‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કરનારી અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે કોલેજમાં હતી ત્યારે સોશિયલ મીડિયા બુલિંગનો ભોગ બની હતી. લોકો તેને લાંબી, પાતળી કહીને ચીડવતા હતા. એ પછી જ્યારે તેને ફિલ્મ મળી ત્યારે તેના પિતા અભિનેતા હોવાથી તેને ફિલ્મ મળી જેવી વાતો પણ સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. આની ગંભીર માનસિક અસર થાય છે. જોકે, પોતે તો આમાંથી બહાર નીકળી ગઈ, પરંતુ અન્ય કોલેજિયનો પર તેની અસર ન થાય તે માટે ‘સો પોઝિટિવ’ કેમ્પેન શરૂ કર્યું છે.
અભિનેત્રી આને ડિજિટલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ડીએસઆર) કહે છે. હવે તે લખનઉની ઇસાબેલ થોબર્ન કોલેજ ઓફ લખનઉમાં આ વિશે લેકચર આપવા જશે. ૧૮૭૦માં સ્થપાયેલી આ કોલેજમાં પહેલીવાર આવું સેશન યોજાયું છે અને અનન્યા જીવનમાં પ્રથમવાર આવી ટિપ્સ આપવા જશે. અગાઉ અનન્યાએ સોશિયલ મીડિયા પર પોતાની થયેલી હેરાનગતિનો વીડિયો બનાવીને મૂક્યો હતો. સાયબરબુલિંગ અને ટ્રોલિંગને લોકો જુએ છે, પરંતુ તેના વિશે કોઈ પગલાં લેવામાં આવતા નથી. મારે આ બાબતે જાગૃતિ લાવવી છે. આના પરથી સો પોઝિટિવનો વિચાર આવ્યો હતો. મેં આની શરૂઆત કરી ત્યારે તેની અસર થઈ અને ઘણા લોકો તેના સમર્થનમાં આગળ આવ્યા હતા.