ગયા વર્ષે ભારતમાં શરૂ થયેલાં #MeToo કેમ્પઈનમાં ઘણી ફિલ્મ અને ટેલિવિઝનની સેલિબ્રિટી પર જાતીય સતામણીના ગંભીર આરોપ મુકાયા હતા. આ લિસ્ટમાં સંગીતકાર અનુ મલિકનું નામ પણ સામેલ હતું. યશરાજ ફિલ્મ્સે અનુ મલિક પર લાગેલા આ આરોપ બાદ તેમના બેનર હેઠળ એનુ મલિકના કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્વાભાવિક છે કે, અગાઉ જ વાયઆરએફ સ્ટુડિયોએ પોતાની પોલિસીને લઈને ચોખવટ કરી હતી કે તેઓ આવા આરોપો માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. પ્રોડક્શન હાઉસે તેમના સિનિયર એક્ઝિક્યુટિવ આશિષ પાટિલ પર ગયા વર્ષે #MeTooનો આરોપ લાગ્યા બાદ તેમને પણ પાણીચું પકડાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વાયઆરએફ સ્ટુડિયોએ અગાઉ આલોક નાથ અને સાજિદ ખાન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ સોની ટીવી તેના સિગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ’ની જજ પેનલમાં અનુ મલિકને ફરી સામેલ કરવાના છે તેવી વાતો ચર્ચાઈ રહી છે. ગયા વર્ષે જાતીય સતામણીના આરોપ બાદ અનુ મલિકને ટીવી રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ’ની જજ પેનલમાંથી બરતરફ કરી નાખાયા હતા. અનુના વકીલ કહ્યું કે, મારા ક્લાયન્ટ પર જે આરોપ મૂકાયા છે તે એકદમ ખોટા અને નિરાધાર છે. મારા ક્લાયન્ટ #MeToo મુવમેન્ટનો આદર કરે છે, પરંતુ આ મુવમેન્ટનો ઉપયોગ કોઈના ચારિત્ર્યને હાનિ પહોંચાડવા માટે શરૂ કરવો એ યોગ્ય નથી.