આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે લેસ્ટરના સીમ્ફની રૂમ્સ ખાતે યોજાયેલા "પિતૃવંદના - ભૂલી બિસરી યાદે" કાર્યક્રમને જોરદાર સફળતા મળી હતી. "ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" તેમજ લેસ્ટરના મ્યુઝીક આર્ટ્સ ગૃપ દ્વારા આયોજીત આ હાઉસફૂલ શોને લેસ્ટર તેમજ આજુબાજુના નગરોમાંથી આવેલા શ્રોતાઅોએ મનભરીને માણ્યો હતો. વિખ્યાત ગાયક કલાકારો માયાબેન દીપક અને રોકીના અવાજનો જાદુ એવો તો ચાલ્યો હતો કે શ્રોતાઅોએ પોતાના મનગમતા ફરમાયશી ગીતોનો મારો ચલાવ્યો હતો. તો સામે પક્ષે કલાકારોએ પણ સમયની પરવા કર્યા વગર મોડે સુધી પોતાના સુમધુર અવાજમાં શ્રોતાઅો સમક્ષ એક પછી એક મનમોહક ગીતો રજૂ કરીને શ્રોતાઅોને ઝૂમતા કરી દીધા હતા.
માયાબેન અને રોકીએ 'પાપા કહેતે હે બડા નામ કરેગા, તુઝે સુરજ કહુ યા ચંદા, લગ જા ગલે, જો વાદા કીયા વો નિભાના પડેગા, આજા રે પરદેશી, સો સાલ પહેલે, યે મેરા દિવાના પન હૈ, મધુબન મેં રાધિકા નાચે રે, ચંદન સા બદન, અહેસાન તેરા હોગા જેવા લોકપ્રિય હિન્દી સુુપરહીટ ગીતો રજૂ કરી શ્રોતાઅોની દાદ મેળવી હતી.
શો આયોજક લેસ્ટરના મ્યુઝિક આર્ટ્સના અગ્રણી શ્રી પ્રવીણભાઇ મજીઠીયાએ કાર્યક્રમના પ્રારંભે મુખ્ય મહેમાન લેસ્ટરના લોર્ડ મેયર શ્રી રશ્મિકાંતભાઇ જોશી અને તેમના પત્ની તેમજ ફાધર્સ ડેની ઉજવણી કરવા ઉપસ્થિત સૌ શ્રોતાઅોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના આયોજન માટે કલાકારો સાથે લંડનથી પધારેલા એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર શ્રી કમલ રાવે જણાવ્યું હતું કે "માતૃ વંદના કાર્યક્રમની જોરદાર સફળતા બાદ પિતૃ વંદના કાર્યક્રમ થકી બ્રિટનમાં વસતા ગુજરાતી અને ભારતીય પરિવારો દ્વારા સાચા અર્થમાં પિતૃતર્પણ થઇ રહ્યું છે. આ કાર્યક્રમોના પ્રણેતા અને અમારા તંત્રી શ્રી સીબી પટેલ દ્વારા સતત સમાજની સેવા કરવાના અભિગમમાં આજે આપ સૌ જોડાયા છો તે બદલ અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. લંડનમાં હેરો લેઝર સેન્ટર સ્થિત મેસફિલ્ડ સ્યુટમાં અમે તા. ૧૭ અને ૧૮ના રોજ સાંજે પિતૃ વંદના માટે હિન્દી ફિલ્મોના ગીતોના કાર્યક્રમ "ભૂલી બીસરી યાદે"નું શાનદાર આયોજન કર્યું છે તેમાં પણ મિત્રો - પરિવારજનો સાથે ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપ્યું હતું.
લોર્ડ મેયર શ્રી રશ્મિકાંતભાઇએ પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે ગીત સંગીત કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન આપી આવા સુંદર સમાજ ઉપયોગી કાર્યક્રમોના આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મ્યુઝિક આર્ટ્સના શ્રી વિનોદભાઇ પોપટે સીમ્ફની રૂમ્સના હસમુખભાઇ ટેલર, પ્રતિભા ટેલર તેમજ સ્ટાફ, ટિકીટ એજન્ટ્સ મેલ્ટન હોટ પોટેટો શોપ, પરાબન સુપર માર્કેટના સંચાલકો, સબરસ રેડિયોના રજનીભાઇ દાવડા અને શોભાબેન જોશી તેમજ શોને સફળ બનાવવા બદલ નોટીંગહામ સ્થિત શૈલેષભાઇ ઠકરારનો આભાર વ્યક્ત કર્યો હતો.