શરણાઈના સૂર

- ચુનીલાલ મડિયા Wednesday 31st July 2024 09:01 EDT
 
 

(ગતાંકથી ચાલુ...)
માત્ર ગવરી નહિ, ગવરીની ગોઠિયણો જ નહિ, કન્યાનાં આપ્તજનો જ નહિ પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડૂસકાં ભરતું લાગ્યું અને મીરની શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સમવેત સાધ્યો. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી ગયું. રમઝુ ચગ્યો હતો. એની શરણાઈ ચગી હતી. પોતાના ચિરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો.
પણ કન્યાને લઈને ઝટપટ ઘરભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તળશીવેવાઈ તલપાપડ થઈ રહ્યા હતા. પાદરના મોકળા પટમાં મોકળે મને સૂરો રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી જતી હતી.
આખરે એમણે ભૂધર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી પણ ખરી; “તમારો મીર તો ભાર્યે લાલચુ લાગે છે! આટલી દાદ દીધી તોય હજી ધરવ નથી થાતો, અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જાશે એમ લાગે છે...”
વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત ભૂધર મેરાઈ, જાનનો મારગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચ્યા અને મોટે સાદે સંભળાવ્યું: “એલા ડોસલા, આવો ભૂખાવળો ક્યાંથી થ્યો? આટલી બધી દાદ દીધી તોય હજી તને ધરવ નથી? આટલાં પાવલાં પડ્યાં તોય હજી હાંઉ નથી કે’તો?”
પણ રમઝુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કાંઈ સાંભળે એમ ક્યાં હતો? કંટાળીને ભૂધર મેરાઈએ વેવાઈને કહ્યું: “ડોસાની ડગળી જરાક ચસકી ગયેલ છે, દુખિયો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે કળ–વકળનું ભાન નથી રિયું.”
“એને ભલે કળ–વકળનું ભાન ન હોય, પણ અમારે અસૂરું થઈ જાશે એનું શું?” તળશીવેવાઈએ તીખે અવાજે કહ્યું: “એક તો બીકાળો મારગ ને ભેગા કરજોખમ...”
હવે ભૂધર મેરાઈનો મિજાજ હાથથી ગયો. એમણે દાદ પેટે જમીન પર ફેંકાવેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા ને પછી એને હડસેલો મારીને કહ્યું: “એલા લઘરા, હવે તો મારગ મોકળો કરીને ઘરભેગો થા? હજી તો તારે કેટલાક રૂપિયા ઓકવવા છે? કે પછી મીઠાં ઝાડનાં મૂળ ખાવાં છે, બાવા માગણ!”
ભૂધર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો, પણ પોતાના ઘરને – ગામને મારગે નહિ, સીમને મારગ, સણોસરાને કેડે.
“આ તો હજી સગડ નથી મલતો.” તળશીવેવાઈ કંટાળીને બોલ્યા: “આ તો અમારી મોર્ય વે’તો થ્યો...”
“મર થાતો,” સીમને મારગે સામે ચાલતા રમઝુને જોઈને ભૂધર મેરાઈએ કહ્યું: “થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.”
અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું: “હવે ખબરદાર, એને રાતું કાવડિયું પણ આપ્યું છે તો! તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો સોનાનાં ઝાડ ભાળી ગયો, પણ હવે ભૂંગળું ફૂંકીફૂંકીને મરી જાય તોય સામું જોશો મા.”
અને પછી બંને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા અને જાન સણોસરાના કેડે ચઢી.
રમઝુ હજી પણ ધૂનમાં ને ધૂનમાં જાનની મોખરે ચાલ્યા જ કરતો હતો. પાછળ પાદરમાં ઊભેલા લોકો આ ગાંડા માણસની હાંસી ઉડાવતાં હતાં. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે હૈયે ઘર તરફ પાછાં ફરતાં હતાં, ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું હતું :
“એક આવ્યો’તો પરદેશી પોપટો....
બે’ની રમતાં’તાં માંડવા હેઠ...
...ધુતારો ધૂતી ગયો...”
ધૂનમાં ને ધૂનમાં મોટાં – મોટાં ડગ ભરતા રમઝુને કાને આ ગીતનાં વેણ આછો–પાતળાં અથડાતાં હતાં, પણ એને ખ્યાલ નહોતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રીવિયોગના દુ:ખદર્દમાં એ જાણે કે દિશાશૂન્ય થઈ ગયો હતો.
હવે તો જાનૈયાઓએ પણ મીરની મશ્કરી શરૂ કરી હતી: “સાવ મગજમેટ થઈ ગયો લાગે છે!”
“માગણ કીધાં એટલે હાંઉ... આંગળી દેતાં પોંચાને જ વળગે. જીવને સંતોષ જ નહિ.”
“મર વગાડ્યા કરે એનું ભૂંગળું... હાલીહાલીને પગે પાણી ઊતરશે એટલે આફૂડો પાછો વળશે.”
“ને ઠેઠ સણોસરા સુધી વગાડતો આવે તોય શું વાંધો છે? સામૈયામાં પણ આની જ શરણાઈ કામ આવશે. ગામના મીરને રૂપિયો ખટાવવો મટ્યો.”
પણ રમઝુ સણોસરા સુધી ન ગયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું કે તુરત એના પગ થંભી ગયા.
ધણમાંથી પાછું ફરેલું ઢોર ગમાણનો ખીલો સૂંઘીને ઊભું રહી જાય એમ કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની પરિચિત સોડમ નાકમાં જતાં જ મીર ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વરકન્યાને લઈને ગાડું આવતું હતું અને એની પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયાઠોરી સંભળાતી હતી.
રમઝુની આંખ સામે, સાસરે સોંઢતી ગવરી નહિ, પણ સકીના પસાર થઈ રહી. તુરત એનો હાથ ગજવા તરફ વળ્યો. પાદરમાં ભૂધર મેરાઈએ ધૂળમાંથી ઉસરડો કરીને પરાણે ગજવામાં નંખાવેલા પૈસા હાથ આવ્યા. જોયું તો સાચે જ દોથો ભરાય એટલા દાદમાં મળી ચૂક્યા જણાયા.
રાંક રમઝુ તો રાજીરાજી થઈ ગયો. હરખભર્યો એ ગાડા નજીક ગયો ને બોલ્યોઃ “લે ગગી, આ કાપડાના કરીને આપું છું.”
અને હજી તો આ રકમનો સ્વીકાર કરે કે અસ્વીકાર થાય એ પહેલાં તો ઊતરતી સંધ્યાના ઉજાસમાં રમઝુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો.
એની એક આંખ સામે ગવરીનું કાપડું ને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું.
આ ચસકેલ માણસના આ વિચિત્ર વર્તાવ બદલ જાનૈયાઓ ફરી વાર ચેષ્ટા કરતા આગળ વધ્યા.
દિવસને આથમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા–જમના ગૂંથાઈ ગઈ. પવનની પાંખે ચડીને એ સૂર મોડેમોડે સુધી ગામમાં તેમ જ સીમમાં સંભળાતા રહ્યા અને અનેક મિલનોત્સુક તેમજ વિયોગી આત્માઓ આ સુરાવટમાંથી એકસરખી શાંતિ અનુભવતા રહ્યા.
પણ કમનસીબે રમઝુની શરણાઈની આ છેલ્લી સુરાવટ હતી. એ પછી એ શરણાઈ કે સૂર ગામલોકોને કદી સાંભળવા મળ્યા જ નહિ. (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter