અજય દેવગણની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘મૈદાન’ પ્રોડયુસ કરીને પોતાની ઉંઘ હરામ થઈ ગયાની કબૂલાત નિર્માતા બોની કપૂરે કરી છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે, પરંતુ તેની રિલીઝનું કોઈ ઠેકાણું જ નથી. આ ફિલ્મ કેટલાય વર્ષોથી બની રહી છે, પરંતુ, પહેલાં કોવિડના કારણે ફિલ્મ લટકી પડી હતી. આ પછી બોલિવૂડમાં મંદીનો ખરાબ તબક્કો શરૂ થયો હતો. આ ફિલ્મમાં બોની કપૂરના જંગી નાણાં રોકાઈ ચૂક્યા છે અને હવે તેને પૈસા ક્યારે મળશે તે અંગે અનિશ્ચિતતા છે. આ ફિલ્મનાં નિર્માણમાં વિલંબ થતાં તેનું બજેટ પણ ધાર્યા કરતાં ઘણું વધી ગયું છે. બોની કપૂરે જણાવ્યું હતું કે તેને આ ફિલ્મના નિર્માણમાં થયેલાં નુકસાન પેટે પૂરેપૂરું સંતોષકારક વીમા વળતર પણ મળ્યું નથી. બોનીના જણાવ્યા અનુસાર ‘હું ક્યારેય હતાશ થતો નથી. હું હંમેશાં નિરાંતની નિંદર માણું છું, પરંતુ, એકમાત્ર ‘મૈદાન’ ફિલ્મના કારણે મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જિંદગીમાં પહેલીવાર મને એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ મારા કાબૂમાં નથી.’
બોનીના જણાવ્યા અનુસાર તેને આ ફિલ્મ માટે ફૂટબોલનું મેદાન દેખાડવા 16 એકરનો એક પ્લોટ ત્રણ વર્ષ માટે ભાડે રાખવો પડયો હતો. અહીં ફૂટબોલ મેદાનનાં જતન માટે તથા ક્યૂરેટર્સ વગેરેને પણ મોટું પેમેન્ટ કરવું પડયું હતું. મેદાન પર રોજ 500થી 600 લોકો હાજર રહેતા હતા. તેમને ફાઈવ સ્ટાર કેટરિંગ સહિતની ચીજોમાં પણ બહુ ખર્ચો થયો છે. આ ફિલ્મ બે વર્ષ પહેલાં રિલીઝ થવાની હતી, પરંતુ તે પછી તેની તારીખો આઠ વખત બદલાઈ ચૂકી છે. હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે કોઈ જાણતું નથી.