મુંબઇ: અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમકથા’ વિવાદોમાં સપડાઇ ગઇ છે. દિગ્દર્શકની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ મથુરાના સંતોએ જાહેર કર્યું છે. મથુરાના સંતોએ ફિલ્મમાં નંદ ગામ અને બરસાના ગામના યુવક-યુવતીનાં લગ્ન પર નારાજગી વ્યકત કરી છે. તાજેતરમાં થયેલી મહાપંચાયતમાં ફિલ્મના દિગ્દર્શકની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાનો આદેશ બહાર પડયો છે. ફિલ્મના દિગ્દર્શક નારાયણસિંહ છે અને તેમની આ સ્ટોરી બે વિવાદિત ગામના યુવક-યુવતીનાં પ્રેમલગ્ન પર આધારિત છે.
બરસાના ગામમાં યોજાયેલી મહાપંચાયતમાં સંતોએ દિગ્દર્શક પર ફિલ્મમાં લગ્નના દૃશ્યને પગલે અહીંના લોકોની ભાવનાઓ દુભાઇ હોવાનો આરોપ મૂકયો છે. આ સંતોનાં મતે આ લગ્ન દિગ્દર્શક ફિલ્મમાં દર્શાવી વર્ષોથી ચાલી રહેલી ગામની પરંપરાને તોડી રહ્યાં છે. આ બંને ગામના યુવક-યુવતી એકબીજા સાથે લગ્ન કરી શકે નહીં. કારણ કે લાંબા સમયથી આ બંને ગામો વચ્ચે લગ્ન ન કરવાની પરંપરા છે. આ બંને ગામ એટલે કે નંદ ગામ કૃષ્ણ ભગવાનનું છે અને બરહાના ગામ રાધાનું હોવાથી અહીંના યુવક – યુવતી એકબીજાને પ્રેમ તો કરી શકે પણ લગ્ન ન કરી શકે. આ મહાપંચાયતમાં છ ગામના પ્રધાન, સંત અને સ્થાનિક લોકો એમ ૨૦૦થી વધુ લોકો ભેગા થયા હતા.