મુંબઈઃ મહાનાયક અમિતાભ બચ્ચને ટેલિવિઝન પર પ્રસારિત થયેલા લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)માં થયેલી કમાણીના ૨૦૦૧ના આવકવેરાના વિવાદમાં બોમ્બ હાઈ કોર્ટે આપેલી રાહતને સુપ્રીમમાં પડકારતી આવકવેરા વિભાગની અરજીમાં સુપ્રીમ કોર્ટે બિગ બી સામે કેસ ફરી શરૂ કરવાની છૂટ આપી હતી.
અમારો અભિપ્રાય એવો છે કે આ કેસ ઈન્કમ ટેક્સના કાયદાની ૨૬૩મી કલમ હેઠળ ઈન્ક્મ ટેક્સ કમિશનરને અપાયેલા જાતેજ સમીક્ષા કરવાના અધિકારો (રિવિઝનલ પાવર્સ)ના અમલ માટે યોગ્ય કેસ છે. એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ કહ્યું હતું કે, બિગ બીએ ૨૦૦૧માં કેબીસીના શોમાંથી તેમને થયેલી આવકના ચોક્કસ આંકડા દર્શાવ્યા નહોતા. અગાઉ ૨૦૦૮માં મુંબઈ હાઈ કોર્ટે બચ્ચનને આ શોમાંથી થયેલી કુલ રૂ. ૫૦ કરોડ ૯૨ લાખની કમાણીમાં ૩૦ ટકા જેટલી કરમુક્તિ આપી હતી.