વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓડિયો લોકોને સંભળાવ્યા હતા. આમાંનો એક અવાજ ‘ખિલાડી કુમાર’ એટલે કે અક્ષય કુમારનો હતો. અભિનેતાએ ‘ફિલ્ટર લાઇફ’ અને ‘ફિટર લાઇફ’ વચ્ચેનો તફાવત સમજાવ્યો અને ફિટનેસ અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.
ખિલાડી કુમારે કહ્યું કે તે ફિટ રહેવા માટે કેટલીક કુદરતી કસરતો કરે છે. જેમ કે સ્વિમિંગ, રનિંગ અને દેશી કસરત વગેરે. તેણે કહ્યું કે આપણી ફિટનેસ માટે શું સારું છે અને શું ખરાબ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારે એ પણ સમજવાની જરૂર છે કે તમે જેવા દેખાવ છો તેને તમારે ખુશીથી સ્વીકારી લેવું જોઈએ. આજ પછીથી ‘ફિલ્ટર’વાળી લાઈફ નહીં, ‘ફિટર’વાળી લાઈફ જીવો. તેમણે કહ્યું, ‘ફિટનેસ એ બે મિનિટની મેગી કે ઇન્સ્ટન્ટ કોફી નથી’.
અક્ષય કુમારે કહ્યું કે તેને ફેન્સી જીમ પસંદ નથી. તેણે કહ્યું, ‘હું બેડમિન્ટન રમું છું, સ્વિમિંગ કરું છું. હું બહારનું ખાવાને બદલે ઘરનું બનાવેલું ભોજન ખાઉં છું. ધ્યાન અને યોગ પણ મારી જીવનશૈલીનો એક ભાગ છે. ઘણા યુવાન છોકરા-છોકરીઓ ઘી નથી ખાતા. તેઓ વિચારે છે કે જો તેઓ ઘી ખાશે તો તેઓ જાડા થઈ જશે, પરંતુ એવું બિલકુલ નથી.’