આપણે નિરાશ થવાની જરૂર નથી. ભારતવર્ષનું ભવિષ્ય નિશ્ચિત છે. તમે ખોટા માર્ગે દોરવાઈને અહિત કરશો મા. બ્રિટનનો સહયોગ લેવો એટલે આપણા નૈતિક યુદ્ધ પર પરદો પાડી દેવો. કોંગ્રેસ અને ભારતને માટે તે આપઘાતનો રસ્તો હશે. આ લાટ સાહેબ – વેવેલ – તો સાંપ્રદાયિકતાને લઈને આવ્યા છે. રાષ્ટ્રીયતાની ભાવનાને વિસર્જિત કરીને હિન્દુ-મુસ્લિમ અલગની વાત સ્વીકારવામાં આવશે તો તે આપણી આત્મહત્યા જ હશે.
પાંચ જુલાઈએ ઇંગ્લેન્ડમાં ચૂંટણી થઈ રહી છે તેમાં મજુર પક્ષનો વિજય થશે એમ હું નિહાળી રહ્યો છું. વેવેલને તેની પહેલાં વાટાઘાટો પાર પાડવી છે! વેવેલ પ્રસ્તાવથી ભારત વિભાજિત થઈ જશે. બ્રિટિશ વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રાખીશું તો ભારતની એકતા-અખંડિતતા અબાધિત રહેશે અને તેમ કરીને સફળ થઈએ તો જ સાચું જનતંત્ર બનાવી શકીશું.’
યુરોપમાં મિત્ર દેશોની જીતથી એશિયામાં યે તેનું પુનરાવર્તન કરવાની રણનીતિ ક્રિયાન્વિત થઈ ગઈ! ૬ ઓગસ્ટ, ૧૯૪૫ હિરોશિમાની નિઃસહાય પ્રજા પર અણુબોંબ ઝીંકાયો. જાપાને આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધા પછી પણ અમેરિકાએ આવું મનુષ્યદ્રોહી પગલું શા માટે લીધું? હિરોશિમા પછી નાગાસાકી... બળેલી ઝળેલી લાશો તો હતી વૃદ્ધોની, સ્ત્રીઓની, બાળકોની! ‘જાપાનને પાઠ ભણાવવા’ માટે શરૂઆતમાં સમ્રાટને ય ઇન્કારવામાં આવ્યા. હિરોશિમામાં ૧૩,૫૦૦, નાગાસાકીમાં ૬૫,૦૦૦ મોતનો કોળિયો બન્યા. ૬૦થી ૭૦ ટકા લોકો આગમાં ભરખાઈ ગયા! ગર્ભવતી સ્ત્રીઓ તેનાં બાળકો સહિત...
ઇતિહાસ જ ઇતિહાસ.
તેય દારૂણ વિભિષિકાથી ઘેરાયેલો.
અમેરિકાએ એટમ ઝીંક્યો, બીજા દિવસે રશિયાએ જાપાની સામે યુદ્ધ જાહેર કર્યું. પોતે જ કરેલી સમજૂતિનો ભંગ!
આ ઘટનાઓના સાક્ષી સુભાષ ભારત-સ્વાતંત્ર્યના આશાતંતુ એકઠા કરવાનાં ઐતિહાસિક કાર્યમાં ગળાડૂબ હતા. સ્થળ આઝાદ ફોજનું તાલીમ કેન્દ્ર સેરામબામ. રાત્રે દસ વાગે ટેલિફોનથી ખબર મળી. જનરલ ઇનાયત કિયાની વિક્ષુબ્ધ બનીને કહી રહ્યા હતાઃ નેતાજી, રશિયાએ જાપાન સામે યુદ્ધ જાહેર કરી દીધું! સુભાષ સાંભળતા હતા. આસપાસના અફસરોને ય અંદાજ ના આવ્યો કે શું બની રહ્યું હતું? સુભાષ શાંત હતા, ‘આમિ ચિર વિદ્રોહી ઓશાન્ત’નો ઘનઘોર સમુદ્ર... તે શાંતિ પણ કેવી હશે?
ફરી વાર ફોન આવ્યો. કિયાની ઇચ્છતા હતા કે નેતાજીએ સિંગાપુર ચાલ્યા જવું જરૂરી છે. મુસાફરી પણ રાતે જ કરવી. કમ્યુનિસ્ટ ગોરિલ્લા ગમે ત્યાંથી આવી પડે તેમ છે. રાતે ઇન્ડિપેન્ડન્ટ લીગના મંત્રી ડો. લક્ષ્મણય્યા અને પ્રચાર પ્રમુખ ગણપતિ અંધારામાં કાર ચલાવીને આવી પહોંચ્યા. બધા અફસરોની ચિંતા સકારણ હતી. જાપાને શરણાગતિ સ્વીકારી લીધાની વિસ્ફોટક માહિતી મળી ચૂકી હતી.
હવે?
બધાંને લાગ્યું કે સર્વસ્વ ખતમ થઈ ગયું. જાપાને માથું ઝૂકાવી દીધું એટલે બ્રિટન સાતમા આસમાને પહોંચી જશે. આઝાદ હિન્દ ફોજનું મહામૂલું સપનું યે અધૂરું રહી જશે...
તમામના ચહેરા પર ચિંતા અને નિરાશાના વિક્ષોભક વાદળાંઓ.
અને નેતાજી?
એક ક્ષણ આ ચહેરા પર ચિંતાની લકીર આવી અને અદૃશ્ય થઈ ગઈ. બોલ્યાઃ બસ, ઈતની સી બાત હૈ? ઈતની સી બાત!
ચોતરફ વાવાઝોડા અને ઉલ્કાપાતતી ઘેરાયેલો નાવિક કહી રહ્યો હતોઃ બસ, ઇતની સી બાત હૈ?
પછી સા-વ સહજ થઈને બોલ્યાઃ આમાં નવું કશું નથી. જાપાનની લડાઈ પૂરી થઈ શકે છે, આપણી નહીં. તેમનું આત્મસમર્પણ કંઈ ભારતીય મુક્તિવાહિનીનું આત્મસમર્પણ નથી. ના. આઝાદ ફોજ પરાજયનો સ્વીકાર નથી કરતી.
રાતના ત્રણ વાગ્યા હતા. મધ્યરાતે હિન્દુસ્તાનનો સિપેહસાલાર નવાં ક્લેવર ધરવાના મિજાજ સાથે સાથીદારોને દોરવણી આપી રહ્યો હતો. ‘અમે હવે જેલોમાં જવા માગતા નથી. થાકી ગયા છીએ. જેવી આપો તેવી આઝાદી આપી દો’ આવું દિલ્હીમાં બેઠેલા જે ધૂરંધરો કહી રહ્યા હતા તે બધા જ બધા તેમના સાથી હતા તે નેતાજીને પળવાર તો જરૂર યાદ આવી ગયું હશે પણ આ તો સા-વ જુદી માટીથી ઘડાયેલો રાષ્ટ્ર નાયક! રાઘવન, જોન થિવીને સિંગાપુર લઈ જવાના હતા તે પિનાંગ અને ઇપોથી. ઇનાયતને એ કામ સોંપતાં નેતાજી હસ્યાઃ ‘મોટરકારની ટાંકીમાં પૂરેપૂરું પેટ્રોલ ભરાવી લેજે. આ છેલ્લી વારની વાત છે પછી પેટ્રોલ ભરાવવાની જરૂરત જ નહીં રહે!’
સાડા ચારે અય્યરને કહ્યુંઃ અય્યર, અહીંનો અધ્યાય પૂરો... હવે આગળનું વિચારવાનું શરૂ કરો.
‘નેતાજી, રાત પણ પૂરી થવા આવી છે. થોડાક આરામ કરી લો તો સારું.’
‘આવતી કાલે આરામનો સમય મળી રહેશે.’
ખરી વાત એ હતી કે બેંગકોકથી શરૂ થયેલા મહાન જંગના અંતિમ ચરણે વ્યૂહરચનામાં સંપૂર્ણ પરિવર્તન લાવવાનું, અને તે પણ હતાશ થયા વિના, તેના કપરા ચઢાણનું મંથન નેતાજી રાતભર કરી ચૂક્યા હતા, હજુ તે અધૂરું હતું.
બારમી ઓગષ્ટની સવાર ઊગી. અનિશ્ચયના ધુમ્મસની પેલી પાર જવાનો નિશ્ચય નેતાજીનાં ચહેરા પર, હાવભાવમાં, શબ્દોમાં. સિંગાપુર જતાં પહેલાં, વડા મથકના બીજા મજલે જઈ, દરવાજો બંધ કરી દીધો.
પાંત્રીસ મિનિટ તેમની ધ્યાનાવસ્થાએ સમગ્ર વૈશ્વિકતાની આધ્યાત્મિકતાની અનુભૂતિ કરી લીધી. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ દેવનું સ્મરણ કર્યુંઃ સમાધિસ્થ થઈને ભવિષ્યના સૂર્ય કિરણો પ્રાપ્ત કર્યાં... અચલ, અવિચલ હિમાલય જાણે!
આ મુસાફરી પણ કેવી? પહેલી લોરીમાં સશસ્ત્ર સૈનિકો, પછી નેતાજીની મોટરકાર. ડ્રાઇવર પાસેની બેઠક પર એડીસી શમશેર સિંહ. બીજી કારમાં મેજર જનરલ અલગપ્પન, કર્નલ નાગર, કર્નલ કિયાની અને સત્ય સહાય.
સાંજે સાડા સાતે સિંગાપુર. મંત્રી પરિષદની બેઠક યોજાઈ, રાતના ત્રણ વાગ્યા. વળી પાછી બીજા દિવસે સવારે દોર ચાલ્યો.
તેરમી ઓગસ્ટે પણ આઝાદ ફોજ, તેનાં કેન્દ્રો, સમર્થક સંગઠનો વગેરેને સૂચના પહોંચાડવાની વ્યવસ્થાનો ધમધમાટ. એક ક્ષણ પણ વિરામ નહીં પરિસ્થિતિ જ એવી હતી કે ક્યારે બ્રિટિશ – અમેરિકા ત્રાટકીને સિંગાપુર સહિત સર્વત્ર ખેદાન મેદાન કરી નાખે તેનો અંદાજ મુશ્કેલ હતો.
ઓહ! ઝાંસી રાણી સેનાની પાંચસો સૈનિકાઓનું શું કરીશું? ટોકિયોમાં પણ પિસ્તાળીસ તરુણો તાલીમ લઈ રહ્યા હતા. નેતાજીએ કેપ્ટન થિવર્સને બોલાવ્યાં વળી મંત્રી પરિષદની બેઠક મળી. દુશ્મન સૈન્ય સિંગાપુર તરફ ધસી રહ્યાના ખબર હતા.
નેતાજીએ જલદીથી સિંગાપુર છોડી દેવું જોઈએ. સૌએ કહ્યું નેતાજીએ માથું નકારમાં ધૂણાવ્યું આઝાદ ફોજની સમગ્ર સરકારના વડા સાથે તેઓ ઇચ્છતા હતા કે બ્રિટિશ સૈન્ય સામે છેલ્લો જંગ લડી લઈએ ભલે મૃત્યુનું વરણ થાય!
૧૪ ઓગસ્ટ, ૧૯૪૫.
નેતાજીનો એક દાંત ભારે દુખતો હતો. તબીબોએ કહ્યું કે કાઢી નાખવો પડશે. દાંત કાઢી નાખ્યા પછી આરામની જરૂર હતી પણ નેતાજી દિવસભર વ્યવસ્થાની ચિંતા કરતા રહ્યા. સાંજે ઝાંસી રાણી સેનાએ તૈયાર કરેલું લક્ષ્મીબાઈ પરનું નાટક જોયું... ત્રણ હજાર પ્રેક્ષકોએ નાટ્યાંતે ઊભા થઈને સમૂહમાં રાષ્ટ્રગાનનો રણકાર કર્યોઃ શુભ સુખ ચૈનકી બરખા બરસે, ભારત ભાગ હૈ જાગા!
આઝાદ હિન્દ સરકારના કાનૂની સલાહકાર એ. એન. સરકારે સાંસ્કૃતિક કાર્યક્રમ પછી નેતાજીને જણાવ્યું કે બ્રિટિશરો ફાંસી આપે અને આપણું કાર્ય – આપણે મિશન – અધૂરું રહી જાય એવું અમારામાંથી કોઈ ઇચ્છતા નથી. તમે અમારા સેનાપતિ છો. રાષ્ટ્રપ્રમુખ છો. આઝાદ ફોજ અને આરઝી હકુમતના સર્વોચ્ચ છો. પણ આજે અમારો આદેશ છે. આપે આપનું જીવન બચાવવું પડશે. અમારા માટે. દેશ માટે. સ્વતંત્રતા માટે.
જે વ્યક્તિ આત્મબલિદાનના કિનારે આવીને મૃત્યુને આલિંગન આપવાની તૈયારી કરીને ઊભો હોય તેને આવું કહેવામાં આવે ત્યારે...
ઇતિહાસની એ પળ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, જાણે!
નેતાજી કશું બોલ્યા નહીં.
પંદરમી ઓગસ્ટે કર્નલ સ્ટ્રેસી અને કેપ્ટન આર. એ. મલિક મળ્યા. ગૂફતેગો થઈ. સ્ટ્રેસી શહીદ સ્મારકનો નકશો લઈ તે આવ્યા હતા. ભરાયેલા ગળે નેતાજીએ કહ્યુંઃ હા, ઇંફાલ સુધી, ઇરાવતીના કિનારે અને આરાકાનના અરણ્યમાં લડેલા મારા (બહાદુર) સિપાહી શહીદોનો એવો કીર્તિસ્તંભ રચો કે સમુદ્રથી આવતાવેંત બ્રિટિશ સેનાને તે નજરે પડે! થશે જલદીથી તૈયાર સ્મારક?
સ્ટ્રેસીએ પડકાર ઝીલી લીધો. ત્રણ દિવસ અને ત્રણ રાત. અવિરત પરિશ્રમના અંતે કીર્તિસ્તંભ તૈયાર પણ થઈ ગયો! શું થયું આ ભવ્ય સ્મારકનું? કહાણી પણ અજબ છે. પંડિત જવાહરલાલ – ખંડિત આઝાદીના સર્વેસર્વા થવાનાં સપનાં સાથે – સિંગાપુરની મુલાકાતે આવ્યા ત્યારે તો બ્રિટિશરોએ પૂરેપૂરો કબજો લઈ લીધો હતો. લેડી અને લોર્ડ માઉન્ટબેટને આ સ્મારક પર પુષ્પાંજલિ કરવા જવાના કાર્યક્રમમાં જવાહરલાલ સામેલ ન થાય તેવા પ્રયત્નો કર્યાં. ‘આમ કરશો તો બ્રિટન – ભારતના સંબંધો બગડશે...’ એમ કહેવા પાછળ માઉન્ટબેટનનો ઇરાદો એવો પણ હતો કે આઝાદીની વાત પાછી ઠેલાઈ જશે એવો સંકેત આપી દેવો.
જવાહરલાલ માની ગયા.
સ્મારક પર ન ગયા. ઓહ, આ પણ ઇતિહાસ! દેવતાઓના પગ કાચી માટીના?
થોડા દિવસ પછી બ્રિટિશ સરકારે એ સ્મારકને જ જમીનદોસ્ત કરી નાખ્યું!
પરંતુ ૧૯૪૫ના ઓગસ્ટની પંદરમી અને તે પછી શું થયું? સુભાષબાબુએ કયો માર્ગ પસંદ કર્યો?
બ્રિટિશ લેખક Hugh Toyના શબ્દોમાં - ‘under strong pressure from his cabinet, he decided do leave’
But where?
કઈ તરફ? ક્યાં? કઈ રીતે?
રાતના ત્રણ વાગે છેલ્લવેલું મિલન સૌનું. ૧૬ ઓગસ્ટે સવારના સાડા નવે વિમાની મથકેથી આઝાદ ફોજના એ. એસ. અય્યર, કર્નલ પ્રીતમસિંહ, કર્નલ હબીબુર રહેમાન, દુભાષિયા મિ. નિયોગી, મેજર જનરલ કિયાની, અલગપ્પન, સરકાર... સૌની સાથે નેતાજીનું હસ્તધૂનન.
વિમાનની સીડી ચડતાં વળી પાછા નેતાજીએ સૌને જયહિન્દ કહ્યા, સલામ ઝીલી. સેનાપતિના ગણવેશમાં વિમાનની અંદર. એ પૂર્વે એક આદેશ અને બે પત્રો સિંગાપુરમાં ફોજી અધિકારીઓના હાથમાં મૂકી ગયા હતા, લખ્યું હતુંઃ
‘ભાઈઓ અને બહેનો!
આઝાદ હિન્દ ફોજ અને ઝાંસી રાણી સેનામાં તાલીમ માટે તમે તમારા સંતાનોને મોકલ્યાં, યુદ્ધશસ્ત્રોના ભંડાર માટે દિલ ખોલીને નાણાં આપ્યા. તમે એક સાચા ભારતવાસી તરીકેના કર્તવ્યોનું પાલન કર્યું છે.
તમે સૌએ જે કષ્ટ સહન કર્યું, આત્મ બલિદાન આપ્યા તેનું ફળ તુરંત ન મળ્યું તેનાથી હું – તમારા કરતાં – અધિક દુઃખી છું પરંતુ આ કષ્ટ અને આત્મત્યાગ વ્યર્થ નથી ગયા આપણી માતૃભૂમિની સ્વાધીનતા નિશ્ચિત થઈ તમારા થકી, અને સમગ્ર દુનિયા તેમ જ ભારતીયોના હૃદયમાં સદાસર્વદા તમારા ત્યાગની કથા અમર રહેશે.
ઇતિહાસની આ સંકટઘડીએ મારે તમને એક જ વાત કહેવી છે. આ પરાજયથી નિરાશ ન થશો. વિશ્વાસ ગૂમાવશો મા. દુનિયાની કોઈ તાકાત એવી નથી જે ભારત પર અંકુશ રાખી શકે. ભારત વર્ષ સ્વાધીન થશે, થઈને જ રહેશે અને એ દિવસ હવે દૂર નથી....’
બેંગકોક ત્રણ વાગે પહોંચ્યા સુભાષ. મેજર જનરલ ભોંસલે તેમનાં સ્વાગત માટે આવ્યા. જાપાનીઝ રાજદૂત હચૈયા મળ્યા. જનરલ ઇશોદાએ મંત્રણા કરી... બધાનો ક્ષોભ ચહેરા પર હતો. જાપાનના રાજવીએ અને સરકારે સંદેશો મોકલાવ્યો હતો કે જાપાન તો શરણાગત થયું. મિસ્ટર બોઝ જે કંઈ કરવા ઇચ્છતા હોય તેમાં અમારો સહયોગ છે.
‘જે કંઈ’ કરવા માગતા હોય તે...
આ પણ સંકેત હતો, તેનો જવાબ દક્ષિણ પૂર્વ એશિયાના સર્વોચ્ચ સેનાપતિ ફીલ્ડ માર્શલ કાઉટ તેરાઉચીની પાસે હતો.
બેંગકોકથી સાઇગોનની સફર કેવી રહસ્યમયી હતી? અનિશ્ચયના ધૂમ્મસમાં... જતાં પહેલા જનરલ ભોંસલેને આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ સેનાપતિ નિયુક્ત કર્યા.
૧૯ ઓગસ્ટ, ૧૯૪૫.
રાતના અંધારામાં ઊતર્યાં અને નેતાજી સાઇગોન તરફ જવા રવાના થયા ત્યારે તેમની સાથે હતા અય્યર, હબીબુર રહેમાન, પ્રીતમ સિંહ, ગુલઝારા સિંહ, આબિદ હસન અને દેવનાથ દાસ.
જનરલ ઇશોદા, હઇચિયા, કિયાના પણ ખરા.
બે હવાઈ જહાજ તૈયાર હતાં, દિવસે દસ વાગે સાઇગોન પહોંચ્યા.
સાઇગોન વેરાન દશા હતું. મકાનો બંધ સૂના રસ્તા. બ્રિટિશ આક્રમણની જાણે કે રાહ જોવાતી હતી. નેતાજી સ્થાનિક આઝાદ ફોજના ગૃહનિર્માણ સચિવ નારાયણ દાસને ત્યાં રોકાયા. જાપાની અફસરો માર્શલ તેરાઉચી સાથે મંત્રણા અને ભાવિ નક્કી કરવા માટે દાલાન મથક તરફ ગયા, પાછા આવ્યા ત્યારે તેરાઉચી પણ સાથે હતા.
સૌએ નેતાજીની મુલાકાત લીધી. થોડી વાર પછી નેતાજી બહાર આવ્યા. સૌને ઉતાવળે બોલાવ્યા. ‘મારે જવાનું નક્કી થયું છે. વિમાનમાં એક જ વધારાની સીટ છે... નક્કી કરો તમે – મારે એકલાએ જ જવું પડશે.’
સૌ અકલ્પિત મનોદશાના પૂતળાં. શું કરવું? આવા સંજોગોમાં નેતાજીને એકલા જવા દેવા? ક્યાં? કઈ રીતે? શા કારણે?
સવાલોનો જવાબ મેળવવા જેટલી ક્ષણો પણ ક્યાં હતી?
જે કંઈ નક્કી કરવાનું હતું તે અત્યારે જ. અબઘડી...
ફરી જાપાની અધિકારીઓ સાથે ચર્ચા. એક વધારાની સીટની વ્યવસ્થા થઈ. હબીબુર રહેમાનને પસંદ કરાયા. ખુદ નેતાજીએ જ તે નામ નક્કી કર્યું હતું.
સત્તર ઓગસ્ટ.
સાંજે પાંચ અને પંદર મિનિટે સાઇગોનથી ઉપડેલું જહાજ તુરાનમાં થોભ્યું, અઢારમીએ ૯૭.૨ મોડેલનું આ હવાઈ જહાજ તાઇહોકુ પહોંચ્યું.
અને પછી... અને પછી?
•••
‘આજે કંઈ વધારે ખુશ છો, શિદેઈ?’
સવારના પહોરમાં શિદેઈ એક દળદાર ફાઈલ લઈને નેતાજીની છાવણીમાં પહોંચી ગયો હતો.
‘કેમ ન હોઉં, ચંદ્ર બોઝ! તમે દુનિયા માટે મૃત્યુ પામેલા જાહેર થઈ ગયા હો તેમને મારી સમક્ષ જીવંત જોવા એ કંઈ ઓછું સદ્ભાગ્ય છે?’
નેતાજી કશું બોલ્યા નહીં. ગઈકાલે રાતે બે રશિયન ગુપ્તચર વડા આવ્યા અને પૂછપરછ કરી ગયા હતા તે વાત તેમણે શિદેઈને કરી.
‘શું કહ્યું તેમણે?’
‘બસ. એ જ. ગાંધી-જવાહરનાં નિવેદનો. બર્મામાં નવી સરકારની હિલચાલ. હેર હિટલરના આપઘાતની વધુ વિગતો...’ (ક્રમશઃ)