સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૧૩)

ઇશ્વર ઇચ્છશે તો શહીદનાં મોતે મરીશું. દિલ્હીનો રસ્તો સ્વાધીનતાનો રસ્તો છે... ચલો દિલ્હી!

Wednesday 15th June 2016 06:44 EDT
 
 

શિદેઈઃ કહાણી તેનાથી યે ગંભીર છે. માર્ચ, ૧૯૪૬માં જવાહરલાલ મલાયાના પ્રવાસે હતા. માઉન્ટબેટને તેમને સિંગાપુર આવવાનું આમંત્રણ આપ્યું... ડાઇનેમાઇટથી ઊડાવી દેવાયેલા આઝાદ હિન્દ ફોજ સ્મારક પર ત્યાંના ભારતીય નાગરિકોએ આગ્રહ રાખ્યો કે જવાહરલાલ પુષ્પાંજલિ આપે!
સુભાષ મ્લાન વદને હસ્યા. ‘અને મારો મિત્ર હેમલેટ તેવું ના કરી શક્યો. બરાબરને?’
શિદેઈઃ હા. લેડી એડવિના અને લોર્ડ માઉન્ટબેટને તેમને સમજાવ્યું કે આ સ્મારક પર ફૂલહાર માટે જશો તો ભારત-બ્રિટન સંબંધો પર ગંભીર અસર પડશે.
સુભાષ ઊભા થયા, પોતાની બેગ ખોલી, તેમાંથી એક પુસ્તક કાઢ્યું, ને શિદેઈના હાથમાં મૂક્યું ‘આ તો બંગાળી ભાષામાં છે...’
‘હા. અમારા શ્રેષ્ઠ સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું છે...’
‘શું છે તેમાં?’
‘તેનું શીર્ષક છે – ‘પથેર દાબી’. પથ-પસંદગીનો અધિકાર! સવ્યસાચી નામે ક્રાંતિ-પાત્ર તેમાં લેખકે અદ્ભૂત રીતે આલેખ્યું છે...’
‘પણ મારે તને જે કહેવું છે એ તો એક ક્રૂર નિયતિ છે...’ સવ્યસાચી તેની મિત્ર ક્રાંતિકારિણી ભારતીને એક જગ્યાએ કહે છેઃ ‘યુગોથી અંધારામાં રહીને જે લોકોએ પોતાની આંખો પણ ગુમાવી દીધી છે તેમનો શો દોષ? ભારતી, તું ક્યારેક સાંભળે કે તારો આ મોટોભાઈ – સવ્યસાચી – પણ છેવટે ફાંસીના માચડે ચડી ગયો છે, તો એટલું જરૂર સમજજે કે પરદેશીઓના હુકમથી એ ફાંસીનું દોરડું તો તેના પોતાના જ દેશબંધુઓએ ગળામાં પહેરાવ્યું હશે! કસાઈને ત્યાંથી ગૌમાસ ગામ સુધી પહોંચાડે છે તો બળદ જ! એની તે વળી ફરિયાદ શી?’
શિદેઈ – સુભાષ બન્ને મૌની બની ગયા, એક વિષાદી મૌન. તેમાં વિક્ષેપ પાડી શકે તેવું કશું જ ત્યાં નહોતું... દૂ...ર એક છાવણીમાંથી રશિયન સ્થાનિક ભાષામાં કોઈ સિપાહી કશુંક ગાઈ રહ્યો હતો તે હવાની લહેરમાં સંભળાતું હતું.
શું ગાઈ રહ્યો હતો તેની ખબર નહીં! મનુષ્યના સુખદુઃખનેય ક્યાં સંપૂર્ણ વાચા મળતી હોય છે!
•••
...પણ રક્તિમ ગાથા ક્યાં થોભી જવાની હતી? પર્વતો, સરિતાઓ, મેદાનો, અરણ્યો, ગામડાં અને નગરોને પાર કરતી એ તો આ ચાલતી-દોડતી રહી... અણનમ, અણથક, અ-વિરામ મુક્તિયાત્રા.
કેવા, અને કેટકેટલા તેના પડાવો નિર્માયા હતા? રવીન્દ્ર ગીતની જેમ -
જાત્રા કેરો,
જાત્રા કેરો,
જાત્રી દલ
એશે છે આદેશ!
બન્દરેર બન્ધન કાલ હોલોશેષ,
જાત્રા કેરો!
યાત્રિકો, આરંભ કરો, આગળ વધો,
આદેશ આવી ગયો – બંદરગાહ પરનું સિગ્નલ સૂચવે છે – જાઓ, યાત્રા તરફ આગે બઢો...
સુદૂર પશ્ચિમે – બોટાદ નામનાં સાવ નાનકડાં નગરની ચાર ભીંત વચ્ચે મકાનમાં, એક ટેબલ અને ખુરશી. રાતના ફાનસિયા અજવાળે કવિ જાણે કે આઝાદ હિન્દ ફોજની તમન્નાને જ વ્યક્ત કરવા મથી રહ્યો હતોઃ
આગે કદમ! આગે કદમ!
યારો ફનાના પંથ પર આગે કદમ!
આગે કદમઃ પાછા જવા રસ્તો નથી,
રોકાઓ ના – ધક્કા પડે છે પીઠથી,
રોતા નહિ – ગાતાં ગુલાબી તોરથી
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારા! કોણ દેશે બેસવા?
આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં,
આશા ત્યજો, આરામ-સેજે લેટવાઃ
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમઃ દરિયાવની છાતી પરે,
નિર્જળ રણે, ગાઢા અરણ્યે, ડુંગરે,
પંથે ભલે ધન ઘૂઘવે કે લૂ ઝરે,
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે,
પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે,
રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે ન આવે સાથીઓ સાથે છતાં,
ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,
વૈરીજનોનાં વૈરને ય ભેટતાં...
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઊભશો! નીચે તપે છે પત્થરો,
બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો,
અંગાર પર ફૂલડાં શીદને પાથરો?
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આ તો બધા છેલ્લા પછાડા પાપના,
હોશે ખતમ – જો, ભાઈ, ઝાઝી વાર ના!
પૂરી થશે તારી ય જીવન યાતના,
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જ્વાલામુખીના શૃંગ ઉપર જીવવા
તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!
માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાઃ
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
સુભાષ કહી રહ્યા હતા.
શિદેઈ સાંભળી રહ્યો હતો, રક્તરંજિત ગાથાનાં થોડાંક પ્રકરણો.
આઝાદ ફોજના સ્વાતંત્ર્યયુદ્ધ પૂર્વે તમામ શરતો, નીતિ, નિયમો સુસ્પષ્ટ કરવામાં આવ્યાં. દિવસ-રાત મંત્રણાઓ ચાલી. પછી નક્કી થઈ મુખ્ય બાબતો -
(૧) બન્ને સેના (આઝાદ ફોજ અને જાપાનીઝ સૈન્ય) એક સરખી રણનીતિમાં ભાગીદાર બનશે.
(૨) આઝાદ ફોજ પોતે ઘડેલા નિયમો (આઇએનએ એક્ટ) પાળશે.
(૩) વિજિત ભૂમિ આઝાદ ફોજના કબજામાં રહેશે. જાપાન જીતશે તો તે પણ આ જમીન આઝાદ ફોજને હવાલે કરશે.
(૪) વિજિત ભારતીય જમીન પર આઝાદ ફોજનો ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવશે.
(૫) કલકત્તા પર અનિયંત્રિત બોમ્બમારો કરવામાં નહીં આવે.
(૬) જે સૈનિક – પછી તે જાપાનનો કે આઝાદ ફોજનો – લૂંટફાટ, બળાત્કાર વગેરે કરતો જણાશે તેને તત્કાળ ગોળીથી ઊડાવી દેવાશે.
બન્ને ફોજનું સન્માનપૂર્વકનું સામ્ય. કોઈ ઊંચો નહીં, નીચો નહીં. વિજિત ભારતીય ભૂભાગ પર શાસન માટે જે પરિષદનું ગઠન કરવામાં આવશે તેનો અધ્યક્ષ કોણ રહે એ સવાલ પર પાંચ-છ કલાક ચર્ચા થઈ. નેતાજી દૃઢ હતા, કર્નલ ઇયામામોતોને તેમણે કહી દીધુંઃ તમારો અભિપ્રાય અલગ હોય તો હું સીધો જનરલ તોજોની સાથે વાત કરીશ. અધ્યક્ષ તો આઝાદ ફોજે નક્કી કરેલો ભારતીય જ હોઈ શકે. એવું ન કરવું હોય તો પરિષદની કોઈ જરૂર નથી, ગવર્નર મેજર જનરલ ચેટરજી છે તે જ એ હોદ્દા પર ચાલુ રહેશે.
નેતાજીની વ્યસ્તતા દરેક મિનિટનો સંગ કરતી હતી. રેજિમેન્ટની તૈયારી, માર્ચપાસ્ટ, રણનીતિ, વાતચીત... અને એકાદ સ્પષ્ટ વાતઃ રસ્તો મહામુશ્કેલીઓ સાથેનો છે. અઠવાડિયા પછી રણચૂક આરંભાશે. હજુ પણ જેને દ્વિધા હોય કે ડર હોય તે બતાવી દે!
૪ ફેબ્રુઆરી, ૧૯૪૪.
સુભાષ બ્રિગેડે નેતાજીને સલામી આપી. ત્રણ બટાલિયનો તૈયાર હતી. મેજર પી. એસ. રાતુરી અમેરિકન-બ્રિટિશ ફોજની સામે યુદ્ધમેદાને ઊતરશે. પ્રોમથી કાલાદાન સુધીની કૂચ પછી આ લોહિયાળ લડાઈ થવાની હતી.
બીજી-ત્રીજી બટાલિયનના વડા હતા. મેજર રણસિંહ અને મેજર પદ્મસિંહ. માંડલે, કાલેવાર, હાકા, છિન વિસ્તાર તરફ.
સુભાષે આત્મીય રણકાર સાથે સંબોધન કર્યુંઃ
સુદૂર, નદીની પેલી પાર, પહાડ અને જંગલોની યે પેલી પાર છે આપણો દેશ. જે માટીમાંથી આપણે સૌ જનમ્યા છીએ, ત્યાં પાછા ફરવાનું છે.
સાંભળો, ભારત વર્ષ આપણને સાદ પાડી રહ્યો છે. ભારતની રાજધાની દિલ્હી બોલાવે છે. અડતાળીસ કરોડ ભારતીયોનું ઇજન સંભળાય છે... આપણું પોતાનું લોહી બોલાવી રહ્યું છે. ઊઠો, સમય ગુમાવ્યા વિના આગળ વધો. હાથમાં શસ્ત્રો લઈને એ રસ્તા પર ચાલવાના છીએ જે આપણા પથ-પ્રદર્શકોએ ચીંધ્યો છે. ઇશ્વર ઇચ્છશે તો શહીદનાં મોતે મરીશું. મૃત્યુ પૂર્વે આપણી ધરતીને ચૂમીશું. દિલ્હીનો રસ્તો સ્વાધીનતાનો રસ્તો છે... ચલો દિલ્હી!
સૈનિકોએ પ્રતિસાદમાં આકાશ ગજવ્યુંઃ ચલો દિલ્હી! ચલો દિલ્હી!!
સુભાષ બ્રિગેડે આગેકૂચ કરી. આરાકાન સેક્ટરની જવાબદારી એલ. એસ. મિશ્ર અને કર્નલ મહેરદાસે સંભાળી. ઇમ્ફાલના બિશનપુર તરફ કર્નલ એસ. એ. મલિકની ટુકડીએ કૂચ કરી. મેજર મગરસિંહે અને અજમેર સિંહે કોહિમા સેક્ટરનું લક્ષ્ય રાખ્યું. સેનાપતિ એમ. ઝેડ. કિયાનીના હેઠળ ત્રણ બ્રિગેડ. સુભાષ બ્રિગેડમાં શાહનવાઝખાં, ગાંધી બ્રિગેડમાં કર્નલ આઇ. જે. કિયાની અને આઝાદ બ્રિગેડમાં કર્નલ ગુલઝારા સિંહનું નેતૃત્વ હતું. જુઓ તો ખરા, વિધિની વિડંબના કે જે નેતાઓ ભારતમાં હતાશ ચહેરે વિભાજનના કોકડામાં ગૂંચવાયેલા હતા, તેમનાં જ નામોથી આ બ્રિગેડ ઓળખાતી હતી!
