પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘મેં અટલ હૂ’ ફિલ્મની ચાહકોમાં આતુરતાપૂર્વક સાતે રાહ જોવાઇ રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જીવનગાથા રજૂ કરતી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેનો એક સીન વાઈરલ થઈ રહ્યો છે. આ સીનમાં વાજપેયીજી લાહોરની મુલાકાતે ગયા હોવાનું જણાવાયું છે. ત્યાં યોજાયેલી એક ભરચક્ક પત્રકારપરિષદમાં પાકિસ્તાની મહિલા પત્રકારે તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી અને બદલામાં કાશ્મીર મુદ્દો ભૂલી જવાનું કહ્યું હતું. હાજરજવાબી માટે જાણીતા વાજપેયીજીએ આ સમયે પોતાની ખાસિયત પ્રમાણે જવાબ આપતાં દહેજમાં આખું પાકિસ્તાન માગી લીધું હતું. 1999ના વર્ષમાં બનેલી આ ઘટનાને ફિલ્મમાં દર્શાવાઈ છે. આ ફિલ્મ 19 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીની યુવાનીથી માંડીને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર છે. સમગ્ર ફિલ્મમાં વાજપેયીજીના જીવનના અલગ-અલગ તબક્કાને નિકટતાથી દર્શાવવામાં આવ્યા છે. ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા માટે વાજપેયીજીએ કરેલા ત્યાગ અને નિષ્ઠાને ફિલ્મમાં દર્શાવાયા છે.