મુંબઈ: લોકપ્રિય ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીનું પાત્ર ભજવી દર્શકોના દિલ પર રાજ કરનારી પ્રત્યૂષા બેનર્જીએ ગોરેગામના ભગતસિંહનગરમાં આવેલા ભાડાના નિવાસસ્થાને પહેલી એપ્રિલે બપોરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ૨૪ વર્ષની પ્રત્યૂષાને તરત જ અંધેરી વેસ્ટમાં આવેલી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રત્યૂષાનો સ્વભાવ ગરમ હતો અને આનંદીના પાત્ર પછી તેની પાસે કોઇ ખાસ કામ નહોતું. જો કે છેલ્લે તેને 'સસુરાલ સિમર કા'માં ડાયનનું પાત્ર ભજવ્યું હતું. નાણાકીય ભીડ અને બોયફ્રેન્ડ રાહુલ સાથેના ઝઘડાને પગલે તેણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. બુધવારે તેની અને રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ હાલમાં રાહુલની પૂછપરછ કરી રહી છે. આ આત્યંતિક પગલું ભરવા પાછળનું કારણ તેના અંગત જીવનમાં થયેલી ઊથલપાથલ જવાબદાર મનાય છે. તે રાહુલરાજ સિંહ સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતી અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા.