નવી દિલ્હીઃે વર્તમાન વિશ્વ ક્રિકેટમાં ‘ટોપગન’ અને ‘રનમશીન’ જેવી ઓળખ ધરાવતો ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ફકત મેદાનમાં જ નહીં, બિઝનેસના મામલે પણ સુપરડુપર હિટ છે. બેટિંગ અને કેપ્ટનશીપના મોટા ભાગના રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય સેલીબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ મામલે બોલિવૂડના સુપરસ્ટારોને પણ પાછળ રાખી દીધા છે. તે અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા સ્ટારથી ડબલ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતો હોવાનું તાજેતરના એક રિપોર્ટમાં દર્શવાયું છે. આ સૂચિમાં વિરાટ કોહલી સતત ત્રીજા વર્ષે ટોચનું સ્થાન મેળવ્યું છે.
અમેરિકાની ગ્લોબલ એડવાઇઝરી ફર્મ ‘ડફ એન્ડ ફેલપ્સ’ના આ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીની બ્રાંડ વેલ્યૂ ૨૩૭.પ મિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. ૧૬૯૧ કરોડ) સુધી પહોંચી ગઇ છે. રસપ્રદ બાબત તો એ છે કે ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માની બ્રાન્ડ વેલ્યૂ ૨૩ મિલિયન ડોલર આંકવામાં આવી છે. આથી કોહલીની બ્રાન્ડ વેલ્યૂ રોહિતથી ૧૦ ગણી વધુ છે.
કોહલીએ આ મામલે બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર, સલમાન ખાન, દીપિકા પાદુકોણે, રણવીર સિંહ, શાહરુખ ખાનને પણ પાછળ રાખી દીધા છે. આ સૂચિમાં એમ.એસ. ધોની (૨૯૩ કરોડ રૂપિયા બ્રાન્ડ વેલ્યૂ) નવમા, સચિન (૧૭૯ કરોડ રૂપિયા) પંદરમા અને રોહિત શર્મા (૧૬૪ કરોડ રૂપિયા) ૨૦મા ક્રમે છે.
બોલિવૂડનો બોકસ ઓફિસનો નવો સ્ટાર આયુષમાન ખુરાના રૂ. ૨૮૭ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે દસમા ક્રમે આવી ગયો છે. મહિલા સેલિબ્રિટીમાં દીપિકા પાદુકોણે ટોચ પર છે. અક્ષય કુમાર રૂ. ૭૪૪ કરોડની વેલ્યૂ સાથે બીજા ક્રમે છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં પ૦ ટકાથી વધુનો ઉમેરો થયો હોવાનું પણ ડફ એન્ડ ફેલપ્સના રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે.