‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલનું કેરેક્ટર નિભાવતાં દિલીપ જોશી વેકેશન પર યુરોપની મુલાકાતે હતા અને તાજેતરમાં પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા કલાક પહેલાં તેઓ પેરિસમાં હતા. પેરિસમાં બ્લાસ્ટ થયા એના ૧૨ કલાક પહેલાં અમે લોકો પેરિસ છોડીને ફરવા માટે આગળ નીકળી ગયા હતા. એમ જણાવતાં દિલીપ જોશીએ કહ્યું હતું કે, ‘આ ઘટનાઓ જ્યાં-જ્યાં બની છે એ બધી જગ્યાએ અમે ફર્યાં છીએ. સહેજ પણ કલ્પના ન થઈ શકે કે પેરિસ જેવા શહેરમાં આવા ટેરર-અટેક થશે. પેરિસ અને ત્યાંના લોકો બહુ જ સરસ અને એકદમ ફ્રેન્ડલી છે. જેટલો પણ સમય અમે પેરિસ રહ્યા એ દરમિયાન અમને કોઈ તકલીફ પડી નથી. કોઈ જાતની રોકટોક નહીં. પોલીસ પણ એકદમ ટુરિસ્ટ-ફ્રેન્ડલી છે. ફ્રાન્સમાં રહેનારા લોકો માટે આ બહુ જ દુઃખદ ઘટના છે. અમને પણ આ ઘટનાથી આંચકો લાગ્યો છે. અત્યારે અમે સાઉથ ફ્રાન્સમાં છીએ. ૨૭મી નવેમ્બરે હું ભારત આવીશ, પણ પેરિસમાં બનેલી ઘટના આખી જિંદગી યાદ રહેશે.’