સિંગર અભિજિત ભટ્ટાચાર્યનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયા પછી બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે અભિજિતના સમર્થનમાં ટ્વિટર છોડવાનું એલાન કર્યું હતું. અભિજિતે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની એક મહિલા અગ્રણી અંગે ટિપ્પણી કરતાં ભારે ઊહાપોહ થયો હતો. અનેક લોકોએ તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માગણી કરી હતી. સોનુનું કહેવું છે કે અભિજિતના ટ્વિટ કરતાં પણ વધુ ખરાબ ટિપ્પણી કરનાર કે ગાળો ભાંડનાર સામે પગલાં સામે પગલાં નથી લેવાયા તો અભિજિત સાથે જ કેમ આવો વ્યવહાર? એક પછી એક ૨૪ ટ્વિટ કરીને સોનુએ ટ્વિટર છોડવાની જાહેરાત કરી હતી. ગાયકે જણાવ્યું હતું કે હું ટ્વિટરની વિરુદ્ધ નથી. આ ગેમ ચેન્જર માધ્યમ છે, પરંતુ જ્યાં ઝેર ફેલાયું હોય એવી જગ્યાએ હું રહી ન શકું. મને મુસ્લિમવિરોધી સમજવામાં આવે, એકતરફી હુમલા કરવામાં આવે, હું ડાબેરીઓ કે જમણેરીઓ સાથે જોડાયેલો નથી. પરંતુ હવે એવું લાગે કે સોશિયલ મીડિયા પર રહેવા માટે કોઈને કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોવું જરૂરી છે. સોનુએ કાશ્મીરી શખ્સને જીપ સાથે બાંધવાના વિવાદમાં અરુંધતી રોય, પરેશ રાવલ અને ગૌતમ ગંભીરની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ અઝાન અંગે ટિપ્પણી પછી સોનુ પણ ટ્વિટર યુઝર્સના નિશાન પર આવ્યો હતો.