જાણીતા પાકિસ્તાની ગાયક અદનાન સામીને ભારતમાં અનિશ્ચિત સમય સુધી રહેવાની મંજૂરી મળી છે. માનવીય આધારે ભારતમાં તેમના પ્રવાસને કાનૂની સ્વરૂપ આપવાની અદનાનની અરજી પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુએ લોકસભામાં આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સામીને વિદેશી અધિનિયમની કલમ-૩ અંતર્ગત ડિપોર્ટેશન સંબંધિત કાર્યવાહીઓમાંથી મુક્તિ અપાઇ છે.
અદનાન સામીએ માનવીય આધારે ભારતમાં રહેવાનો અનુરોધ કરતા ૨૬ મે, ૨૦૧૫ના રોજ ગૃહ મંત્રાલયને એક અરજી આપી હતી. ગૃહ મંત્રાલયે આદેશમાં કહ્યું હતું, ‘તેથી હવે ફોરેનર્સ એક્ટ, ૧૯૪૬ની કલમ-૩એ અંતર્ગત અધિકારો અંતર્ગત કેન્દ્ર સરકારે અદનાન સામી ખાન, પુત્ર દિવંગત અરશદને ડિપોર્ટેશનની કાર્યવાહીમાંથી મુક્તિ આપી છે. વધુ આદેશ ન અપાય ત્યાં સુધી અત્યારનો આદેશ માન્ય ગણાશે.
સામીના વિઝા સમયાંતરે વધારવામાં આવતા હતા. ૨૬ મે, ૨૦૧૫ના રોજ તેના પાકિસ્તાનના પાસપોર્ટનો સમય પૂર્ણ થતો હતો અને પાક. સરકારે તેનો પાસપોર્ટ રિન્યુ ન કરતા અદનાને માનવીય આધાર પર ભારતમાં પ્રવાસને કાયદેસર ગણવાનો અનુરોધ ભારત સરકારને કર્યો હતો.