એકમાત્ર ભૂલાભાઈ દેસાઈએ પ્રામાણિક સ્વીકાર કર્યો હતો કે ‘પહેલાં હું નેતાજીની નીતિ સાથે સંમત નહોતો પણ મેં તેમના કાર્યક્રમ, યોજના અને ઉપલબ્ધિનો અભ્યાસ કર્યો અને મારું સમગ્ર વલણ બદલાઈ ગયું.’ પોતાની સખત બિમારી હોવા છતાં તેમણે આ યાદગાર મુકદમામાં રાત-દિવસ એક કર્યા, જીત્યા અને થોડાક સમય પછી તેમણે આંખો મીચી લીધી. (ગુજરાત અને ગુજરાતીઓએ નેતાજીનાં જીવન અને કાર્ય સાથે અનુબંધ રાખ્યાના ઘણાં પ્રમાણો છે. ૧૯૩૭માં હરિપુરા કોંગ્રેસમાં તે પ્રમુખ બન્યાં. આઝાદ હિન્દ ફોજમાં જર્મની-જાપાનમાં તેમની સાથે ગુજરાતીઓની સંખ્યા મોટી હતી. હેમરાજ બેટાઈ અને હીરાલક્ષ્મી બેટાઈએ તો તેમની સમગ્ર સંપત્તિ આઝાદ હિન્દુ સરકારને સમર્પિત કરી દીધી હતી. મહેતા-પરિવાર તેની મહિલાઓ સહિત આઝાદ ફોજમાં જોડાયા હતા, ‘જન્મભૂમિ’ના સ્થાપક તંત્રી અમૃતલાલ શેઠે જીવના જોખમે રંગુન જઈને આઝાદ ફોજના દસ્તાવેજો મેળવ્યા અને પહેલી વાર દેશને ફોજ-ગાથાનો અંદાજ મળ્યો. તેનું ‘જયહિન્દ’ પુસ્તક તે સમયે પ્રકાશિત થયું તે અત્યંત લોકપ્રિય બન્યું હતું.)
ભૂલાભાઈ દેસાઈના બીજા છેડા પર જવાહરલાલનું વલણ રહ્યું. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૨ના કોલકાતાની સભામાં નેહરુ બોલ્યા કે બહારની તાકાતોની મદદ માંગીશું એવું વિચારવાની ભૂલ કરશો નહીં. સમગ્ર ખતરો તેમાં પડ્યો છે. કોઈ માણસ એવું વિચારે કે બહારની મદદ મેળવીને દેશને આઝાદ કરીશું તો તે બહાદૂરી નથી, કાયરતા છે.
૧૨ એપ્રિલ, ૧૯૪૨ની નવી દિલ્હીની પત્રકાર પરિષદમાં નેહરુએ કહ્યુંઃ ‘એક ગુલામીથી મુક્ત થવા કોઈ બહારની શક્તિનો પ્રયોગ કરવો તે તદ્દન ગલત છે. ગુલામ માનસિકતા છે.’
તે જ પરિષદમાં તેમના શબ્દો હતાઃ ‘છેલ્લા શ્વાસ સુધી સુભાષની સામે લડીશ.’
૧૯૪૫ સુધી નેહરુ કહેતા રહ્યા કે સુભાષ રસ્તો ભૂલ્યા હતા. તેમના પ્રયાસો ગલત હતા. ઓગસ્ટ ૧૯૪૫ની અમેરિકન પત્રકાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પર ફટકો મારવા સુભાષે ફોરવર્ડ બ્લોક સ્થાપ્યો હતો. ખરી વાત એ હતી કે તે સમયે ફોરવર્ડ બ્લોક કોંગ્રેસથી કોઈ સ્વતંત્ર પક્ષ નહોતો, કોંગ્રેસની અંદર રહીને સ્વતંત્ર અભિપ્રાયો ધરાવતી પાંખ તરીકે તેનો જન્મ થયો હતો. આવી જ એક પાંખ ‘સમાજવાદી દળ’ની પણ હતી.
આઇ.એન.એ.ના અફસરોને છોડી દેવા એ બ્રિટિશ સરકારની મજબૂરી હતી. ક્લોડ ઓકિનલેકના શબ્દોમાં ‘મુકદમામાં સજા થઈ હોત તો દેશ હિંસક બન્યો હોત. સૈન્યમાં તેવી શક્યતા વધુ હતી.’ લેફ્ટનંટ જનરલ એસ. કે. સિંહાએ યુદ્ધ દરમિયાનની બ્રિટિશ ભારતીય સેના વિશે લખ્યું છે કે ૯૦ ટકા સૈનિકોની આઇ.એન.એ. પ્રત્યે સહાનુભૂતિ હતી.
ભારતીય બંધારણ સભાએ સંસદ ભવનમાં ગાંધીજીની તસવીર લગાવવાને સમર્થન કર્યું પણ સંવિધાનસભાના સદસ્ય એચ. વી. કામથે સૂચવ્યું કે તેમની સાથે લોકમાન્ય તિલક અને સુભાષબાબુનાં ચિત્રો પણ લગાવવામાં આવે તો તે વાત ડો. રાજેન્દ્ર પ્રસાદે સાંભળી નહીં.
નેતાજીના પરિવારની પ્રતિક્રિયાઓમાં તદ્દન સામ્ય નથી. પણ, મોટાભાગના એવું માને છે કે નેતાજી વિમાન-દુર્ઘટનામાં માર્યા ગયા નહોતા. સુભાષબાબુના મોટાભાઈ શરતચંદ્ર દૃઢતાથી આવું માનતા રહ્યા. નેતાજીના પારિવારિક સભ્યોમાં, પત્ની એમિલી શેન્કલ અને પુત્રી અનિતા પફ જર્મન નિવાસી રહ્યાં. એમિલીનું દેહાવસાન ૧૯૯૬માં થયું. તત્કાલીન કેન્દ્રીય મંત્રી પ્રણવ મુખરજી તેમને મનાવવા ગયા હતા કે રેંકોજી દેવળમાં નેતાજીનાં અસ્થિ છે એ વાતને માન્ય કરો. એમિલીએ તેમ કરવાનો સાફ ઇન્કાર કર્યો. શરતચંદ્ર અને સુભાષબાબુનાં બાર ભાઈ બહેનો હતાં. સુભાષથી મોટા સુરેશ બોઝ અને તેનાથી મોટાભાઈ શરતચંદ્ર. સુરેશ બોઝ ૧૯૫૬માં જાપાનના યુદ્ધકાલીન વડા પ્રધાન હિદેકી તોજોની વિધવા પત્ની હિદેકી તોજોને મળવા ગયા ત્યારે તેમણે ભાવુક બનીને કહ્યુંઃ ‘મારો ભાઈ મૃત્યુ પામ્યો નથી.’
શરતચંદ્ર અને તેમનાં પત્ની વિભાવરીના આઠ સંતાનો, અશોક, અમિય, મીરા, શિશિર, ગીતા, રોમા, ચિત્રા અને સુબ્રતો. તેમાંના પાંચ અવસાન પામ્યા. સુબ્રતો બોઝ લોકસભાના સભ્ય પણ બન્યા. શિશિર બોઝના પુત્ર પ્રા. સુગતા બોઝ પણ સાંસદ બન્યા. તેના પુત્ર અર્ધેન્દ્ર બોંબે ડાઇંગનાં મોડેલ તરીકે કામ કર્યું. શરતચંદ્ર ફેબ્રુઆરી, ૧૯૫૦માં અવસાન પામ્યા. તેમનું અખબાર ‘ધ નેશન’ વારંવાર ભારપૂર્વક જણાવતું રહ્યું કે વિમાની દુર્ઘટનાની વાત તદ્દન નકલી છે. શરત તે દિવસોમાં હબીબુર રહેમાનને ય મળ્યા અને એવા નિષ્કર્ષ પર આવ્યા કે નેતાજીએ સૂચના આપી હતી એટલું જ તે બોલી રહ્યા છે.
૧૯૯૦માં અશોક, અમિય, સુબ્રતો વગેરે પરિવારે વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહને આવેદન આપ્યું કે રેંકોજી દેવળમાં ‘કહેવાતાં અસ્થિ’ ભારતમાં લાવવાનું ‘મહાપાપ’ કરશો નહીં ૨૭ ફેબ્રુઆરી, ૧૯૯૬ના તેમના પત્રમાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને જણાવ્યું કે રાધાવિનોદ પાલ, જે ટોકિયો વોર ટ્રાયલ ટ્રિબ્યુનલના સભ્ય હતા, તેમણે શિશિરકુમાર બોઝ અને શરતચંદ્ર બન્નેને જણાવ્યું હતું કે અમેરિકન ઇન્ટેલિજન્સ વિભાગ વિમાની દુર્ઘટનામાં વિશ્વાસ ધરાવતા નથી. (આ મુલાકાત સપ્ટેમ્બર, ૧૯૪૫માં યોજાઈ હતી.)
બોઝ પરિવારમાંના એક શિશિર કોંગ્રેસના ઉમેદવાર બનીને ધારાસભ્ય બન્યા હતા, તેમના પત્ની કૃષ્ણા બોઝ પહેલાં કોંગ્રેસ અને પછી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. સુગતા બોઝે નેતાજી પર પુસ્તક લખ્યું. ખ્યાત લેખક નીરદ ચૌધરીનાં જણાવ્યા પ્રમાણે બોઝ પરિવારનો એક હિસ્સો નેતાજીનો ‘વ્યાવસાયિક’ રીતે ઉપયોગ કરી રહ્યો હતો. સુગત બોઝે પોતાનાં પુસ્તકમાં જેમનો નેતાજી વિમાન દુર્ઘટનાને સાચી ઠેરવવા ઉપયોગ કર્યો તે હરિન શાહ ૧૯૪૬માં તાઇપેઇ પહોંચીને જે નર્સ વગેરેનાં નામો પોતાના અહેવાલમાં આપીને સાબિત કરવા માગતા હતા કે તે વિમાની દુર્ઘટના થઈ હતી અને નેતાજી તેમાં માર્યા ગયેલા, તે નામો જ તદ્દન બનાવટી અને નિપજાવી કાઢ્યાં હતાં એ તથ્ય મુખરજી તપાસપંચમાં દર્શાવાયું છે. હરિન શાહ તે સમયે કોંગ્રેસ પક્ષનાં સામયિકના તંત્રી પણ હતા.
સુગતા બોઝનાં પુસ્તકમાં અપાયેલી એસ.એ. અય્યરની જાપાન મુલાકાત પોતાના નિષ્કર્ષનાં સમર્થનમાં આપી તેનો જવાબ અનુજ ધરે પોતાના પુસ્તકમાં એવો આપ્યો કે અય્યરની જાપાન સફર તો નેતાજીએ ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫માં સિંગાપુરમાં ભારતીયોએ અર્પિત કરેલા સોના ચાંદી અને નાણાંનો ખજાનો જે રામમૂર્તિને સુપરત કર્યો હતો તેનો ‘વહીવટ’ કરવા માટેની હતી! આજે પણ એ રહસ્ય છે કે અય્યર-
રામમૂર્તિએ તે કિંમતી ખજાનાનું શું કર્યું?
એ ઘટનાની નોંધ લેવી જ જોઈએ કે બોઝ પરિવારે નેતાજી માટે જાહેર થયેલા ‘ભારત રત્ન’નું સન્માન પાછું વાળ્યું હતું. એ ભાવનાની સાથે સૌ સંમત થશે કે નેતાજી ભારત રત્ન કરતાં પણ અધિક સન્માનનીય રાષ્ટ્રનાયક હતા અને જો સન્માન આપવું જ હતું તો ભારત પ્રજાસત્તાક બન્યું, તે ૧૯૫૦નાં વર્ષમાં ઘોષિત કરતાં જણાવવું જોઈતું હતું કે નેતાજીના ‘મૃત્યુ કે ‘અજ્ઞાતવાસ’ની સંપૂર્ણ ખોજ કરવાનો અમારો પ્રયાસ અને પુરુષાર્થ રહેશે.’
આવા રાષ્ટ્રીય પુરુષાર્થનો અભાવ એ આઝાદ ભારતનાં નેતૃત્વની (અને સમાજની) કમનસીબી છે, વિડંબના છે, કહો કે કૃતઘ્નતાનો અભિશાપ છે.
૨૦૧૬માં ફાઇલો જાહેર કરાય છે, પણ મહત્ત્વની ઘણી ફાઇલો તો અગાઉ નષ્ટ કરી દેવાઈ તેના દોષિતો કોણ?
નેતાજીનું અસ્તિત્વ, તેમના વિચાર અને જીવન-કર્મને લીધે તો સદૈવ જીવિત છે પણ તેમનું દૈહિક અસ્તિત્વ પણ અલગ-અલગ સ્થાનો પર હોવાની વિગતો આવતી રહી છે. તેનું એક કારણ સુભાષ સદૈવ સાહસિક રહ્યા, તે છે. જિંદગીને દેશની સ્વાધીનતા માટે તેમણે સમર્પિત કરી નાખી હતી. જિંદગીને હથેળીમાં લઈને, અ-જાણ, અગોચર જગ્યાઓ પર તે પહોંચ્યા. કોલકાતાથી કાબુલ, બર્લિનથી ટોકિયો અને સિંગાપુરથી... ન જાણે કઈ ભૂમિ પર તેમણે સંઘર્ષનો અગ્નિ રચ્યો હશે. એમિલી શેન્કલે, બોઝ પરિવારની સૂર્યા બોઝને એક ઘટના કહી તે તપાસપંચના દસ્તાવેજોમાં યે છે. તેણે કહ્યું હતું કે રેમેન્ડ સ્કેનેબલ જર્મન પત્રકાર હતો. બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ બર્લિનમાં રહેતો હતો. તેણે એમિલીને માહિતી આપી કે નેતાજી ૧૯૪૫ પછી સોવિયેત યુનિયનમાં જીવિત હતા.
આઇ.એન.એના મુકદમામાં તો ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈના તર્કબદ્ધ બચાવ અને સમગ્ર દેશમાં ઉહાપોહને લીધે એ ત્રણ સેનાપતિઓને તો ‘રાજદ્રોહ’ અને ‘યુદ્ધ અપરાધ’ના આરોપોમાંથી મુક્તિ મળી હતી. બ્રિટિશરો ‘ન્યુરેમ્બર્ગ’ અને ‘ટોકિયો’ જેવા ખટલો નવી દિલ્હીમાં કરી ન શકી.
પણ નેતાજીનું શું? શું તેમને ‘યુદ્ધ અપરાધી’ તરીકે મિત્ર દેશોએ કાયમ માટે નોંધ્યા હતા? શું એટલા માટે રશિયાએ તેમને ‘ગુલાગ’માં કેદી બનાવી રાખ્યા હતા? મેજર જનરલ ડો. જી. ડી. બક્ષીનો તર્ક એવો છે કે રશિયાએ બ્રિટનને સોંપ્યા પછી બ્રિટિશ સૈન્યે નેતાજીને યુદ્ધ અપરાધી તરીકે ત્રાસ ગુજારીને મારી નાખ્યા હોવા જોઈએ.
શાહનવાઝ ખાન તપાસ સમિતિ સમક્ષ નેતાજી-મિત્ર મુથુ રામલિંગમ થેવરે આ સવાલ મૂક્યોઃ ‘શું નેતાજીને યુદ્ધ અપરાધીની યાદીમાં રાખવામાં આવ્યા છે? કે પછી એ યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યું છે? ક્યારે અને કેવી રીતે?’
એ તો દેશ સમગ્રને જાણ હતી - નેતાજી પ્રેમીઓને તો ખાસ કે પ્રથમ વડા પ્રધાન અને તેમની સરકારે તો નેતાજીનું નામ યુદ્ધ અપરાધી તરીકે છે કે કેમ તેની કોઈ તપાસ જ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તેનાથી વિપરિત, અસફઅલી અને નેહરુની સાથે કામ કરતા શામલાલ જૈને ખોસલા પંચ સમક્ષ આપેલી વિગતો પ્રમાણે તો બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેંટ એટલીને ૨૬ ડિસેમ્બર, ૧૯૪૫ના જવાહરલાલ નેહરુએ જે પત્ર લખ્યો તેમાં જણાવ્યુંઃ ‘I understand from a most reliable source that Subhas chandra Bose, your war-criminal, has been allowed by stalin to enter Russian territory, which action of his is clear treachery and betrayal of faith as when Russia was an ally of the british and Americans, stalin should not have done so this is just for your information and must be taken.’
શ્યામલાલ જૈને આ પત્રની કાર્બન કોપી પણ બાળી નાખવાની વિગત આપી છે. જો આ વાત સાચી હોય તો ‘યુદ્ધ અપરાધી’ની યાદીમાંથી ભારત સરકારે નામ રદ કરવાનો તો ક્યાંથી પ્રયાસ કર્યો હોય?
મુથુલિંગમ થેવરને શાહનવાઝ પંચ કોઈ ચોક્કસ જવાબ જ ન આપી શક્યું.
૧૯૪૭ પૂર્વે જ સુરક્ષા વિભાગને પ્રાપ્ત ફાઇલોમાં બ્રિટિશ ‘યુદ્ધ ગૂનેગારો’ની યાદી હતી, તેમાં શાહનવાઝ ખાન, મોહમ્મદ કિયાની, એ.સી. ચેટરજી, જી. એસ. ધિલોન, મહબૂબ અહેમદ ઉપરાંત ‘આઇએનએ કોન્સ્ટ્રેશન કેમ્પ’ના તમામ સૈનિકોનાં નામો સામેલ છે. સુરેશ બોઝના અભિપ્રાય મુજબ નેતાજી ‘સર્વોચ્ચ પંક્તિના યુદ્ધ અપરાધી’ ગણાવાયા.
બ્રિટિશ દસ્તાવેજો મુજબ વાઇસરોય વેવેલના અંગત સચિવ ઇ.એમ. જેન્કિન્સે ગૃહમંત્રી ફ્રાંન્સિસ મૂડીને લખેલા પત્ર (૨૬ જુલાઈ, ૧૯૪૫)માં આની ચર્ચા સામેલ હતી. વેવેલની ઇચ્છા નેતાજીને પકડવાની હતી... ‘બોઝ એક એવા બારતીય છે જેણે પોતાના પરના તમામ નિયંત્રણો તોડીને દુશ્મનો સાથે હાથ મેળવ્યો હતો. વડા પ્રધાનનું માનવું છે કે તેમની સામેનો મુકદમો ભારતમાં ચાલવો જોઈએ. તે મોટા યુદ્ધ અપરાધી છે.’
પછી વલણ બદલવામાં આવ્યુંઃ ‘બોઝ અને તેમના સાથીદારોની સામે ભારતની બહાર જ ક્યાંક સજા કરવી ઠીક રહેશે.’
મૂડીનું માનવું હતું કે સામાન્ય રીતે જોવામાં આવે તો બોઝને ‘યુદ્ધ અપરાધી’ ગણી શકાય નહીં. યુ.એન.ની વ્યાખ્યામાં યે એમને અપરાધી ગણી શકાય તેમ નથી. એક સ્વતંત્ર સરકારના તે વડા હતા.
યુનાઇટેડ નેશન્સ વોર ક્રાઇમ્સ કમિશન (સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધ અપરાધ પંચ)ની યાદીમાં ૮૦,૦૦૦ ‘યુદ્ધ અપરાધી’ હતા જેમણે બીજાં વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોની સામે લડાઈ કરી હતી! તેમાં પછીથી એડોલ્ફ હિટલરનું નામ પણ સમાવિષ્ટ કરાયું!
પણ સંસદમાં (૨૨ ઓગસ્ટ, ૧૯૬૩)ના મંત્રી એ. એમ. તારિકે સાંસદ દ્વારા પૂછેલા પ્રશ્નમાં એવો ઉત્તર આપ્યો (જે અગાઉ લાલબહાદુર શાસ્ત્રી અને સ્વયં જવાહરલાલ આપી ચૂક્યા હતા) કે અમેરિકા અને જર્મન સરકારો પાસેથી એ વાતનું પ્રમાણ મેળવાયું છે કે નેતાજીનું નામ યુદ્ધ અપરાધી યાદીમાં નથી.
બ્રિટિશ સરકારે પણ આવું જ જણાવાયાની માહિતી ફેબ્રુઆરી ૧૯૯૯માં તત્કાલીન ગૃહમંત્રી એલ. કે. અડવાણીએ સંસદને આપી.
‘નેતાજી મિશન’ના સંશોધક અનુજ ધરે તો અનેક દેશોના અભિલેખાગારોમાં યે પૂછપરછ કરી પણ ક્યાંય સ્પષ્ટ જવાબ મળવો શક્ય ન બન્યો.
નેતાજીની આસપાસ હજુ એક યા બીજા પ્રકારની કથા-દંતકથાઓનાં વાદળ ઉમટતાં જ રહે છે. ભગવાનજીને ‘નેતાજી’ માનનારો વર્ગ તો ઘણો મોટો છે. બીજી તરફ એવાં સંગઠનો યે છે જે અનેક બાબતોને ચકાસી રહ્યા છે. ‘તાશ્કંદ-મેન’ના ફોટોગ્રાફની ચકાસણી માટે મુંબઈના એક સંશોધક યુવક સિદ્ધનું નેટ પરનું પેજ ડિજિટલ સામગ્રી પૂરી પાડે છે. ત્રીજો વર્ગ માને છે કે નેતાજી ૧૯૪૫ પછી કોઈ જગ્યાએ મૃત્યુ પામ્યા હશે. પૂર્વ આઇ.બી. સંયુક્ત નિર્દેશક મલય કૃષ્ણ ધરે તો ત્યાં સુધી જણાવ્યું કે ‘નેહરુ નેતાજીને પાછા બોલાવી શક્યા હોત. રશિયાથી તેમણે નેહરુને પત્ર પણ લખ્યો હતો. પણ એવું ન થયું અને નેતાજી રશિયન જેલમાં જ મૃત્યુ પામ્યા.’ અર્લ એટલીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ડો. સંપૂર્ણાનંદને જણાવ્યું હતું કે નેતાજી મંચુરિયાના રસ્તે રશિયા પહોંચેલા. આ વાર્તાલાપની રેકોર્ડ ટેપ આઇ.બી.ના મુખ્ય કેન્દ્રને મોકલવામાં આવી હતી તેમ નિવૃત્ત ઇન્ટેલિજન્સ બ્યુરો અધિકારી ધર્મેન્દ્ર ગૌડે જણાવ્યું હતું.
લાલ બહાદૂર શાસ્ત્રી તાશ્કંદમાં નેતાજીને મળ્યા અને તેમનું રહસ્યમય મૃત્યુ થયું. આ એક જ ઘટના સુધી નેતાજી-કથા સમાપ્ત નથી થઈ. ભારતના ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન સુધી તેનો રેલો પહોંચે છે. પહેલાં રશિયામાં ભારતીય રાજદૂત વિજયા લક્ષ્મી પંડિત હતાં. રશિયામાં નેતાજીના હોવાની જાણકારી તેમને મળી. મોસ્કોથી પાછા ફર્યા બાદ આ વાત તેમણે જાહેર પણ કરી, પણ પછી ખામોશ થઈ ગયાં.
તેમના પછીના રાજદૂત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા તેમને તો નેતાજીને માત્ર મળવાની (કોઈ ચર્ચા ન કરવાની) શરતે સામે લઈ જવાયા. રાધાકૃષ્ણન મળ્યા અને તેમણે એ વાત વડા પ્રધાન જવાહરલાલને જણાવી... રાધાકૃષ્ણન ભારત પાછા ફર્યા એટલે નેહરુએ તેને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. મૌલાના આઝાદે ગુસ્સામાં કહ્યું યે ખરુંઃ ‘ક્યા હમ સબ મર ગયે હૈ? યે ‘સર’ સર્વપલ્લી કહા સે આ ગયે હમારે ઉપરાષ્ટ્રપતિ બનને કે લિયે?’ (ક્રમશઃ)