દુબઈથી ઓનલાઈન બેટિંગ એપ ચલાવનારા કૌભાંડીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ કૌભાંડ રૂ. 5000 કરોડથી વધુનું હોવાનું કહેવાય છે. મહાદેવ બેટિંગ એપના સંચાલક સૌરભ ચંદ્રાકર અને તેના પાર્ટનર રવિ ઉપ્પલ સામે ઇડીએ હાથ ધરેલી તપાસનો રેલો 17 બોલિવૂડ સેલિબ્રિટીઝ સુધી પહોંચી શકે છે. ઈડીની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, સૌરભે ગયા ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા અને આ પ્રસંગે રૂ. 200 કરોડનો ખર્ચ કર્યો હતો. આ નાણાં હવાલા મારફતે ઈવેન્ટ કંપનીને અપાયા હતા અને આ કંપનીએ બોલિવૂડ સ્ટાર્સને નાણાં ચૂકવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, દુબઈમાં સૌરભના લગ્નપ્રસંગે અનેક સેલિબ્રિટીઝે પરફોર્મ કર્યું હતું અને કામ માટે તેમને મોટી રકમ ચૂકવાઇ હતી. દુબઈની ભવ્ય હોટલમાં યોજાયેલા લગ્નની કામગીરી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ સંભાળી હતી. મુંબઈ ખાતે આવેલી કંપનીની ઓફિસમાં ઈડી દ્વારા દરોડો પડાયો હતો. જેમાં બહાર આવ્યુ હતું કે, સૌરભ ચંદ્રાકરે હવાલા મારફતે રૂ. 112 કરોડ મોક્લાવ્યા હતા, જેમાંથી 42 કરોડ હોટેલ બુકિંગ માટે ખર્ચાયા હતા. આ ઉપરાંત લગ્નપ્રસંગે પરફોર્મ કરનાર સેલિબ્રિટીસને કુલ રૂ. 40 કરોડ ચૂકવાયા હતા. આ પાર્ટીમાં પરફોર્મ કરનાર ટાઇગર શ્રોફ, સની લિઓની, નુસરત ભરૂચા, નેહા કક્કર, આતિફ અસલમ, રાહત ફતેહ અલીખાન, અલી અસગર, વિશાલ દદલાની, એલી એવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કૃતિ અરબંદા, કૃષ્ણા અભિષેક અને સુખવિંદર સિંહની આ મામલે પુછપરછ થઇ શકે છે.