અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે 81મો જન્મદિન ઉજવ્યો હતો. રાત્રે 12ના ટકોરે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે હજારો ચાહકો ‘જલસા’ની બહાર બિગ બીની રાહ જોઈને ઉમટ્યા હતા, અને બિગ બીએ પણ તેમને નિરાશ નહોતા કર્યા. તેઓ મોડી રાત્રે ઘરની બહાર નીકળ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. આ પછી બીજા દિવસે સવારે પણ તેમણે હજારો ચાહકોનું અભિવાદન કર્યું હતું. સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કરવાની સાથે તેમણે પોતાના પરિવાર સાથે આ વિશેષ દિવસ ઉજવ્યો હતો. પત્ની જયા બચ્ચન, દીકરી શ્વેતા નંદા બચ્ચન, શ્વેતાના સંતાનો અગત્સ્ય અને નવ્યાનવેલી નંદા, ઐશ્વર્યા રાય, પૌત્રી આરાધ્યા સાથે અમિતાભ બચ્ચનના ફોટોગ્રાફ્સ વાઈરલ થયા હતા. અભિષેક બચ્ચને વીડિયો કોલથી પરિવાર સાથે જોડાઈને પિતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શાહરુખ, અક્ષય, સલમાન સહિત અનેક સ્ટાર્સે તેમને આ દિવસે શુભેચ્છા પાઠવી છે.
1942માં જન્મેલા અમિતાભ બચ્ચને 54 વર્ષની ફિલ્મી કરિયરમાં અનેક ઉતારચઢાવ જોયાં છે. તેમણે 175થી વધુ ફિલ્મો કરી છે અને તેમાંથી 75 તો ફ્લોપ રહી છે. ટેલિવિઝન પર પણ તેમનો શો ખૂબ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચનની લાઈફ સ્ટોરીમાં ભરપૂર એક્શન, ડ્રામા, ઈમોશન, ટ્રેજેડી અને મોટિવેશન છે. તેમના પિતા હરિવંશરાય બચ્ચન દેશના જાણીતા કવિ હતા. જોકે અમિતાભે પિતાના નામને વટાવવાના બદલે પોતાની આગવી ઓળખ ઊભી કરવા કમર કસી હતી.