#MeeToo જુવાળઃ નેતા, અભિનેતા અને મીડિયાકર્મીઓ પર આક્ષેપ – પ્રતિઆક્ષેપ

Wednesday 17th October 2018 10:08 EDT
 
 

નવી દિલ્હીઃ બોલિવૂડમાં જાતીય શોષણ અને જાતીય સતામણીના કારણોસર બોલિવૂડને અલવિદા કહીને અમેરિકામાં વસનારી તનુશ્રી દત્તાએ ભારતમાં મીટુ અભિયાન અંતર્ગત નાના પાટેકરે ૨૦૦૮માં ‘હોર્ન ઓકે’ ફિલ્મના સેટ પર તેની સાથે ઇન્ટિમેટ સીનની માગણી કર્યાનું કહ્યું હતું. તનુશ્રીએ નાના પર તથા દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી પર પ્રહાર કર્યા પછી બોલિવૂડ ઉપરાંત દેશની મીડિયાકર્મી મહિલાઓ તેમજ સામાન્ય સ્ત્રીઓ પણ તેમની સાથે થયેલા અત્યાચાર અંગે ખૂલીને બહાર આવી રહી છે. વિકાસ બહલ, સુભાષ ઘાઈ, આલોક નાથ, પીયૂષ મિશ્રા, ભૂષણકુમાર, સાજિદ ખાન જેવા બોલિવૂડના દિગ્ગજો સામે કથિત પીડિતાઓએ આંગળી ચીંધી છે. વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ પર જાતીય શોષણના આરોપ લાગ્યા છે. જોકે તેમણે આવી કોઈ ઘટના બની હોય તો તે બદલ માફી માગી છે. જોકે નાના પાટેકરે તનુશ્રી સામે માનહાનિનો દાવો કર્યો છે તો દત્તાએ ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ નાના પાટેકર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને હવે તેણે પોલીસને પત્ર લખીને નાના પાટેકરની ધરપકડની માગ કરી છે. આવા શોષણખોરો સાથે કામ ન કરવા મહિલા ડિરેક્ટરોની આખી એક ટુકડીએ પ્રણ લીધું છે. બીજી તરફ, અનેક મહિલા પત્રકારો દ્વારા જાતીય સતામણીના આરોપનો સામનો કરી રહેલા એમ જે અકબરે પત્રકાર પ્રિયા રામાની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે તો પત્રકાર નિષ્ઠા જૈને ફેસબુક પર પોસ્ટ લખીને વિનોદ દુઆ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો છે.
એમ. જે. અકબર રવિવારે નાઇજિરિયાની સત્તાવાર મુલાકાતેથી ભારત પરત ફર્યા હતા. તેમની પર જાતીય સતામણીના આરોપો મુદ્દે રાજીનામું આપવા બાબતે નિવેદન જારી કરીને રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે પોતાની વિરુદ્ધના આરોપો ઉપજાવી કાઢેલા ગણાવીને આરોપ મૂકનારી મહિલામાંથી પત્રકાર પ્રિયા રામાણી સામે કાયદાકીય લડત માટે ૯૭ વકીલોની ફોજ ઊભી કરી દેવાનું કહ્યું છે. અકબર પર પ્રેરણાસિંહ બિન્દ્રા, ગઝાલા વહાબ, શુતપા પોલ, અંજુ ભારતી, સુપર્ણા શર્મા, શુમા રહા, માલિની ભૂપ્તા, કનિકા ગેહલોત, કાદમ્બરી વાડે, માજલાઇ કેમ્પ, રૂથ ડેવિડે જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે.

વિનોદ દુઆ ફસાયા

નિષ્ઠા જૈને ફેસબુક પર બે ઘટનાને સમાવતી પોસ્ટ લખીને વિનોદ દુઆ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. નિષ્ઠા જૈને ફેસબુક પર કહ્યું કે ૧૯૮૯માં વિનોદ દુઆએ એક જાતીય પ્રકારનો જોક્સ કહ્યો હતો. મેં પગાર પેટે રૂ. ૫૦૦૦ માગ્યા તો તેમણે કહ્યું કે આટલા પગારની તારી ઔકાત નથી. એ પછી એક ઓફિસમાં વીડિયો એડિટરની નોકરી મને મળી ત્યાં દુઆના દોસ્ત હતા. તેમણે મને જોઈને પાર્કિંગમાં બોલાવી હતી મને લાગ્યું કે એ માફી માગવા ઈચ્છે છે એટલે હું કારમાં બેઠી તો એમણે છેડતી શરૂ કરી હતી.

પીયુષ મિશ્રા આરોપ

એક મહિલા-પત્રકારે પીયૂષ મિશ્રા વિશે કહ્યું કે, એક પાર્ટીમાં તેણે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. જોકે આ વિશે પીયૂષ મિશ્રાએ કહ્યું કે ‘મને એ મહિલા કે આવો કિસ્સો યાદ નથી, પરંતુ જો એ થયું હોય તો એ બદલ હું માફી માગું છું. એક્શન ડિરેક્ટર શ્યામ કૌશલ પર પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલી નમિતા પ્રકાશે છેડતીનો આરોપ મૂક્યો છે. આ ઉપરાંત આશી ઢીંગરા નામની મહિલાએ પણ તેમની પર છેડતીના આરોપ મૂકતાં તેમણે મહિલાઓની માફી માગી છે. જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાબુજીની છાપ ધરાવતા આલોકનાથ પર દુષ્કર્મનો આક્ષેપ કરનારી વિન્તા નંદા પાસેથી આલોકનાથે સોમવારે મુંબઈની સેશન કોર્ટમાં લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે બદનક્ષીનો દાવો કરીને માત્ર રૂપિયા ૧નું વળતર માગ્યું છે. જોકે વિન્તાના વકીલે કહ્યું છે કે તેઓ કાનૂની જંગ લડશે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનની નોટિસ અંગે પણ આલોકનાથે જવાબ આપી દીધો છે. તેમણે તેમની સામેના તમામ આક્ષેપો ફગાવી દીધા છે.

અક્ષય સાજિદથી દૂર થયો

બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન પર એક મહિલા પત્રકાર સીમરન સૂરીએ જાતીય શોષણનો આરોપ મૂકવા સાથે ‘ક્યા કૂલ હૈં હમ ૩’માં કામ કરી ચૂકેલી મંદાના કરીમીએ પણ તેનું સમર્થન કરતાં કહ્યું કે હું મારા ફોટોને લઈને તેની પાસે ગઈ ત્યારે તેણે લવલી પિક્ચર્સ, તારે કપડાં ઉતારવાં પડશે. જો મને ગમીશ તો તને ફિલ્મમાં સાઇન કરીશ. ફિલ્મ અભિનેત્રી બિપાશાએ પણ કહ્યું છે કે સાજિદ સેટ પર મહિલાઓને અપમાનિત કરતો. સાજિદ પરના આરોપો વિશે તેની બહેન ફરાહ ખાને કહ્યું છે કે સાજિદે ખરેખર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હશે તો તેણે ભોગવવું પડશે બીજી તરફ સાજિદ સામેના આરોપોને કારણે અક્ષયકુમાર તેની ફિલ્મ ‘હાઉસફઉલ ફોર’માંથી દૂર થયો છે. જ્યારે ફિલ્મમેકર સુભાષ ઘઈ વિરુદ્ધ અભિનેત્રી કેટ શર્માએ છેડતીનો આરોપ મૂકતાં વર્સોવા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જોકે ઘઈએ ટ્વિટર પર લખ્યું કે ‘હું મીટુનો સમર્થક છું. સાથે જ આશા રાખું છું કે એનો કોઈ ખોટો લાભ ન લે. આ મામલાને મારા વકીલ સંભાળશે.’
નોંધનીય છે કે ફિલ્મમેકર ભૂષણકુમાર વિરુદ્ધ ટ્વિટર પર એક મહિલાએ તેના નામની ઓળખ છુપાવતાં એવો આરોપ મૂક્યો છે કે ભૂષણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માગતો હતો. જોકે મેં તેને આ માટે ચોખ્ખી ના પાડી દીધી હતી અને ફિલ્મ છોડી દીધી હતી.

મહિલા સમર્થકોની ફોજ

જાતીય સતામણીની વ્યથાઓ શેર કરતી મહિલાઓના સમર્થનમાં ભારતીય ફિમેલ ફિલ્મમેકર્સ અને બોલિવૂડની મહિલાની ટીમ ઉતરી આવી છે. કોંકણા સેનશર્મા, નંદિતા દાસ, મેઘના ગુલઝાર, ગૌરી શિંદે, કિરણ રાવ, રીમા કાગતી અને ઝોયા અખ્યર જેવા ડિરેક્ટરો આ હરોળમાં સામેલ થયા છે. ૧૧ જેટલી ડિરેક્ટર્સે જાતીય સતામણી વિરુદ્ધ લડતી મહિલાઓને સમર્થનનું પ્રણ લીધું છે. આ બધા વચ્ચે સૈફઅલી ખાને પણ જણાવ્યું કે પચીસ વર્ષ પહેલાં તે પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બન્યો હતો. આજે પણ એ વાતનો ગુસ્સો છે અને તે એવા લોકો સાથે કામ નહીં કરે જેમણે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter