૧૯ ઓગસ્ટ, ૧૯૪૫નો મધ્યાહન.
સુભાષ ખડખડાટ હસી પડ્યા. વિમાન મંજીરિયા તરફ ધસી રહ્યું હતું. તેમણે કહ્યુંઃ જનરલ શિદેઈ! સમય દેવતાએ ફરી એક વાર સુભાષનાં મૃત્યુને ઘોષિત કરી દીધું!
ઇશોદાની આંખોમાં અજ્ઞાત ભવિષ્યનું કુતૂહલ હતું. તેણે જાપાનીઝ પરંપરા મુજબ નમન કર્યું, ને ધીમા સ્વરે ગણગણાટ કર્યોઃ ભગવાન બુદ્ધ તમને અહર્નિશ શક્તિ આપો!
તેમની નજર બારી બહારનાં આકાશમાં હતી. સફેદ વાદળાં અને નીલાકાશ. મનોમન સ્મૃતિમાં ઝબક્યાં કેટલાક નામઃ ક્રાંતિકારની પ્રેયસી પત્ની એમિલી શેંકલ, ટચુકડા હાથથી રમતી પુત્રી અનિતા, છેક સુધી ભારતમુક્તિ માટે સક્રિય હીરોહિતો, પ્રધાનમંત્રી જનરલ તેજો, ગદ્રના પિતામહ રાસબિહારી બોઝ, ભારતીય સ્વાતંત્ર્યની સુભાષ-નીતિથી સંમત હેર હિટલર, ઇટાલીના બેનિતો મુસોલિની, અને ઇરાવતી નદીના કિનારે, આરાકાનનાં અરણ્યમાં ‘કદમ કદમ બઢાયેજા...’નાં સમુહગીત સાથે યુદ્ધ મોરચે ધસી ગયેલા આઝાદ હિન્દ ફોજના સૈનિકો, ઝાંસી રાણી સેનાની વિરાંગનાઓ, અરે, ફૂલ જેવાં માસુમ કિશોર-કિશોરીઓ...
પળ વારમાં પ્રચંડ ઇતિહાસનાં પાનાં નજર સામે, અને હૃદયમાં સ્પંદન... ન જાણે, કોલકાતામાં પ્રિય મોટા ભાઈ શરદચંદ્ર અને પરિવાર સુધી સમાચાર પહોંચશે કે ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫, તાઇહોકુ (તાઇપેઇ)ના મુત્સુયભા વિમાની મથકેથી મધ્યાહને બે અને પાંત્રીસ મિનિટે સુભાષબાબુને લઈને ઉપડેલું વિમાન અકસ્માત થવાથી તૂટી પડ્યું, અને આગમાં બળી ગયેલા શરીરને મધ્ય રાત્રે તબીબોએ મૃત જાહેર કર્યું...
અને તેમાં આટલી વિગતો પણ ઉમેરાઈ હશેઃ લેફટન્ટ જનરલ સૂનામાશ બચી ગયા, સુભાષચંદ્રના એકમાત્ર સાથીદાર કર્નલ હબીબ-ઉર-રહેમાન પણ સખત દાઝી ગયા હતા, બીજા ચાર જાપાની - વિમાન ચાલક તાકિઝાના સહિત - માર્યા ગયા.
પરંતુ એ તો ૧૮ ઓગસ્ટ હતી, ગઈકાલ! આજે એક વધુ તપ્ત દિવસ પસાર થઈ રહ્યો હતો અને પોતે ઇશોદાની સાથે જઈ રહ્યા હતા...
ક્યાં?
તે વિચારને પાછો ઠેલતાં સુભાષ બોલ્યાઃ ઇશોદા, આ તમારો ભારતીય મિત્ર - નેતાજી - બીજી વાર વિમાન દુર્ઘટનામાં માર્યો ગયો છે!
ઇશોદાને સમજાયું નહીં. તે આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો.
સુભાષ કહેઃ પહેલી વાર આવા જ સમાચાર માર્ચ, ૧૯૪૨માં રોઇટર ન્યૂઝ એજન્સીએ વહેતા મૂક્યા હતા. બર્લિનથી ટોકિયો જતા વિમાનમાં હું માર્યો ગયો તેવું જાણતાં બ્રિટિશ રાજકર્તાઓ એટલા ખુશ થયા કે એક ડીનર પાર્ટી પણ યોજી!
સુભાષબાબુના હાસ્યમાં એક સમર્પિત વ્યંગ્ય હતોઃ નિયતિ ન જાણે ‘ખુદા તેરી સુનાતા રહે... હિંમત તેરી બઢતી રહે!’ એ ફોજ-સેનાનીએ રચેલાં યુદ્ધગીત પાસે અટકી જતી હતી!
ઇશોદા કહેઃ ચંદ્રા બોઝ, તમે તો અદ્ભુત વ્યક્તિ છો. બરાબર ફિનિક્સ પંખીની જેમ બળબળતી ચિતાની રાખમાંથી જન્મીને આકાશે ઊડતા પંખી સરખા.
સુભાષઃ મારી ભાષામાં ફિનિક્સને શું કહે છે, જાણો છો?
દેવહૂમા... પણ હું દંતકથાનો મનુષ્ય નથી. જીવતો, જાગતો, ખાતો-પીતો, વિચારતો, વ્યૂહરચના કરતો, જનસમુદાયને આઝાદી માટે પ્રેરિત કરતો, સાહસ-દુઃસાહસની પરવા ન કરતો જીવંત મનુષ્ય! એટલે તો મારા દેશબાંધવો, પૂર્વ મિત્ર જવાહરલાલ, મહાત્મા ગાંધીજી, કોંગ્રેસ, કમ્યુનિસ્ટો અને ફ્રાંસ - બ્રિટન - અમેરિકાના રાજકર્તાઓ, ચર્ચિલ અને રુઝવેલ્ટ પણ કહેતા ફરે છે - આ કઈ માટીમાંથી જનમેલો ‘ઇન્ડિયન’ છે!
પછી ગણગણ્યાંઃ
આમારા બાંગલા...
ઇશોદા સાંભળતો રહ્યો, સુભાષાના હોઠ પરનું બંગ ગીતઃ
નવ જીવનેર પ્રાતે
નવીન આશાર ખડ્ગો તોમાર હાતે,
જીર્ણો આવેશ કાટો
સુકઠોર ઘાતે.
બન્ધન હોક ખય,
તો મારી હોક જય!
નવજીવનના પ્રભાતે
તુજ હાથમાં નૂતન આશાનું ખડગ
કમજોર આવેશ - બંધનોને
મજબૂત હસ્તે છિન્નભિન્ન કરી નાખ,
તૂટશે બન્ધન
- ને, તારો જ જય!
ઇશોદાએ જાપાનીઝ અખબારી સમાચાર સંસ્થા ‘દોમેઈ’ અને લંડનનાં અખબારો માટે તૈયાર થયેલી સુભાષ-મૃત્યુની દાસ્તાન શબ્દશઃ સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરી તે પહેલાં જ સુભાષ તે પૂર્વેના દિવસને સ્મરી રહ્યા.
૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ સિયામ સમુદ્રને ઓળંગવા માટે એક નાનકડાં હવાઈ જહાજમાં રયોનાન (સિંગાપુર)થી પ્રયાણ. ૧૭મીએ બેંગકોક ત્યાંથી એ જ દિવસે સાયગોન. અઢારમીએ તુરેન અને તે જ દિવસે તાઇપેઈ (તાઈહોકુ).
તાઈહોકુ સુધીની આ રહસ્યયાત્રાનો એક છેડો જાપાનની યુદ્ધમાં શરણાગતિ સુધીનો હતો. મિત્ર હતું અને રહ્યું છે જાપાન, ભારતીય આઝાદીનું ‘ઓરિયેન્ટલ’નું પદ તેણે પૌર્વાત્ય સંસ્કૃતિના આયાનામાં બરાબર શોભાવ્યું છે. રાસબિહારી બોઝને તેમણે જ સાચવ્યા અને બીજાં વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેનાને સખત પરાજય પછી ભારતીય યુદ્ધકેદી સૈનિકોની ‘સ્વાતંત્ર્ય સેના’ બનાવવા ઇજન આપ્યું. રાસબિહારી બોઝે ફરી એક વાર ‘ગદર’ રણઘોષનું પુનરાવર્તન અનુભવ્યું અને સુભાષને સુકાન સોંપ્યું. એડોલ્ફ હિટલરે સમુદ્રી જહાજમાં તેમને જાપાન મોકલ્યા હતા. પછીની મહા-ગાથાનો અંત, સુભાષબાબુને માટે ‘પરાજયનો પડકાર’ સાબિત થયો.
વિશ્વયુદ્ધમાં પરાજયથી જાપાન સ્તબ્ધ હતું. ૬ ઓગસ્ટ, ૧૯૪૫ ‘મિત્ર દેશો’એ હિરોશિમાને કાળાડિબાંગ ભવિષ્ય માટે નક્કી કર્યું. અમેરિકાએ એટમ બોંબ ઝીંક્યો. એક લાખથી વધુ લોકો ભસ્મીભૂત થયાં. નવમી ઓગસ્ટે નાગાસાકીમાં પુનરાવર્તન થયું. બોંબ-વર્ષકને ગીતાશ્લોક તો યાદ આવ્યો, પણ તેના પડછાયે મહાસત્તાનું અટ્ટહાસ્ય અને ભયનું અસ્તિત્વ હતું. જાપાને શરણાગતિનો પ્રસ્તાવ મૂક્યા પછી આ બોંબ ઝીંકાયો! ખુદ સમ્રાટનો અંગત સચિવ દરખાસ્ત લઈને પહોંચ્યો હતો, પણ વિન્સ્ટન ચર્ચિલ, પ્રમુખ ટ્રુમેન અને જોસેફ સ્તાલિને દરખાસ્તને નામંજૂર કરી અને અણુબોમ્બનો પ્રયોગ.
‘બોમ્બ ફેંક્યાની એક જ ક્ષણમાં હિરોશિમામાં આગની જ્વાળા ફરી વળી. ૧૩,૫૦૦ લોકો શરૂઆતમાં મર્યા. નાગાસાકીમાં ૬૫,૦૦૦ ગર્ભવતી માતાઓ, તેમનાં ગર્ભસ્થળ બાળકો સાથે રાખ થઈ. ૬૦,૦૦૦ મકાનો ભસ્મીભૂત થયાં... આસપાસના વિસ્તારોમાં યે આ વિનાશક અણુકિરણોએ માણસોને કાળા પત્થરમાં બદલી નાખ્યા...’
સંધિ પત્રને ફાડી ફેંકીને રશિયા પણ જાપાનને નષ્ટ કરવામાં સામેલ થઈ ગયું.
સુભાષ તો ત્યારે રણમોરચે હતા. આરાકાનના જંગલ અને ઇરાવતી નદીના કિનારે આઝાદ હિન્દ ફોજના મરણિયા સૈનિકો સાથે. મલય યુદ્ધ તાલીમ કેન્દ્ર સેરામધામમાં મેજર જનરલ અલગપ્પન, કર્નલ જી. આર. નાગર, કર્નલ હબીબ-ઉર-રહેમાન અને શ્રીમાન અય્યર સાથે ગંભીર ચર્ચા થઈ.
હવે શું કરવું?
જનરલ કિયાનીની સિંગાપુરથી સલાહ હતી કે જલદીથી નેતાજીને મોકલી આપો. રશિયન સૈનિકો પણ છવાઈ ગયા છે.
મોડી રાતે સમાચાર આવ્યાઃ
‘જાપાને શરણાગતિ સ્વીકારી લીધી.’
આઝાદ હિન્દ સેનાપતિઓ સ્તબ્ધ થઈ ગયા. સૌએ નેતાજીની સામે જોયું. ‘પરાજયના દેવતા’ જેવી તેમની આભા હતી. બોલ્યાઃ ‘અચ્છા?’
પછી દૃઢતાપૂર્વકઃ ‘જાપાનની લડાઈ સમાપ્ત થઈ શકે, આપણી નહીં. ગુલામ દેશે તો લગાતાર મુક્તિ માટે લડવું જ પડશે. એક નહીં તો બીજું હથિયાર. એક નહીં તો બીજું સ્થાન!’
