અનેક ચીજ-વસ્તુઓ, બેંક, ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર રહેલા અમિતાભ બચ્ચન હવે ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લોકોને ખાદીનું ઓછામાં ઓછું એક વસ્ત્ર ખરીદવા અરજ કરી હતી. આ પછી ખાદીના વેચાણમાં ઘણો વધારો થયો છે.
હવે ખાદીને લોકોમાં વધુ પ્રિય બનાવવા બોલિવૂડના મહાનાયકની મદદ લેવાનું ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ નક્કી કર્યું છે.
કેવીઆઈસીના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણકુમાર ઝાએ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને કોઈપણ પ્રકારની રકમ વળતર લીધા વગર ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું સ્વીકાર્યું છે, જે અમારા માટે આ મોટી વાત છે.
તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં ખાદીનો વધુ ઉપયોગ કરવા લોકોને અરજ કરી હતી. આ પછી દેશભરમાં ખાદીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.
આયોગ દ્વારા યુવાવર્ગમાં ખાદીનો વ્યાપ વધારવા ડિઝાઇનર પરિધાન બજારમાં રજૂ કર્યાં છે. આ ઉપરાંત ખાદીના પેન્ટ તેમ જ મહિલાઓ અને બાળકો માટે તૈયાર પોષાક પણ તૈયાર કરવામાં આવ્યા છે.