પણ, એ અસંભવ નથી કે બોઝ એ વિમાન વિના, નીકળી ગયો હોય કે છુપાઈ રહ્યા હોય. સ્થાનિક જાપાનીઓએ તેમને મદદ કરી હશે...’
લોર્ડ વેવેલ તો સમગ્ર ભારતના બ્રિટિશ અધિષ્ઠાતા! તેમણે ૨૪ ઓગસ્ટે (કથિત વિમાની દુર્ઘટનાના ૧૮ ઓગસ્ટ પછી છ દિવસે) શું કહ્યું?
I wonder it the Japanese announcement of Subhash Chandra Bose's death in air crash is true. I suspect it very much, it is just what would be given out if he meant to go underground... If it is true, it will be a great relief, His disposal would have presented a most difficult problem...
આ જ વાત ૨૧ સપ્ટેમ્બરે પણ વેવેલે ભારપૂર્વક કહી.
વળી પાછી અમેરિકન ગુપ્તચર સમિતિનો અહેવાલ-
The Government and people of USA do not believe the so Called death of Chandra Bose in that reported plane crash. Morever, some people have seen him after the incident including a field nurse, there is every possibility that Bose in alive. (National Republic; Sept. 1956)
અરે, લાલકિલ્લા મુકદમો લડીને વિદાય લઈ રહેલા ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈએ કર્નલ હબીબુર્ર રહેમાન ખબરઅંતર માટે આવ્યા તો પૂછ્યુ ઃ બતાવો કર્નલ, સાચોસાચ સુભાષ જીવિત છે? હબીબુર્ર રહેમાને જવાબ આપ્યો હતો ઃ હું નેતાજીનો સિપાહી હતો. મારું શિસ્ત કહે છે કે મારે આદેશનું પાન કરવું.’
૧૯૪૪ના નેતાજીને જાપાન સરકારે અગિયાર સીટવાળું ખાસ વિમાન ભેટ આપ્યું હતું. તેને બદલે જાપાનમાં વિમાનમાં તાઈહોકુ જવાનું નેતાજીએ કેમ પસંદ કર્યું હશે? તેમનું પોતાનું વિમાન ક્યાં ગયું?
તપાસપંચ સમક્ષ બોંબર મિકેમિકે સાતોકોવો અને સાઇગોનના રમણી ગોસાંઈની સાક્ષી મુજબ તો અઢારમી ઓગસ્ટ પછી હવાઈ જહાજ પર એક જાપાની અફસરની સાથે બિન -જાપાન બોઝને અમે જોયાં હતાં...
કથિત દુર્ઘટનાના એક દિવસ પહેલા ૧૭ ઓગસ્ટ, ૧૯૪૫ના નેતાજીનો છેલ્લો પત્ર ઇન્ડિપેન્ડન્ટ લીગના ઉપાધ્યક્ષ જનરલ એ. થિવીને લખાયો હતો; તેઓઃ
‘હું વિમાની મુસાફરીના દીર્ઘ રસ્તાને નક્કી કરી રહ્યો છું. એટલે તેમને આ પત્ર લખું છું. એવું તો નિશ્ચિતપણે કોણ કહી શકે કે તેમાં હું વિમાની અકસ્માતનો ભોગ નહીં બનું?’
રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ સુભાષ બોજનો જ પડઘો કહી જાણે...
જાણે છે,
મારા પ્રકાશિત હોવામાં ઘણું બધું છે અ-સમાપ્ત.
ઘણું છિન્ન-વિચ્છિન્ન
અને ઘણું ઉપેક્ષિત!
...પણ, સુભાષચંદ્ર બોઝ, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્ય અને રાજ્ય-વિરુદ્ધ બગાવત કરનાર, ‘યુદ્ધ અપરાધી’નું અસ્તિત્વ ક્યાં છે?
ભારતની સ્વતંત્રતા પૂર્વેથી જ આ અજંપો અને બહાવરાપણું મિત્ર દેશોનાં ગુપ્તચર તંત્રમાં ફેલાયેલાં હતાં. ‘કોઈ પણ ભોગે’ બોઝને ‘જીવતા યા મરેલા’ મેળવવાનો એજન્ડા ગુપ્તચરો માટે પ્રથમ ક્રમે રહ્યો, અને તેને માટે એક પછી એક ‘તપાસ સમિતિ’ઓ પણ રચાઈ. એશિયાના દેશોમાં તેમણે ઊંડી તપાસ આદરી.
વિમાની દુર્ઘટના તો ૧૮મી ઓગસ્ટે થઈ હતી તો સુભાષબાબુનાં મૃત્યુની ઘોષણા છ દિવસ પછી, ૨૩ ઓગસ્ટે કેમ થઈ? તે પણ લંડનના સમાચાર-જગતે આપેલી ખબર હતી. એસ. એ. અય્યર અને જાપાનીઝ તંત્રના સંયુક્ત નિવેદનમાં આ વિગતો આપવામાં આવી હતી, જેમાં જણાવ્યું કે ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ના નેતાજી સિંગાપુરથી ટોકિયો જવા વિમાન માર્ગે નિકળ્યા હતા. તેમને જાપાન સરકાર સાથે વાતચીત કરવી હતી પણ ૧૮ ઓગસ્ટે બે વાગે તાઇહોકુ વિમાન મથકે દુર્ધટના સર્જાઈ, વિમાન તૂટી પડ્યું તેમાં બોઝનું અવસાન થયું. આ વિમાનમાં જનરલ શિદેઈ પણ ‘માર્યા ગયા’ના અહેવાલો તેની પત્ની સુધી પહોંચ્યા અને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ‘કેવો બહાદૂર પતિ તેને મળ્યો હતો? તે વધુ બોલી ના શકી પણ તેની આંખ ઇન્કારતી હતી, ‘શિદેઈ આવી રીતે અચાનક મોત પામે જ નહીં...’
૨૫ ઓગસ્ટ, ૧૯૪૫ના જાપાનીઝ સૈન્યના જનરલ ઓટોજો યામાદાએ રશિયન જનરલ એલેક્ઝેન્ડર વાસિલોવ્સ્કી સમક્ષ આત્મસમર્પણ કર્યું અને એ જ દિવસે શિદેઈ ‘શરણાગતિ’ સ્વીકારવાને બદલે સ્વર્ગની શરણાગતિ સ્વીકારી લીધાના ખબર જાપાને એટલી જ અધિરાઈ અને કૌતુકથી વાંચ્યા. આખરે તો એ અડીખમ સેનાપતિ હતો, જાપાનનો! જાપાનનો ધ્વજ ઊંચો રાખવાનો પુરુષાર્થ તેણે કર્યો હતો...
સમાચાર નેતાજીના અવસાનના અને પૂનામાં ગાંધીજી. સાંજે તેઓ જનતા સમક્ષ વ્યક્તવ્ય આપ્યું. ગંભીર મુદ્રામાં હતા. વક્તવ્ય માત્ર એટલું જ કે ધ્વજ ઝૂકાવી દો. એ જ દિવસે એબટાબાદમાં નેહરુ રડી પડ્યા અને કહ્યુંઃ ‘મારા હૃદયમાં એક સામટી બે સંવેદના છે. દુઃખ એ છે કે એક બેહદ નિઃસ્વાર્થી નેતાને આપણે હંમેશાને માટે ખોઈ નાખ્યા છે અને રાહત એટલી કે એક બહાદુર વ્યક્તિનું અચાનક જ બહાદૂરીપૂર્વક મૃત્યુ થયું, જેવું થવું જોઈતું હતું.’
અમૃત બજાર પત્રિકાએ ૨૫મીના અંકમાં દેશની પ્રતિક્રિયા આપી. અમૃતસર બંધ રહ્યું. અમદાવાદે બંધ જાહેર કર્યો. કરાચીમાં સુભાષ બોઝ દિવસ મનાવાયો.
પરંતુ એસોસિએટેડ પ્રેસ ઓફ અમેરિકાનો સંવાદદાતા પ્રિસ્ટન ગ્રોયર? તેનો અહેવાલ અલગ પ્રકારનો હતો. તેણે લખ્યુંઃ ‘સૌથી મોટો સવાલ તો એ છે કે શું જાપાને બોઝને ભૂગર્ભવાસી બનાવી દેવામાં મદદ કરી હતી? જેથી મિત્ર દેશો સામેનાં યુદ્ધની સજામાંથી બચી જઈ શકે?’
વાઇસરોય ફિલ્ડ માર્શલ આર્ચીબોલ્ડ વેવેલે જણાવ્યુંઃ ‘મને શંકા છે કે સુભાષનું મોત થયું છે. અંડરગ્રાઉન્ડ થતાં પહેલાં આવી કથાઓ સ્વાભાવિક હોય છે.’
આલ્ફ્રેડ વેગ - શિકાગો ટ્રિબ્યુન-નો પત્રકાર જવાહરલાલની પત્રકાર પરિષદમાં જ બોલ્યો, ‘બોઝ જીવંત છે. ચાર દિવસ પહેલાં મેં તેમને સાઇગોનમાં જોયા હતા..’
સન્ડે ઓબ્ઝર્વરે અહેવાલ આપ્યોઃ ના. જાપાની અહેવાલ પર અમેરિકા-બ્રિટિશ તંત્રને જરીકે ય ભરોસો નથી. અહેવાલ આવ્યો સપ્ટેમ્બર, ૧૯૪૫માં.
ગાંધી લાંબા સમય સુધી કહેતા રહ્યાઃ કોઈ સુભાષના અસ્થિ લાવીને મને કહે તો પણ તેમનાં મૃત્યુની વાત હું માનીશ નહીં. ૬ જાન્યુઆરી, ૧૯૪૬ના ન્યૂ યોર્ક ટાઇમ્સે ગાંધીજીની આ વાત છાપી, અને લખ્યુંઃ ‘સૌની સામે યોગ્ય સમયે તેનાં આગમનનો હું ઇંતેજાર કરું છું.’
સુભાષ-બાંધવ શરદચંદ્રે યુનાઇટેડ પ્રેસને સાફ સાફ જણાવ્યું કે નેતાજીનાં મૃત્યુની વાત કલ્પના છે, એ જીવિત છે.
સાઉથ ઇસ્ટ એશિયા ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટ્રોગેશન સેન્ટર, ‘સિયાટિક’ની છૂપી તપાસ માઉન્ટબેટનના ઇશારે થઈ રહી હતી. અમેરિકી સૈન્યની ‘કાઉન્ટર ઇન્ટેલિજન્સ કોર’ પણ દસ્તાવેજો તરાશી રહ્યું હતું. જાપાની દુશ્મનોને પકડવા માટે એક વધુ પંચ તપાસમાં સામેલ થયું. કમ્બાઇન્ડ સર્વિસિસ ડિટેઇલ્ડ ઇન્ટ્રોગેશન સેન્ટર (સીએસડીઆઇસી) જી. એસ. ક્યૂ - ૧, અમેરિકન મિલિટરી ઇન્ટેલિજન્સ સર્વિસ જી-૨ની તપાસનો મુખ્ય મુદ્દો ‘સુભાષ ક્યાં છે?’નો રહ્યો.
ડબલ્યુ મેકરાઇટ.
ડબલ્યુ એન. પી. જેંકિન
ફિલિપ ફિને.
ડબલ્યુ એફ. એમ. ડેવિસ.
રાય બહાદુર બદ્રીનાથ બક્ષી.
જી. ડી. એન્ડર્સન.
મેજર હ્યુગ ટોય.
કર્નલ જોન ફિઝ.
લેફટનંટ જનરલ ગેર્ડનર...
આ બધાં ‘મોટાં માથાં’ જે પાતાળમાંથી યે સચ્ચાઈ પારખવા માટે જાણીતાં હતાં, તેમની ફાઇલો સુભાષના અસ્તિત્વને ફેંદી રહી હતી.
પરાજિત જાપાનનેય આદેશ અપાયો - નેતાજીના છેલ્લા દિવસોના દસ્તાવેજો પૂરા પાડો.
સપ્ટેમ્બર, ૧૯૪૫માં જાપાની ગુપ્તચર તંત્રનો વચગાળાનો અહેવાલ તૈયાર થયો તેમાં છેલ્લા દિવસોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પણ બ્રિટિશરોને તેનો ભરોસો શાનો હોય? એક મિલિટરી નોટમાં જણાવ્યું કે અલ્ફ્રેડ વેગના જાહેર વિધાનની તપાસ કરો કે ૧૮ ઓગસ્ટના કથિત વિમાની અકસ્માત પછી બોઝ જોવા મળ્યા હતા અને તે પણ સાઇગોનમાં! આવું કઈ રીતે બન્યું?
ફિલિપ ફિનેએ ૬ ઓક્ટોબર, ૧૯૪૫નો અંગત નોંધમાં જણાવ્યું કે વિમાની દુર્ઘટના પછી નેતાજી જાપાનના અંકુશ હેઠળના વિસ્તારમાંથી નિકળીને રશિયન હકુમત હેઠળના વિસ્તારમાં પહોંચી ગયા હતા... જનરલ ઇસોદાએ આ વાતનો ઇન્કાર કર્યો. ફિનેનું મંતવ્ય એવું કે બોઝ બર્માના રસ્તે થઈને ભારતમાં પહોંચી શકે તેમ નહોતા એટલે તેમણે મોસ્કો થઈને ભારત જવાનું નક્કી કર્યું હતું.
ફિનેના આ અનુમાન પાછળ કેટલાંક મજબૂત કારણો પણ હતાં.
બર્મામાં જાપાન-આઝાદ હિન્દ ફોજ વચ્ચેની કડીરૂપ હતું ‘હિકારી કિકાન’ સંગઠન. તેનો સાઇગોન સ્થિત દક્ષિણી સૈન્ય સાથેનો સંદેશાવ્યવહાર ચાલુ હતો. આ પત્રવ્યવહારના મૂળ દસ્તાવેજો મિત્ર દેશોની ઇન્ટેલિજન્સ એસલ્ટ યુનિટને મળી.... તેમાં જણાવાયું હતું કે વિમાની અકસ્માતના કોઈ ફોટો જોવા મળ્યા નથી. ન કોઈ તેના સાક્ષી છે. જો કંઈ હોય તો તે કર્નલ ટાડા સાઇગોન લઈ ગયા હતા!
આ આબાદ બનાવટનો નમૂનો છે એમ પણ ફિનેએ અહેવાલમાં જણાવ્યું અને નિષ્કર્ષ તારવ્યાં કે વિમાની અકસ્માતની વાતને જ વધુ વજુદ આપવા માટે જાપાને આ ખેલ રચ્યો હતો જેથી નેતાજીને અદૃષ્ટ કરવાની વાત રહે નહીં. સફળતાપૂર્વક છૂપાવી શકાય. છેવટે તપાસમાં લાંબો સમય બરબાદ કરવાને બદલે કોઈ નિર્ણય પર આવવું જરૂરી છે એવું ફિનેનું વિધાન બ્રિટિશ સરકારે લગભગ માની લીધું. તેના સમર્થનના લેફ્ટનંટ કાર્લ ગોર્બ, જોન ફિઝ અને હબીબુર રહેમાનની વાતચીતને સામેલ કરવામાં આવી. ડબલ્યુ એફ એમ ડેવિસે કેપ્ટન યોશિદા સાથેની મંત્રણાના આધારે જેટલું તારવ્યું કે નેતાજી ૧૯ ઓગસ્ટે સાઇગોન પહોંચ્યા, એ જ દિવસે રવાના થઈ ગયા. વિમાનોની આવન-જાપનના દસ્તાવેજો યુદ્ધકાલીન પરિસ્થિતિને લીધે નષ્ટ થઈ ગયા હતા પણ એટલું ખરું કે સુભાષ, શિદેઈ અને બીજા કેટલાંક ટોકિયો તરફ જવા રવાના થયા...
પછી?
ડેવિસે લખ્યુંઃ એ તો ફોર્મોસા કે તે પછીનાં સ્થાનોએ માહિતી જળવાઈ હોય તો મળે!
ફિનેની અકળામણ વધી રહી. કોઈ ચોક્કસ તથ્ય સુધી કેમ પહોંચાતું નથી? બર્મા સ્થિત બ્રિટિશ સેક્સી કમિશન-૧ (નામ પણ કેવું?)નો અહેવાલ એટલું જણાવતો હતો કે નેતાજી કોઈ વિકલ્પ શોધી રહ્યા હતા પણ એ શક્ય બને તેવું નહોતું. ફિનેએ નેતાજી સહિત તમામની સાથે ગુપ્ત મંત્રણામાં સામેલ દુભાષિયો કિંજી વાતાનવેને શોધી કાઢ્યો.
તેણે કહ્યુંઃ તમામનો વિમર્શ નેતાજીને તેમની મંઝિલ સુધી પહોંચાડવાનો હતો. હિકારી કિકાન, જાપાનીઝ દૂતાવાસ, આઝાદ ફોજના વરિષ્ઠો - બધાને તેની જાણકારી હતી. બોઝે સ્પષ્ટ કર્યું કે તેઓ ભારતમુક્તિ માટે કોઈ પણ દેશની મદદ લેવા તૈયાર છે. બર્માના રસ્તે ભારત પહોંચવું - સ્વાતંત્ર્યયુદ્ધ સાથે - તે હવે શક્ય નહોતું તો સોવિયેત રશિયાનો સંપર્ક કેમ ના કરવો? બ્રિટન અને રશિયા આજે ભલે મિત્રો હોય, આવતીકાલે બન્ને વચ્ચેનું અંદર વધવાનું છે.
સાઇગોન કન્ટ્રોલ કમિશન (સીએસી)ના અહેવાલમાં નોંધ કરવામાં આવી કે જે. કે. ભોંસલેએ એટલું કહ્યું કે, ૧, ઓગસ્ટે નેતાજી ટોકિયો જવા રવાના થયા હતા... પરંતુ તપાસનીશ એન્ડર્સનને મેજર ટોય (જેણે પછીથી સુભાષબાબુ પર જીવનચરિત્ર લખ્યું) જણાવ્યું કે આ પ્રીતમસિંઘ, ગુલઝારા સિંઘ, આબિદ હસન, સહાય, થિવી અને ચેટરજી - તેમાંના કોઈની પાસે નેતાજીના મૃત્યુની, તેમના ઇરાદાઓની કોઈ ખાસ જાણકારી જ નથી. હબીબુર રહેમાનના નિવેદન પર ભરોસો થઈ શકે તેમ નથી. મેકરાઇટ મેજર કોર્ટને તો રહેમાનના નિવેદનમાં રહેલા વિરોધાભાસો વધુ ધ્યાન દોરે તેવા લાગ્યા. બે તપાસોમાં તેમનાં બયાન એકબીજાની સાથે મેળ ખાતાં નહોતાં.
મેકરાઇટનો બીજો સવાલ ભારે મહત્ત્વનો હતોઃ ‘નેતાજીની સાથે શિદેઈ શા માટે જઈ રહ્યા હતા?’ તેમણે સૂચવ્યું કે ઇસોદાની ‘સખત્ પદ્ધતિ’થી પૂછપરછ કરવી જરૂરી છે.
મેકરાઇટના અહેવાલનો જવાબ સીઆઇસીબી, ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર, બર્માના વડા યંગે આ રીતે આપ્યોઃ
‘જો ખરેખર આ યોજના છેતરામણી હતી, તો ઘણી બાહોશીથી બનાવવામાં આવી હશે. જાપાની ઇન્ટેલિજન્સની કાર્યકુશળતા અધકચરી હતી પણ એટલું નક્કી કે બોઝ સાઇગોનથી રવાના થયા, તાઇહોકુમાં વિમાનની દુર્ઘટના થઈ. એ શક્ય છે કે બોઝ તેમાં બચી ગયા હોય અને ફોર્મોસામાં છુપાઈ ગયા હશે...’
(માર્ચ ૧, ૧૯૪૬)
આ તપાસ લાંબા સમય સુધી ચાલી. મેકરાઇટ એન્ડર્સને તેને માટે ‘એડી-ચોટી જોર લગાવ્યું.’ જે. કે. ભોંસલે, હયાત ખાન, આનંદ મોહન સહાય, પ્રીતમસિંઘ... વારંવાર તેમની પૂછપરછ તો થઈ પણ તમામની જબાન ખામોશ હતી. એક આનંદ મોહન સહાયે એવો સંકેત આપ્યો કે હા, બોઝ મંચુરિયા જવાનું વિચારી રહ્યા હતા. ૧૯૪૪માં નેતાજીએ આ ઈરાદો જાપાનના વિદેશપ્રધાનને ય જણાવ્યો હતો. ભોંસલેએ કહ્યું કે બેંગકોકની બેઠકમાં ભાવિ રણનીતિનો વિચાર થયો હતો. આ અહેવાલમાં એવું જણાવાયું કે ભોંસલે ઘણું બધું જાણતા હતા પણ અમે માહિતી કઢાવવામાં સફળ થયાં નહીં.
વળી પાછા રહેમાનની પૂછપરછ થઈ. પણ, પરિણામ શૂન્ય! દરમિયાન બ્રિટિશ આઈ.બી.ના વડા સર નોર્મન સ્મિથે લંડનમાં વિવિધ સૂત્રો પાસેથી જાણ્યું કે બોઝના વિમાની દુર્ઘટનાની વાતને બધા દંતકથા માનતા હતા.
એંડર્સને નોંધ્યું કે ગાંધીજી સુભાષ મૃત્યુ ન થયાનું ‘અંતરાત્માના અવાજ’ મુજબ જણાવતા હતા કે પછી તેમની પાસે કોઈ ગુપ્ત માહિતી હતી?
સુભાષનું અદ્રશ્ય થવું અને ક્યાં હોવું - એ જાણે કે દુનિયાનું મોટું રહસ્ય બની ગયું.
રશિયન રાજદૂત - જે કાબુલમાં લાંબા સમય સુધી રહ્યા હતા - ખોસ્તના અફઘાની સૂબાને વાતવાતમાં એવું કહ્યું હતું કે મોસ્કોમાં ઘણા કોંગ્રેસી (?) શરણાગત હતા. બોઝ પણ તેમાંના એક હતા.
તેહરાનના અહેવાલ પ્રમાણે રશિયન વાઈસ કોન્સલ જનરલ મોરાડોફે માર્ચ, ૧૯૪૬માં જણાવ્યું કે સુભાષ રશિયામાં પહોંચી ગયા હતા!
બી-૧૨૬ એ?
આ સંકેત હબીબુર્રહેમાન માટે બ્રિટિશ ગુપ્તચર તંત્રે નક્કી કર્યો હતો. એક વધુ પૂછપરછમાં જણાવાયું કે આ માણસ કોઈ પ્રકારનો સહયોગ આપતો નથી. પોતાનાં ભૂલી જવાના નિમિત્તનો ફાયદો ઊઠાવે છે.’
૧૯૪૬માં એક વધુ વિસ્ફોટ થયો. મુંબઈ મિલિટરી ઈન્ટેલિજન્સના વડા કર્નલ હેન્સીએ અમેરિકન કોન્સુલેટ જનરલ વિલિયમ ડોનોવનને જણાવ્યું કે તાઈપેઈના એક કેદી કેમ્પમાં બોઝને જોયા હતા, બોઝની કથિત દુર્ઘટનાના સ્થળેથી તે સાવ નજદિકની જગ્યા હતી.
(ક્રમશઃ)