દાસે તો અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારવું પડ્યું. છગન ખેરાજ વર્મા અને સોહનલાલ પાઠકને ફાંસી મળી. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને અવની મુખરજી રશિયામાં. શ્યામજી કૃષ્ણવર્મા અને ભાનુમતીએ વિયેનામાં આંખો મીચી...
હવે નિજપ્રયાણની ઘડી.
જાપાન સમ્રાટ હિરોહિતોને ખબર મળતાં જ દેશના સૌથી અધિક સન્માનિત પદની ઘોષણા કરીઃ રાસબિહારી બોઝને ‘ધ સેકન્ડ ઓર્ડર ઓફ ધ મેરિટ’ એનાયત કર્યાની ઘોષણા થઈ. કોઈ અ-જાપાનીને આવું સન્માન મળ્યું નહોતું. જનરલ સીજૂ આરિસુ હોસ્પિટલે દોડી ગયા... આંખોમાં આંસુ સાથે, બીમારીથી નિર્બળ બનેલા રાસબિહારી બોલ્યાઃ આભાર જાપાન! ભારતીય સ્વાધીનતાની લડાઈમાં સહયોગ માટે હૃદયથી કૃતજ્ઞ છું...
૨૧ જાન્યુઆરી, ૧૯૪૫.
ટોકિયોની હોસ્પિટલ. ‘ક્રાંતિના પિતામહ’ ગણાયેલા રાસુદાએ આંખો મીંચી લીધી. બર્માના વડા પ્રધાન થાકિન નૂએ કહ્યુંઃ જો નેતાજી ગેરિબાલ્ડી છે તો રાસબિહારી મિત્સીની!
આઝાદ હિન્દ સરકારના મુખ્ય મથકે રાષ્ટ્રધ્વજ અરધી કાઠીએ દિવસભર ફરકતો રહ્યો. સાંજના પડછાયે ધ્વજાવતરણ સમયે નેતાજીએ સલામી સાથે રાસુદાની વિદાયને રાષ્ટ્રીય સન્માન આપ્યું.
શિદેઈથી રહી શકાયું નહીં. ‘અને ભારતમાં?’
સુભાષે મ્લાન સ્મિત કર્યું. દુર્ભાગી દેશ ત્યારે વિભાજનનો સ્વીકાર કરવો કે અસ્વીકાર તેના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો રહ્યો હતો, ત્યાં રાસુદાનું સ્મરણ કોણ કરે?
પછી તેમના હોઠ પર ગીત આવ્યું, શિદેઈને હવે ખબર પડી ગઈ હતી કે જરૂર તે રવીન્દ્રનાથનું જ હશે!
આજિકે તોમાર અલિખિત નામ
અમારા બેડાઈ ખૂંજી,
આગામી પ્રાતેર શુક્રતારા સમ
નોઇપથે આછે બુઝી...
આજે તમારું અલિખિત નામ અમે શોધવા માટે નીકળ્યા છીએ... પ્રાતઃકાલિન આકાશે શુક્રતારકની જેમ ક્યાંક નેપથ્યે તો નથી ને?
•••
સઘળું અધૂરું હતુંઃ શસ્ત્રો, પુરવઠો, પ્રચાર. ઝઝુમવાનું જ નસીબ હતું સુભાષને માટે. પોતે જાણતા હતા નિયતિ. શિદેઈને તેમણે વાતવાતમાં એકવાર કહ્યું હતું કે શું મને વિપરિત સંજોગોની જાણ નહોતી? અમે લડી રહ્યા છીએ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે એ પ્રમાણિત કરતાં કરતાં જ ખાસ્સો સમય લાગ્યો. ધૂર્ત અંગ્રેજો અને અમેરિકો પાસે સમર્થ પ્રચાર – માધ્યમો હતાં તેમણે તો દુનિયાને – અને અર્ધતંદ્રામાં અટવાતા ભારતીય નેતાઓને – ઠસાવી દીધું કે જાપાન ભારત પર હુમલો કરી રહ્યું છે. ઇંગ્લેન્ડે કહ્યું કે આઝાદ ફોજ તેની ભાડુતી સેના છે. સામ્યવાદીઓએ આ શોરબકોરને આગળ ધપાવ્યો.
આઝાદ ફોજ પાસે માધ્યમનાં સાધનો પણ અપૂરતાં હતાં. રંગુન, સિંગાપુર, બેંગકોક, સાઇગોન, નાનકિંગમાં મર્યાદિત રેડિયો કેન્દ્રો હતાં. ભારતમાં વિરોધી પ્રસારણ સાંભળવાની મનાઈ. અખબારો પર યુદ્ધકાલીન સેન્સરશિપ...
સુભાષના આ મુદ્દાથી આગળ વધે છે તત્કાલિન યુદ્ધકથા.
ડોક્ટર બા મો બર્માનો સમર્થ નેતા કહે છેઃ ‘બે વિરોધી શક્તિઓની વચ્ચેનો સંઘર્ષ હતો ત્યારે- આઝાદ ફોજે પારોઠનાં પગલાં ભરવાનું આવ્યું પણ પછી વિચ્છિન્ન ફોજ વળી પાછી, ખંડ-ખંડને અખંડ બનાવીને આઝાદીજંગ માટે તૈયાર થઈ ગઈ! મેં નિહાળ્યા છે સુભાષને એ પરાજિત દિવસોમાં. મુસીબતના અંધારે તેમનું શ્રેષ્ઠ સ્વરૂપ ખીલ્યું, ચહેરા પર ગ્લાનિ પણ હૃદયે અતુલ્ય સાહસ!’
જન્મદિવસે સુવર્ણતુલા, ચોથી ફેબ્રુઆરી ‘સૈનિક દિવસ’, અગ્રીમ સેનાનીઓને ‘જનરલ’ પદ એનાયત કરાયું, ચેટરજી વિદેશ પ્રધાન બન્યા. બેંગકોકમાં નેતાજીનું ભવ્ય સ્વાગત થયું એ ‘રાષ્ટ્રીય યાત્રા’ જ હતી જાણે! દેશનેતા પોતાના નાગરિકોને સ્વાતંત્ર્ય યુદ્ધ માટે સજ્જ કરવા આવ્યા હતા, ‘તન-મન-ધનથી સમર્પિત થવાની આ ઘડી છે...’ ભારતીયોએ આ આત્મીય પોકારનો એવો જ પ્રતિસાદ આપ્યો. આખી જિંદગી કમાણી કરનારા શેઠિયાઓએ તમામ મિલકત અર્પિત કરી દીધી. આમાંથી જ રણમોરચે લડનારા જવાનના હાથમાં રાઇફલ, મશીનગન, ટેંક, વસ્ત્રો, ખાદ્યસામગ્રીની પૂર્તિ થવાની હતી તે?
પુનઃ સંઘર્ષની આગ.
સ્થાન ઉત્તરી બર્માના ઇલાકાઓ.
બીજી ડિવિઝનનું સુકાન કર્નલ અઝીઝ અહમદને સોંપાયું હતું.
હવે એકલું બ્રિટન નહીં, અમેરિકા પણ અહીં સક્રિય હતું. તમામ હવાઈ મથકો પર તેનાં જહાજો ગોઠવાઈ ગયાં. વૈશ્વિક તખતો બદલાવા માંડ્યો હતો. ઈટલીનું પતન થયું. જર્મની નિર્બળ બન્યું. ૧૯૪૪માં ફ્રાન્સમાં સૈન્ય ઊતર્યું રશિયા ‘મિત્ર’ બનવા છતાં તેઓ ભરોસો નહોતો. વાયા બર્લિન રશિયન સૈન્ય આગળ વધી તો સંપૂર્ણ યુરોપ પર ખતરો હતો.
આઝાદ ફોજનું લક્ષ્ય તો પોપા પર્વતમાળા વિસ્તાર હતો પણ...
અઝીઝ અહમદ શત્રુની બોંબમારાથી ઘાયલ થયા એટલે શાહનવાઝ ખાનને કામ સોંપાયુંઃ બર્મામાં અમેરિકી બોંબ ચોતરફ ઝીકાઈ રહ્યા હતા. યુદ્ધની નૈતિકતા નષ્ટ થઈ ગઈ. એકલી સૈનિકી છાવણીઓ જ નહીં, લોકોનાં મકાનો – હોસ્પિટલો – શાળાઓ – દેવાલયો – બજાર કંઈ બાકી ન રહ્યાં. આઝાદ ફોજના સૈનિકો જ્યાં સારવાર લઈ રહ્યા હતા તે મેયાંગ હોસ્પિટલ પર બોંબ ફેંકાયા... અમેરિકા હિરોશીમા – નાગાસાકીને અણુબોંબથી નષ્ટ કરવાનું હતું, તે આવી હોસ્પિટલોને શાની બાકાત રાખે?
આ ધ્વસ્ત સ્થાને સ્વયં પહોંચ્યા સુભાષ! જાતે ઘાયલ સિપાહીઓને બીજે સ્થળાંતરિત કરવા માંડ્યા. પણ જેની લાશો ઢળી હતી, તેનું શું? અય્યરે તો પોતાની ડાયરીમાં લખ્યું યે ખરુંઃ ‘I am still hoping that one day the American will tell the world the real reason for their blasting and burning the I.N.A. Hospital in Mayang (Rangoon) on Saturday 10th February, 1945.’
બ્રિટિશ સેનાએ ગૂમાવેલું માંડલે પાછું મેળવ્યું, ત્યાંથી ઇરાવતી નદી તરફની આગેકૂચની રણનીતિ હતી. નદીમાંથી આવતાં રોકવા મેજર જે. એસ. ધિલોન સાથે હતા માત્ર ૧૨૦૦ જવાંમર્દો! સામે અ-પાર શત્રુસેના! લેફટનંટ હરિરામ, ચંદુભાણ, પી. કે. સહેગલ આ નામો યુદ્ધના ઇતિહાસમાં આલેખવા જોઈતાં હતાં. પણ બ્રિટિશ ઇતિહાસકાર તેવું કેમ કરે? આ મોરચે બ્રિટિશ સૈન્યના ગુણગાન કરતા સચિત્ર પુસ્તકોમાં એકતરફી પ્રશંસાનો જ અતિરેક છે. તોપ નહોતી તો મશીનગનથી લડ્યા હતા. આઝાદ ફોજના બલિદાનીઓ. બાર માઇલ વિસ્તરેલી નદીના કિનારે લોહી રેડાયું હતું. બ્રિટિશ યુદ્ધ સંવાદદાતાએ લખવું પડ્યુંઃ ‘ફેબ્રુઆરીની પહેલી તારીખે અમે ભારે માર ખાધો. જોતજોતામાં અમારી નૌકાઓ ડૂબવા લાગી. આઇએનએનું એકાદ નિશાન પણ નિષ્ફળ નહોતું ગયું. થોડાક તરીને પાછા આવ્યા પણ બાકીના મૃત્યુ પામ્યા... સ્વયં સુભાષ મોરચા પર આવ્યા!
૧૮ ફેબ્રુઆરીએ પાઇનમાના. ત્યાંથી વીસમીએ ઇન્દોગાંવ. માંડ વીસ માઇલ પર મિક્તિલા રેલવે જંકશન, પણ રેલ પર બ્રિટિશ નજર હતી. જંગલમાં જ છુપાઈને રહેવામાં ડહાપણ હતું ત્યાં નિઓંગુ ક્ષેત્રથી દુશ્મનોએ નદી પાર કર્યાના સમાચાર મળ્યા. ઓહ! આવું કેમ બન્યું? લેફટનંટ હરિરામે ગદારી કરીને બધી સૂચના બ્રિટિશ સૈન્યને પહોંચાડી દીધી એટલે આમ બન્યું... આવા છ દ્રોહી સૈનિકોની દગાખોરીથી બાજી પલટાઈ.
સ્વતંત્રતાનું યુદ્ધ પણ ક્યાં સા-વ એક માર્ગ પર સીધે સીધું લડાતું હોય છે? વચ્ચે આવે છે અ-પાર સંકટો. અમીચંદો ક્યાંકથી નિકળે છે. લાલચ અને મહત્ત્વાકાંક્ષાના ગૂમડાં ફૂટે છે. પરાધીન દેશની આ નઠોર-કઠોર નિયતિ છે. સુભાષબાબુએ તુરત આદેશ જારી કર્યોઃ આવી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અફસર કે સૈનિક કાયરતા બતાવે કે વિશ્વાસઘાત કરે તો તત્કાળ તેને પકડી લાવો અને ગોળીથી ઠાર કરવો.
હવે પોપા પર્વતક્ષેત્રના મોરચાને વધુ સક્ષમ બનાવવાનો હતો. સાંજ સુધીમાં લપાતા-છૂપાતા ત્યાં પહોંચ્યા. નિઓંગુ, પાગાન અને પોકોકાઉ – બધે ભયંકર લડાઈ ચાલુ હતી. શાહનવાઝ ખાને વિનંતી કરીઃ નેતાજી, આપનું અહીં રહેવું સુરક્ષાની દૃષ્ટિએ હવે ઉચિત નથી. રંગુન પાછા વળો. પોપા હિલની લડાઈ ભીષણ છે. શાહનવાઝખાં પોપા વિસ્તારની જાતતપાસ માટે નિકળ્યા. ‘ચોથી ડિવિઝને હરિરામના વિશ્વાસઘાતનું કલંક મિટાવવાનું છે’ કહી સુભાષે તેમને વિદાય આપી. પાછા આવ્યા ત્યારે હાર-જીતની તમામ સંભાવના પર ઝીણી વિગતો સાથે ચર્ચા કરી. દુશ્મનો આગળ વધી રહ્યા છે. શાહનવાઝખાં, રાવત, કર્નલ મહેબૂબનો આ નિષ્કર્ષ હતો.
સુભાષબાબુનો નિર્ણય હતો કે પોપા પર્વત છાવણી પર આઝાદ ફોજના સૈનિકો સંઘર્ષરત છે તેમના સુધી જવું જ જોઈએ... મારા સૈનિકો છે... તેને છોડું તેના કરતાં મરવું પસંદ કરીશ અને શાહનવાઝ, સુભાષને ખતમ કરે તેવો કોઈ બોંબ કે બંદુક હજુ સુધી બન્યાં જ નથી!
મોડી રાતે પોપા તરફ નિકળવાનું નક્કી થયું પણ મોટરકારનાં એન્જિને જ દગો દીધો. હવે? ત્યાં નેજર જનરલ કિયાનીનો સંદેશો આવ્યોઃ નેતાજીએ તાત્કાલિક રંગુન પહોંચવું ખૂબ જ જરૂરી છે.
ઓહ!
રંગુન જવું પણ કઈ રીતે?
જાપાની સેનાએ માહિતી આપી કે તમામ રસ્તા બંધ છે. બ્રિટિશ સૈન્ય માંડ દસ માઈલ દૂર સુધી પહોંચ્યું છે. મિકિટલા પર કબજો કરવાની ઘડી ગણાઈ રહી છે. પછી...
પછીની કલ્પના યે બિહામણી હતી પણ આ ઘડીએ શું કરવું? નેતાજીને રંગુન કઈ રીતે પહોંચાડવા? કોઈ પણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ નહોતું.
કાં તો લડતાં લડતાં મોતને આલિંગન આપવું.
અથવા અંગ્રેજોના મોરચાનો ઘેરો તોડીને આગળ વધવાનો સાહસિક અધ્યાય રચવો.
બે વિકલ્પ હતા. બીજો પસંદ કરાયો. નેતાજીની પાસે એક રોમીગન. બાકી બધાએ પણ દારૂગોળો લીધો. ભીષણ લડાઈ કરવાની આવે તો લડતાં લડતાં ખપી જવું.
શૌર્ય અને સમર્પણની પરંપરાના મહાનાયક હતા સુભાષ. મિકિટલાની સા-વ નજદિક ઇન્દોગાંવ સુધીની સફર તો હેમખેમ થઈ, પણ એ ભ્રમણા હતી! ગામમાં પહોંચતાં જ ખૂલ્લાં મેદાનમાં હવાઈ જહાજોમાં બાર જેટલી મશીનગનોએ ગોળા વરસાવા માંડ્યા.
હવે?
ગામ છોડીને અરણ્યમાં આશ્રય. ત્યાં યે ગુપ્તચર વિમાનો આવ્યાં! રાત આખી અરણ્યવાસ. ભૂખ લાગી તો શાહનવાઝ એક ખેતરમાં વાવેલા ચણાના છોડ પરથી લીલા ચણા લઈ આવ્યા. એક ઊંડી ખાઈ ખોદી કાઢેલી તેમાં છૂપાયાં એટલે દુશ્મન વિમાનોની નજર ન પહોંચી. અરે! શાહનવાઝે જોયું, એક જંગલી વીંછી નેતાજીના ગળા સુધી પહોંચી ગયો હતો! નેતાજીને તેની ખબર હતી પણ થોડીકે ય હિલચાલ થઈ તો શત્રુની નજરે પડવાની પૂરી શક્યતા હતી. નેતાજી સ્થિર જ રહ્યા, ભલે વીંછી આગળ વધે... ત્યાં તો વિમાનો પાછાં વળ્યાં. જલદીથી શાહનવાઝે વીંછીને ઝડપી લીધો અને મારી નાખ્યો.
બીજી માર્ચે રંગુનથી વધુ એક સંદેશો આવ્યો. નેતાજીને જલદીથી મોકલો.
છેવટે ૭ માર્ચે સાંજે નેતાજીને રંગુન છોડ્યો શાહનવાઝ ખાન મોરચે પાછા વળ્યા... એ પૂર્વે વિદાયની ક્ષણે ભાવભરી નજરે નેતાજી કહી રહ્યા હતાં. અલ વિદા દોસ્તો! આઝાદ ફોજની ગરિમા જાળવજો. તમે બહાદૂરીપૂર્વક લડ્યા છો. આજે આપણે હાર્યા છીએ પણ નિશ્ચિંત રહેજોઃ આપણે સ્વતંત્રતાનું યુદ્ધ જીતીશું, અવશ્ય જીતીશું.
‘યુદ્ધના બીજા મોરચે મારો બહાદૂર અફસર જનરલ ધિલોન લડી રહ્યો હતો...’ સુભાષે શિદેઈને અને બીજા મોરચાની કહાણી કહેવી શરૂ કરી.
પંચનદની પેલી પાર તેણે મોરચો સંભાળી લીધો હતો. આઝાદ ફોજ વિશે બડી કંજુસાઈથી લખનારા હ્યુ ટોયે એક વાક્ય લખ્યું છેઃ ’૧૫-૧૭ માર્ચની વચ્ચે આ માણસે જોશપૂર્વક દાંત ભરાવ્યા અને ટાઉનજિન જીતી લીધું.’ કોઈ સંદેશાવ્યવહારની સગવડ નહીં, બધું વેરણછેરણ, ન ટેલિફોનિક વાતચીત, મામુલી સંદેશવાહકની યે ખોટ... એવા સંજોગોમાં ધિલોને લખ્યુંઃ મોરચે જીત થઈ તે તમારી છે નેતાજી, શબ્દો મારી પાસે નથી, સમજાવવા માટે. કદાચ મારા હર્ષાશ્રુથી સમજાવી શકું! રંગુનમાં મેં તમને જાહેરમાં વચન આપ્યું હતું ને! તમને ક્યાંય નીચા જોવાપણું ન થાય એવું કરીશ... શું હશે આપણા ભાગ્યમાં, હું જાણતો નથી, ન જાણવાની ઈચ્છા છે બસ, તમારા ભવ્ય આદર્શોના મારગે યુદ્ધ લડીશું... આઝાદ ફોજનો એક જ સૈનિક બાકી રહેશે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.
રંગુન, ૧૨ માર્ચ, ૧૯૪૫.
સુભાષબાબુનો પત્ર.
બર્મા મોરચો, ૨૦ માર્ચ, ૧૯૪૫.
જી.એસ. ધિલોનનો પત્ર.
આ માત્ર પત્રો નથી. માતૃભૂમિના મોરચે આલેખિત રક્તરંજિત આશાનો ધબકાર છે. સુભાષબાબુ લખે છેઃ દુનિયાની કોઈ તાકાત ભારતમુક્તિને રોકી શકે તેમ નથી... ધિલોન લખે છેઃ ‘તમારા અભિનંદન અમારામાં અનોખું જોશ પેદા કરે છે.’ કેવી દિવ્ય પ્રેરણા? લેફટનંટ જ્ઞાનસિંહ અને પ્લાટ્ન કમાંડર મંગૂરામે લડતાં લડતાં પ્રાણ ગૂમાવ્યા ત્યારે તેમના શબ્દો હતાઃ જય હિન્દ!
ધિલોને લખ્યુંઃ ‘આ જ્ઞાનસિંહ પણ અદ્ભુત સૈનિક! કાયમ કહેતો કે મારું મોત છાવણીમાં નહીં, રણભૂમિ પર થશે... તેણે અને મંગુરામે એવું જ કર્યું.’
જબ અંત સમય આયા
કહ ગયે કિ હમ મરતે હૈં,
ખૂશ રહના દેશ કે પ્યારોં
અબ હમ તો સફર કરતે હૈં...
૨૯ માર્ચ પાઇનબિન પર આક્રમણ કરવામાં ભીષણ લડાઈ થઈ. બંને તરફથી લાશો પડી. એ આખો દિવસ લોહીભીનો બન્યો. કર્નલ સહગલની જીપ પર ૧૪ બુલેટનાં નિશાને લડાઈને વધુ ઉગ્ર બનાવી દીધી. પોપાથી પાઇનબિન રસ્તાઓ પર ખાનાખરાબી સિવાય કશું જ નહોતું.
રંગુનમાં નેતાજીની ચિંતામાં એક ઉમેરો થયોઃ ઝાંસી રાણી સૈનિકાઓનું શું કરવું? રંગુન બ્રિટિશરોના હાથમાં ફરી વાર જાય એ માટે તો બર્મામાં બ્રિટિશર-અમેરિકનો મોટી સંખ્યામાં કૃદ્ધ બનીને યુદ્ધ કરી રહ્યા હતા. હોસ્પિટલોને ય બોંબમારાથી બાકી ન રાખવાની તેમણે કસમ ખાધી હતી જાણે!
આ સંજોગોમાં ઝાંસી રાણી સેનાનું રંગુનમાં રહેવું ઠીક નહોતું. દેવનાથ દાસ વ્યવસ્થામાં ગળાડૂબ હતા. નક્કી કરાયું કે આ સૈનિકાઓને બેંગકોંગ મોકલવી. ક્રમશઃ આ કામ કરવું પણ જલદીથી કરવું.
જિંદગીને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા સાથે આ અગ્નિકન્યાઓ આવી હતી. લડીશું, પુરુષ સૈનિકોની સાથે ખભેખભા મિલાવીને રણમોરચે જઈશું બંદુક ચલાવીશું. મશીનગનથી ધાણી ફૂટ ગોળીબાર કરીને બ્રિટિશ સૈનિકોનો ખાતમો બોલાવીશું. રણભૂમિ પર આત્માહુતિની વેળા આવે તો તેમ કરીશું...
નેતાજીએ દેવનાથ દાસને આદેશ આપ્યો હતો. જોસેફાઇન, સ્ટેલા જેવી સૈનિકાઓએ દલી કરી, પણ ચાલી નહીં.
૨૯ માર્ચ, ૧૯૪૫.
લેફ્ટનંટ પ્રતિમા પાલની દેખરેખમાં દોઢસો સૈનિકાઓએ બેંગકોંક તરફ પ્રયાણ આદર્યું. ચિંતિત નેતાજીએ સાવધ રહેવાનું જણાવ્યું – સમય ઠીક નથી. અમેરિકન અને બ્રિટિશ હવાઈ વિમાનો આકાશે નજર કરી રહ્યાં છે. કમ્યુનિસ્ટ ગોરિલા વાહિની પણ ખતરનાક સાબિત થઈ શકે છે... આ બધાંની વચ્ચેથી સલામત પહોંચવાનું છે.
પહેલો દિવસ, થોડીકે ય વિશ્રાંતિ વિનાનો ગયો.
બીજે દિવસે સીતાંગ નદી પાર કરવાની હતી, તે પણ છૂપાઈને! ત્યાં તો ચારે તરફથી સાઇરન વાગી. ખળભળાવી મૂકતો મોટો બોંબ વિસ્ફોટ થયો. વૃક્ષોની ઝાડી સળગી. એક પછી એક બોંબ...
દેવનાથ દાસે સૌને સાવધ કરી દીધા. રેલયાત્રા શરૂ થઈ. માલવાહક ડબ્બામાં અઢીસો મહિલાઓ!
કમલા, સ્ટેલા, જોસેફાઈન... દરવાજે રાઇફલ સાથે પહેરેગીર બની. થોડાક જવાન સૈનિકો બધાંની સુરક્ષાર્થે સાથે હતા. (ક્રમશઃ)