સાત ભવનો

નવલિકા

મોહનલાલ પટેલ Wednesday 01st September 2021 10:43 EDT
 
 

એ કૂતરો કઈ ઓલાદનો છે એની મને ખબર નથી. એ કાળા રંગનો છે અને દેખાવે વિકરાળ છે. ઘરનાં સૌ એને બામ્બી કહે છે. એ સૌને આ કૂતરા માટે અપાર પ્રેમ છે. એ જાણે એક મોંઘી મૂડી હોય એમ સૌ એને જાળવે છે. એને ખવડાવવા-પીવડાવવા અને સાફ-સૂથરો રાખવા એ બધાં પડાપડી કરે છે.

એ કાળા જાનવરને લીધે એમની ઈજ્જત-આબરૂ વધી જતી હોય એમ બહાર ફરવા જતી વખતે એ લોકો એને સાથે લઈ જાય છે. અને ગાડીમાં એને આગળની સીટમાં બેસાડે છે અને એ ક્રૂર પ્રાણી બારીમાંથી અર્ધું મોં બહાર કાઢીને એની અર્ધા ફૂટ જેટલી જીભ બહાર લટકતી રાખીને બહારની દુનિયાને જોયા કરે છે. બાજુમાં થઈને પસાર થતા લોકો એને જોઈ રહે છે, ત્યારે ગાડીમાં બેઠેલાં લોકોને ભદ્રપણાનો નશો ચઢે છે.
ઘર આલિશાન છે. ‘શાં સુશી’ લેખક ઓસ્કર વાઈલ્ડની વાર્તા ‘ધ હેપી પ્રીન્સ’ના મહેલના નામ પરથી પ્રેરણા મળી હશે. શાં સુશી જ્યાં ગમગીનીને પ્રવેશ નથી. પણ નામ પાડ્યે કંઈ અર્થ સરે ખરો? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમાં ગૃહપ્રવેશ થયો ત્યારથી તે ગયા અઠવાડિયા સુધી હું એ ઘરનો નિવાસી હતો. ઘરનાં માણસોની ભિન્ન ભિન્ન મતિના કારણે ઘરનાં બીજાંનું તો ઠીક, પણ મારા મનને કદી સુખ કે કરાર મળ્યાં નહોતાં. એમાં વળી, પેલા કૂતરાનો ઘરમાં પ્રવેશ થયો ત્યારથી તો જીવતર જાણે ઝેર બની ગયું હતું.
ઘરનું નામ આકર્ષક ખરું, પણ ઘરનાં માણસોને તો ‘કૂતરાથી સાવધાન’ લખેલા પાટિયા પ્રત્યે ભારે આસક્તિ છે. પાટિયાના અર્ધા ભાગમાં ચેતવણીના એ શબ્દો છે અને બાકીના અર્ધા ભાગમાં એક ઝાફરિયા કૂતરાનું ડોકું ચીતરેલું છે. એ પાટિયું તૈયાર કરાવવામાં પણ ઘરનાં માણસોએ કેવી ધમાચકડી મચાવી મૂકી હતી! જાણે એક મોટો પ્રોજેક્ટ હાથ પર લીધો હોય! ખાસ શોધ કરી એમણે એક ચિત્રકારને આ કામ માટે આમંત્રણ આપ્યું હતું. એને એવી સૂચના આપવામાં આવી હતી કે કૂતરાનું એવું ચિત્ર આલેખો કે જોનારને ચિત્ર પર નજર પડતાં જ ગભરામણ થઈ જાય. પાટિયાનું કામ પૂરું થાય એ પહેલાં ત્રણ - ત્રણ વાર પાટિયાં બદલવાં પડ્યાં હતાં! ઘરનાં સૌની એક જ વાત, પાટિયાનો કૂતરો વરુ જેવો વિકરાળ લાગવો જોઈએ. એકદમ ફેરોશિયસ! સૌનો ભરોસો હતો કે આવા પાટિયાથી ઘરની પ્રતિષ્ઠા વધવાની છે.
ઘરમાં મને એકલાને જ એ કૂતરા પ્રત્યે નફરત હતી પણ એને હું કંઈ કરી શકું એમ નહોતો. હું પરિવારનું છત્ર ખરો, પણ એ છત્ર પંચોતેર વર્ષ જૂનું અને જર્જરિત થઈ ગયેલું છત્ર. કશા કામનું નહીં, શોભાનું પણ નહીં! મારા હાથની જે વાત હતી તે તો હું કરતો હતો જ – નફરત! હું એના તરફ સતત ધૃણાભરી નજરે જોયા કરતો. તમને થશે, એક મૂંગા જાનવર માટે આટલી બધી નફરત કેમ? પણ આ કૂતરો ગધેડા કે ભેંસ જેવું મૂગું જાનવર નથી. એ તો વહાલાં-દવલાનાં ભેદ પારખીને હાલતું ચાલતું કોઈ રાજકારણી જેવું પ્રાણી છે. ઝેરીલું અને ડંખીલું. ડગલને ને પગલે એ મારી ઉપેક્ષા કરતું હતું. પરિવારનો હું બુઝુર્ગ વડો અને એ ઘરમાં મારું અસ્તિત્વ જ ન હોય એમ વર્તતું હતું. આમ તો, ઘરમાં બધાં મારી ઉપેક્ષા કરતાં હતાં અને અભિધા કે વ્યંજના દ્વારા મારું અપમાન કરવામાં પાછાં પડતાં નહોતાં. ક્યારેક એમની રહેણી-કરણી વિશે મારાથી કશુંક ટીકાત્મક બોલાઈ જતું ત્યારે એ બધાં જ સામૂહિક રીતે મારા પર તૂટી પડતાં. એટલે સુધી કે પેલો છ વર્ષનો ભોપો ‘દાદા પાગલ છે’ એવું કહેતાં જરા પણ અચકાતો નહીં.
મારા જ પરિવારના માણસો મને આમ ધૂતકારે એ તો એક કમનસીબી ગણીને હું ચલાવી લઉં, પણ એક કૂતરો મારું ઉપેક્ષાભર્યું અપમાન કરે એ મારાથી કેમ ચલાવી લેવાય?
તમને થશે કે એક જાનવર માણસની ઉપેક્ષા અથવા તેનું અપમાન શી રીતે કરી શકે? એનો ખુલાસો આ રહ્યોઃ ઘરનાં પેલાં બધાં બહારથી આવે ત્યારે એ હરામખોર ગેલમાં આવી જાય. આગલા પગનો પંજો ઊંચો કરે, પગ આગળ આળોટી પડે, બે પગ વચ્ચે ભરાઈને ઊભો રહે અથવા બે પગ દરવાજો હોય એમ એમાંથી આવન-જાવન કરે અને એનું ઠુંઠુ પૂંછડું તો હલાવ્યા જ કરતો હોય. ભોપા અને દોલાના ખભા ઉપર પંજો ભરાવીને મોં પર જીભ ફેરવવા માંગતો હોય એવી ગંદી ચેષ્ટા કરે. અને હું બહારથી આવું ત્યારે એ મારી સામે પણ ન જુએ. અથવા મોઢું ફેરવી લે. મારે એની નજીકથી પસાર થવાનું થાય ત્યારે એ દૂર ખસી જાય... આ બધી ચેષ્ટાઓ અપમાન નહીં તો બીજું શું?
એક દિવસ તો હદ થઈ ગઈ. ભોપો એના માટે ખાવાનું લઈને આવ્યો, પણ એ જ વખતે રસ્તા પર કશોક ભારે કોલાહલ સંભળાયો. કૌતુકવશ ભોપો ખાણાની પ્લેટ ટેબલ પર મૂકીને એકાએક બહાર કોલાહલની દિશા તરફ ભાગ્યો. ઠીક ઠીક સમય પસાર થયો તો પણ ભોપો પરત આવ્યો નહીં. હજુ તો એનામાં બાળક બુદ્ધિ છે ને, બધું ભૂલીને રમવામાં પડી ગયો હશે એમ માની, મારામાં જાગેલી માનવસહજ કરુણાને લીધે મેં પેલા ભૂખ્યા જાનવર આગળ પેલા ખાણાની પ્લેટ મૂકવા વિચાર્યું. ટેબલ પરથી પ્લેટ લઈને મેં એની આગળ મૂકી. પણ એ નિર્લજ્જ સાત ભવનો મારો વેરી હોય એમ એ પ્લેટને એણે સૂંઘી પણ નહીં અને આડું જોઈ લીધું!
મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મારા ગુસ્સાને મેં આચરણમાં મૂક્યો હોત તો મેં એને સોટીએ સોટીએ ઝૂડી નાંખ્યો હોત. માનસિક રીતે તો એ હું કરી ચૂક્યો પણ એનો વાસ્તવિક અમલ શક્ય નહોતો. કારણ કે એ કૂતરાને હું સહેજ પણ ઈજા પહોંચાડું તો શું પરિણામ આવે એ હું જાણતો હતો એટલે ગુસ્સાના અગ્નિને મેં મારામાં જ સમાવી લીધો અને ક્યાંય સુધી હું તપતો રહ્યો.
આ કૂતરા પ્રત્યેની મારી નારાજગીની નાની-મોટી સકારણ ફરિયાદો મેં ઘણી વાર કરી હતી પણ ઘરમાં કોઈએ એ તરફ લક્ષ્ય આપ્યું નહોતું આથી હું બરાબર કંટાળ્યો હતો અને ઘણી વાર ઘર છોડીને ચાલ્યા જવાના વિચારો મને આવતા હતા. પણ એ વિચારોને મેં બળપૂર્વક દાબી દઈને અમલમાં મૂક્યા નહોતા.
પણ એક દિવસ મારી આ મર્યાદાનો અંત આવ્યો. આ કૂતરું રસોડામાં પણ છૂટથી ફરતું એટલું જ નહીં પણ રસોડાના પ્લેટફોર્મ ઉપર પણ ઘણી વાર ચઢી જતું. આ બાબતે મારા મનમાં ભારે ચીડ હતી. એક દિવસ મારી આ ચીડ હું કાબુમાં રાખી શક્યો નહીં. પરિવારમાં બધા સભ્યોની હાજરીમાં મેં કહી દીધુંઃ ‘કૂતરો રસોડામાં આંટા-ફેરા કરતો હોય એ ખોટું છે અને એમાં વળી પ્લેટફોર્મ ઉપર ચઢી જતો હોય એ વધારે ખરાબ છે. પ્લેટફોર્મ ઉપર રાંધેલી વાનગીઓ હોય, કેટલીક તો ખુલ્લી હોય. કૂતરાની આદત બધું સુંઘવાની હોય છે. એ સૂંઘે ત્યારે એની લટકતી જીભમાંથી લાળ પણ ટપકતી હોય... આ એક ભયંકર સ્થિતિ કહેવાય.’
ક્યારેક કોઈ પાગલ માણસના બબડાટને લોકો રસપૂર્વક સાંભળી રહેતા હોય છે. બસ એવી જ રીતે ઘરનાં માણસો મને સાંભળી રહ્યાં. પછી વળતો જવાબ આપતી હોય એમ પુત્રવધૂ બોલીઃ ‘બાપુ, તમને પ્લેટફોર્મ ઉપર ચડેલા બામ્બીને કદી ધ્યાનથી જોયો છે ખરો? ના, તમે એને બરાબર જોયો નથી. તમે જે કહ્યું એમાંનું કશું જ એને લીધે થતું નથી. બામ્બી બહુ બુદ્ધિશાળી કૂતરો છે.’
હજુ કૂતરો પ્લેટફોર્મ ઉપર હતો.
એની બુદ્ધિનું પ્રમાણ સાબિત કરવા માગતો હોય એમ ભોપો એ કૂતરાને ઉદ્દેશીને બોલ્યોઃ ‘બામ્બી, ડાઉન! બામ્બી, ડાઉન!’
અને કૂતરો તરત નીચે ઊતરી ગયો.
ઉત્સાહમાં આવી જઈને ભોપો હસતાં હસતાં મુખની એક ખાસ મુદ્રા ધારણ કરીને બોલ્યોઃ ‘દાદા, કૂતરો છે ને આપણા કરતાં વધારે બુદ્ધિશાળી?!’
ભોપાના મુખભાવ અને એણે ‘આપણા’ શબ્દના કરેલા ઉપયોગનો મર્મ જાણી ગયાં હોય એમ પરિવારનાં સૌ મોટેથી હસી પડ્યાં. જાણે સૌએ ‘આપણા’ શબ્દમાં માત્ર દાદાનો સમાવેશ સ્વીકારી લીધો હોય!
ઘોર અપમાન સાથે બૂરી રીતે હડધૂત થયો હોઉં એવો કારમો અનુભવ મને એ ક્ષણે થયો.
અને ત્યાંથી તીરની જેમ છટકીને હું મારી રૂમમાં પેસી ગયો. અને ઘણા વખતથી ચિત્તમાં ઘોળાતા વિચારને મેં નિર્ણયમાં ફેરવી લીધો.
ઘર છોડીને ચાલ્યા જવાનું મેં નક્કી કરી દીધું.
નિર્ણય કરી લીધો પછી વિલંબ શા માટે? મેં એક બગલથેલામાં બે જોડ કપડાં અને અત્યંત જરૂરી ચીજો નાંખી દીધાં. ઉપરાંત બહાર-અંદર મળીને પાંચ ખિસ્સાંવાળી ખાદીની બંડીમાં નાણાં માટે બેન્કની ચેકબુક, આધાર કાર્ડ, ઈલેક્શન કમિશન દ્વારા મળેલું ઓળખપત્ર અને ટાંચણ માટે એક નાની ડાયરી વગેરે મૂકી દીધાં. ગંતવ્ય સ્થાન હજુ નક્કી કરી શક્યો નહોતો પણ ગૃહત્યાગનો નિર્ણય પાક્કો હતો એટલે વહેલી સવારે બધાને ઊંઘતાં મૂકીને નીકળી જ જવું હતું.
ચાર-પાંચ કલાક માટે પલંગમાં સૂતો રહ્યો પણ બેચેનીને કારણે ઊંઘ માટે આંખ ન મળી.
સવારે પાંચેક વાગ્યે ખૂબ જ સાવધાનીથી મેં ઘરના મુખ્ય દરવાજા બહાર પગ મૂક્યો.
ઘરના દરવાજાથી કંપાઉન્ડ વોલના ફાટક સુધીનાં થોડા ડગલાંનો માર્ગ ભારે જોખમી અને ભય ભર્યો હતો.
કૂતરાની જાત, જરાસરખા કશાક અણસારથી પણ ઉત્તેજિત થયા વિના ન રહે, યુદ્ધ સમયે યુદ્ધ-જહાજને દુશ્મનની ડિસ્ટ્રોયર્સનો જેટલો ભય એનાથી અદકેરો ભય મને મારા આ કાળા દુશ્મનનો હતો. એણે મને પરિવારનો માણસ ગણ્યો જ નથી એટલે અજાણ્યા માણસને જોઈને ભસે એમ મને અંધારે-અંધારે ચોરની જેમ નીકળી જતો જોઈ ભસ્યા વિના એ કેમ રહે? છતાં Come what mayનું રટણ કરીને મેં ઘરના દરવાજાથી કમ્પાઉન્ડ વોલના ફાટક સુધીનાં ડગલાં ભરવા માંડ્યાં.
ચેઈનથી બાંધેલો મારો દુશ્મન આગળના લંબાયેલો બે પગ પર મુખ ટેકવીને બંધ પોપચે જમીન પર લંબાયેલો હતો.
સાંભળી શકાય એવા અવાજથી મારું હૈયું ધડકી રહ્યું હતું.
આશ્ચર્ય! દુશ્મનની લટકી પડેલાં કાનમાં ટેરવાં ટટ્ટાર થયાં, પોપચાં ઊઘડ્યાં અને ગળામાંથી પોતે એકલો જ સાંભળી શકે એવો અવાજ નીકળ્યો.
ખભે બગલથેલો જોઈને દુશ્મન દૂર થઈ રહ્યો છે એવી મનગમતી સ્થિતિ જોઈને શાંત રહ્યો હશે? ઘરનાં માણસો ભલે એને બુદ્ધિશાળશી માનતા હોય પણ આટલી ધારદાર બુદ્ધિ તો આવા પ્રાણીમાં ક્યાંથી હોય?
કે પછી ભલે અણગમતો, પણ આ જઈ રહ્યો છે એ કોઈ અજાણ્યો માણસ નથી એમ સમજી એ ચૂપ રહ્યો હશે? હા, ખરું કારણ એ જ.
એ શાંત અને નિષ્ક્રિય હતો ખરો, પણ મારા મનમાં એક ફડક તો હતી જ. હું કમ્પાઉન્ડના વોલના ફાટક સુધી પહોંચું એ પહેલાં એના મનમાં તરંગ જાગે અને ભસવા લાગે તો? આ ભીતિ હેઠળ મેં કમ્પાઉન્ડ વોલનો ઝાંપો ઝટઝટ ખોલી નાખ્યો અને હું બહાર નીકળીને એકદમ ભાગ્યો.
અર્ધા કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યા પછી શ્વાસ લેવા હું થોભ્યો. ક્યાં જવું અને ક્યાં ન જવું એ હજુ મારા મનમાં પ્રવેશ્યું નહોતું. અત્યારે તો મારી ગતિ રેલવે સ્ટેશન તરફ જ હતી. થોડી વાર રસ્તા વચ્ચે જ થોભ્યા પછી ધીમે ધીમે હું રેલવે સ્ટેશન તરફ ચાલવા માંડ્યો. સ્ટેશનમાં દાખલ થયા પછી મેં જોયું કે પહેલાં પ્લેટફોર્મ પર એક ગાડી ઉપડવાની તૈયારીમાં હતી. હું એમાં ટિકિટ લીધા વગર જ બેસી ગયો.
ગાડી ચાલતી હતી. સ્ટેશનો એક પછી એક એમ પસાર થતાં હતાં. એક સ્ટેશને હું ઊતરી ગયો. પ્લેટફોર્મ કે સ્ટેશનમાં માણસોની ભીડ નહોતી. પ્લેટફોર્મ પરના એક ખાલી બાંકડા પર હું બેઠો.
ક્યાંય સુધી હું બેસી રહ્યો. ગાડીઓના આવવાના અને ઉપડવાના સમયે માણસોની થોડી ભરતી થતી હતી અને પછી સૂનકાર વ્યાપી જતો હતો. બે-ત્રણ ગાડીઓની અવરજવર થઈ ત્યાં સુધી તો હું બાંકડા પર બેઠો જ રહ્યો. રેલવેને કર્મચારીઓની અવર-જવર તો થતી રહેતી હતી. ઘણા સમયથી મને એક જ સ્થિતિમાં બાંકડા પર બેસી રહેલો જોઈ હવે એમાંના કેટલાક મને ધારી ધારીને જોવા લાગ્યા હતા. શંકાસ્પદ સ્થિતિમાં મૂકાવું એ એક ગૂંગળામણ ભર્યો અનુભવ હોય છે, એ મને સમજાયું એટલે મેં સ્ટેશન છોડ્યું.
સ્ટેશન બહાર નીકળ્યા પછી હું જોઈ શક્યો કે હું એક નાનકડા પણ સાફસૂથરા નગરમાં ફરતો થયો હતો.
આખરે મેં જમવા-ઊતરવાની સારી સગવડવાળું એક ગેસ્ટ હાઉસ શોધી કાઢ્યું.
ત્રણ દિવસ તો ગેસ્ટ હાઉસના ઉપલા માળની રૂમમાં જ હું પુરાઈ રહ્યો. માત્ર નાસ્તા અને ભોજન માટે રૂમ બહાર નીકળીને નીચે જતો.
ચોથા દિવસે સવારે નાસ્તા પછી કાઉન્ટર પર પડેલું છાપું વાંચવા માટે મેં હાથમાં લીધું અને એકાએક પહેલાં પાન પર છપાયેલા મારા ફોટા પર મારી નજર પડી. હું ભડક્યો. પહોળી આંખે મેં ફોટા પર નજર માંડી. ફોટાના ઉપરના ભાગે મોટા અને બ્લેક ટાઈપમાં લખેલું હતુંઃ ‘ઘરેથી ચાલ્યા ગયા છે’.
ફોટાની નીચે કેટલીક વિગતો છપાયેલી હતી એમાં પ્રથમ લીટીમાં લખ્યું હતુંઃ ‘માનસિક સ્વાસ્થ્ય બરાબર ન હોવાના કારણે કશી જાણ કર્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે.’ આ લખાણ પછી મારા શરીરની ઊંચાઈ, રંગ, બાંધો અને પહેરવેશની વિગતો બાદ મને શોધી આપનાર કે ખબર આપનારને મનમાન્યું ઈનામ આપવાની જાહેરાત હતી.
આટલું વાંચતાં તો સાત આસમાન અને સાત પાતાળ ઉપરતળે થઈ રહ્યાં. ગુસ્સાથી મારા મગજની નસો ફાટફાટ થઈ રહી. મગજમાં હથોડા ટીપાવા લાગ્યા. માનસિક સ્વાસ્થ્ય બરાબર નહીં એટલે? મગજની અસ્થિરતા? પાગલપણું?
આ જતીનનું જ કામ. જતીન મને પાગલ કહે છે?
મારા ચિત્તમાં જવાળામુખી લાવાની જેમ રોષ ભભૂકી ઊઠ્યો. રોષથી ખરેખર ક્ષણિક પાગલપણું આવી ગયું હોય એમ આસપાસનો કશો વિચાર કર્યા વગર તાડૂકતો હોઉં એમ હું બરાડી ઊઠ્યોઃ ‘તું પાગલ, તારી વહુ પાગલ, તારો દીકરો પાગલ, એની વહુ પણ પાગલ, એનો દીકરો પણ પાગલ...’
કોણ જાણે શાથી, કાઉન્ટરની ગાદી પર બેઠેલા ગેસ્ટહાઉસના માલિકે નીચે ઊતરીને મારા હાથમાંથી છાપું ખેંચી લીધું. એણે છાપામાંનો મારો ફોટો જોયો. એની નીચેનું લખાણ વાંચવા માંડયું. વાંચતાં વાંચતાં આંખો ફાડીને એ મારી સામે પાગલની જેમ જોયા કરતો હતો.
પણ હું પાગલ ક્યાં હતો?
ગેસ્ટહાઉસનો માલિક મારી સામે આંખ ફાડીને જોયા કરતો હતો એમાં મને ઘણું સમજાઈ ગયું.
એની નજરમાં મેં એના ગેસ્ટહાઉસ સામે એક ગાડી આવીને ઊભી રહેલી જોઈ. એ ગાડીની આગલી સીટમાં મેં એક કૂતરાને બેઠેલો જોયો - બામ્બી! એ મારી સામે તાકી રહ્યો હતો. શું હતું એ નજરમાં? સાત ભવના વેરીની નજરમાં બીજું શું હોય?
હવે આ ગેસ્ટહાઉસમાં એક પળ પણ વધારે રહી ન શકાય. જમ્યા પછી બિલના ચુકવણા માટે હું કાઉન્ટર સામે જઈને ઊભો રહ્યો. ગેસ્ટહાઉસના માલિકે કંઈ અગવડ હોય તો તે દૂર કરવાની ખાતરી આપતાં ગેસ્ટહાઉસમાં વધારે દિવસ માટે રહેવાનો આગ્રહ કર્યો.
પણ હું ક્યાં પાગલ હતો?
હવે મારી દોટ હતી રેલવે સ્ટેશન તરફ કોઈ નવા ગેસ્ટહાઉસની શોધમાં!
-------------------------------------------------------------------------------------------
(ગુજરાતી દીપોત્સવી અંક ૨૦૧૭)
(મોબાઇલઃ ૯૯૦૪૪-૮૦૫૨૨
૫૦૧-૨૧, સત્યાગ્રહ છાવણી સોસાયટી, સેટેલાઇટ રોડ, અમદાવાદ-૧૫)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter