અજય દેવગણના પિતા અને એકશન ડિરેક્ટર વીરુ દેવગણનું ૨૭મી મેએ સવારે નિધન થયું હતું. હાર્ટએટેક આવતાં તેમને સાંતાક્રૂઝની સૂર્યા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં તેમણે ૨૭મીમેએ સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૫ વર્ષના હતા. વીરુ દેવગણે ૮૦થી વધુ ફિલ્મોમાં એકશન ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ‘લાલ બાદશાહ’, ‘ઇશ્ક’, ‘ક્રાંતિ’, ‘જાન’, ‘હકીકત’ જેવી ફિલ્મોમાં એકશન ડિયરેક્ટર તરીકે કામ કર્યું હતું. ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મનું ડિરેકશન પણ કર્યું હતું. ‘દિલ ક્યા કરે’ ફિલ્મના તેઓ નિર્માતા હતા. બોલિવૂડમાં એકશન ડિરેક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર તરીકે તેમણે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી. ૨૭મીએ સાંજે વિલેપાર્લે સ્મશાનભૂમિમાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. તેમના અંતિમ સંસ્કારમાં શાહરુખ ખાન, ઐશ્વર્યા - અભિષેક બચ્ચન, સની દેઓલ, અનિલ કપૂર, સંજય દત્ત, સુનિલ શેટ્ટી સહિતના કલાકારોએ હાજરી આપી હતી.