સોશિયલ મીડિયા ઉપરની વધુ પડતી સક્રિયતા ક્યારેક મહાનુભાવોને ભારે પણ પડી જતી હોય છે. અમિતાભ બચ્ચન પણ આ કારણે એક મુશ્કેલીમાં મુકાયા છે. ફેસબુક અને ટ્વિટર પર પોતાના ચાહક પ્રત્યે પોતાનાપણાની લાગણી બતાવવાનું તેમને ભારે પડી ગયું છે.
મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી કલ્યાણ વિભાગના નિર્દેશક અને હરિયાણવી કવિ ડો. જગબીર રાઠીએ તેમણે લખેલી કવિતાને સોશ્યલ મીડિયા પર મૂકવા માટે અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે. તેમને ૧૫ દિવસમાં જવાબ આપવાની સાથે જ રૂ. એક કરોડનું વળતર આપવાની માંગ કરી છે. ડો. જગબીર રાઠીએ વર્ષ ૨૦૦૬માં ‘માટી કા ચુલ્હા’ પુસ્તક લખ્યું હતું. તેમાં ‘કોર્ટ મેં કુત્તા’ નામની કવિતા હતી. આ કવિતાને વિકાસ દુબે નામના યુવકે ચોરી કરી અમિતાભ બચ્ચનને ટ્વિટ કરી હતી. અમિતાભે ફેસબુક અને ટ્વિટર પર આ કવિતા શેર કરી દીધી. સાથે જ લખી દીધું કે વધુ એક માર્મિક કથા મારા ફેસબુક ફોલોઅર વિકાસ દુબે તરફથી. અમિતાભની આ ટ્વિટ જ્યારે જગબીર રાઠેએ જોઈ તો આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમણે ઈ-મેઈલ, ફેસબુક તેમ જ ટ્વિટર દ્વારા તેની જાણકારી આપી, પરંતુ વિકાસ દુબે કે અમિતાભ બચ્ચન તરફથી તેમને કોઈ જવાબ ન મળ્યો. તે પછી તેમણે કાયદાનો માર્ગ અપનાવ્યો છે.