા:
“હાલો, મીર હાલો, ઝટ વહેતા થાવ.”
પણ અડાણાના સૂરમાં ગળાડૂબ શેલારા લેતા રમઝુને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળશી વેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી: આ ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પૂગતાં સાંજ પડી જશે ને અંધારે સામૈયાં કરવામાં હોરાજીની કિસનલાઈટ મંગાવવી પડશે. મોંઘીદાટ બત્તીનાં બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુફલિસ મીરને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમઝુને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાશ હતી? (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter