(ગતાંકથી ચાલુ...)
મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુને કહ્યું કે, “હાલો, મીર, હવે હાંઉ કરો હાઉ!” પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો?
આખરે ભૂધર મેરાઈ પોતે જ આગળ આવ્યા ને રમઝુને રીતસરનો હડસેલો મારીને જ સંભળાવ્યું:
“હવે હાલની ઝટ, હાલની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ!”
મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉશ્કેરાયેલાં વેણ કાને પડ્યાં ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું ને મારે તો હજી જાનને ઝાંપા સુધી દોરી જવાની છે.
રમઝુ યંત્રવત્ આગળ તો વધ્યો, પણ એનું દિમાગ અને દિલ પણ બરોબર બે દાયકા જેટલું જાણે કે પાછળ હટી ગયું.
વીસ વરસ પહેલાં આવા જ એક નમતા બપોરે રમઝુ મીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરિયે વળાવી હતી. હૃદયમાં ઊંડે–ઊંડે ખૂંપેલું દર્દ સળવળે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂંગો ચિત્કાર આ જૂનાં સ્મરણોના સળવળાટે મીરના હૃદયમાં ઊઠ્યો.
અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલાઈ ગયો. અડાણાનો ઉન્માદ અને ઉમંગ ઓસરી ગયો. એને સ્થાને હવે કોરાયેલાં કાળજાનું દર્દ વહેવા લાગ્યું. એકાએક પલટાયેલો આ તાનપલટો શ્રોતાઓ સમજી ન શક્યા, પણ આ નવા સૂરની અસરમાં આવતાં એમને વાર ન લાગી. આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ્યો હોય, પૃથ્વી પર સ્નિગ્ધતળ કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતાં ચોગરદમ ધિક્કારના ઓળા ઊતરી રહે અને આખા વાતાવરણમાં એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય એવી જ અસર અત્યારે ઊઘલતી જાનમાં વરતાઈ રહી.
ઘડી વાર પહેલાં આનંદમાં ગુલતાન એવા એ જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા. ગીત ગાતી સુહાગણોએ પણ જાણે કે શરણાઈની અસર તળે જ વધારે કરુણ વિદાય – ગીતો ગાવા માંડ્યાં હતાં :
“આછલાં કંકુ ઘોળ રે લાડી
આછલી પિયા કઢાવું....
તારા બાપનાં ઝૂંપડાં મેલ્ય હો લાડી ,
તળશીભાઈની મેડિયું દેખાડું...”
રમઝુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભારેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો, છતાં આ ગીતોમાં ગવાતી વેદનાનાં વસમા વેણ એના કાને અથડાઈ જતાં હતાં ને આપમેળે જ હૃદયસોંસરાં ઊતરી જતાં હતાં. પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું.
અત્યારે ગવરીના પિતા ભૂધર મેરાઈ પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા, પણ એથીય અદકો વિષાદ રમઝુ મીરના હૃદય પર છવાયો હતો. દિશાશૂન્ય. એ કેવળ આદતને જોરે એક્કેક દૃશ્ય એની ઝામર – મોતિયા વડે ઝંખવાતી આંખ આગળ તાદેશ થતું હતું.
ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને બે વરસની માવિહોણી બાળકીની માતા થવું પડેલું. ઓઝત નદીને હેઠવાસને આરે રમઝુએ બાળકી સકીનાનાં બાળોતિયાં ધોયેલાં. દૃશ્યની સાહેદી આપી શકે એવાં ઘણાં ડોસાંડગરાં તો ગામમાં હજી હયાત હતાં. રમઝુને આ દુનિયામાં બે જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી: એક તો કુટુંબમાં પેઢી – દર – પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણારૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. તેથી જ એણે પોતાનાં દિલ – દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો.
કોમના માણસોએ ફરી નિકાહ પઢવાનો બહુ – બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
રમઝુએ સકીનાને સગી મા કરતાંય સવાયા હેતથી ઉછેરીને મોટી કરેલી. સકીનાના લાડકોડ તો લોકવાયકા સમાં થઈ પડેલાં. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્યથી રમઝુ પુત્રીનાં લાલનપાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે, પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે ફાટ્યાંતૂટ્યાં કપડાં પર સો થીંગડાં મારે પણ સકીનાને તો ફૂલફટાક બનાવીને જ બહાર કાઢે. ન-માઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખવા માટે રમઝુ એને અછોઅછો વાનાં કરતો.
