અક્ષય કુમારે તાજેતરમાં જ તેના પારિવારિક જીવન વિશે ક્રિકેટર શિખર ધવનના શોમાં ખૂલીને વાત કરી હતી. શોમાં અક્ષયે પત્ની ટ્વિકલ ખન્નાની ભારોભાર પ્રશંસા કરતાં તેના જીવન વિશેની વાતો પણ શેર કરી છે. અક્ષયે તેના મહેનતુ સ્વભાવ અને ટ્વિંકલની બૌદ્ધિક ક્ષમતાઓ વચ્ચેના તફાવતની વાતો પણ કરી છે. અક્ષય કહે છે કે ‘મારી પુત્રીને મારી પત્ની ટ્વિંકલ પાસેથી સ્માર્ટનેસ મળી છે. હું અભણ માણસ છું. બહુ ભણેલો નથી. હું ગધ્ધામજૂરી કરું છું, તે મગજવાળી છે. સુપરસ્ટાર રાજેશ ખન્નાની દીકરી સાથે લગ્ન થવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. હું નસીબદાર છું કારણ કે તે એક સારી પત્ની અને સારી માતા છે. જો તમને જીવનમાં યોગ્ય જીવનસાથી મળે તો તમારું જીવન સંપૂર્ણ બની જાય છે. હું કામ પર હોઉં ત્યારે તે એકલાં બાળકોની સંભાળ રાખે છે. આજે પણ મારી પત્ની જીવનને કેવી રીતે જુએ છે તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તે હવે 50 વર્ષની છે અને હજુ પણ ભણે છે, તેણે તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. અને હવે પીએચ.ડી કરી રહી છે.
અક્ષયે કહ્યું હતું કે, ‘મારા જેવા બહુ ઓછા લોકો હશે. હું લંડન જાઉં છું ત્યારે હું મારી પુત્રીને શાળાએ ડ્રોપ કરું છું. મારા પુત્રને કોલેજમાં ડ્રોપ કરું છું અને છેલ્લે મારી પત્નીને કોલેજમાં ડ્રોપ કરું છું. અને પછી, એક ‘અભણ’ની જેમ, હું ઘરે પાછો ફરું છું અને આખો દિવસ બેઠો બેઠો ક્રિકેટ જોઉં છું. ટ્વિંકલે હાલમાં જ લંડન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. કોલેજમાં પાછા જવાની અને અભ્યાસ કરવાની તેની ઇચ્છા હોવા છતાં, તે ફક્ત એટલા માટે જઈ શકતો નથી કારણ કે પુસ્તકો જોઈને તે ડરે છે.