તેમની આંખમાં ચમક હતી. ‘આપણે આત્મસમર્પણ તો કરવું છે, કરતા રહ્યા છીએ, પણ સત્તાંધ મહાસત્તાઓ સમક્ષ નહીં, જગતજનની ભારત માતા સમક્ષ! The INA would not admit defeat.’
રાતભર આયોજનનો નકશો તૈયાર થતો રહ્યો. રણમોરચે ફોજના સૈનિકોને ય સૂચનાઓ આપવા માટે દૂત મોકલાયા. રાતે કોઈની આંખમાં નિદ્રા નહોતી, અપલક સજ્જતા!
૧૨ ઓગસ્ટનું પ્રભાત.
અરણ્યમાં હજુ પંખીઓનો ચહુકાર હતો. દૂ...ર દેખાતો પર્વત એકદમ શ્યામ થઈ ગયો હતો. આકાશી વાદળાંઓએ માત્ર રાહ જોવાની હતી, બોમ્બવર્ષક વિમાનોની. તાલીમમથકમાં ચહલપહલ હતી. સશસ્ત્ર સૈનિકો માટે એક ખટારો. પાછળ નેતાજીની મોટરકાર. વાહનચાલકની સાથે એડીસી સમશેર સિંહ. પાછળ ત્રીજા વાહનમાં મેજર જનરલ અલગપ્પન. કર્નલ નાગર. કર્નલ કિયાની અને છેલ્લે સત્ય સહાય.
સેરામબામથી શ્યોનાન.
શ્યોનાન એ જ તો સિંગાપુર. રણકથાનો આરંભ જ અહીંથી થયો હતોને? બેઠક થઈ. મોડી રાત સુધી ચાલી. જાપાની શરણાગતિની વિધિવત્ જાહેરાત નહોતી થઈ, પણ બીબીસીનો ઉદ્ઘોષક વારંવાર આ સમાચાર કહેતો હતો.
૧૩ ઓગસ્ટે ઝાંસી રાણી સેનાની ૫૦૦થી વધુ રણચંડીઓને માટે કમાન્ડર સુશ્રી થેવરને સૂચના આપી દેવાઈ કે તેમને સુરક્ષિત સ્થાને પહોંચાડો.
પણ સુરક્ષા! તું ક્યાં ખોવાઈ ગઈ હતી?
આઝાદ હિન્દ સરકારની એ છેલ્લવેલી મંત્રી પરિષદ. સેનાનાયકોને નેતાજીની ગંભીર ચિંતા હતી. ‘શત્રુ સૈન્ય સિંગાપુર પર ત્રાટકે ત્યારે આપણે સહુ તેનો સામનો કરીએ, વીરગતિ પ્રાપ્ત કરીએ...’ નેતાજીએ સૂચન મૂક્યું. સૌની આંખો આશ્ચર્યસ્તબ્ધ! નેતાજી સ્વસ્થ નહોતા. એક દાંત તૂટી ગયો તેની સારવાર ચાલુ હતી. રાત્રે ૩૦૦૦ લોકો સન્મુખ ભારતીય કન્યાઓએ ‘ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાની થી!’નું નાટ્ય પ્રસ્તુત કર્યું, અને પછી ગાયુંઃ
શુભ સુખ ચૈન કી બરખા બરસે
ભારત ભાગ્ય હૈ જાગા...
સુરજ બન કર જગપર ચમકે
ભારત નામ સુભાગા
જય હો, જય હો, જય હો!
જય, જય, જય, જય હો!
પંજાબ સિન્ધ ગુજરાત મરાઠા
દ્રવિડ, ઉત્કલ, બંગા
ચંચલ સાગર, વિન્ધ્ય હિમાચલ
નીલ યમુના ગંગા!
તેરે નિત ગુણ ગાયે,
તુમ સે જીવન પાયે,
સબ જન પાયે આશા!
રવિન્દ્રનાથનાં ગીતનું આ યુદ્ધભૂમિ પરનું રૂપાંતર! નવો જ અવતાર!
નેતાજીની આંખો ભીની થઈ ગઈઃ ભારતથી દૂર આ કન્યાઓ, મહિલાઓ, માતાઓ અને તેમનાં બાળકો દેશમુક્તિની કેવી લડાઈ લડી રહ્યાં હતાં...
સિંગાપુરમાં ભારતભક્તિનાં ગીતનો છેલ્લો સ્વર હતો.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૫.
સિંગાપુરમાં શહીદ સ્મારક માટેનું માનચિત્ર લઈને કર્નલ સ્ટ્રેસી આવ્યા. ઇરાવતીના કિનારે, આરાકાનનાં જંગલોમાં, ઇમ્ફાલ - કોહિમા - વિશનપુરમાં ધોધમાર વરસાદ અને અપૂરતાં હથિયાર સામે સૈનિકોએ બલિદાન આપ્યાં તેનું સ્મારક...
‘અંગ્રેજ સેનાની નજરે પડવું જોઈએ કે અહીં કુરબાનીની કથા રચાઈ હતી...’
એવું જ થયું. એક સપ્તાહની મહેનત પછી સ્મારક - યુદ્ધગ્રસ્ત, અભાવગ્રસ્ત દિવસોમાં તૈયાર થઈને રહ્યું.
મંત્રી પરિષદના ભારે દબાણ સાથે નેતાજીને સિંગાપુરથી નીકળી જવાનો નિર્ણય કરાયો. અહીં રહે તો બ્રિટિશ સેનાના પ્રવેશ પછી પહેલો નિર્ણય સુભાષચંદ્ર બોઝ નામના ‘રાજદ્રોહી, યુદ્ધકેદી અને યુદ્ધ-અપરાધી’ને ફાંસીના માચડે ચડાવવાનો જ હોત!
નેતાજી તેને માટે તૈયાર હતા. આઝાદ હિન્દ સરકાર નહીં.
પણ ક્યાં? સિંગાપુર પછી શું?
નિર્ણયો લેવાયા.
કર્નલ પ્રીતમસિંહ.
હબીબ-ઉર-રહેમાન.
નેતાજીની સાથે જશે.
આબિદ હસન અને દેવનાથ દાસ બેંગકોક રહેશે. ત્યાંથી જ સાથે લેવામાં આવશે. પિનાંગથી સ્વામી આવવા જ જોઈએ.
જનરલ કિયાની, અલગપ્પન અને એ. એન. સરકાર આઝાદ હિન્દ ફોજની વ્યવસ્થા કરશે.
સુભાષે એ દિવસે એકને બદલે બે સિગારેટ પીધી. કાગળના એક ટુકડા પર લખ્યું, કદાચ પૂરી કવિતાનું સ્મરણ નહોતું, પણ તેનો મર્મ -
અરે, આ નૌકા...
મોતના અંધારને ચીરતી,
ડોલાયમાન થતી
નીકળી તો પડી છે...
કયા ઘાટ પર તેનો મુકામ?
અને ખરેખર મુકામ?
આ પૂછવાનો સમય જ ક્યાં છે
મારી પાસે, પ્રિય!
સ્મરણમાં આવી પ્રિય એમિલી અને લાડકી - વણદેખી પુત્રી અનિતા - આંખના એક ખૂણે ચમકેલું અશ્રુબિંદુ જલદીથી તેમણે ભૂંસી નાખ્યું...
૧૬ ઓગસ્ટ.
પ્રાંતઃ કાળે સિંગાપુરના વિમાનીમથકે બધા એકઠા થયા છે - એકબીજાના જાનીસાર સાથીઓ. ભવિષ્યના અંધારને ભેદવાનો પ્રશ્નાર્થ બધાના ચહેરા પર છે. પણ સૌની નજર પ્યારા નેતાજી પર. જનરલ કિયાનીના હોઠ પર ગણગણાટ દેખાતાં નેતાજીએ પૂછયુંઃ
‘હોઠ પર શું છે, કિયાની?’
કિયાની હસ્યા. ‘એક ગીત. મારું પ્રિય ગીત. આપણું પ્રિય ગીત...’ પછી જરા અવાજ કાઢીને બોલ્યાઃ
યે જિન્દગી હૈ કારવાં
આજ યહાં તો કલ વહાં
ફિર ભી હમેં આ રહી હૈ નિદ
કબ તક ગુઝારેંગે યે દિન?
હમ ન ચલે અપને ઘર
તો કૌન ચલેગા?
કૌન ચલેગા, મૌકા હૈ આસાન કર લો એક જબાન
રૂકના તેરા કામ નહીં
ચલના તેરી શાન
ચલ, ચલ રે નૌજવાન!
નેતાજી હસ્યા. કિયાનીની પીઠ પર હાથ મૂક્યો... એક પત્ર આઝાદ હિન્દ ફોઝ માટે-
આરઝી હકુમત-ઇ-હિન્દ
શ્યોનાન
તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫
મારા વહાલા બાંધવો - બહેનો,
તમે સહુએ જે કષ્ટ ઊઠાવ્યાં, આત્મત્યાગ કર્યો, તેનું ફળ જલદીથી નથી મળ્યું તેને લીધે તમારા કરતાં અધિક હું દુઃખી છું. પરંતુ આ કષ્ટ, આત્મભોગ કંઈ વ્યર્થ નથી ગયો. તેને લીધે તો આપણી માતૃભૂમિની મુક્તિ નિશ્ચિત થઈ ગઈ છે. દુનિયા તમારી ત્યાગ-કથા હૃદયપટ પર જાળવશે.
ઇતિહાસના આ સંકટકાળે મારે એક જ વાત તમને કહેવી છે. વિશ્વાસ નહીં ગુમાવશો. દુનિયાની કોઈ તાકાત એવી નથી જે ભારતવર્ષને દબાવી શકે. ભારતવર્ષ સ્વાધીન થશે, જરૂર થશે અને એ દિવસ દૂર નથી...’
બપોરે ત્રણ વાગે બેંગકોકનું વિમાની મથક. જનરલ ભોંસલે અને રાજદૂત હાચિયા, જનરલ ઇશોદા આવીને મળ્યા.
‘જાપાનની શરણાગતિ?’
‘હા. સાચી વાત છે! ઇશોદાએ મ્લાન ચહેરે કહ્યું. ‘અમે તો હજુ લડવા તત્પર છીએ. અમે તમને પૂરી મદદ કરવા તૈયાર છીએ.’
‘શી મદદ કરશો, ઇશોદા?’
‘તમે શું ઇચ્છો છો?’
નેતાજી ગંભીર. દક્ષિણ-પૂર્વ એશિયા કમાન્ડના સેનાધ્યક્ષ ફિલ્ડમાર્શલ કાઉન્ટ તેરાઉચી ક્યાં હશે?
‘સેગોનમાં.’
‘મળી શકાશે તેમને?’
‘કેમ નહીં? અમે પણ તમારી સાથે આવીશું.’
પ્રવાસ નક્કી થયો. નેતાજીએ આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ સેનાપતિ તરીકે જનરલ ભોંસલેને નિયુક્ત કર્યા.’
‘લો, આ વિરાન સેગોન.’
યુદ્ધથી ફફડતું, નિર્જન વિમાનીમથક.
૧૭મીએ મોડી રાત્રે વિમાનમાં સાથીદારો સાથે આ અનિશ્ચિત ભવિષ્યની સાથે નીકળ્યા. ઇશોદા, હાચિય, અય્યર, હબીબ-ઉર-રહેમાન, કર્નલ ગુલઝારા સિંહ, દેવનાથ દાસ, આબિદ હસનનો સંગાથ. અત્યારે તો લક્ષ્ય માત્ર દાલાતમાં ફિલ્ડ માર્શલ તેરાઉચીની સાથે મંત્રણાનું. પછી... નિયતિ જાણે!
દાલાત સૈન્યનું મુખ્યાલય હતું.
એક આઝાદ હિન્દુ સરકાર સાથે જોડાયેલા નારાયણદાસને ત્યાં સુભાષ રોકાયા. ત્રણ દિવસથી નહાવાનો સમય પણ ક્યાં મળ્યો હતો? આયનામાં જોઈને સ્વગત હસ્યાઃ ‘ઓર્લેંડો મેઝ્યુટ!’
કોલકાતાથી કાબુલ પછીની સફરમાં દાઢીધારી ઓર્લેંડો થવું પડ્યું હતું, ન જાણે બીજી વાર શું થવું પડશે... આ વધી ગયેલી દાઢી, મૂછો...
સ્નાન પછી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, ત્યાં જનરલ ઇશોદા, હાચિયા, અને ફિલ્ડ માર્શલ તેરાઉચી - જાતે કારમાં આવ્યા... નેતાજીને મળવામાં ત્યારે હબીબ-ઉર-રહેમાન સાથે હતા. બાકીના છ બહાર ધડકતા હૃદયે રાહ જોઈ રહ્યા હતા, શું નિર્ણય લેવાશે?
નિર્ણય પણ લેવાયો.
એક યુદ્ધવિમાનમાં માત્ર એક જ બેઠક.
‘તમને એકલા ન જવા દેવાય’ સૌએ કહ્યું.
વધુ સમય હવે નહોતો.
જલદીથી નિર્ણય લેવાનો હતો.
‘એક વધુ સીટ કદાચ મળી જાય.’ આશ્વાસન મળ્યું.
‘વિમાન ક્યાં જશે?’
જવાબમાં ચૂપકીદી. યુદ્ધજ્વાલામાં રહસ્યમૌનનું હોવું જરૂરી હતું. રશિયન-અમેરિકન-બ્રિટિશ ગુપ્તચરો વિમાનો સાથે ચોતરફ નજર નાખતા હતા. બ્રિટિશ સૈન્ય અને ગુપ્તચર તંત્રને અપેક્ષા હતી કે સુભાષ બોઝ હવે પકડાઈ જશે.
જીવતા
યા મૃત સુભાષ.
યુદ્ધ-અપરાધી સુભાષ.
દેશના કોઈ નેતાએ નહોતું કર્યું તેવું બ્રિટિશવિરોધી કૃત્ય - જાપાનની મદદથી આઈએનએ અને આઝાદ હિન્દ સરકારનું સપનું સાચું કરનાર બોઝ.
લોર્ડ માઉન્ટબેટન બર્મા મોરચે લડી રહ્યા હતા. તેમને અંદાજ હતો કે જવાહરલાલ કે ગાંધીજી તેમના એવા શત્રુ નહોતા જેટલા સુભાષ હતા.
જાપાનની યોજના નેતાજીને હેમક્ષેમ કોઈ સ્થાને પહોંચાડવાની હતી. નક્કી થતાં બે સીટનું આયોજન થયું.
સૌ ફરી વાર વિમાન મથકે પહોંચ્યા.
હબીબ-ઉર-રહેમાન નેતાજીની સાથે રહેશે - એમ નક્કી થયું હતું.
નેતાજીએ દેવનાથ દાસને સૂચના આપીઃ તમામ દસ્તાવેજો નષ્ટ કરી નાખો.
‘અને આ...?’ દાસ બોલ્યા.
નાનકડી પેટી હતી. ‘આપણો ધ્વજ છે...’ રોજ હજારો સૈનિકોના કંઠે આવતું ધ્વજગીત કેમ યાદ ન આવે?
સમયની તાકીદ વચ્ચે પણ એ યાદ આવી ગયુંઃ
હો તેરી સર બુલંદી
જ્યોં ચાંદ આસમાં મેં
તું માન હૈ હમારા
તું શાન હૈ હમારી...
દાસના ખભે હાથ મૂકીને નેતાજીએ કહ્યુંઃ ‘આને બરાબર જાળવજો...’
વિમાનમથકે સેનાપતિ શિદેયી ઇંતજાર કરી રહ્યા હતા. બે કલાક વીતી ગયા હતા... વિમાન માટેનું પ્રસ્થાન.
નેતાજી સૈનિકી વેશમાં હતા. બધાંની સાથે હાથ મિલાવીને કહ્યુંઃ જય હિન્દ!
નેતાજી અને હબીબ વિમાનની સીડી ચઢ્યા... દરવાજો બંધ.
૧૭ ઓગસ્ટની સાંજના સવા પાંચે વિમાન આકાશે ઊડ્યું...
સાઇગનથી તુરેન.
અને તુરેનથી? ૧૮ ઓગસ્ટના એ રહસ્ય રોમાંચિત દિવસે વિધાતાએ કેવા હસ્તાક્ષરો આલેખ્યા હતા? (ક્રમશઃ)