બીજી ડિવિઝનનો મોરચો કર્નલ અઝીઝ અહમદ, તેની બ્રિગેડમાં કર્નલ એમ. એમ. હુસેન અને પી. કે. સહગલ તેમ જ જી. એસ. ધિલોન.
હિન્દુ મુસ્લિ શીખ ઇસાઈ...
ત્યાં ભારતમાં જનાબ ઝીણાનો વિભાજિત રસ્તો, કોંગ્રેસનું વૈફલ્ય અને અહીં આરાકાનના અરણ્યમાં, ઇરાવદી નદીના કિનારે, ઇમ્ફાલના રણમેદાનોમાં ખભેખભા મિલાવીને સૌનો સ્વાધીનતા – સંઘર્ષ!
એન. એસ. ભગત.
જી. આર. નાગર.
કર્નલ ગુરમીતસિંહ.
બિશનસિંહ.
કર્નલ બુરહાનુદ્દીન.
એસ. એ. મલિક.
મેજર જનરલ ચેટરજી.
અલી અકબરખાં.
હેમ મુખરજી.
ચન્દ્રનાથ ચેટરજી.
કર્નલ નંદી.
કર્નલ મેનન.
કર્નલ અમિય ચેટરજી.
મેજર જ્ઞાન દાસગુપ્તા.
આરાકાનમાં પહેલો વિજય પ્રાપ્ત થયો. ૧૭૫૭થી ૧૯૪૪ સુધીનાં વર્ષોમાં પ્રથમ વિજય – આઝાદ હિન્દ ફોજનો. સેકન્ડ કમાન્ડર એલ. એસ. મિશ્રે બ્રિટિશરોની સાતમી ટુકડીને ઘેરી લઈને નષ્ટ કરી. દુનિયામાં જેનો સૂરજ આથમતો નથી તેવી બ્રિટિશ સામ્રાજ્યની સેના ભાગી છૂટી. સાતમી ડિવિઝનના ઘોર પરાજયને બ્રિટિશ સૈન્યના ઇતિહાસમાં ‘અત્યંત આઘાતજનક હાર’ ગણાવાયો છે.
એ નોંધ પોતે જ સ્પષ્ટ છેઃ
‘The offensive in Arakan launched on February 4th 1944, quickly cut off the 7th Indian Division in Mayu Vallyu… Among the reasons for success was reconnaissance and subversion of an Indian out post – postion by Major L. S. Mishra, the INA Commander in Arakan.’
વિજયના વધામણા નેતાજીએ શાબાશીના ઉદ્ગારો સાથે મોકલ્યા અને કહ્યુંઃ દોસ્તો, આજથી આપણો એકમાત્ર નારો છે – આઝાદી યા મોત! વિજય આપણો છે. દુનિયા આખીની નજર આરાકનના મોરચા તરફ છે.
જાપાનના વિદેશમંત્રી સિગીમિત્સુએ અભિનંદન પાઠવ્યાં. પણ રણભૂમિ ક્યાં આસાન હતી? હજાર મુસીબતોની કાંટાળી વાડ પાર કરવાની હતી. બ્રિટિશરોને લાગવા માંડ્યું કે ઈશાન ભારતમાં હારવાની શરૂઆત થઈ તે આગળ વધશે તો ભારતમાં દાવાનળ ભભૂકી ઉઠશે. ઇમ્ફાલથી ચટ્ટગ્રામ થઈને સુભાષની ફોજ કલકત્તા સુધી પહોંચે તો દેશ આખો સ્વાતંત્ર્યસમરમાં સામેલ થઈ જશે. વાઈસરોય, ક્વીન વિક્ટોરિયા, બ્રિટિશ પાર્લામેન્ટના કાયદાઓ, યુનિયન જેકનો દબદબો... બધું ખતમ!
સુભાષ બ્રિગેડે રંગુનથી પ્રોમ આગગાડીમાં અને પછી ૧૦૦ માઈલ પગપાળા આગેકૂચ કરી. વચ્ચે ૧૬ સૈનિકો બોમ્બમારામાં મરાયા. આકાશેથી બ્રિટિશ વાયુસેના તૂટી પડી હતી. લંડનના હાઉસ ઓફ કોમન્સમાં સચવાયેલા વિન્સ્ટન ચર્ચિલનાં મોંઘેરા ‘નાક’ને સુરક્ષિત રાખવું હતુંને? અહીં સુભાષ બ્રિગેડ પાસે ન પૂરતા શસ્ત્રો, ન સગવડો, મેલેરિયાનો વાયરો. વાહનોની તો વાત જ ક્યાં કરવી? રોજના પાંચ કલાકની કૂચ. બ્રહ્મપુત્ર પાર કરતાં બંગાળ આખું હાથ મેળવવા પહોંચશે. કાલાદિન નદી અને પહાડની ટોચ પર બ્રિટિશ અશ્વેત સૈનિકો બાજનજર સાથે થાણું નાખીને બેઠા હતા... અને આઝાદ ફોજની બ્રિગેડ કૂદી પડી. બ્રિટિશ સેનાના દોઢસો માર્યા, આઝાદ ફોજના ચૌદની આહુતિ. બ્રિટિશ બહાદૂરો તમામ હથિયાર, કપડાં, ભોજન સામગ્રી, તોપગોળા પાછળ છોડીને ભાગી છૂટ્યા. વળી પાલેટોયા મથકે લડાઈ થઈ. પછી દાલેત્મી. બન્નેમાં આઝાદ હિન્દ ફોજની જીત થઈ. માત્ર ચાળીસ માઇલ દૂર હતી સરહદ. પછી પૂણ્યપ્રિય ભારત માતા!
દાલેત્મી પછી મોડક. શત્રુ ભાગી છૂટે છે બધે. વિજિત ભૂભાગની જવાબદારી કેપ્ટન સુરજમલના હાથમાં હતી. બ્રિટિશ હુમલો જલદીથી થશે તે નક્કી હતું. જાપાની સૈનિકો પણ આઝાદ હિન્દ ફોજની અધીનતામાં લડ્યા એ એક ઐતિહાસિક ઘટના હતી.
જાપાનના મુખ્ય સેનાપતિ જનરલ કાઓયાવે નેતાજીને લખ્યુંઃ
‘Your Excellency, we were wrong. We misjudge the soldiers of the INA. We know now that they are no mercenaries, but real patriots!’
આઠ જ મહિનાના ટૂંકા સમયપટ પર આ વિજય ધ્વજ આરોપાયો હતો!
ઇમ્ફાલ કૂચને નામ અપાયું ‘ઓપરેશન યૂ.’
આરાકાન પછી તાઉંગ બજારમાં આઝાદ ધ્વજ ફરક્યો.
બે દિવસ પછી મિયામિયાંગ.
પહેલી માર્ચ ૧૯૯૪ના સેટાબિન મુક્ત કરાયું. પાંચમીએ કાલાદિન, આઠમીએ હોઆઇટ અને પછી લેનાકટ.
અઢારમી માર્ચે કેનેડી-પીક.
અમેરિકન સૈનિકો સ્તબ્ધ હતા, બ્રિટિશરોને સહાય કરવા આવ્યા હતા, પણ અહીં તો અમેરિકન નામાંકનો પણ અધિકારમાં ના રહ્યાં!
૧૯ માર્ચ, ૧૯૪૪. અંધારી રાતે પહાડ
પરથી તળેટીમાં – અરે, આ તો આપણી મા! ભારત માતા! જય હિન્દનું રણક્ષેત્ર! પરમ પવિત્ર, શસ્ય શ્યામલા...
સૈનિકો ખુશીથી નાચી ઊઠયા. રાતભર ઉત્સવના રંગો. નાચગાન. એકબીજાને ગળે ભેટીને, ધરતીની ધૂળ ચૂમીને, વંદના કરીને, ‘નેતાજી ઝિંદાબાદ!’ નારા સાથે ‘ચલો દિલ્હી!’નો રણઘોષ!
રક્તરંજિત સંગ્રામમાં યે માતા – ભારતમાતાના ચરણે નતમસ્તક કર્યાનાં જીવનસૌભાગ્યનાં વીરલ આંસુ પણ હતાં! (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter