હરહંમેશની જેમ આ વખતે પણ ગેલેક્સી શો અને પંકજ સોઢા લંડનના નાટ્યપ્રેમીઓ માટે મનોરંજક નાટક લઇને આવ્યા છે. શિવમ સર્જન - રાજેન્દ્ર બુટાલા દ્વારા પ્રસ્તુત અને શીલા બુટાલા દ્વારા નિર્મિત આ નાટકનું લેખન અને દિગદર્શન ઈકબાલ મુન્શીએ કર્યું છે. જીવનના મેદાનમાં ફકત મકાનો જ નહીં, સંબંધો પણ રિડેવલપમેન્ટ માંગે છે એવો સંદેશ રમૂજની રંગત સાથે આપતા આ નાટકના લંડન અને લેસ્ટરના વિવિધ વિસ્તારોમાં 6થી 29 સપ્ટેમ્બર દરમિયાન કુલ 12 શો યોજાશે. I Love You નાટકના માધ્યમથી કિન્નરીના પાત્રમાં માધવી પટેલે ગુજરાતી રંગભૂમિ ઉપર પહેલીવાર પદાર્પણ કરી રહ્યાં છે. રૂપા(બા)ના રોલમાં અમિતા રાજડા છે, જેમના અભિનયથી દર્શકો પરિચિત છે. તો દર્શકો હસુ(ભાઈ)ને પણ નખશિખ ઓળખે છે. 50 વર્ષના લગ્નજીવનના તાણાવાણા સુપેરે દર્શાવતા આ નાટકમાં દીકરી અંજનીનો અભિનય સૃષ્ટિ સોરઠિયાએ કર્યો છે. જ્યારે ધવલના પાત્રમાં રિતેશ મોભ એક મહત્ત્વાકાંક્ષી બિઝનેસમેન, સ્વપ્નદૃષ્ટાની ભૂમિકા ભજવે છે, જે ખુલ્લાદિલે પ્રેમનો એકરાર કરી જાણે છે, જેટલા જલ્દી મગજ પરનો કાબૂ ગુમાવે છે એટલું ઝડપે મગજ શાંત કરીને ભૂલનો એકરાર કરી જાણે છે. આ ગુણના લીધે તો ધવલ બે સ્ત્રીને પ્રેમ કરીને અંતે વેરાવળના દરિયાના પથ્થર પર નેઇલ પોલિશથી લખેલું I Love You સાકાર કરે છે.
નાટકમાં મુખ્ય અભિનેત્રી પલ્લવીનું પાત્ર પૂર્વી મહેતાએ ખુબ જ સરસ રીતે સાર્થક કર્યું છે. બોલી, લહેકો, સ્પષ્ટ ઉચ્ચાર, કડકાઈ, વિનમ્રતા, પારિવારિક ભાવના, કુટુંબના કેન્દ્રમાં રહીને સ્વજનોની સંભાળ લેવાની આવડતનું પરફેક્ટ કોમ્બિનેશન લંડનના દર્શકોનું દિલ જીતી લેશે તેમાં બેમત નથી. ગુજરાતી સન્નારીની વ્યાખ્યામાં બંધબેસતી પલ્લુનું પાત્ર સૌના હૃદય અને આંખને ભીંજવી દે તેવું છે.
I Love You નાટકના નેરેટર એવા રાજેન્દ્ર બુટાલા રંગીલો રાજા તરીકે એમનામાં દેવ આનંદનો પરકાયા પ્રવેશ રેડિયો પરથી ગીત સાંભળીને થાય છે. સ્થૂળ શરીરની ઉપરવટ જઈને રંગમંચના આ છેડેથી બીજા છેડા સુધી ચાલવું - બેસવું - ઉઠવું એ રાજેન્દ્ર બુટાલા જેવા રંગમંચના પાકટ અભિનેતા જ કરી શકે. હસુના પાત્રમાં દર્શકોને સતત હસાવતા રહેલા રાજેન્દ્રભાઇની અભિનય ક્ષમતાને સલામ!
ટૂંકમાં કહીએ તો, સહકુટુંબ મિત્ર વર્તુળ સાથે માણી શકાય એવું સરસ - સુઘડ - હાસ્યસભર નાટક એટલે I Love You.
(લંડન - લેસ્ટરમાં કઇ તારીખે ક્યા સ્થળે શો છે તે જાણવા માટે જૂઓ જાહેરખબર પાન - 5)