નેતાજીની આંખો છલોછલ. જાનકીએ તત્કાલીન સંઘર્ષની કેટલીક મહત્ત્વની ઘટનાની જિકર કરવા ધારી હશે પણ રણમોરચે તે શક્ય નહીં બન્યું હોય.
શિદેઈ ઇતિહાસના પુનરાવર્તનને શબ્દોમાં વ્યક્ત કરતો રહ્યો, જાણે સુભાષ તેનાથી અ-જાણ હોય! મંદમંદ સ્મિત સાથે તે સાંભળતા રહ્યા.
શિદેઈનો ઘટનાક્રમ લાજવાબ હતોઃ ફિલિપાઇનની સ્વાધીનતાને સુભાષે બિરદાવી, ૧૭ ઓક્ટોબર. રણઘોષ થયોઃ ‘એશિયા એશિયાવાસી માટે.’ મલયેશિયા, બર્મા પછી ફિલિપાઇન. ૪૨ વર્ષ અમેરિકાના હાથ નીચે રહ્યું તે મુક્ત બન્યું. નવનિર્વાચિત પ્રમુખ ડો. જોઝ પી. લોરેલે સુભાષબાબુનું સ્વાગત કર્યું. મનિલાના સમુદ્રકાંઠે પ્રજાનો સમુદ્ર ગરજતો હતો તે દિવસે.
૨૧ ઓક્ટોબર, ૧૯૪૩,
આરઝી હકુમતની આઝાદ હિન્દ સરકારની ઘોષણા... સુભાષ પ્રચંડ સ્વરે – ભાવુક્તાના શૈલશિખરે ઊભા રહીને – કહી રહ્યા છેઃ ‘પરમકૃપાળુ પરમાત્માના નામે, હું સુભાષચંદ્ર બોઝ શપથ લઉં છું કે મારા ૩૮ કરોડ દેશવાસીઓની મુક્તિ માટે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરતો રહીશ...’
પછી મંત્રી પરિષદના સભ્યો પછી એક મંચ પર આવ્યા. કેપ્ટન લક્ષ્મી, એસ. એ. અય્યર, એ. સી. ચેટરજી, કર્નલ જે. કે. ભોંસલે, લેફ્ટનંટ કર્નલ અઝીઝ અહમદ, લેફટનંટ કર્નલ એ. ડી. લોકનાથન, કર્નલ શાહનવાઝ ખાન, એ. એમ. સહાય, કરીમ ગની, દેવનાથ દાસ, ડી. એમ. ખાન, ઇ. ઇયેલપ્પા, જે. થિવી, સરદાર ઇશ્વરસિંહ, એ. એમ. સરકાર...
અને ક્રાંતિગુરુ રાસબિહારી બોઝ. ભારતીય પ્રથમ સ્વાધીન સરકાર, વિદેશી ભૂમિ પર, અનેક દેશોની માન્યતા સાથે. પોતાની સેના, બેંક, ચલણ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ...
રે ઇતિહાસ, તારાં આ સ્વર્ણિમ પૃષ્ઠો સ્વાધીન ભારતના શિક્ષણમાં ક્યાં ખોવાઈ ગયાં? અને કોણ કૃતઘ્નીઓ સફળ થયા?
•••
ઇતિહાસ-પૃષ્ઠોના આ ફડફડાટ પવનના કારણે સર્જાયો નહોતો, આ તો શિવતાંડવનાં પરિણામ જેવો સમુદ્રધ્વનિ હતો...
કેવો હતો આ મહાજંગ?
કેવાં કેવાં પાત્રો?
શિદેઈ-સુભાષ બન્ને મૌન હતા. ભૂલી જવાયું કે સાઇબીરિયન ઠંડીગાર રાત પ્રસરી રહી છે. બૈકુલ ઝીલ અને યુરાલની પહાડી વચ્ચેની આ છાવણી – સોલ્ઝેનિત્સિન આલેખિત ‘ગુલાગ આર્કીપિલેગો’ જેવી જ, દુનિયાથી વિખૂટી અને રહસ્યમય! ૫૦ જેટલા બંદી અહીં હતા. એક બીજાને અઠવાડિયે એક જ વાર મળી શકતા. ઊંચાઈ ધરાવતી છાવણી અને તંબુઓમાં સ્તાલિન સશસ્ત્ર સૈનિકો પહેરેગીર હતા. કહેતા કે આવી તો અનેક શિબિરો છે, દરેકમાં ૧૫-૨૦ હજાર કેદીઓ છે! ટ્રાન્સ સાઇબીરિયન રેલવે પણ અહીંથી ઘણી દૂર છે... કેદીઓને રેલવે સ્ટેશનેથી લશ્કરી ટ્રકમાં લાવવામાં આવે છે ને પછી તે જિંદગી આખી અહીં વિતાવે છે, કેટલાક પાગલ બની જાય, કેટલાક આપઘાત કરે, કેટલાક ભાગવાની કોશિશ કરે તો રશિયન સૈનિકની ગોળીથી વિંધાઈ જાય, પરંતુ આ તમામ અવરોધો છોડીને સુભાષ-શિદેઈ તો પહોંચી ગયા હતા, અતીતમાં! બર્માની ધરતી પર, હજુ તો હમણા બે જ વર્ષ પર-
હા, એકવીસમી ઓક્ટોબર, ૧૯૪૩, આઝાદ હિન્દ સરકારની સ્થાપના.
જાપાને માન્યતા આપી. પછી બીજાં રાષ્ટ્રોએ ક્રોશિયા, જર્મની, માંબુકી, નાનકિંગ, ઇટલી, ફિલિપાઇન... થાઇ દેશ.
જનરલ તોજોએ સુભાષ-સાહસને ભાવપૂર્વક વંદન કર્યા. The Nippon government is firmly determined to render every possible co-operation to your government.
આયર્લેન્ડથી ક્રાંતિવીર ડી વેલેરાએ અભિનંદન પાઠવ્યાં.
૨૨ ઓક્ટોબરે રચાઈ ઐતિહાસિક ઝાંસી રાણી સેના.
લક્ષ્મી સ્વામીનાથન.
કર્નલ સલીમ.
મિસિસ ચંદ્રન.
હીરાબેન બેટાઈ.
પ્રતિભા પાલ.
બેલા દત્ત.
એમ. વી. ચિન્નામુ.
જાનકી થીવર્સ...
અસંખ્ય પુષ્પો ચિનગારી બન્યાં, તેમાં ગુજરાતી મહિલાઓ યે ક્યાં પાછળ હતી?
લક્ષ્મી સ્વાભીનાથનના બહેન મૃણાલિની, ગુજરાતી વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જીવનસંગીનિ.
શકુંતલા, લેફ્ટનંટ બનાવાયાં ત્યારે ૧૭ની વય. પિતાની રંગુનમાં ઇલેક્ટ્રિક સરસામાનની દુકાન.
માતા નારાજ પણ પિતાએ ખુશી વ્યક્ત કરી. જા બેટી, સ્વાધીનતાની લડાઈનું ખુશનસીબ છે તારું. રંગુનની છાવણીમાં પ્રવેશ કર્યો ત્યારે માંડ ૨૫ છોકરીઓ તાલીમ લઈ રહી હતી. પરિચારિકા માટે અલગ કેન્દ્ર બન્યું, શકુંતલાએ યુદ્ધ મોરચે લડતા સૈનિકોની સારવારમાં જીવ લગાવ્યો. તેણે ભારત જોયું જ નહોતું, માત્ર નેતાજીને સાંભળ્યાઃ દૂ...ર, સુદૂર, પર્વત અને નદીઓની પેલી પાર આપણો દેશ છે, તેને મુક્ત કરવા લોહી વહાવીશું!
અને રમા? રંગુનમાં ૧૯૨૬માં જન્મ, દાદાજી પ્રાણજીવનદાસ મહેતા તો ગાંધીજીને ય ઘણી બાબતોમાં સલાહ પૂરી પાડતા. બર્મા રેજિમેન્ટમાં ૧૭ની વયની રમા મહેતાએ પ્રવેશ મેળવ્યો. તિગાંજ્યુ છાવણીનો મોરચો સંભાળ્યો. આખું કુટુંબ નેતાજીને સમર્પિત હતું. માતા અને બહેન પણ સામેલ થયાં. પહેલાં પરિચારિકા પછી સૈનિક, હવાલદારથી સેકંડ લેફ્ટનંટ સુધીની રમાની પ્રગતિથી સુભાષ હરખાયા હતા. ૨૦૦ યુવતીઓની સાથે, આ વૈભવી પરિવારની કન્યા એકરૂપ બની ગઈ... બસ, એક જ સૂત્ર જીવનસૂત્ર બની ગયુંઃ ચલો દિલ્હી!
મમતા પ્રાણજીવન મહેતાનાં પરિવારમાં પુત્રવધૂ બન્યાં તે પહેલાં પિતા મલયકુમાર ચંદ્રગુપ્તના કલામય સંસારની લાડકી પુત્રી હતાં. મલય મોટા ગજાના કેમેરામેન અને ચિત્રકાર. ત્રણ પેઢીથી રંગુનને વતન બનાવેલું. બીજાં વિશ્વયુદ્ધના ઓછાયે રંગુનથી મોમિન જિલ્લામાં સ્થળાંતરિત થયાં ત્યાં આઝાદ ફોજની રણગર્જના થઈ. ૧૫ વર્ષની મમતાએ નેતાજીને કહ્યુંઃ મારે મુક્તિ સંગ્રામના ભાગીદાર થવું છે!’ શિસ્તનો આગ્રહ અજબ હતો. એક વાર છાવણીમાં સ્વંય નેતાજી આવવા માગતા હતા પણ કોડવર્ડનું કાર્ડ ભૂલી ગયા હતા. મમતા ત્યારે છાવણીના સુરક્ષાકર્મીની ફરજ પર હતાં. તેમણે નેતાજીને ય પ્રવેશ ન આપ્યો! નેતાજીએ ખુશ થઈને પીઠ થાબડી - ‘મારી ખેવના આવા અનુશાસનની છે.’
કેવો રણસંગ્રામ ખેલ્યો હતો ઝાંસી રાણી રેજિમેન્ટે?
- અને બ્રિટિશ સૈન્યમાં ‘ગુલામ દેશ’ના સૈનિકો તરીકે પૂર્વ જીવન વિતાવેલ બહાદૂર સૈનિકોએ?
૨૩ ઓક્ટોબર, ૧૯૪૩.
રાતના બારને પાંચ મિનિટે આઝાદ હિન્દ રેડિયો પર ઘોષણા થઈ.
‘ભારતમુક્તિ કાજે અમે બ્રિટન-અમેરિકાની સામે યુદ્ધ ઘોષિત કરી રહ્યા છીએ.’
અરે!
દેશમાં તો પૂરી કોંગ્રેસ અવઢવમાં હતી. બેંતાળીસની લડત વેરવિખેર થઈ ચૂકી હતી. અનેક બલિદાનો છતાં બ્રિટિશ સરકાર ટસથી મસ થઈ નહીં હતાશ નેતાઓ – અને સ્વયં ગાંધીજી પણ – સ્વાતંત્ર્યના પ્રચંડ ઘોષને બદલે ‘ટુ બી, ઓર નોટ ટુ બી’ની મૂંઝવણમાં હતા.
આઝાદ હિન્દ ફોજે તેવા સમયે દેશભરમાં પ્રચંડ આગ પેદા કરી દીધી. દક્ષિણ-પૂર્વ એશિયાના નાગરિકના દિલોદિમાગમાં ગૌરવ સ્થાપિત થયું કે હા, અમે સંઘર્ષનો આગે ધપાવીશું.
આગે કદમ! આગે કદમ!
યારો ફનાના પંથ પર
આગે કદમ!
આગે કદમ!
‘અને મારી લક્ષ્મી દેવીઓ?’
સુભાષ ઝાંસી રાણી સેનાની જિકર કરી રહ્યા હતા ત્યારે ઝાંસીની તેજસ્વી રાણી મનુબાઈને ‘લક્ષ્મી દેવી’ તરીકે ઉદ્બોધન કરતા હતા, છેક ૧૯૦૫માં લંડનમાં સાવરકર-શ્યામજી કૃષ્ણવર્માએ જે નારો આપ્યો હતો તેનું તેને સ્મરણ હતુંઃ સ્વાતંત્ર્યલક્ષ્મીની જય હો!
‘શિદેઈ, આ બધી સ્વાતંત્ર્યલક્ષ્મીઓ જ હતી... કેવું સાહસ, સમર્પણ અને સજ્જતા!’
એ દૃશ્યો ભૂલ્યાં ભૂલાય તેવાં નહોતાં.
ટોકિયો પરિષદમાં બર્માના વડા પ્રધાન બા-મોએ દૃઢતાપૂર્વક પ્રસ્તાવ મૂક્યો હતોઃ ભારતની સ્વતંત્રતા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેને માટે વિચાર કરીએ.
સામે – શ્રોતાઓની પ્રથમ હરોળમાં જ બેઠા હતા સુભાષચંદ્ર બોઝ. આ પરિષદમાં તેમને અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. પછી બોલ્યા ચીનના અધ્યક્ષ ઓસિયો, મંચુરિયાના વડા પ્રધાન ચૂ, ફિલિપીન પ્રમુખ વોરેલ, અને છેવટે જાપાનના વડા પ્રધાન જનરલ તોજો. બધાએ એક અવાજે કહ્યુંઃ ‘એશિયા એશિયનો માટે’ સાર્થક કરવાનું પહેલું કદમ છે – હિન્દુસ્તાનની આઝાદી.
સુભાષ પણ કંઈક બોલે એવો આગ્રહ થયો. સમગ્ર જિન્દગી સ્વાધીનતાનું સપનું સંજોવીને બેઠેલા સુભાષ માટે તો આ ઐતિહાસિક ઘટના હતી, ભારતમુક્તિના બંધ દરવાજા તોડીને આગળ વધવાનો નિર્ણાયક અવસર! ‘આ પ્રસ્તાવે નુતન આશાનો સૂર્યોદય સર્જ્યો છે’ તેમણે કહ્યું. તુરત જનરલ તોજોએ જાહેર કર્યુંઃ આંદામાન-નિકોબારને અમે આઝાદ હિન્દ સરકારને સુપરત કરીએ છીએ!
૯ નવેમ્બરે ટોકિયોમાં પ્રચંડ જનસભા થઈ હીવિયા પાર્કમાં લોકો ઊમટી પડ્યા હતા. સ્વયં જાપાન સમ્રાટ હિરોહિતોએ તમામ પરંપરા તોડીને સુભાષબાબુને રાજમહેલમાં આમંત્રિત કર્યા. બીજા દિવસે મિત્સુ તોયામા મળ્યા. અરે, આ માણસે તો ભારતમાંથી છટકી ગયેલા રાસબિહારીને આશ્રય આપ્યો હતો! સુભાષ ટોકિયો રેડિયો પર ગરજ્યા અને ભારતમાં સ્તબ્ધ ભારતીયોની આંખોમાં તે અવાજે નવો ચમકાર સર્જ્યો.
ટોકિયોથી નાનકિંગ. સુભાષ નુતન ચીનના મસિહા સૂન-યાત-સેનને મળ્યા. તેમણે સ્પષ્ટ કર્યુંઃ ચાંગ-કાઈ-શેકે એશિયામુક્તિ માટે ભાગ ભજવવો જોઈએ, શત્રુઓ સાથે નહીં. નાનકિંગથી શાંગહાઈ. પછી મનિલા. મનિલાથી સાઇગોન... અને સિંગાપુર, જ્યાં જનસમુદ્ર તેમની રાહ જોઈ રહ્યો હતો.
સિંગાપુરમાં તૈયારી. પહેલી ખબર તાઇપેંગથી. ‘સુભાષ બ્રિગેડ’ આગેકૂચ કરી રહી હતી. ૪૦૦ માઇલ દૂર પહોંચવાનું, તેમાં ૯૦ માઇલ પગપાળા! પણ હોઠ પર – આઝાદ ફોજના સૈનિક હુસેને – રચેલું યુદ્ધગીત.
શુભ સુખ ચૈન કી બરખા બરસે...
ભારત ભાગ હૈ જાગા!
હતું તો રવીન્દ્રનાથનાં ‘જનગણમન’ પર આધારિત, પણ અહીં અધિનાયક હતો સ્વયં ભારતીય. ઉર્દુ-હિન્દી જબાનમાં એક ઉત્તમ રાષ્ટ્રગીતને આકાર મળ્યો હતો. સ્વયં નેતાજીએ ગીત રચનાર હુસેનને ૧૦,૦૦૦ ડોલરનું ઇનામ આ ગીત માટે, આપ્યું હતું.
રસ્તામાં બ્રિટિશ બોમ્બમારો થયો, શહીદ થયો તે જીતસિંહ. આઝાદ હિન્દ ફોજનો પ્રથમ હૂતાત્મા. પછી તો તેની પરંપરા ઉમેરાઈ.
૧૦ ડિસેમ્બરે સુભાષે જાકાર્તા – સુરાવાયા – જાવા – સુમાત્રા – બોર્નિયોની મુલાકાત લીધી. ત્યાંથી આંદામાન – કાળ કોટડીમાં અગણિત સ્વાતંત્ર્ય સૈનિકોએ યાતના ભોગવી હતી તે સેલ્યુલર જેલ. ૩૦ ડિસેમ્બરે આંદામાન-નિકોબાર નવા સ્વરૂપે ‘સ્વતંત્ર ભારતના દ્વીપ’ બની ચૂક્યા હતા – શહીદ દ્વીપ, સ્વરાજ દ્વીપ. મૃત્યુંજયી ક્રાંતિકારોની સ્મૃતિને તેમણે ભાવુક બનીને વંદન કર્યા. છેક ૧૮૫૭થી અહીં તેઓને કારમો જેલવાસ મળ્યો હતો. ‘ગદર’ના નેતાઓ, મહાવીર સિંહ, પંડિત રામરખ્ખા, મોહિત મોઇત્રા, મોહન કિશોર દાસ, બલવંદસિંઘ, ભાણસિંઘ, બિશનસિંઘ, ચોહરસિંઘ, ગુરુમુખસિંઘ, હરનામસિંઘ, હઝારાસિંઘ, હિરદે રામ, ઇન્દરસિંઘ, જગતરામ, જવાન્દસિંઘ, જ્વાલાસિંઘ, કાલાસિંઘ, કેહરસિંઘ, ખુશાલસિંઘ, લાલસિંઘ, મદનસિંઘ, મંગલસિંઘ, નંદસિંઘ, ભાઈ પરમાનંદ, ઉત્તમસિંઘ, રંગાસિંઘ, ઇશરસિંઘ, પ્રિયનાથ આચાર્ય, રોમેશચંદ્ર આચાર્ય, બારીન્દ્ર ઘોષ, ઉપેંદ્ર ચટ્ટોપાધ્યાય, નિધાનસિંઘ, ઉધમસિંહ કસૈલ અને વિનાયકરાવ સાવરકર... આ નામો અહીં સમાપ્ત થતાં નથી, વચ્ચે બીજાં અનેકો છે... સ્મૃતિશેષ પાત્રોને નેતાજીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન અંજલિ આપવા પહોંચેલા સર્વપ્રથમ નેતા!
રંગુન મથકે ખબર મળતાં ફોજની છાવણી નાચી ઊઠી. જાપાન સૈન્યના વડા સુગિયામા (જનરલ)નો ગુપ્ત સંદેશો આવ્યો. આઝાદ સરકારની ‘ઇન્ટરનલ સિક્યોરિટી’ સંસ્થા રચવામાં આવી. દેવનાથ દાસને તેની જવાબદારી સોંપાઈ. પ્રચારજંગ શરૂ થઈ ગયો – એશિયાનો સિંહ ભારતના પૂર્વોત્તર મોરચે પ્રવેશી રહ્યો છે...! રેડિયો, મુખપત્રો, સભા-સરઘસ, સાંસ્કૃતિક કાર્યક્રમો. તેમાની એક નાટ્ય પ્રતિયોગિતામાં એક અભિનેતાએ ગરજતાં યુદ્ધ વાદળોની વચ્ચે વયોવૃદ્ધ દેશપ્રેમીનો – દર્શકોનાં ચિત્તને હલબલાવી નાખે તેવો – અભિનય કર્યો... છાતી પર ગોળી વિંધાઈ પછીયે તેનો અફસોસ હતો, મારે નેતાજીને મારી આંખોથી નિહાળવાની ઇચ્છા હતી. કાશ, એ પૂરી થઈ હોત!
‘બલિદાન’ નાટકના અંતિમ દૃશ્યે એક નવું દૃશ્ય ઉમેરાયુંઃ સ્વયં સુભાષ મંચ પર જઈને ‘વૃદ્ધ’નો અભિનય કરનાર સૈનિક કલાકારને અભિનંદી રહ્યા હતા.
એ કલાકાર હતો નઝીર હુસેન. પછીથી ભારતીય ચલચિત્રોનો જગજાણીતો અભિનેતા. પિનાંગમાં ગુપ્તચર તાલીમ મેળવી ચૂકેલા એસ. એન. ચોપરા, જ્યોતિષ બસુ, મહિન્દરસિંઘ, અમરસિંહ ગિલ, તૂહીન મુખરજી... હરિદાસ મિત્ર, ભારતમાં ઇમ્ફાલ સહિત સર્વત્ર ગુપ્ત રીતે પહોંચીને ત્યાંના અહેવાલો મોકલી રહ્યા હતા. ભારેલા અગ્નિ સરખી દશા હતી, દેશની... પકડાયા તો આ બધાને ફાંસી મળી.
શાન્તિ રાયચૌધરી.
ગોપાળ સેન.
દીપ્તિ ઘોષ.
હેના ઘોષ.
નીરેન રાય.
કમાક્ષા રાય.
સત્યવ્રત મજુમદાર.
શાંતિમય ગાંગુલી.
અજિત રાય.
આ નામો – ઇતિહાસનાં પાનાં પરથી ક્યાંક જલાવતન થઈ ગયાં, તમામનાં બલિદાનોની ગાથા એક સરખી હતી. ભારતના કયા ખૂણે તેના સ્મૃતિસ્તંભનું નિર્માણ થયું?
શહીદોંકી મજારોં પર
હર બરસ – જૂડેંગે મેલે
વતન પે મરને વાલોંકા
બસ, યહી નામો-નિશાં હોગા!
પણ ક્યાં છે તેની મજાર?
ક્યાં છે તેની સમાધિ? જ્યાં અંતરતમથી શહાદતની વન્દના કરવા આપણે પુષ્પહાર અર્પિત કરી શકીએ?
શિદેઈ આવું જ કંઈક વિચારી રહ્યા હતા, તેણે પૂછી લીધુંઃ તમારો દેશ વિસ્મૃતિના અભિશાપથી ઘેરાયેલો રહ્યો છે એવું નથી લાગતું?
સુભાષઃ કેમ એવું પૂછયું?
શિદેઈઃ સિંગાપુર – શ્યોનાનમાં તમે આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક બનાવ્યું હતું ને, દેશ આખો તેમનાં બલિદાનોને યાદ કરે તે માટે!
સુભાષઃ હા. અને હું તે પણ જાણું છું કે એ સ્મારક લોર્ડ માઉન્ટબેટને લશ્કરી મદદથી નષ્ટ કરાવી નાખ્યું... (ક્રમશઃ)