મુંબઈઃ કેનેડામાં જન્મેલી ઇન્ડો કેનેડિયન એકટ્રેસ સની લિયોનીને બીબીસીની વર્ષ ૨૦૧૬ની ૧૦૦ વગદાર મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. સતત ચોથા વર્ષે બહાર પાડેલી આ યાદીમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓ, એન્જિનિયર્સ, સ્પોટર્સ વુમન, ફેન આઇકોન્સ અને મહિલા કલાકારોને સ્થાન અપાયું છે. સનીએ વર્ષ ૨૦૧૩થી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં વિવાદસ્પદ રિયાલિટી શો ‘બિગબોસ’માં ભાગ લઈને તે ઇન્ડિયન ટેલિવિઝનનો હિસ્સો બની હતી. ‘જિસ્મ ટુ’, ‘જેકપોટ’ અને ‘એક પહેલી લીલા’ જેવી ફિલ્મોમાં તેણે અભિનય આપ્યો છે. બીબીસીની યાદીમાં સની ઉપરાંત ભારતની સાંગલીની ગૌરી ચિંદારકર, ચેન્નાઈની મલ્લિકા શ્રીનિવાસન, મુંબઈની નેહા સિંહ અને કર્ણાટકની સાલુમરદા થિમક્કાને સ્થાન મળ્યું છે. ચિંદારકર સાંગલીની ૨૦ વર્ષની કમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થિની છે. ચિંદારકરને પ્રથમ ભારતીય મહિલા છે કે જેને સ્કૂલ ઈન ધ ક્લાઉન્ડમાં અભ્યાસની તક સાંપડી છે.
૫૭ વર્ષીય મલ્લિકા શ્રીનિવાસન ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટનાં સીઈઓ છે. તેઓ ‘ટ્રેકટર ક્વિન’ તરીકે જાણીતા છે. તેમની પારિવારિક કંપનીને તેમણે વિશ્વમાં ત્રીજી સૌથી મોટી ટ્રેક્ટર કંપનીના સ્થાને મૂકી છે. ૩૪ વર્ષીય નેહા સિંહ અભિનેત્રી અને લેખિકા છે. સ્ત્રી સશક્તિકરણ માટે તેઓ ઝુંબેશ ચલાવે છે.