રાતના અંધકારમાં આગગાડી આગળ વધી રહી હતી. એંજિનની સર્ચ લાઇટ પણ બંધ. ગમે ત્યાંથી દુશ્મન હુમલો કરે તેને માટેની આ સાવધાની હતી.
પણ અચાનક રસ્તામાં લાલ રોશની નજરે ચડી... સાવધાન! ગોરિલા આક્રમણ થશે, એટેન્શન! બધા બંદૂકોથી સજ્જ થઈ ગયા. ચાલતી આગગાડીએ સામસામે ગોળીબારની રમઝટ થઈ... કમલા, જોસેફાઈન, સ્ટેલાની રાઇફલોએ કમાલ કરી. કેપ્ટન રાવતે પણ બહાદૂરી બતાવી.
એક ‘બર્નિંગ ટ્રેન’ ને બદલે આ કાતિલ અનુભવ હતો. ‘વોરિયર્સ ટ્રેન’નો.
ટ્રેન આગળ દોડતી રહી.
અંધકાર અને ખામોશી સાથેની આ મૃત્યુયાત્રાથી કોઈને ય ડર નહોતો. દેવનાથ દાસે ગણતરી શરૂ કરી. સિપાહી ધરમરાજ. લાન્સ નાયક અલી અકબર ખાન. પ્રતિમા પાલ... પછીનું નામ સંભળાયું? નહીં. અરે, મિસ સ્ટેલા, શરીર આખું લોહી લુહાણ. ભારતમુક્તિના સપનાં સાથે તેણે સદાને માટે આંખો મીચી લીધી હતી. જોસેફાઈનની યે વિદાય! ઓહ! એક શબ્દ ચિત્કાર્યા વિના તે લડતી રહી અને...
બંને હતી એંગ્લો ઇંડિયન અગ્નિશિખાઓ! કમલાનો યે હાથ નહોતો રહ્યો... પણ, ક્યાં ખોવાઈ ગયાં આ બલિદાની, સમર્પિત પાત્રો? શું ઇતિહાસનો ક્રુર અર્થ જ એવો હશે કે તેજસ્વી નક્ષત્રોને વિલોપિત કરવા અને આગિયાઓની ‘અમર કથા’ રચવી?
•••
જાનકીની દૈનંદિનીમાં યુદ્ધકથા આગળ ધપે છે. શિદેઈ નિહાળી રહ્યા છે સુભાષને. કેવા તન્મય થઈને તે એક પછી એક અધ્યાયને વ્યક્ત કરી રહ્યા છે, જબાન ભલેને જાનકીની – ઝાંસી રાણી કન્યાની – હોય? સમગ્ર ફોજના પ્રત્યેક સેનાપતિ અને સૈનિકોની જ હતી ને? દેશ માટે હથેળીમાં જિંદગી લઈને નિકળ્યા હતા આ બલિદાનીઓ!
સુભાષ આગળ વધ્યા.
‘નેતાજી, – તમને એક સંપૂર્ણ મનુષ્ય તરીકે આ યુદ્ધ મોરચે નિહાળી રહી છું. આવો પ્રચંડ મહાપુરુષ! આપણે તેમની સંગાથે? ધન્ય છે જિંદગી, અને ધન્ય બનશે મૃત્યુ! મોડી રાતે વળી પાછા આગેકદમ. ન થાક, ન ચિંતા. ન વ્યગ્રતા. ભય તો શાનો વળી? મુસીબત એ હતી કે પ્રચંડ વરસાદથી ચારે તરફ કાદવકીચડ થઈ ગયો હતો. અમારા વાહનોનાં પૈડાં તેમાં ફસાઈ જાય, નીચે ઉતરીને ધક્કા મારવા પડે! સીનાંગ નદી સુધીની દસ માઈલની સફર અમે પગપાળા કરી. સ્વયં નેતાજીએ અમારી સાથે ચાલવાનું પસંદ કર્યું!
દુશ્મન સૈન્યને ખબર પડી ગઈ હતી. તે પીછો કરી રહી હતી. જો સીનાંગ નદી પાર થઈ જાય તો-
સંઘર્ષકથાનું આ ‘જો’ અને ‘તો’ ન કેવું ભાગ્ય હતું? સીનાંગ તો પાર થઈ પણ બોંબ ફેંકાવાના ચાલુ થઈ ગયા. અમારો લેફટનંટ નાઝિર અહમદ માર્યો ગયો. અમારાં વાહનો દુશ્મનોએ મેળવ્યાં. નેતાજીની કારને જેમ તેમ કરીને નદી પાર કરીને બચાવી લીધી.
હવે તો પગપાળા જ આગળ વધવાનું હતું! ઘૂંટણ સુધી કીચડ. રસ્તામાં ગોરિલા હુમલા થયા. પણ- ‘હમ ભારત કી નારી હૈ, ફૂલ ભી હૈ – ચિનગારી ભી!’
નેતાજી તેમના ખભે પોતાનો સામાનનો થેલો ઊઠાવીને ચાલી રહ્યા હતા. દસ માઇલનો રસ્તો પાર થયો.
૨૮ એપ્રિલ.
આજે એક ગામડામાં સવારે વિસામો લીધો. સાંજે આગેકૂચ. પંદર માઈલ સુધીની સફર! જાણે કે અમે ‘નિશાચરો’ હતાં. રાત્રે જ ચાલવાનું. જેથી દુશ્મનોની નજરે ન પડીએ. નેતાજીએ એક શ્લોક સંભળાવ્યોઃ યા નિશા સર્વભૂતાનામ્, તસ્ય જાગ્રતિ સંયમી!
તમે બધા સ્વાધીનતાના સૈનિકો છો, ભારતીયો ત્યાં સૂતા હશે, આપણે તેમને માટે જાગતા રહીએ.
૨૯ એપ્રિલ.
આજે નસીબે થોડો વિશ્રામ હતો. મેં નેતાજીને કહ્યું. આપ આ ભારેખમ બૂટ ઉતારીને પગને પણ આરામ આપો. તેમણે મોજાં-બૂટ ઊતાર્યાં. મેં જોયું કે પગમાં છાલાં પડી ગયાં હતાં... કાળાં ધાબાં અને લોહી જામી ગયું હતું... ઓહ!
પણ અડગ અને અચલ નેતાજી. ‘નેતૃત્વ’ને કેવું સાર્થક કરી રહ્યા હતા...
સાંજના અંધારાં આકાશે ઊતર્યાં અને સફર શરૂ થઈ. પંદર માઇલ સુધી ચાલવાનું હતું. અમે સૈનિકાઓએ કહ્યું, ‘નેતાજી, આપ વાહનમાં આવો...’ તેમણે ના પાડી. સાથે જ ચાલતા રહ્યા. સાંજે જાપાની જનરલ ઇસોદાએ મૌલમિનથી કેટલાંક સૈનિકી વાહનો મોકલ્યાં...
૩૦ એપ્રિલ.
મૌલમિન પાસેનું નાનકડું ગામ. ‘અઠે દ્વારિકા!’ અમારા શ્રીકૃષ્ણ સાથે જ હતા ને? પછી શી ફિકર?
પહેલી મે, ૧૯૪૫.
મૌલમિન. છ દિવસ થયા આ સફરને. નેતાજી દિવસ-રાતમાં માત્ર બે કલાકની નિદ્રા લેતા હતા. ભોજન પણ બધાએ અપૂરતું લીધું હતું એ તેમને ખબર હતી. મૌલમિનમાં સરસ ભોજન મળ્યું પણ આટલા દિવસના થાકથી ખાઈ શકાયું જ નહીં! અહીંથી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. જનરલ ચેટરજી અને કર્નલ મલિક અમારી સાથે આવશે એવું નક્કી થયું. નેતાજી મૌલમિનમાં રહીને બાકી રહેલા ફૌજીઓની વ્યવસ્થા કરશે. જાં-બાજ દળની તેઓ રાહ જોઈ રહ્યા હતા. તેઓ સુરક્ષિત આવી જાય તે જરૂરી હતું.
અમે મધરાતરે નિકળ્યાં. વીસ માઇલ પછી ટ્રેન રોકાઈ ગઈ. અમેરિકી હવાઈ હુમલાએ પૂલ તોડી નાખ્યો હતો. હવે? બીજા ૧૬ માઇલ પગપાળા! સવારે રેલવે સ્ટેશને પહોંચ્યા. રેલના પાટા હેમક્ષેમ પણ સ્ટેશન ધ્વસ્ત!
શિદેઈને લાગ્યું કે સુભાષ થોભી ગયા છે. રશિયન ભૂમિ પર તેમની આંખોમાં આંસુ હતાં.
‘ચંદ્ર બોઝ, તમે? તમે... આટલા ભાવુક?’
નેતાજીઃ મારી છોકરીઓ કેવાં સંકટો સહન કરીને લડી હતી! દેશ તેને યાદ તો કરશે ને, શિદેઈ!
શિદેઈ ચૂપ રહ્યો. ૧૪ મે, ૧૯૪૫ પછીના તમામ દિવસો તેના માનસપટ પર એક તવારિખની જેમ સ્થાપિત થઈ ગયા હતા. રજેરજની માહિતી તેની પાસે હતી એટલે તો મસ્તક ઝૂકી જતું હતું, સન્માન અને શ્રદ્ધાથી.
મૌલમિનમાં નેતાજીને અંદાજ આવી ગયો – જાપાન હારી ચૂક્યું છે. ખબર મળ્યા કે એડોલ્ફ હિટલરનું મોત થયું. ક્યાં, ક્યારે – બ્રિટિશ મીડિયામાં ખબર હતા કે તેણે આત્મહત્યા કરી લીધી. યુદ્ધ મોરચે વિજેતા સેના પરાજિતોની ‘આત્મહત્યા’ની કથા કહાણી ચતુરાઈથી વહેતી કરી દે છે. સાચું શું, ખોટું શું એ તો ઇશ્વર જાણે!
પણ એટલું નક્કી કે એડોલ્ફ હિટલર પરાજયના પંથનો મુસાફર બની ગયો હતો. તેની મહત્ત્વાકાંક્ષા પર પરદો પડી ગયો. તેણે યુદ્ધ સમયે જે વ્યૂહાત્મક ભૂલો કરી તેનું આ પરિણામ હતું. સેનાપતિ હિમલર અને ડોક્ટર ગોબેલ્સે પણ હિટલરની પાછળ આપઘાતનો રસ્તો પકડ્યો. એડમિરલ ડોયનિલ્સે રેડિયો પર હતાશ સ્વરોમાં પણ દેશની ચિંતા વ્યક્ત કરીઃ ‘હિટલર નથી રહ્યો પણ આપણે – જર્મનોએ – બોલ્શેવિઝમ દ્વારા થનારા સર્વનાશથી બચવાનું છે. ફ્યુહરર ગયા, ઘણું જીવો ફ્યુહરર.’
સાતમી મેએ વિશ્વના તખતાને બદલતી ઘટના નિહાળી. ફિલ્ડ માર્શલ કાઈટેલ, જનરલ સ્ટૂંફ અને એડમિરલ ફ્રેઇડબર્ગ – તમામ જર્મન સરકારના પ્રતિનિધિઓએ આત્મ સમર્પણના દસ્તાવેજ પર સહી કરી... ‘અમે પરાજિત થયા છીએ.’ ‘અમે કોઈ શરત વિના ‘મિત્ર દેશો’ (ફ્રાંસ – અમેરિકા – ઇંગ્લેન્ડ)ને આત્મસમર્પણ કરી રહ્યા છીએ.
પછી ધરપકડો શરૂ થઈ.
ગોરિંગ.
કેસલેરિંગ.
ડાયેત્સિન.
રિબેનટ્રોપ...
એક પછી એક બધા મિત્ર રાષ્ટ્રોની સેનાના બંદી થયા.
સુભાષ સ્તબ્ધ હતા – બદલાયેલા માહૌલમાં હવે નવી લડાઈ ક્યાંથી, શરૂ કરવી? ક્યારે?
પહેલી મેએ રંગુનનું પતન થયું. બ્રિટિશ સેનાના ભારતીય સેનાપતિએ રંગુનમાં ઠેરઠેર સાંભળ્યુંઃ ‘નેતાજી ઝિંદાબાદ!’
રાજભક્તિથી રંગાયેલા આ સેનાપતિએ કડક આદેશ જાહેર કર્યો – બોંબ ધ્વસ્ત રંગુનના કાટમાળને હટાવવા દરેક રંગુનવાસીએ ફરજિયાત કામ કરવું પડશે. આઝાદ હિન્દ ફોજના હારેલા સૈનિકોએ પણ!
આઝાદ સેનાના વડા લોકનાથને વળતા જવાબમાં સાફ જણાવ્યુંઃ તમારો આ આદેશ અમોને મંજૂર નથી. અમે નેતાજીની આઝાદ હિન્દ સેનાના સૈનિકો છીએ. બરોબરીનું સન્માન અને વર્તન કરો.
પ્રજાએ ય ઘસીને ના પાડી દીધી. બ્રિટિશ સેનાના હૂકમ માનીશું નહીં. આ સેનાપતિ જનરલ થિમૈય્યા હતા!! ભારતના તે પ્રથમ સેનાધ્યક્ષ બન્યા, અને લોકનાથન? તેમને ભારતીય ઇતિહાસના અરણ્યમાં આપણે ક્યાં ખોઈ નાખ્યા? શા માટે?
કહાણી થોડી આગળ વધી.
થિમૈય્યા આઝાદ ફોજના વડા મથકની મુલાકાતે આવી પહોંચ્યા એક દિવસે.
‘મારે કર્નલ લોકનાથન સાથે વાતચીત કરવી છે.’
‘એ શક્ય નહીં બને.’
‘કેમ?’ થિમૈય્યા ચમક્યા.
‘અમારા સુપ્રિમો, નેતાજી સુભાષચંદ્ર છે. એમનો નિર્દેશ છે કે સંપૂર્ણ માનમરતબા સાથે જ આઝાદ ફોજ આત્મસમર્પણ કરશે. અમારી યે શરતો છે.’
‘શરતો બતાવો.’
‘આઝદ હિન્દ સરકાર એક સંપૂર્ણ અને સ્વીધાન સરકાર છે. તેના યુદ્ધકેદીઓને એક સરકારની ફોજની જેમ સંપૂર્ણ સુવિધા આપવામાં આવે. તેને માટે મેજર જનરલ લોકનાથન સાથે મંત્રણા કરવામાં આવે. સંધિપત્ર પર હસ્તાક્ષર થાય ત્યાં સુધી અમારી બેરેક પર ત્રિરંગો જ ફરકશે, યુનિયન જેક નહીં...’
થિમૈય્યાની ચિંતા હતી કે ભારતીય બ્રિટિશ સરકારને આ શરતો માન્ય રહેશે કે કેમ? તો જવાબ મળ્યોઃ ઠીક છે. તો પછી અમે અમારું યુદ્ધ ચાલુ રાખીશું. છ હજાર સૈનિકો આ છાવણીમાં છે. શસ્ત્રો છે. તૈયારી છે! અમારું લોહી વહે એની અમને ચિંતા નથી! અને આ વાત કરનાર પણ થિમૈય્યા જ હતાં, આઝાદ ફોજના થિમૈય્યા!! થિમૈય્યા પાછા વળ્યા. છેવટે તો માતૃભૂમિનું સંતાન હતા ને? લાગણીનું દ્વંદ્વ શરૂ થયું. શું કરવું? કર્તવ્ય અને ફૌજી શિસ્ત કે પછી...
યુદ્ધ મોરચે ય કેવી દાસ્તાન આકાર લેતી રહે છે?
છેવટે સમ્માનનો ધ્વજ ફરક્યો મેજર જનરલ લોકનાથન સહિત સહુને બંદી બનાવાયા.
અને ઝાંસી રાણીની વીરાંગનાઓ? તેમણે પણ આઝાદ ફોજના ગણવેશ સાથે જ... બ્રિટિશ ફોજ સામે કૂચ કરી. આઝાદ ફોજના વડા મથક પર બ્રિટિશરોએ કબજો લીધો તે પહેલાં એક તસવીર દિવાલ પર હતી, નેતાજીની. બ્રિટિશ ફોજની ઉપસ્થિતિમાં ઝાંસી રાણી સૈનિકોઓએ ‘સાવધાન’ની મુદ્દા સાથે ‘સેલ્યુટ’ કરી. અંગ્રેજ બ્રિગેડિયર લોઇડર તો સ્તબ્ધ થઈ ગયો. આટલું સાહસ? આટલું ગૌરવ? આવું સ્વાભિમાન?
‘આ ગણવેશ કેમ પહેર્યો છે?’
‘કેમ નહીં? આઝાદ ફોજનો આ ગણવેશ છે. અમે એક સ્વાધીન સરકારની સેના છીએ...’
સૈનિકાઓને જણાવાયું કે અમે અમારી મરજીથી આઝાદ હિન્દ ફોજમાં જોડાયા નહોતા એવી ખાતરી લખી આપો. કોણ માને?
બધી સૈનિકા એક સાથે ગરજી ઊઠીઃ લખવું છે ને, તમારે? તો લખો કો અમે તમામ મહિલાઓ સ્વેચ્છાથી આઝાદ ફોજમાં સામેલ થઈ હતી...
લક્ષ્મી સહેગલે ક્યારેક લખ્યું યે ખરુંઃ નેતાજી સિવાય અમારા માટે કોઈ સેનાપતિ કે સર્વોચ્ચ હતા નહીં... અમને તેમણે તો શીખવાડ્યું હતું કે સાચો ક્રાંતિકારી ક્યારેય પરાજયને માન્ય કરતો નથી, એ નિરાશ નથી થતો અને ભાંગી પડતો નથી. એ પોતાના સંકલ્પ અને હેતુને ન્યાય મળશે તેમાં ભરોસો કરે છે... કેમ કે તેનું ધ્યેય લાંબાગાળાનું હોય છે...
એટલે એક મોરચે પીછેહઠ થયા પછી યે આઝાદ ફોજે નવા મોરચા ખોલ્યા. પ્રધાન મંડળની બેઠક થઈ. રણનીતિનો નકશો બન્યો. કર્નલ ઠાકુર સિંહની ‘એક્સ’ રેજિમેંટ, કર્નલ રાતુરીનું ‘જાં-બાઝ દળ’... હજુ માથું ઊંચું કરીને લડી રહ્યા છએ. બ્રિટિશ ફોજ તેને પકડી શકી નથી, ન પરાજિત કરી શકી છે. નક્કી કરાયું કે મુખ્ય મથકો હવેથી સિંગાપુર અને સાઇગોનમાં રહેશે. ૩ નંબર ડિવિઝન વ્યવસ્થા સંભાળશે. મલય ભૂમિને સ્વાધીન રાખીશું.
૨૧ મેએ સુભાષનો શાનદાર અને અવિચલિત સ્વર ગરજ્યોઃ ‘એ ઠીક છે કે ઇંફાલના રસ્તે આપણે દિલ્હી પહોંચી શક્યા નથી. પણ એ ય એટલું જ સાચું છે કે દિલ્હી પહોંચવાનો આ એક જ માર્ગ નથી! એ નિશ્ચિત છે કે જલદીથી આપણે બીજા કોઈ રસ્તેથી દિલ્હી પહોંચીશું.’
મહાનાયકની આ કેવી દૃઢ શ્રદ્ધા! તેમણે કહ્યુંઃ ‘બ્રિટિશ સેનામાંથી એક મોટો ભાગ આઇ.એન.એ. તરફ સહાનુભૂતિ રાખે છે. બર્મામાં જઈને તેઓ સ્વયં નજરે આઝાદ ફોજને નિહાળશે નક્કી કરશે કે જે અપપ્રચાર કરાયો છે તેવું કશું નથી. આ તો જંગે આઝાદી કાજે મરણિયા થયેલાઓની ફોજ છે. કોઈનું રમકડું નથી આ સેના. તેઓ જોશે કે બેધડક એકબીજાને ‘જય હિન્દ’ સંબોધિત કરે છે. રાષ્ટ્રીય ગીત ગાય છે... બ્રિટિશ સેનાનો આ હિસ્સો ત્યારે આઇ.એન.એ.ના પ્રભાવમાં આવશે અને પછી ભારતીય સ્વતંત્રતાનો મુદ્દો જ મહત્ત્વનો બની રહેશે. ૧૯૪૬નું યુદ્ધ સ્વાધીનતા પ્રાપ્તિનું અંતિમ યુદ્ધ હશે.’
૧૮ જૂને નેતાજી સિંગાપુર પહોંચી ગયા... ત્યારે ભારતમાં કેવી રાજકીય પરિસ્થિતિ હતી?
૧૯૪૨ની ભારત-છોડો ચળવળ જાહેર થતાં જ ગાંધી – જવાહર – મૌલાના અને બીજા નેતાઓને પકડી લેવાયા હતા. ૧૯૪૪ની છઠ્ઠી મેએ ગાંધીજીને તેમની બિમારીને કારણે છોડી દેવાયા. થોડા સમય પછી જવાહરલાલને મુક્ત કરાયા. મૌલાના આઝાદ છૂટ્યા. વલ્લભભાઈ, શંકરરાવ દેવ અને રાજેન્દ્ર પ્રસાદ જુદી જુદી જેલોમાંથી છોડી દેવાયા, એક માત્ર સુભાષ – બાંધવ શરદચંદ્રને બંદી રાખવામાં આવ્યા! વિપ્લવીના ભાઈને કેમ છોડી દેવાય?
ગાંધી હવે ૧૯૪૨નો રસ્તો ફરી વાર ખોલવાનો અભિપ્રાય ધરાવતા નહોતા. એટલે મંત્રણાનો દોર શરૂ થયો. ૪૨ની ચળવળ પર બ્રિટિશ જુલમ પારાવારનો હતો. ગાંધીજીની અહિંસાને બાજુ પર રાખીને લોકોએ ભાંગફોડ કરી, બોંબ ફેંક્યા, રેલ પાટા ઉખેડી નાખ્યા. કિશોરલાલ મશરૂવાલા જેવા નેતાએ તો કહ્યું કે ગાંધીજીએ જેલ જતાં બેંતાળીસની લડત કેવી રીતે ચલાવવી તેની કોઈ સ્પષ્ટ સૂચના આપી નહોતી, લોકો ફાવે તે કરી શકે છે.
૧૯૨૦થી ૧૯૪૨ – બાવીસ વર્ષમાં ગાંધીજીની અહિંસાનો પ્રયોગ નિષ્ફળ જવા તરફ ધસમસી રહ્યો હતો અને ૧૯૪૭માં તો તે સંપૂર્ણ ધ્વસ્ત થયાનો ઘેરો અફસોસ ગાંધીજીએ પોતે વ્યક્ત કર્યો.
વાઇસ રોય લોર્ડ વેવેલે શિમલામાં મંત્રણા શરૂ કરી. મૌલાના આઝાદ કોંગ્રેસ પ્રમુખ તરીકે તે બંગલામાં જ રહ્યા અને લખ્યુંઃ ‘હું વાઇસરોયની નિખાલસતા અને નિષ્ઠાથી ભારે પ્રભાવિત થયો. તેઓ કોંગ્રેસ નેતાઓને ‘સજ્જન’ (જેન્ટલમેન) માનતા હતા!’ (ઇન્ડિયા વિન્સ ફ્રીડમ) તેમણે કારોબારીને કહ્યું કે આપણે વાઇસરોયની વાતને માની લેવી જોઈએ.
સુભાષ બાબુ આ બ્રિટિશ કુટિલતાને પારખી ગયા હતા, તેમણે સિંગાપુરથી રેડિયો પર ગાંધીજીને અને કોંગ્રેસ નેતાઓને ઉદ્બોધન કર્યું, તેમણે કહ્યુંઃ ‘મિત્રો, હું આરામ ખુરશી રાજકારણી નથી. અહીં અમે મૃત્યુની સામે બાથ ભીડી રહ્યા છીએ. યુદ્ધભૂમિ પર બોંબ-મશીનગનની આગ વચ્ચે આઝાદીનો જંગ ખેલી રહ્યા છીએ. મારી નજરે હોસ્પિટલને બ્રિટિશ બોંબથી ધ્વસ્ત થતી જોઈ છે જ્યાં માત્ર નિઃસહાય રોગીઓ જ હતા! અમે જીવતા છીએ. ભગવાનની કૃપાથી જીવતા છીએ. મૃત્યુ સમક્ષ ખડા છીએ એટલે બોલવાનો મારો અધિકાર છે. તમારામાંથી ઘણાને ‘કાર્પેટ બોંબ’ એટલે શું તેની ખબર નહીં હોય. બોંબવર્ષક લડાયક વિમાનો મશીનગનોથી કેવી રીતે બોંબ ફેંકે છે તેની યે જાણ નહીં હોય. તમને એવો અહેસાસ નહીં હોય કે સનનન કરતી ગોળી કાન કે ખભાની પાસેથી પસાર થાય ત્યારે કેવું લાગે છે? ડાબે-જમણે ગોળીની રમઝટ ચાલતી હોય છતાં અમે હતાશ થયાં નથી, અમને વેવેલ પ્રસ્તાવ તરફ નજર કરવાની યે ઇચ્છા નથી.’ (ક્રમશઃ)