સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૧)

‘તેઓ બહુ બહુ તો શું કરશે? દિવાલ પાસે ઊભો રાખી ગોળી મારશે... એટલું જ ને?’

Wednesday 17th August 2016 07:50 EDT
 
 

ફોજનું વિસર્જન અને આપનું ટોકિયો તરફ સુરક્ષિત પ્રયાણઃ આ બે સંદેશા આપના માટે છે.’ તોદામોતોએ નેતાજીને કહ્યું... ચંદ્રબોઝ માટે તેમના સંબોધનનો શ્દ હતોઃ ‘કાનાકાતા, ઇતિહાસની આ ઘેરી પળે આપે નિર્ણય લેવાનો છે.’ નેતાજીને લાગ્યું કે કદાચ અમેરિકા હિરોશીમા-નાગાસાકી પછી એક વધુ બોંબ ફેંકવાનો ઇરાદો રાખતું હશે.
મદોન્મત વિજેતા બીજું કરે પણ શું?
‘જાપાનના સમ્રાટ આત્મસમર્પણ કરી રહ્યા છે.’ તેમણે નેતાજીને સૂચના આપી.
‘તો આ વાત છે...’ એ બોલ્યા અને ખામોશ થઈ ગયા. અંધારી રાતે બહાર તમરાંના અવાજ અને ફોજી સૈનિકોની આલબેલ સિવાય વિરાન શાંતિ હતી. ખંડમાં બેઠેલા બધા મૌન હતા – નેતાજીના આદેશની તેઓ રાહ જોઈ રહ્યા હતા.
પણ બધાના ચહેરા પર પ્રશ્નાર્થ હતોઃ શું કરશે – શો નિર્ણય લેશે નેતાજી? જનરલ વિલિયમ સ્લિમની સેનાએ બી-૨૯ બોંબવર્ષક વિમાનોની સાથે આ મોરચાને ધ્વસ્ત કરી નાખ્યો હતો. આશાનો એક તંતુ પણ ક્યાં બચ્યો હતો?
રાત વીતી.
કોઈ નિર્ણય સુધી પહોંચવું મુશ્કેલ હતું. એક સંપૂર્ણ સરકાર અને તેની ફોજનું આત્મસમર્પણ સરળ નહોતાં. નેતાજી જે કંઈ થાય તેમાં સ્વમાન અને સ્વાભિમાન કાયમ રહે તેના આગ્રહી હતા. ‘મારા આ બહાદુર સેનાપતિઓ, ઝાંસી રાણી સેનાની મહિલાઓ, સૈનિકો-જેમણે ‘જયહિન્દ!’ના નારા સાથે પોતાના ‘નેતાજી’ના નેતૃત્વમાં આગેકૂચ કરી, સંઘર્ષ કર્યો, કેટલાક મારાયા... તેમને બ્રિટિશ સેનાને હવાલે છોડી દેવા?’
નેતાજી તેને માટે તૈયાર નહોતા.
એ ઇચ્છતા હતા કે આઝાદ ફોજને એક સમકક્ષ સેના ગણીને તે રીતે તેનું માન સન્માન જાળવીને આત્મસમર્પણ કરવામાં આવે.
બારમી ઓગસ્ટની સવારે નિર્ણયના વાદળાં ઘેરાયાં હતાં. બપોરે સિંગાપુરથી ફોન પર મેજર જનરલ મોહમ્મદ કિયાનીએ ગમગીન સ્વરે – પણ દૃઢતાથી – જણાવ્યુંઃ ‘પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સેરેબાનની છાવણી હવે સંકેલી લેવી પડશે. જલદીથી સિંગાપુર પાછા ફરો.’
ઝાંસી રાણી સેનાની મહિલા સૈનિકોને મોકલવાની અને મથક સંકેલી લેવનો નિર્ણય લેવાયો.
૧૪ ઓગસ્ટે જાપાને વિધિસર ખબર પહોંચાડી કે આત્મસમર્પણની જાહેરાત હવે થશે. જાપાનના નસીબે પરાજય અને શરણાગતિ બન્ને નિર્માયાં છે. આ સંદેશો લઈને હાશિયા તેરાઉ આવ્યો. આઝાદ હિન્દ સરકાર સાથેના સંપર્ક માટે જાપાને તેને મંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. સિંગાપુરમાં અય્યર – અલગપ્પન – નાગર – કિયાની – સરકાર તમામે નેતાજીના આદેશ સાથે સંમતિ તો દર્શાવી પણ એક વાત કોઈએ સ્વીકારી નહીંઃ ‘તમે – નેતાજી – તમે ફોજની સાથે આત્મસમર્પણ કરો એવું અમે ઇચ્છતા નથી.’
નેતાજીઃ ‘તેઓ બહુ બહુ તો શું કરશે? દિવાલ પાસે ઊભો રાખીને ગોળી મારશે... એટલું જ ને?’
... મારે મન સિંગાપુર એ એશિયાના સ્વાતંત્ર્યજંગનું મહા-તીર્થ છે... આપણે આઝાદ સરકાર વિસર્જિત કરીશું, આઝાદ હિન્દ ફોજ સ્વમાનપૂર્વક યુદ્ધકેદી બનશે... ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના તમામ કર્મચારીઓને ત્રણ મહિનાનું વેતન આપીને છૂટ્ટા કરો, અને-
‘અને શું?’
‘સૈનિક હૂતાત્માઓનું એક ભવ્ય સ્મારક રચીએ...’
‘આ સંજોગોમાં? ચારે તરફ લશ્કરી જહાજો ચક્કર લગાવી રહ્યાં છે અને ફોજને પ્રવેશવામાં વાર નથી ત્યારે?’
‘હા. ત્યારે જ. બલિદાનીઓની સ્મૃતિ સદાસર્વદા રહેવી જોઈએ. બ્રિટિશરો સિંગાપુરમાં પ્રવેશે કે તુરત નજર સામે આપણી વીરતાનો કીર્તિસ્તંભ આવે...’
નેતાજીએ બેંગકોક જવું, સાથે બીજા કેટલાક અફસરો પણ રહે તેમ નક્કી થયું પણ નેતાજીનું દિમાગ કંઈક જૂદું જ વિચારી રહ્યું હતુંઃ આઝાદ હિન્દ ફોજના આ સમર્થ સાથીદારોને લઈને દુનિયાના કયા દેશમાં જઈ શકાશે? અને તે પણ પળેપળના જોખમી સમયે? ક્યાંય જઈ શકાય તો યે પછી...
આ ‘પછી’નો જવાબ શોધવાની ગડમથલ તેમણે પોતે જ કરવાની હતી. મહાનાયકના નસીબે સમરાંગણ પણ ભીતરમાં જ હોય છે. જય અને પરાજયના ન જાણે કેટકેટલા મોરચા ત્યાં સળગતા રહે છે.
આ કશ્મકશની વચ્ચે જાપાની કમાંડરે વિનમ્રતાપૂર્વક જણાવ્યું કે આપની આઝાદ હિન્દ સરકારે કે ફોજે શું કરવું તેની સલાહ હું શું આપું? બહેતર છે કે બેંગકોકમાં વિદેશમંત્રી હાશિયા અને લેફટનંટ જનરલ સાબુરો ઇસોડા કંઈક નક્કી કરી શકે. ઇસોડા તો ‘હિકારી કિકાન’નો યે પ્રમુખ હતો, જેણે આઝાદ હિન્દ ફોજ અને જાપાન સરકારની વચ્ચે સેતુબંધનું કામ કર્યું હતું.
‘ચલો, બેંગકોક... પણ ‘ચલો દિલ્હી’ને ભૂલ્યા વિના!’ નેતાજીએ આવા ભીષણ સંજોગોમાં યે બે બાબતોને છોડી-તરછોડી નહોતી. એક સિગરેટ અને બીજી હાસ્યવૃત્તિ!
૧૯ ઓગસ્ટે.
સિંગાપુર – વહાલું સિંગાપુર – જ્યાં આઝાદ હિન્દ સરકારનું સપનું સાકાર થયું હતું તેની વિદાય ગમગીન બનીને લીધી. વિમાનમાં સીડી ચડતાં વિદાય લઈ રહેલા, સેનાપતિ સુભાષ! શાયદ, દુનિયાભરના લોકોએ એ ‘છેલ્લી છબિ’ જોઈ, તે પછી અંતધ્યાન સુભાષની કોઈ તસવીર બહાર આવી જ નહીં!
સોળમીની સવારે સિંગાપુરથી બેંગકોક. સાથીદાર હતા જનરલ જગન્નાથ રાવ ભોંસલે, હબીબુર રહેમાન અને એસ. એ. અય્યર. ત્યાં હાશિયા, ઇસોડા બન્નેને મળ્યા, મંત્રણા થઈ. ‘અમે આઇ. એન. એ. બ્રિટિશ ફોજની શરણાગતિનો આદેશ આપનારા વળી કોણ?’ તેમણે પણ આવું જ કહ્યું જાપાન શરણાગત થયું હતું પણ નષ્ટ નહોતું થયું. આવો ભવ્ય ભારતીય સાથીદાર, અને તેનો મહાઅધ્યાય તદ્દન નષ્ટ થઈ જાય, સમાપ્ત થઈ જાય એવું તેઓ ઇચ્છતા નહોતા. સુભાષનો તણખો હજુ અગ્નિજ્વાળા સરજી શકે છે એવો આશાદાવાદ જાપાને છોડ્યો નહીં. એટલે સૌની નજર માર્શલ કાઉટં તેરાઉચી હિસાચી તરફ ગઈ.
માર્શલ તેરાઉચી. જાપાની રણનીતિનો બાહોશ યુદ્ધ-નેતા. જાપાનના સમ્રાટનો નિકટનો સ્વજન. ભારત અને નેતાજી પ્રત્યે અનહદ પ્રેમ. પરાજિત મનોદશામાં યે તે આશાની રજત રેખા સર્જવા તરફ હતો.
‘ક્યાં છે તેરાઉચિ?’
‘એ સાઈગોનમાં છેલ્લી વ્યવસ્થામાં કાર્યરત છે. બ્રિટિશરો અને અમેરિકનો સાથે શરણાગતિ પછી યે કઈ રીતે વ્યવહાર કરવો તેની મથામણમાં હતો. તેને ખબર હતી કે રશિયા સાથેના યુદ્ધની જાહેરાત વહેણ પલટાવી નાખ્યાં હતાં. મિત્ર દેશોમાં – બ્રિટન, અમેરિકા, ફ્રાન્સની સાથે રશિયા પણ સામેલ હતું તે મોટી વિડંબના!’
પણ હવે શું થાય?
‘કંઈક તો થઈ શકે’ એવું તેરાઉચિ વિચારી રહ્યો હશે ત્યારે જ તેમને મળ્યા નેતાજી અને સાથીદારો.
સત્તરમી ઓગસ્ટ, ૧૯૪૫.
ના, અઢારમી નહીં પણ સત્તરમી ભાગ્યવિધાતાની લેખિનીને નવા પાનાં પર વાળી રહી હતી! નેતાજીની સાથે હતા રહેમાન, કર્નલ પ્રીતમસિંહ, અય્યર અને નેગિશી. બીજાં વિમાનમાં ઇસોડા, હાશિયા, કર્નલ ગુલઝારા સિંહ, દેવનાથદાસ, હસન.
મધ્યાહનનું સાઇગોન.
ચારેતરફ વેરાની. અફવાઓ. આકાશે યુદ્ધ જહાજો. એક અજીબ ખામોશી. કોઈ ચહેરા પર દુઃખની લકીર નહોતી. યુદ્ધ.... યુદ્ધ... અને યુદ્ધ... હવે તેનાં ભીષણ પરિણામો. બ્રિટિશ ગુપ્તચરોની નોંધમાં પહેલો મુદ્દો એ હતો કે જાપાનના સમર્થકો, આઝાદ ફોજના સૈનિકો, નાગરિકો, ટેકેદારોને પહેલાં પકડી લેવા.
નેતાજીને ઇસોડાએ ભાવભરી ચેતવણી આપીઃ ‘તેરાઉચિ દલાત મથક છે. એ તેનુ મુખ્ય મથખ છે. ત્યાં અત્યારે જવું તમારા માટે ખતરનાક સાબિત થશે. રસ્તામાં જ....’
નેતાજીએ તેની વાતમાં રહેલી સચ્ચાઈ પારખી.
‘પણ મળવું તો જરૂરી છે...’
‘હું જઈશ. વાતચીત કરીને પાછો ફરીશ. ત્યાં સુધી તમે નારાયણદાસને ત્યાં રહો...’
‘હા. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નારાયણદાસ. અહીં સાઈગોનના દક્ષિણ ભાગમાં રહે છે’ અય્યરે માહિતી આપી.
નેતાજી નારાયણદાસને ત્યાં પહોંચ્યા... થોડું જમ્યા, અને પછી અંદરના ખંડમાં જઈને સૂઈ ગયાઃ કેટલા મહિનાઓ પછી આટલા કલાકોની નિરાંત મળી હતી!
સાડા બાર વાગ્યા અને ઇસોડા ઉતાવળે આવી પહોંચ્યા. તેરાઉચિના કાર્યાલયના વરિષ્ઠ અધિકારી ટાડા મિનોરુએ વિગતો આપી હતી કે નેતાજીને સાંજે વિમાનમાં લઈ જવાશે. ઇસોડાએ તેની તપાસ કરી અને એ વ્યવસ્થાને રદ કરાવી.
ટાડા મિનોરુ.
ઇસોદા.
સાઇગોનમાં નેતાજીને મળીને ગુપ્ત મંત્રણા કરી અને જણાવ્યું કે તેરાઉચિને ય એવી કોઈ સૂચના નથી કે આઝાદ હિન્દ ફોજ બ્રિટિશ સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરે.
-તો?
જાપાન સરકારે તો પંદરમી ઓગસ્ટે જ શરણાગતિ જાહેર કરી દીધી હતી એટલે કોઈ જ વિમાન બ્રિટિશ સૈન્યની પરવાનગી વિના ઊડી શકે તેમ નહોતું. પણ...
- પણ શું?
- એક વિમાન પહેલેથી પરવાનગી લઈ ચૂક્યું છે તેમાં એક સીટ ખાલી છે શું હિઝ એક્સલન્સી બોઝને તેમાં ટોકિયો સુધીનો પ્રવાસ કરાવી શકાય?
નેતાજીએ સાથીદારોને બોલાવ્યા. બધા જ બધા – ગુલઝારા સિંઘ, હસન, અય્યર, પ્રીતમ, દેવનાથ, રહેમાન – નેતાજીને આવી પરિસ્થિતિમાં એકલા મોકલવા તૈયાર નહોતા.
જાપાનીઝોએ મથામણ કરીને એક વધુ સીટની વ્યવસ્થા કરી.
સાઇગોન હવાઈ મથકેથી પહેલા નેતાજી અને હબીબુર રહેમાન ટોકિયો જતા વિમાનમાં જાય અને પછી બાકીના અફસરો સગવડ થતાં બીજા જહાજમાં નિકળે અને સૌ ટોકિયોમાં એકત્રિત થાય.
૧૭ ઓગસ્ટ, ૧૯૪૫. બપોરના ૪.૩૦ વાગે વિમાની મથકે. મિત્સુવિશી બોંબ-વર્ષક વિમાન ઊભું હતું. તેમાંથી એક વ્યક્તિ સીડી પરથી બહાર આવી...
તે હતો જનરલ ત્સુનમાસા શિદેઈ. એ નેતાજીએ સેલ્યુટ મારીને વિમાનની અંદર લઈ ગયા. તેમણે આઇએનએ ટોપી, ખાખી શર્ટ અને પેન્ટ પહેર્યાં હતા. સાથી યાત્રિકોમાં પાયલોટ વોરન્ટ ઓફિસર આયોગી જૂજાબેરો, મેજર નાકીજાવા, કર્નલ તદેઓ સકઈ, લેફ્ટનંટ કર્નલ શિરો નોનાગાકી, મેજર તારો કોનો અને મેજર ઇહાકો તાકાહાશી હતા.
પાયલોટની પાછળની સીટ પર નેતાજી અને સાથે શિદેઈ. પાછળ હબીબુર રહેમાન.
સાંજે સાત વાગે વિમાન આકાશે ઊડ્યુંઃ તૂરેન હવાઈ મથકે ઊતર્યું. દક્ષિણી વિયેતનામનું આ નગર હવે દા નાંગ તરીકે જાણીતું છે. તુરેનમાં નેતાજીને એક હોટેલમાં નિવાસ અપાયો. ૧૮ ઓગસ્ટે તૂરેનથી ટોકિયો તરફની સફર શરૂ થઈ. બપોરે બે વાગે ફોર્મોસા (આજનું તાઇવાન) અને તાઇહોકૂ (તાઇપેઈ)ના મત્સૂયામા વિમાની મથકે ઉતરાણ કરાયું.
પહાડીઓથી ઘેરાયેલી આ રમણીય પણ રહસ્યમય જગ્યાએ કડકડતી ઠંડીમાં એક વ્યક્તિ વિમાનથી થોડે દૂર તંબુની બહાર ખુલ્લા આકાશ તરફ અનિમેષ નિહાળી રહી હતી... તે હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ.
શું વિચારી રહ્યા હતા આ એકલવીર રાષ્ટ્રનાયક?
કોઈ જ નહોતું એ પળે તેમની સાથે-સંગાથે, ભવિષ્ય નક્કી કરવા માટે અને નિયતિ ક્યાં તેમને અધીન હતી? વિજિત અટ્ટહાસ તો બ્રિટિશ-અમેરિકી ફોજનું હતું, ચારેતરફ જાપાન-જર્મની અને તેની સાથે ટચુકડા દેશોના સર્વનાશનો અહંકાર લઈને આ મહાસત્તાઓ ફરી વળી હતી. ‘વીણી વીણીને બ્રિટિશશત્રુઓને સાફ કરવા’ એવી સૂચના હતી. ભારતમાં નિષ્ફળ બેંતાળીસ લડત પછી વિભાજનની રણનીતિ પર ચાલવું તેવું નક્કી થઈ ગયું હતું. ખુદ કોંગ્રેસ પણ ગાંધીજીને ગાંઠતી નહોતી અને ભયંકર કત્લેઆમના ભણકારા ચોતરફ વાગી રહ્યા હતા... બધું બ્રિટિશાધીન થવા લાગ્યું હતું... એક પણ જગ્યા, એક પણ વિમાની સફર, એક પણ સ્થિતિ... સુભાષચંદ્ર બોઝની સાથે નહોતાં...
તાઇહોકુના આ વિમાન શા મત્સુયામા વિમાની મથકે ખૂલ્લાં, ગમગીન આકાશ તરફ નજર કરીને નેતાજી ઊભા હતા... બધાં જ સ્વજનોથી, સેનાપતિ સાથીદારોથી, દેશથી દૂ...ર અને એકાંતિક.
એક અ-જાણ ભવિષ્યની અનિશ્ચય યાત્રાના પથિક, શું નિર્માયુ છે, તારા નસીબે?
શું?
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter