મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું છે. આમ કરવાનું કારણ અભિનેતાએ પોતાના વ્યસ્ત શેડયુલને જણાવ્યું છે. તે પોતે પોતાની એકટિંગ સ્કુલ શરૂ કરી રહ્યો હોવાથી તેને આ સંસ્થા સાથે જોડાઇ રહેવાનું અનુચિત લાગ્યું હતું. અનુપમે પોતાના રાજીનામાં લખ્યું છે કે તે અમેરિકાના એક શો માટે અમેરિકા જવાનો છે. આ પછી તે આ શો માટે ઓછામાં ઓછા ત્રણ વરસ સુધી વ્યસ્ત રહેશે. ૨૦૧૮ થી ૨૦૧૯ દરમિયાન તેણે નવ મહિના અમેરિકામાં રહેવું પડશે, તેથી તે રાજીનામું આપી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ અનુપમે ‘ધ એક્સીડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પુરું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેરે ૨૦૧૭ની ઓકટોબરથી ચેરમેનની જવાબદારી સંભાળી હતી. આ પહેલા ગજેન્દ્ર ચૌહાણનો સમય વિવાદાસ્પદ રહ્યો હતો. અનુપમે પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે તેણે એક ઇન્ટરનેશનલ શો માટે છ મહિના અમેરિકામાં રહેવું પડે એમ હતું. જેમાં હવે વધારાના ચાર મહિના ઉમેરવામાં આવ્યા છે.