નવી દિલ્હીઃ અભિનેતા અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે ટ્વિટર પર આ માહિતી ટ્વિટ કરી હતી. જાવડેકરે લખ્યું હતું કે, અમિતાભ બચ્ચન બે પેઢીઓનું મનોરંજન કરવા સાથે પ્રેરણાદાયી વ્યક્તિત્વ પણ છે. તેમને સર્વસંમતિથી દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કરાયા છે. સંપૂર્ણ દેશ અને આતંરરાષ્ટ્રીય સમુદાય આ વાતથી ખુશ છે. મારા તરફથી તેમને ઘણી શુભેચ્છા. આ સમાચાર પ્રસરતાં ફિલ્મમેકર કરણ જોહર અને અભિનેતા અનિલ કપૂર સહિત બિગબીના મિત્રો અને ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય સિનેમામાં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, લતા મંગેશકર, દિલીપ કુમાર, ગુલઝાર સાહેબ, પ્રાણ જેવા દિગ્ગજોને ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન માટે આ પુરસ્કાર અપાયો છે. હવે આ યાદીમાં ૭૬ વર્ષીય અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ થશે. ચાર દાયકાથી પણ વધુ સમયથી ફિલ્મજગતમાં કાર્યરત મહાનાયકે બોલિવૂડમાં વર્ષ ૧૯૬૯માં ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’થી કારકિર્દીની શરૂઆત કરી હતી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી મજલ કાપનારા અમિતાભ બચ્ચન ટીવી હોસ્ટ, ગાયક તથા નિર્માતા પણ છે. અમિતાભ બચ્ચનને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. આ ઉપરાંત ૧૪ વાર તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મ ઉપરાંત ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી (૧૯૮૪)અને પદ્મ ભૂષણ (૨૦૦૧) અને પદ્મ વિભૂષણ (૨૦૧૫)થી નવાજાયા છે. તેમને વર્ષ ૨૦૦૭માં ફ્રાંસનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ધ નાઇટ ઓફ ધ લીજન હોનર’ મળ્યો છે.