સકીના કાખમાં બેસવા જેવડી હતી ત્યાં સુધી તો રમઝુ એને ચોવીસે કલાક પોતાની સાથે જ ફેરવતો. કોઈના સામૈયાંમાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કોખમાં જ બેઠી હોય અથવા તો પિતાના ગળામાં હાથ પરોવી પીઠ પર બાઝી પડી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફૂલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર, વાંદરીને પેટે વળગેલાં બચોળિયાની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દૃશ્ય તો વરસો સુધી આ ગામમાં સુપરિચિત થઈ પડેલું.
સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમઝુ પોતાને આ દુનિયાનો શહેનશાહ સમજતો.
ઘણીય વાર નમતી સંધ્યાએ પોતાના કૂબાના આંગણામાં બેઠો – બેઠો રમઝુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો સકીનાને રીઝવતો. બાળકી ગેલમાં આવીને કાલું–કાલું બોલવા લાગતી. એના કાલાઘેલા બોલમાં રમઝુ મૃત પત્નીની પ્રેમ–પ્રચુર વાણી સાંભળી રહેતો.
આ રીતે શરણાઈ રમઝુ મીર માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું, વિદેહી જીવન–સંગાથિની સાથે સાંનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એકસૂર એકતાલ એકરસ બનવા જીવતું જાગતું વાદ્ય હતું. તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટા પર મરવાના ફૂલછોડની મહેંક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો હતો ને!
રમઝુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી, વ્યવહારડાહ્યાં લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતાં પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? એ તો સપનાંને સહારે જિંદગી જીવતો હતો, ને શરણાઈ વડે એ સપનાં સાચાં પાડતો હતો.
પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું.
અત્યારે એનાં પગલાં ગામઝાંપાની દિશામાં પડતાં હતાં, પણ એના મનનું માંકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું હતું. પ્રસંગોની પરકમ્મા કરતું – કરતું એ વારેવારે પુત્રીવિદાયના આ પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રીવિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો.
અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત જ રમઝુ વીસરી ગયો; સાસરિયે સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગવરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો; અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સઘળી વ્યથા રેડી રહ્યો હતો. તેથી જ તો, જાન ઝાંપે પહોંચતાં સુધીમાં તો રમઝુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભારઝલું બનાવી મૂક્યું હતું.
આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું રમઝુ માટે જરાય સુખદ ન હતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઊઠતા, કારણ એ હતું કે સકીનાને સાસરિયે મોકલ્યા પછી આઠમે દિવસે જ એના ભેદી મૃત્યુના વાવડ આવેલા.
એ મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શકેલો નહિ. સકીનાના અકળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના દેહવિલયનો બમણો વિયોગ અનુભવેલો. દિવસો સુધી તો એ અવાક્ થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે.
તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યો ને!
પીપળા હેઠે ગાડું થોભ્યું. ગવરીને સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. સહુ બહેનપણીઓ ગવરીની નજીક જઈ, ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠિ કરીને આંસુભરી આંખે પાછી આવતી હતી. ઘરચોળાના ઘૂંઘટાની આડશે રડી રડીને ગવરીની આંખો લાલ હીંગળા જેવી થઈ ગઈ હતી, એ તો અત્યારે જ ખબર પડી. હીબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું. સાથે આણેલી ટબૂડીમાંથી ગવરીને બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતા હૃદયે દૂર ચાલ્યાં ગયાં. પણ એમની પાંપણ પર આવીને અટકેલાં આંસુ રમઝુની નજર બહાર નહોતાં રહ્યાં. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી એની અભિવ્યક્તિ રમઝુ પોતાના સૂર વાટે કરી રહ્યો.
આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા.
રમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો – રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આજનું વળામણું વિશિષ્ટ હતું. આજનો વિદાયપ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે, દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર ન હતો, પણ વીસ વરસ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો.
તેથી જ તો તળશીવેવાઈએ પાવલાથી માંડીને બાધા રૂપિયા જેવડી મોટી રકમની ત્રણ-ત્રણ વાર દાદ આપવા છતાં રમઝુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહિ ને!
કન્યાપક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમું વિદાયગીત ઊપડ્યું હતું :
“દાદાને આંગણે આંબલો
આંબલો ધીરગંભીર જો...
એક રે પાંદડું અમે તોડિયું
દાદા ગાળ મા દેજો જોઃ
અમે રે લીલુડા વનની ચરકલડી...”
(આવતા સપ્તાહે સમાપ્ત)